વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1)બધા જ પરિવર્તનો આકાશમાં થાય છે પરંતુ આકાશમાં કોઈ પરિવર્તન થતું નથી. આકાશમાં રહેલા જગતમાં પરિવર્તન જોવા મળે છે. પરંતુ આકાશ એ બધા પરિવર્તનોથી મુક્ત, નિર્લેપ અને સાક્ષીભાવે રહે છે. આપણે પણ સુખ-દુ:ખ જેવા દ્વન્દ્વો પ્રત્યે નિર્લેપ એવો સાક્ષીભાવ કેળવવો જોઈએ.

(2)જમીન પર રહીને આકાશમાં યુદ્ધ ખેલાઈ રહ્યું હોય, ઢોલ-નગારા વાગી રહ્યા હોય, શૌર્યગીતો ગવાઈ રહ્યા હોય, પોરસ ચઢાવનારાના ગળા ફાટી પડે એ હદે કાપા-કાપી થઈ રહી હોય અને ઝનુનથી રહેંસી નાંખવાની તીવ્ર ભાવનાથી સમગ્ર વાતાવરણ છવાઈ ગયું હોય છતાં સહુના ચહેરા આનંદથી ખીલી રહ્યા હોય એવો તહેવાર એટલે પતંગોત્સવ ! ! !

(3)ગોલકીપર ગોલ થતો રોકે છે જ્યારે વિકેટકીપર વિકેટ પાડી નાંખે છે. ‘કીપર’ = સાચવનાર – એવો અર્થ થતો હોય તો વિકેટ પાડી નાંખનારને ‘કીપર’ કેમ કહેવાતું હશે? કારણ કે વિકેટ પડે તો જ વિકેટ જીવંત અનુભવાય છે, વિકેટ પડે જ નહિ ને રમ્યા જ કરે તો એ રોમાંચક જીવંતતા ગુમાવે છે. એ જ રીતે મૃત્યુ છે તો જીવવામાં મજા છે, કોઈ મરવાનું જ ન હોય તો જીવવાનો રોમાંચ જતો રહે છે.

(4)સ્વબળે ઓળખાય એ શ્રેષ્ઠ. માતા-પિતાથી ઓળખાય એ મધ્યમ. ને સસરાથી ઓળખાય એ અધમ. છતાં કહેવાય છે: સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર.

(5)વિશ્વાસ એના પર મુકવો જે આપણા શ્વાસ અધ્ધર ના કરી દે.

(6)હનુમાનને હનીમૂન સાથે કોઈ સંબંધ નથી.

(7)વ્યક્તિ કોઈને નફરત કરવા લાગે છે ત્યારે તેના પ્રત્યે ઉત્કટતાથી જોડાયેલો રહે છે. આથી નફરત કરનારને વધુ દુ:ખી કરી શકાય છે. પરંતુ જો એ અજાણ્યાની જેમ નિર્લેપ થઈ જાય પછી એને તકલીફ પહોંચાડી શકાય નહિ.

(8)માણસનો ચહેરો, પહેરવેશ, ભાષા, હેર સ્ટાઈલમાં વૈવિધ્ય માન્ય છે તો શરીરના ચોક્કસ આકારનો આગ્રહ કેમ ? પેટ તેમજ વજનનું માપ જાળવવા ભુખમરો વેઠીને શરીરને કષ્ટ શા માટે આપવું પડે ? શરીર રોગમુક્ત અને સ્ફુર્તિથી કામ કરતું હોય એ શું પૂરતું નથી? આજે તો ભારે શરીરવાળાને પ્રેરણાદાયી વાત કરવાનો અધિકાર જ નથી એમ મનાય છે.

(9)ભારતીય સંસ્કૃતિ અનુસાર ત્રણેય પાપી છે : कृत, कारित, अनुमोदित એટલે કે પાપ કરનાર, કરાવનાર અને જોનાર.

(10)અત્તરની શીશી ખોલતા એક ટીપું નીચે પડ્યું. એ લેવા અકબર વાંકો વળ્યો ને બીરબલ એને જોઈ ગયો. “આ તો હાળી ઈજ્જત ગઈ !” એમ વિચારીને બીજા દિવસે અત્તરથી હોજ ભરીને અકબર એમાં ન્હાવા લાગ્યો. બિરબલ કહે, “બાદશાહ, જો બુંદ સે ગઈ વો હોજ સે નહિ આયેગી.”

(11)ભારતને આઝાદ થયે સાઈઠથી વધુ વર્ષો થયા. આપણે સ્વતંત્ર બુદ્ધિથી જીવનના કોઈપણ ક્ષેત્રે એક પણ પ્રયોગ કર્યો ખરો? બધા દેશોની માત્ર નકલ જ કરી ! જેનો ફાયદો ન ઉઠાવી શકીએ એવી આઝાદી ‘વાંદરાના હાથમાં રત્ન’ જ કહેવાય ને !

(12)વરઘોડામાં ગીત વાગ્યું : ‘તુ હમારી થી, જાનસે પ્યારી થી, તેરે લિયે મૈને દુનિયા સંવારી થી. તુઉઉઉઉઉઉઉઉઉ ઔરો કી ક્યું હો ગઈ ?’ મને તો આમાં પણ ‘જોરકા ઝટકા . . . અને ઉમરકૈદકી સજા . . . જેવા ગીતો લખીને લગ્નસંસ્થા પર ફટકો મારવાવાળાનું કાવત્રુ જણાય છે. બેંડવાજાવાળાનું લાયસંસ જપ્ત કરી લેવું જોઈએ.

(13)ભય, લાલચ, ભ્રામક વચનો કે ઉશ્કેરણી દ્વારા જેનો મત આંચકી શકાય એ મતદાતા યોગ્ય ઉમેદવારને શી રીતે ચુંટી શકે ? કૃષ્ણના ગણરાજ્યમાં શ્રેષ્ઠીઓ, ચરિત્રવાનો, સામાજિક આગેવાનો, શિક્ષકો વગેરે બુદ્ધિમાનોને જ મતાધિકાર હતો, બધાને નહિ.

(14)ભારતના રાષ્ટ્રધ્વજમાં બુદ્ધનું અશોકચક્ર રાખી શકાય તો કૃષ્ણનું સુદર્શનચક્ર કેમ નહિ ?

(15) બાહ્ય સૌંદર્ય એટલે શરીરની સુંદરતા અને આંતરિક સૌંદર્ય એટલે મન+બુદ્ધિની સુંદરતા. માનસિક સુંદરતા એટલે પ્રેમ, આદર, વચનપાલન, પ્રમાણિકતા જેવા ગુણો અને બૌદ્ધિક સુંદરતા એટલે મુલ્યનિષ્ઠા, નીતિપ્રામાણ્ય, વેદનિષ્ઠા જેવા ગુણો.

(16) જેમ ખોરાકનું પરિણામ શરીર પર દેખાય છે એમ શિક્ષણનું પરિણામ વાણી-વર્તન પર દેખાય છે.

(17) ‘હું પ્રેમમાં પડ્યો.’ – પ્રેમ કોઈને પાડે નહિ, એ તો ઉપર ઉઠાવે. જે પડે છે એ પ્રેમમાં નહિ પણ પ્રેમના વ્હેમમાં હોય છે.

(18) તને રામ ન-ભાવે તો પણ તને રામ નભાવે.

(19) નિષ્ઠાવાન તટસ્થ રહી શકતો નથી, એ પક્ષપાતી જ હોવાનો ! એની બુદ્ધિ સ્વતંત્ર નહિ પરંતુ શ્રદ્ધાસ્થાન સાથે જોડાયેલી હોવાથી એની દલીલો પણ પક્ષપાતી જ હોવાની ! ઉદારમતવાદીઓ નિષ્ઠાવાનના કટ્ટર દુશ્મનો છે કારણ કે તેઓ નિષ્ઠાને ખતમ કરનારાં છે. જેની પાસે નિષ્ઠાવાનની ફોજ છે એ જ યુદ્ધમાં જીતે છે.

(20) ‘નિષ્ઠા’ એક જુદી જ માનસિકતા છે. એમાં ‘જે મારું છે એ શ્રેષ્ઠ છે’ એવી ભાવના હોય છે – ‘મેરા દેશ મહાન’. નિષ્ઠાવાન માને છે કે ‘કોઈ પણ કલાકારને દેશભક્તિના આધારે જ મહાન ઠરાવવો જોઈએ.’ જ્યારે ઉદારમતવાદીઓ કલા-સાધના જોઈને કલાકારને મહાન ઠરાવે છે. દેશને મહાન માણસોની નહિ, રામની સેનામાં હતા એવા નાના-નાના નિષ્ઠાવાનોની જરુર છે.

(21) દરેક નવો સંબંધ શરુઆતમાં તકલીફ આપે જ છે પછી નવા ચપ્પલ કે નવી બુટ્ટી પહેરી હોય, નવો બોસ કે નવો પાડોશી હોય, નવી અંડરવેર કે નવી બ્લેડ હોય, નવા ક્લાસમેટ્સ કે નવા શિક્ષક હોય ! જેમ-જેમ ઈંટરએક્શન વધતી જાય તેમ-તેમ બન્ને એવા તો સેટ થઈ જાય કે એ ફાટી જાય કે ઘસાઈ જાય તો ય બદલવાનું મન ના થાય.

(22) ઘરનાં સભ્યો પરસ્પર પ્રેમથી જોડાયેલા હોય તો એ સંબંધને અર્થ છે. પત્ની તેમજ બાળકોને ન મારવાનો કાયદો તેમજ ઘરડાં મા-બાપને ભરણ-પોષણનો કાયદો ઘડવો પડે ત્યારે એ સંબંધો તો ખતમ જ થયા ગણાય ને ! “જેટલા કાયદા વધુ એટલા કાવતરાં વધુ.”

(23) પ્લેનના પાઈલોટ પર વિશ્વાસ છે, હોટેલના કુક પર વિશ્વાસ છે, વોચમેન પર વિશ્વાસ છે, સ્વીમિંગ કોચ પર વિશ્વાસ છે. વિશ્વાસ એ માનવસંબંધોનો શ્વાસ છે જેના આધારે જીવનનું વહાણ ચાલે છે. વિશ્વાસ ખતમ એટલે સંબંધ ખતમ, અરે જીવન જ ખતમ.

(24) ચીજ મસ્ત છે, મારી છે, પાસે છે, એને વાપરું તો કોઈને વાંધો નથી, બલ્કે લોકોનો આગ્રહ છે કે એને હું વાપરું, એથી મને કોઈ નુક્શાન તો નથી જ પરંતુ મજા જ આવવાની છે છતાં ક્યારેક હું એમ નથી કરતો કારણ કે એના વિના પણ પ્રસન્ન રહી શકું છું – એ મારે જોવું છે.

(25) પોતાના વિશે બીજાને સાચુ કહી શકે તેને બીજાનો સાચો પ્રેમ મળે છે પરંતુ એમ કરવામાં માણસને પોતાનો અહમ અથવા સ્ટેટસ નડે છે તેથી પ્રેમ ઝંખતો એવો માણસ અંદરથી ખાલીખમ થઈ ગયેલો હોય છે.

(26) ઈંડા ખાવાથી બહુ-બહુ તો મરઘીની જેમ ડરીને ભાગી છુટવાનું જોર પગમાં આવે, હાથી-ઘોડા જેવી તાકાત માટે તો અનાજ-કઠોળ જ ઉત્તમ !

(27) ધન-દોલત, જમીન-જાગીર, બંગલા-ગાડી છોડીને માણસ બાવો થઈને હિમાલયમાં તપશ્ચર્યા કરવા જાય ને ત્યાં વસતા એના જેવા અન્ય બાવાઓ જોડે દોરીએ સુકવેલી લંગોટી માટે મારામારી કરે. ખરો ત્યાગ વસ્તુને છોડવામાં નહિ પરંતુ મનથી એના પ્રત્યે નિર્લેપ થવામાં છે, પછી ભલે ને માણસ વૈભવથી ઘેરાઈને રહેતો હોય !

(28) આપણે ગણેશજીના દર્શન કરીએ છીએ પણ કોઈ મા ગણેશનું રુપ ધરાવતો દીકરો ના ઈચ્છે. વાસ્તવમાં ગણેશજીના અંગો પ્રતીકાત્મક છે, જેનું યોગ્ય અર્થઘટન થાય એ જરુરી છે. ફોતરા જેવો કચરો ઉડાડીને તનને પુષ્ટ કરે એવા અનાજને સુપડું સાચવે છે તેમ લોકોની કચરા જેવી વાતો બહારથી જ ફેંકી દઈને મન-બુદ્ધિને પુષ્ટ કરે એવી વાતો કાનથી આત્મા સુધી જવી જોઈએ.

(29) અનુભવવાદી તત્વચિંતક ડેવીડ હ્યુમ કહે છે: “કોઈ બે ઘટનાઓ એકસાથે બને છે, જેમાંની એકને કાર્ય અને બીજીને એના કારણરુપ ગણીએ છીએ – એ બાબતો બે ઘટનાઓનું અનિવાર્ય સહઅસ્તિત્વ સિવાય બીજું કંઈ નથી. બન્ને વચ્ચે કાર્ય-કારણ સંબંધ સ્થાપવો એ બુદ્ધિની નબળાઈ છે. ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’

(30) બુદ્ધિના કારણે માણસ સૌ જીવોથી વધુ શક્તિશાળી બન્યો. પરંતુ બુદ્ધિનું કામ જુદા પાડવાનું છે અને દિલનું કામ જોડવાનું છે. મગજ અને હૃદય બન્નેનો સમન્વય કરી શકે તે સર્વશ્રેષ્ઠ છે.

Advertisements

Comments on: "ચિંતનપુષ્પ-8" (8)

 1. સરસ કામ આવે અને સતર્ક રાખે એવા વાક્યો ભેગા કરી લખ્યા છે.

 2. kishoremodi said:

  સરસ

 3. ચિંતનપુષ્પોમાંથી નીકળતી આ સુવિચારોરૂપી સોડમ મન ને દિલને મઘમઘાવી ગઈ.

  આપનો આભાર.

 4. best,
  continue, god bless you,

 5. સાચે જિવન ઉપયોગી લખાણ

 6. shabbir husayn said:

  ઘનુ સરસ લખાન, વિચારવા અને અમલ કરવા લાયક વાતો.. આભાર, શુક્રિયા.

 7. bahuj mast.kharekhar aetli mja avi ke sabdo ma su kahu?……aema aato bahu mast che….ધન-દોલત, જમીન-જાગીર, બંગલા-ગાડી છોડીને માણસ બાવો થઈને હિમાલયમાં તપશ્ચર્યા કરવા જાય ને ત્યાં વસતા એના જેવા અન્ય બાવાઓ જોડે દોરીએ સુકવેલી લંગોટી માટે મારામારી કરે.

 8. GJ-23-L-9469 said:

  ઉત્તમ વિચરો થકિ તમે જે લેખ લખ્યો તે ખુબ જ સરસ લાગ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: