વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આપણે ત્યાં ‘સાદાઇ’માં માનનારો એક વર્ગ છે. આ વર્ગ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયેલ છે. માનવજીવન નદીના જુદા-જુદા ઘાટ જેવી વિવિધતા ધરાવે છે. અનેકવિધ ઘાટ પર બેસીને એક જ નદીમાં સ્નાન કરી શકાય છે તેમ વિધ-વિધ પ્રકારના માનવોની મૌલિકતા જાળવીને તેના જીવનને જ્ઞાનગંગોત્રીરૂપી સંસ્કારિતામાં સ્નાન કરાવીને ઉત્તરોત્તર વિકસિત કરતા જવાનું છે. એના બદલે થાય છે શું, કે માનવમાત્રમાં રહેલી અનેકવિધતાને અવગણીને તેનો બીબાઢાળ પદ્ધતિથી વિકાસ કરવાનો પ્રયત્ન થાય છે, અને ત્યારે માનવ દંભ કરતો થઈ જાય છે. ગાંધીજીએ આવો જડ પ્રયત્ન કર્યો હતો. સૌને વણકર બનાવીને જાતે ખાદી કાંતતા કરી દો, સૌને સફેદ વસ્ત્ર પહેરાવી દો, સૌની પાસે જાજરુ સાફ કરાવો, સૌને ઘર-બાર તેમજ ધન-સંપત્તિથી દૂર કરી દો, સૌએ એક જ પ્રકારની પ્રાર્થના કરવાની વગેરે. ધનિક-ગરીબ, ભણેલો-અભણ, શહેરી-ગ્રામીણ, સવર્ણ-પછાત, સ્ત્રી-પુરુષ વગેરે વર્ગની ભિન્ન-ભિન્ન માનસિકતાઓને નજરાઅંદાજ કરીને તમામને એક જ ચીલે ચલાવવાના દુરાગ્રહને પરિણામે આખું મિશન નિષ્ફળ જાય છે કારણ કે એવું બીબાઢાળ આચરણ કરવા જતાં માનવજીવન ગુંગળાઈ મરે છે. માનવમાત્રની અનેકવિધતાને જેમની તેમ રાખીને એના મન પર વિચારો દ્વારા સંસ્કાર કરવા જરુરી છે, અને નહિ કે તેઓની જુદી-જુદી સભ્યતાઓને ખલેલ પહોંચાડવી. શ્રીમદભગવદગીતામાં ભગવાન કહે છે, કે “ચાર પ્રકારની વૃત્તિના માણસો મેં સર્જ્યા છે: અભ્યાસુ(બ્રાહ્મણ), લડાયક(ક્ષત્રિય), પોષક(વૈશ્ય) અને સેવક(શૂદ્ર).” આપણને અનુભવ છે કે સડક પર ફેલાયેલી રેતીને પાવડા વડે ભેગી કરતાં જે કર્કશ અવાજ આવે છે તે આપણે સહન નથી કરી શકતા, જ્યારે આદિવાસી મજૂર મોજથી એ કામ કરી રહ્યો હોય છે. સડક પર મરેલા પશુના લોહીથી ખરડાયેલા વેરવિખેર અંગો જોયા પછી કોઈ બહેનને ઘણા દિવસો સુધી જમવાનું ન ભાવે એવું બની શકે જ્યારે સફાઈ કામદાર માટે એ અંગોને સમેટીને કચરાગાડીમાં નાંખીને લઈ જવા સહજ છે. આથી સહુને એક લાકડીએ હાંકવા બરાબર નથી. આ સંદર્ભમાં જોતાં સાદાઇનો જે આગ્રહ રાખવામાં આવ્યો છે તે કેટલો વ્યર્થ છે એ માલુમ પડે છે.

તત્વજ્ઞાનની દૃષ્ટિથી જોઇએ તો પ્રશ્ન થાય, કે ‘સાદાઇ રહે છે ક્યાં?’ ‘શું સાદાઇ પહેરવેશમાં છે?’ ‘ભોજનશૈલીમાં છે?’ ‘જીવનવ્યવહાર માટે આપણે કેવી અને કેટલી ચીજવસ્તુઓ પર આધાર રાખીએ છીએ એમાં છે?’ ‘કેવી રીતે ઘરના, સમાજના, ધર્મના, રાષ્ટ્રના ઉત્સવો ઊજવીએ છીએ, તેના પર શું સાદાઇનો આધાર છે?’ કે પછી ‘સાદાઇ માણસના મનમાં છે?’ અર્થાત ‘સાદાઇ વસ્તુલક્ષી (objective) છે કે વ્યક્તિલક્ષી (subjective)?’ થોડું વિચારતા જણાય છે કે સાદાઇનો અતિરેક થયો છે. अति सर्वत्र वर्जयेत ! વળી સાદાઇના વિચાર અંગે થોડી ગેરસમજ પણ થઇ છે. સાદાઇનું મુલ્ય તરીકે કેટલું મહત્વ છે? સાદાઇ શા માટે? સાદાઇના પક્ષમાં બોલનારા તરત કહેશે કે ભૌતિક ચીજવસ્તુનું અવલંબન કઠે એ જ વિકસિત વ્યક્તિનું લક્ષણ છે. સાદાઇનો અર્થ-ઓછામાં ઓછી ભૌતિક ચીજવસ્તુઓથી ચલાવવું, તેનું અવલંબન, આકર્ષણ, તેના પ્રત્યેની કામના, તૃષ્ણા ઘટાડવી એ જ છે. માનવ અમુલ્ય છે. તેનું ગૌરવ જળવાવું જોઇએ. તુચ્છ ચીજવસ્તુઓ માટે તેનું ગૌરવ હણાય તેવું કૃત્ય (લાચારી, અસહાયતાનો ભાવ મનમાં લાવવો વગેરે કાર્ય) માનવે કરવું જોઇએ નહિ.

અહીં સુધી સાદાઇમાં માનનારાઓની રજુઆત બરાબર છે. પરંતુ વૈભવશાળી જીવનશૈલી અપનાવનાર માણસ સાદાઇમાં માનતો હોય એવું ના બની શકે? મહેલમાં રહેનાર, ઘણી બધી ગાડીઓ રાખનાર, નોકર-ચાકરની સેવા લેનાર, વૈભવી સુખ-સગવડોથી સજ્જ, પ્રસંગે લાખો-કરોડો રુપિયાનો ખર્ચ કરનાર વ્યક્તિ, શું ભૌતિક સુખો પ્રત્યે આસક્ત હોય જ, તેનો ગુલામ હોય જ ? અહીં પ્રશ્ન ઊભો થાય છે કે સાદાઇ વસ્તુલક્ષી છે કે વ્યક્તિલક્ષી? દેખીતી રીતે વૈભવમાં આળોટનાર માણસ સાદાઇમાં માનતો હોય એવું બને પણ ખરું! આથી જ નજરે જોયું સાચું માનીને વૈભવવાનને આપણે ‘એ સાદાઇમાં માનતો નથી’ એવું ઠરાવી શકીએ નહિ. સાદાઇ જીવન શૈલી પરથી નક્કી કરી શકાતી નથી. સાદાઇ માનવના મનમાં છે. સુખ-સંપત્તિમાં આળોટતો હોવા છતાં માણસ મનથી વિરક્ત હોય, સુખ-સંપતિનું આકર્ષણ તેને સ્પર્શતું ન હોય, ભૌતિક ચીજવસ્તુઓનો તે ગુલામ ન હોય તેવું બને પણ ખરું! આવા માણસને આપણે ‘જળકમળવત’ કહીએ છીએ. કાદવમાં ખીલેલું કમળ જેમ કાદવના ગુણ-દોષથી અલિપ્ત છે. તેમ સાધન-સગવડોથી ઘેરાયેલો માણસ તેના આકર્ષણથી અલિપ્ત હોઇ શકે છે. જનકરાજા આનું ઉત્તમ ઉદાહરણ છે.

સામાન્ય માણસે ભૌતિક સાધન-સગવડો તરફ કઇ દૃષ્ટિથી જોવું જોઇએ? ‘સુખ-સગવડો તરફ લોલુપતાની દૃષ્ટિ રાખીશ નહિ. તેની માનસિક ગુલામી કરીશ નહિ. ચીજ વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે નીતિ-ધર્મને નેવે મૂકીશ નહિ, આ બધું કરતાં મને સુખ-સંપત્તિ આવી મળે તો તેને નકારીશ પણ નહિ.’ કારણકે સામે ચાલીને આવેલ સુખ-સંપત્તિને આપણી સંસ્કૃતિમાં લક્ષ્મી ગણવામાં આવી છે. આપણે ત્યાં તો ‘અર્થ’ને એક પુરુષાર્થ ગણાવવામાં આવ્યો છે. અર્થાત ધન-સંપત્તિ હેતુપુર્વક કમાવી લેવા જોઇએ. માણસ ધન-સંપત્તિનો ત્યાગ કરશે તો તે સજ્જનોના હાથમાંથી દુર્જનોના હાથમાં ચાલી જશે. દુર્જનો સંપત્તિનો ઉપયોગ દુષ્પ્રવૃત્તિને માટે કરશે, સમાજમાં દુરાચાર, દુષણો ફેલાવશે, સૃષ્ટિને આધ્યાત્મિક વિકાસને માટે લાયક રહેવા દેશે નહિ. આથી સંપત્તિને સંભાળવી જરુરી છે. વળી સામાન્ય માણસની આર્થિક પ્રવૃતિ રહેવાની જ છે. ‘અર્થ’ અને ‘કામ’પૂર્તિ એ માનવનો પુરુષાર્થ છે. માનસિક રીતે વિરક્ત મનુષ્ય કોઇ વિશિષ્ટ ધ્યેયને માટે સંપત્તિ કમાશે અને ખર્ચશે તેથી સંપત્તિ કમાવા અને ખર્ચવા પાછળ ક્યો દૃષ્ટિકોણ રાખવો જોઇએ એનું માર્ગદર્શન સામાન્ય માણસને મળશે. વિરક્ત મનુષ્ય સંપત્તિનો ત્યાગ કરે તો સામાન્ય માણસ એવું કરી શકવાનો નથી. અને જો એવું અનુકરણ થાય તો પણ આપણે જોયું કે દુ:ષ્ટોના હાથમાં જવાથી સાધન તરીકે સંપત્તિનો દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે. માટે સંપત્તિ એ સામાન્ય માનવના વિકાસનું સાધન ત્યારે જ બની શકે, જ્યારે તે કોઇ વિશિષ્ટ ધ્યેયને માટે, સમાજમાં સદ્પ્રવૃતિ વધે, ધાર્મિક કાર્યો થાય, સમાજનો અને પોતાનો આધ્યાત્મિક વિકાસ થાય તે માટે કમાવવામાં આવે તેમજ ખર્ચવામાં આવે.

હવે લગ્નપ્રસંગો પણ સાદાઇથી ઉજવવાનો મહિમા છે. જેટલી વધુ સાદાઇ તેટલી જ પ્રસંગ ઉજવનારની કિંમત સમાજમાં વધુ! લાખો-કરોડો રુપિયાના બેંક-એકાઉંટ હોય, ત્રણ-ચાર ફેકટરીઓનો માલિક હોય, રહેવા માટે મહેલ જેવા બંગલા હોય, આંગણે ઘણી બધી ગાડીઓનો કાફલો હોય, નોકર-ચાકર હોય તેવો સંપત્તિવાન સાદાઇથી લગ્નપ્રસંગ ઉજવે-એવો કહેવાતા સમાજસેવકોનો આગ્રહ હોય છે. તેઓ ઇચ્છે છે કે સંપત્તિ લગ્નપ્રસંગમાં ખોટી(?) રીતે વેડફવાને બદલે સમાજસેવા માટે દાન કરી દેવી જોઇએ. આવા ભ્રામક વિચારોથી પ્રભાવિત થઇને ઘણાં સંપત્તિવાનો પોતાને ત્યાં લગ્નપ્રસંગો સાદાઇથી ઉજવે છે. સાદાઈના પક્ષમાં એક એવી દલીલ પણ છે કે સામાન્ય માણસ લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવવા જાય છે પછી જિંદગીભર ઊંચો આવી શકતો નથી. નાના માણસને તેના ગજા પ્રમાણે ખર્ચ કરવાનું કહીએ છીએ ત્યારે તે માનતો નથી. બીજાના વાદ વદવા જાય છે અને આંધળું અનુકરણ કરીને એ દેવાના ડુંગર તળે દબાઇ જાય છે. સમાજસેવકો કહે છે, ‘નાનો માણસ પોતાના ઘરે સાદાઇથી પ્રસંગ ઉજવતો થાય તે માટે, સંપત્તિવાનને કોઇ આર્થિક સમસ્યા નડતી ન હોવા છતાં સમાજમાં દાખલો બેસાડવા માટે પોતાને ત્યાં લગ્નપ્રસંગ સાદાઇથી ઉજવવો અને બચેલા રુપિયા સમાજને દાનમાં આપી દેવા જેથી નબળા વર્ગની જરુરિયાતો પુરી થઈ શકે.

સામાન્ય માણસને સમજાવવું જોઇએ, કે ‘આવકના પ્રમાણમાં ખર્ચ કરો, નહિ તો દુ:ખી થશો.’ પરંતુ સંપત્તિવાનને સાદાઈથી પ્રસંગ ઊજવવા કહેવું એ બરાબર નથી. ગરીબની ઝુંપડી જોઇને શું પોતાનો મહેલ તોડી નાંખવાનો? આપણે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પણ વિચારવું જોઇએ. સંપત્તિવાન લગ્નપ્રસંગ ઉજવે ત્યારે અનેક પ્રકારના ધંધામાં રોકાયેલા માણસોને પ્રવૃત્તિ મળે છે. નાણું ફરતું રહે છે. માણસ મહેનત કરીને કમાય છે, હજારોને આર્થિક લાભ થાય છે. સૌ પોતાના હક્ક્નું લે છે. માણસને મહેનત કરવાથી ધન મળી રહેતું હોય તો તે અવળે રસ્તે ધન કમાવવાનો વિચાર કરતો નથી. વળી મહેનત કરીને રોટલો મેળવનારનું મસ્તક ગૌરવથી ઊંચું રહેશે. સમાજસેવા માટે દાન ઉઘરાવવા નીકળેલા સેવકો દ્વારા ધનિકોને શરમમાં નાંખીને યથાશક્તિ દાન આપવાનું જણાવાય છે. શ્રીમંતોએ તેઓને કહી દેવું જોઇએ, કે મારી શક્તિ એક કરોડ રુપિયા આપવાની છે(જો ખરેખર તેમ હોય તો જ) પરંતુ તારી કાર્યક્ષમતા, તારી સંસ્થાની સમાજમાં ઉપયોગિતા જોઇને હું યથામતિ(યથાશક્તિ નહિ) સો રુપિયા આપું છું. ધનિકો પણ મોટેભાગે કાંઇક આપીને છૂટી પડતા હોય છે. પોતાનું આપેલું ધન ઊગ્યું કે નહિ, ધન યોગ્ય માર્ગે વપરાયું કે નહિ, આવા ધનથી ખરેખર સમાજનો ઉદ્ધાર થાય છે કે કેમ ? જરુરિયાતમંદ સુધી ધન પહોંચે છે કે? આવો કોઇ વિચાર કરવાની તેને પડી નથી. ધનિકો પૈસા આપીને બદલામાં સમાજમાંથી લોકોની વાહ-વાહ મેળવે છે આથી તેણે આપેલું ધન દાન નથી પરંતુ વેપાર છે. કાળા નાણા ધોળા કરવાના હેતુથી પણ ‘દાન’નામનું શસ્ત્ર મોટા પ્રમાણમાં વપરાય છે.

માણસને આપવા જેવા છે: ‘પ્રેમ’ અને ‘વિચાર’. પ્રેમથી માણસને જીતીને તેજસ્વી વિચાર આપવામાં આવે તો માણસને બદલી શકાય છે. તેને ભૌતિક ચીજવસ્તુઓ આપવી હોય તો એ પણ પ્રેમથી, કોઇને ખબર ન પડતાં આપવી જોઇએ. તેને પણ લાગવું જોઇએ કે મને પ્રેમ મળી રહ્યો છે. આથી દેનાર ગુરુતાગ્રંથિથી અને લેનાર લધુતાગ્રંથિથી પીડાશે નહિ. ઊલટાનું, દેનાર દઇને અને લેનાર લઇને ભાવથી પુષ્ટ થશે, માનવસંબંધોમાં સુગંધ નિર્માણ થશે, પરાયાપણું ચાલ્યું જશે. માનવસંબંધોમાં જે પ્રશ્ન છે તે ‘બીજા’નો છે. ‘બીજા’ વગર ચાલતું નથી અને ‘બીજા’ સાથે ફાવતું નથી. તેનો ઉકેલ શો? ‘બીજા’ નું ‘બીજાપણું’ કાઢી નાખીને તેની સાથે રહેતા, સુખ-દુ:ખ વહેંચતા આવડ્યું તેને જીવન જીવતાં આવડ્યું કહેવાય. ‘બીજાને હલકો ઠરાવવો નથી’ અને ‘પોતાના ‘સ્વ’ને નમાવવો નથી’ આવી રીતે જીવવાનું છે. સાદાઇનું એક મુલ્ય તરીકે ચોક્કસ માનવજીવનમાં સ્થાન છે પરંતુ સાથે-સાથે જીવનના અન્ય પાસાઓ પર આપણે વિચાર કર્યો તે પણ જરુરી છે.

Advertisements

Tag Cloud

%d bloggers like this: