વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

દંભ અને સભ્યતામાં એક બાબત સમાન છે: બન્નેમાં ‘જે છે એને છુપાવવામાં આવે છે’ અને ‘જે નથી એ બતાવવામાં આવે છે.’ ધન, જ્ઞાન કે રૂપવિહીન વ્યક્તિ, પોતાની પાસે એ બધું છે એવું બતાવવાની અને પોતાની નબળાઈઓને છુપાવવાની કોશીશ કરે છે, એ એનો દંભ છે. તો સભ્ય વ્યક્તિ પોતાના હૃદયના ભાવોને છુપાવે છે ને જે ભાવો હૃદયમાં નથી તેને બતાવવાની કોશિશ કરે છે. દા.ત. મધ્યરાત્રીએ કોઈ મહેમાન અણધાર્યા આવી ચડે તો ઘસઘસાટ ઊંઘતા ઘરનાં સભ્યો પોતાનો અણગમો છુપાવે છે અને મહેમાનના આગમનથી પોતાને આનંદ થયો હોય એવું બતાવે છે. આવું વર્તન દંભી નહિ પરંતુ સભ્ય ગણાય છે. દંભ અને સભ્યતામાં કયો ફર્ક છે? અહંકાર, લઘુતાગ્રંથિ તેમજ સત્ય ઉચ્ચારવાની હિંમતના અભાવના કારણે માણસ પોતાના હૃદયના ભાવોને છુપાવે છે એ એનો દંભ છે જ્યારે સામેના માણસનું માન તેમજ તેની લાગણીઓ સાચવવાના હેતુથી વ્યક્તિ પોતાની લાગણીઓ છુપાવે છે એ એની સભ્યતા છે. માણસ પોતાની સ્વાભાવિક વૃત્તિઓ પર નિયંત્રણ રાખવાની મથામણ કરે છે, એમાંથી પણ સભ્ય વર્તન પ્રગટ થાય છે.

સૌંદર્યને નિરખવાનું સહુને ગમતું હોય છે. સ્ત્રીસૌંદર્યથી મોહિત થઈને કોઈ યુવાન ભાન ભુલીને કોઈ સ્ત્રીને નિરખ્યા કરતો હોય તો સ્ત્રીને ક્યારેક એવું ગમતું હોય છે તો ક્યારેક અકળાવતું પણ હોય છે. કોઈ સજ્જન આવું વર્તન કરનાર યુવાનને ટોકે ત્યારે એ યુવાન ઉદ્ધતાઈથી સજ્જનનો ઉધડો લેતા કહે, કે “તમે દંભી છો. તમને પણ સૌંદર્યનું રસપાન ગમે છે. છતાં મને એમ ન કરવાની સલાહ આપો છો.” અહિં મુદ્દો ગમા-અણગમાનો નથી. પરંતુ ગમા-અણગમાને પ્રકટ કરવાનો વિવેક હોવો જરુરી છે. પશ્ચિમની સંસ્કૃતિ અને સભ્યતા અનુસાર પોતાના મનમાં ચાલતા વિચારો કે વૃત્તિને તરત જ પ્રકટ કરવાની બાબતને નિખાલસતા તરીકે ઓળખવામાં આવે છે. આથી જ ત્યાં સાઈઠ વર્ષનો ઘરડો સોળ વર્ષની કન્યા સમક્ષ જાતીય સંબંધ બાંધવાનો પ્રસ્તાવ રાખી શકે છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ આવા વર્તનને કૂતરા કે ગધેડા જેવા પશુઓનું કામુક વર્તન ગણાવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં વિવેકનું ખુબ જ મહત્વ છે. વિવેકનો અર્થ એવો નથી કે માણસના આંતરિક ભાવો શુદ્ધ જ છે. વિવેકનો અર્થ એ છે કે માણસ આંતરિક ભાવોને પ્રગટ કરતી વખતે ધ્યાન રાખે છે કે પોતે માણસ છે, પશુ નથી અને પોતાની પશુતાને પ્રગટ કરવી યોગ્ય નથી. સાથે-સાથે જો એ માણસ સંસ્કારી હોય તો પોતાના વિષયાસક્ત મનને કોઈ સારા વિષય પ્રત્યે વાળવાનો પ્રયત્ન પણ કરશે.

વિવેક સંયમમાંથી જન્મે છે. ભારતમાં સીત્તેર વર્ષના વૃદ્ધને વિજાતીય આકર્ષણ પજવતું નથી એવું નથી. પરંતુ ઈન્દ્રિયો ઉત્તેજીત થવાથી કામુક વર્તન કરવાને બદલે એ વૃદ્ધ સંયમ રાખતો હોય તો એનો અર્થ એવો નથી કે તે દંભી છે. એ જાણે છે કે પોતે વિજાતીય આકર્ષણ અનુભવે છે, સાથે-સાથે પોતાના મનની વૃત્તિઓને વાળીને કોઈ સારા વિષયમાં પરોવવાની પ્રમાણિક કોશિશ પણ કરે છે પરંતુ આ વાત જ્યાં-ત્યાં પ્રકટ કરવી એને જરુરી લાગતી નથી. કોઈ માણસ એવો દેખાવ કરે કે પરાઈ છોકરીઓ એને ‘દીકરી’ જેવી લાગે છે અને મનથી એ છોકરીઓને ભોગવ્યા કરતો હોય તો એ નર્યો દંભ છે. સ્વભાવજન્ય વૃત્તિ એ માણસની પ્રકૃતિ છે જ્યારે સંસ્કૃતિ માણસને આદર્શ સૂચવે છે. એ આદર્શની નજીક જવા માણસ પોતાની વૃત્તિ પર સંયમ રાખે એ જરુરી છે. ભારતીય સંસ્કૃતિએ સમજાવ્યું છે, કે માણસ અને પશુમાં ફરક છે. કૂતરો, ગધેડો જે રીતે જાહેરમાં જાતીય વર્તન કરે છે એ રીતે માણસ પણ કરવા લાગે તો માણસમાં અને પશુમાં શું ફેર? ‘નિખાલસતા’ના નામે પશુજન્ય વર્તન કરતા પશ્ચિમના લોકોને આ વાત સમજાવવી જરુરી છે. સાથે-સાથે ‘બેટી-બેટી’ કરીને સંસારી પુરુષો અને ‘મા-મા’ કરીને સન્યસ્ત વેશધારીઓ જે વર્તન કરે છે એ દંભ છે એ સમજાવવાની જરુર છે.

ભારતમાં વિજાતીય આકર્ષણ પ્રકટ કરવા પર ધાર્મિક તેમજ સામાજિક પ્રતિબંધ છે. તો બીજી તરફ માનવ મુક્ત જાતીય વર્તન કરવા તડપે છે. માટે તે પશુ બનવા તરફની ગતિ કરતો, નીચે ગબડતો જઈને પોતાનું અધ:પતન કરવા માંગે છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ માનવને સાચા અર્થમાં માનવ બનાવવા ઉપરાંત તેને દેવ બનાવવા માટે કટિબદ્ધ છે. આ માટે માનવજીવનને એક ઊંચાઈ પર લઈ જવાનું રહે છે અને એમ કરતાં માણસના નાકમાંથી ફીણ નીકળી જાય છે. હારતો-થાકતો-પડતો-આખડતો ફરી પાછો ઊભો થઈને માણસ એ ઊંચાઈએ પહોંચવાનું બળ મેળવે છે. ધર્મશાસ્ત્રો એ માટે એને જરુરી બળ-હુંફ તેમજ પ્રેમ પૂરા પાડે છે. આ મથામણમાં દક્ષતા-જાગ્રતતાનો અભાવ આવી જવાથી માણસ દંભી વર્તન કરતો થઈ જાય એવું ઘણી વાર બને પણ છે. પરંતુ એનું એ દંભી વર્તન પશ્ચિમના પશુતાભર્યા વર્તન કરતાં ઘણું સારું છે. કારણ કે માણસને એટલો તો ખ્યાલ છે કે પશુ જેવું વર્તન આપણાથી ના કરાય! માણસ કોઈ વાત છુપાવે ક્યારે? જ્યારે એને ભાન હોય, કે ‘પોતે ખોટું કરી રહ્યો છે’ ત્યારે. દંભમાં એક વાત સારી છે કે એમાં માણસને પોતાના પાશવી વર્તનની શરમ તો છે! એ પશ્ચિમના સમાજ જેવો નિર્લજ્જ તો નથી! જ્યારે પશ્ચિમના સમાજે તો પાશવી નગ્નતાને સામાજિક માન્યતા આપી દીધી છે અને ‘ધર્મએ એ અંગે કાંઈ બોલવું નહિ’ – એમ કહીને એને ચુપ કરી દીધો છે!

શું માનવ વર્તન સંયમિત-મર્યાદિત કે નિયંત્રિત હોવું જોઈએ ? મનમાં ઉઠતા વિચારો-વાસનાઓનું દમન કરવું કે એને છુટ્ટો દોર આપી દેવો? પશ્ચિમની સભ્યતા કહે છે, કે કોઈ પુરુષ સ્ત્રી પાસેથી સુખ ઈચ્છતો હોય તો એણે સ્ત્રીની મરજી કે એની અનુકૂળતાનો જ વિચાર કરવો જરુરી છે. પુરુષે પોતાના વર્તન પર મર્યાદા મુકવાની જરુર નથી કારણ કે ‘મનને દબાવવાથી એમાં વિકૃતિ જન્મે છે’ એવું કહીને મનને બેફામ વર્તવા દેવામાં આવે છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ ‘સ્ત્રીને ભોગવવાનો વિચાર આવવો’ એ જ વિકૃતિ છે. આથી મનને સમજાવીને એને સર્જનાત્મક માર્ગે વાળવું જરુરી છે. પશ્ચિમની સંસ્કૃતિ અને ધર્મ એવું માને છે કે માણસ સ્ત્રી-પુરુષના સંભોગનું પરિણામ હોવાથી મૂળમાં એ પશુ છે આથી તે પશુ જેવો વ્યવહાર કરે તો તેની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. જ્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ માણસ મૂળમાં દૈવી અંશ છે. માનવ માત્ર શારિરીક સંબંધોનું જ પરિણામ હોય તો ‘વાસના’માંથી ‘વાત્સલ્ય’નું નિર્માણ કેવી રીતે થાય છે? બાળકનો જન્મ થતાં જ તેના પ્રત્યેના અનહદ વાત્સલ્યથી ‘મા’ બનેલી સ્ત્રીના સ્તનમાં દૂધ ઉભરાય છે અને પિતા બનેલા પુરુષના હૃદયમાં બાળકને જોતાં જ પ્રેમ ઉભરાય છે – આવું કેમ બને છે? વેદ-ઉપનિષદ તેમજ ગીતાના પાને-પાને સમર્થન મળે છે, કે માનવ, અરે જીવ માત્ર પરમાત્માનો અંશ છે. આથી ભૌતિકતાથી હળવે-હળવે દૂર લઈ જઈ માણસનું શુદ્ધિકરણ (purification) કરી તેનું માણસમાંથી દેવમાં રુપાંતરણ (transformation) કરવાનું છે અને એ જ માનવજીવનનો એકમેવ પવિત્ર હેતુ છે.

Advertisements

Comments on: "દંભ અને સભ્યતા" (7)

 1. તમારા નિબંધોના વિચારો અનન્ય અને વિચર પ્રેરક હોય છે. ગમે જ.

 2. બહુજ સુંદર લેખ ,
  આપણા જીવન ને આવરી લેતો માનવતાની મહેક પ્રસરાવતો નિબંધ
  ધન્યવાદ

 3. kishoremodi said:

  એ.જી.ગાર્ડીનરે તેના એક નિબંધમાં લખ્યું છે કે બીજા વિશ્વયુધ્ધે દુનિયાને હિપોક્રસી આપી. તેના પરિણામે આપણા સમાજમાં દંભ આવ્યો.આજે જ્યાં ને ત્યાં દેખાડો દેખાય છે.અને એ આપણી સભ્યતા બની ગઈ છે તે આપણે સ્વીકારવું રહ્યું.

 4. IT’S TRUE

 5. Dear Kalpeshbhai,
  Enjoyed your article. Very well differentiated Hypocrisy & Civilization, I would suggest write an article on ” manners”.., શીષ્ટાચાર.., like as you mentioned we are far ahead than west in civilization, are behind in manners. I am not talking about over appreciation ,over thanks or over compliments but at least should have courtesy of manners, reciprocation,compliments, appreciation etc. which we us take it for granted!

  Mahendra.

 6. અશોક જાની 'આનંદ' said:

  ખુબ સુંદર અને વાસ્તવિક વિચારો, જો કે અત્યારના સમયમાં આપણી ભારતવાસીઓની વ્રુત્તિઓ પશ્ચિમના પગલે ચાલવા આતુર થઇ રહી છે તે પણ નોંધનીય છે.

 7. I am very happy to read your article DAMBHA ANE SABHYATA.You have tried to read the humanmind.You have written the article very nicely.Congratulations.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: