વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પાશ્ચાત્યોનો પહેરવેશ, કામકાજના કલાકો, ભોજનશૈલી તેમજ તેઓની ધર્મ તરફ જોવાની દૃષ્ટિનું આપણે જે આંધળુ અનુકરણ કર્યું છે તેના વિશે આપણે પાશ્ચાત્યોનું આંધળુ અનુકરણ લેખમાં જોયું. આજના લેખમાં પાશ્ચાત્યો બુદ્ધિને જ્ઞાનપ્રાપ્તિનું સાધન ગણાવે છે અને આપણે શબ્દપ્રમાણને જ્ઞાનપ્રાપ્તિનું સાધન ગણીએ છીએ તે અંગે તેમજ અભ્યાસક્રમ બાબતે આપણે કરેલા આંધળા અનુકરણ વિશે જોઈએ.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .જ્ઞાનનું સાધન: બુદ્ધિ કે શબ્દ?

પશ્ચિમના વિદ્વાનો દ્વારા નિર્માયેલા શાસ્ત્રો બુદ્ધિ પર આધારિત હોવાથી દરેક શાસ્ત્રનો નિષ્કર્ષ એકબીજાથી વિપરીત આવ્યો કારણ કે બુદ્ધિનું કાર્ય વિશ્લેષણનું (વિષયને જુદા-જુદા વિભાગોમાં વહેંચવાનું – ANALYSIS કરવાનું ) છે. આથી એક વિષયના નિર્ણયને અન્ય વિષયના નિર્ણયથી વિરુદ્ધ જતો અટકાવવા માટે તેમજ બન્ને નિષ્કર્ષો વચ્ચે મેળ બેસાડવા માટે આંતરવિદ્યાકીય અભિગમ(INTER DISCIPLINARY APPROACH) અસ્તિત્વમાં આવ્યો. આપણે ત્યાં આ કાર્ય હજારો વર્ષ પૂર્વે વૈદિક મિમાંસકોએ કર્યું હતું. આથી ભારતના શિક્ષણક્ષેત્રના આજના વિદ્વાનો પણ આ અભિગમ અપનાવી રહ્યા છે. સ્વાભાવિક છે, કે તેઓ આ કાર્ય મિમાંસકો પાસેથી શીખીને નહિ પરંતુ પાશ્ચાત્યોનું અનુકરણ કરીને જ કરવાના છે ! મિમાંસકો સૌપ્રથમ વેદનો સમગ્ર સાર ગ્રહણ કરી લે છે. ત્યારબાદ વેદમાં પ્રથમ દૃષ્ટિએ જ્યાં-જ્યાં વિરોધાભાસ જણાતો હોય ત્યાં-ત્યાં સમન્વયાત્મક પદ્ધતિથી(SYNTHETIC METHOD) અર્થઘટન કરીને એ વિરોધાભાસ દૂર કરે છે. વેદોની ભાષા સાંકેતિક તેમજ લક્ષણાથી ભરપૂર હોવાથી તેને સમજવા માટે વિશિષ્ટ દૃષ્ટિની જરુર પડે છે. આથી પ્રથમ દૃષ્ટિએ તેમાં વિરોધ જણાય એ સ્વાભાવિક છે. વિરોધપરિહાર એ અર્થઘટનશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. અહિં બુદ્ધિનું કાર્ય સ્વતંત્ર રહીને જ્ઞાન પ્રાપ્ત કરવાનું નહિ પરંતુ જેનાથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ વેદના શબ્દપ્રમાણને સહકાર આપવાનું છે.

આપણા ભારતીય વિદ્વાનો બુદ્ધિ દ્વારા પ્રાપ્ત માહિતીને જ્ઞાન ગણતા નથી. કારણ કે બુદ્ધિ સ્થિર, તટસ્થ રહી શકતી નથી. માનવસહજ સ્વાર્થ તેમજ આંતરમનની ગૂઢ વૃત્તિઓ બુદ્ધિના નિર્ણયોને ખલેલ પહોંચાડે છે. શાંત જળમાં પત્થર ફેંકતા તરંગો પેદા થાય છે તેવી રીતે જગતના પદાર્થો તેમજ માણસોના સંપર્કમાં આવનારી બુદ્ધિમાં આંદોલનો થયા કરે છે, જેની અસર તેણે લીધેલાં નિર્ણય પર પડતી હોય છે. આપણી અભ્યાસ પદ્ધતિ પાશ્ચાત્યોની અભ્યાસ પદ્ધતિથી એ રીતે જુદી પડે છે, કે આપણા વિદ્વાનોના મત પ્રમાણે જ્ઞાનનો આધાર બુદ્ધિ નહિ પરંતુ શબ્દપ્રમાણ છે. કોઈ માણસને વડોદરાથી અમદાવાદ જવું હોય અને એ રસ્તામાં આવતા માર્ગદર્શક સૂચનોને અનુસરે તો ઝડપથી અમદાવાદ પહોંચી શકે. કારણ કે અગાઉ અસંખ્ય વાર અમદાવાદ જઈ આવેલા માણસે શબ્દરુપે નોંધેલા અનુભવો અમદાવાદ જવા માટેના ટુંકામા ટુંકા રાજમાર્ગ અંગે માહિતી આપતા હોય છે. બાળકના દાદાએ બાળકના પિતાને કહ્યું, કે “બળદને ખીલે બાંધ.” એટલે પિતાએ ચોક્કસ આકારના પશુને ખાસ જગ્યાએ લઈ જઈને જરુરી વિધિ કરી. એ પરથી બાળકને જ્ઞાન થયું, કે ‘શિંગડા અને પૂંછડાવાળા આ પશુને બળદ કહેવાય છે’, જ્યાં એને લઈ જવાયું ‘એ ખીલો છે’ અને જે વિધિ થઈ એને ‘બાંધવું’ કહેવાય કે જ્યાંથી બળદ પોતાની મરજીથી ખસી શકે નહિ. આ પ્રકારના જ્ઞાનને શબ્દપ્રમાણથી થતું જ્ઞાન કહેવાય.

શબ્દપ્રમાણ આપ્તપ્રમાણ તરીકે પણ ઓળખાય છે. आप्तस्तु यथार्थ वक्ता. એટલે કે ‘જેમ છે એમ જ જે કહે છે તે આપ્ત’ વ્યક્તિ છે. रागात द्वेषात अपि न अन्यथावादी आप्त. એટલે કે રાગ અને દ્વેષથી પ્રેરાઈને જે અસત્ય (સત્યથી વેગળુ ) નથી બોલતો એ આપ્ત છે. અન્ય રીતે કહીએ તો જે વ્યક્તિ જીવમાત્રનો હિતચિંતક છે અને જેને મન કોઈ પોતાનું કે કોઈ પારકું નથી, જે સર્વને એકસમાન પ્રેમ કરે છે તે જ આપ્ત છે અને તેની વાણી આપ્તપ્રમાણ ગણાય છે. માનવમાત્રની મર્યાદા છે કે તેના હૃદયના ભાવો અને બુદ્ધિની સ્થિરતા અવિચળ રહેતી નથી. દા.ત. કોઈ ન્યાયાધીશ બળાત્કારીને ફાંસીની સજા આપવામાં માનતો હોય અને એને બળાત્કારના એક કેસમાં પોતાના જ દીકરાને સજા આપવાની થાય તો એ ફાંસીના બદલે જન્મટીપની સજા સંભળાવે એવું બને. માણસ કોઈને કોઈ પ્રત્યે આકર્ષાયેલો તો કોઈ પ્રત્યે ઘૃણા કરતો રહે છે. વળી આજે કોઈને એ પસંદ કરે તો આવતી કાલે એને તિરસ્કારે એવું પણ બને. આથી આવી વ્યક્તિ યથાર્થ દૃષ્ટા ન હોવાથી યથાર્થ વક્તા બની શકતી નથી. આમ સૂક્ષ્મદૃષ્ટિથી જોઈએ તો સંત, મહાપુરુષ, ઋષિમુનિઓ, અવતારો વગેરે તેમજ વેદ અને ભગવદગીતા જેવા ગ્રંથો જ આપ્તપ્રમાણ કે શબ્દપ્રમાણ ગણાય. તેઓના શબ્દ પર ભરોસો કરીને સમગ્ર બ્રહ્માંડની માનવજાત પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે.

બરાબર એ રીતે જે સાધકોએ સાધના કરીને ઈશ્વરપ્રાપ્તિ કરી હોય, પરમતત્વનું જ્ઞાન મેળવ્યું હોય અને એ માટે તેઓ જે રીતે જીવન જીવ્યા હોય એ બધું લખાણરુપે જે શાસ્ત્રોમાં ગ્રંથસ્થ થયું હોય તે ગ્રંથ નવા સાધક માટે પ્રમાણ ગણાય. ઋષિમુનિઓને થયેલો પરમાત્માનો સાક્ષાત્કાર વેદમાં શબ્દબદ્ધ થયો હોઈ એ શબ્દ પ્રત્યે શ્રદ્ધાના બળે સાધક આગળ વધે છે અને આત્મસાક્ષાત્કારનો અનુભવ લે છે. કોઈ માણસ એવો આગ્રહ રાખે કે ‘મને વડોદરા બેઠાં-બેઠાં જ બુદ્ધિથી સમજાવો કે અમદાવાદ જવા માટે યોગ્ય માર્ગ કયો?’ તો એ માણસ બુદ્ધિથી ક્યારેય અમદાવાદ પહોંચી શકશે નહિ. કોઈના શબ્દ પર વિશ્વાસ મુકીને ચાલવાનું શરુ કરવું પડે છે. જેઓ કોઈની મદદ લીધા વિના પોતાની મેળે ચાલે છે એ યા તો ભટકી જશે અથવા તો મોડા પહોંચશે. જ્ઞાનના ક્ષેત્રમાં પાશ્ચાત્ય વિદ્વાનોને ભટકી ગયેલા આપણે જોઈ શકીએ છીએ કારણ કે તેઓની બુદ્ધિએ સંશયવાદ ઊભો કર્યો, અજ્ઞેયવાદ ઊભો કર્યો, નાસ્તિકવાદ ઊભો કર્યો અને બધા વિદ્વાનોએ ભેગા મળીને સમાજને ખાડામાં નાંખ્યો, એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તેઓનું આંધળુ અનુકરણ કરનારા ભારતીય વિદ્વાનો પણ એવા જ ભટકી ગયેલા જોવા મળે છે. પણ તેઓ આપણા સમાજને ખાડામાં નાંખી શક્યા નથી. કારણ કે આપણા સમાજમાં આજે પણ ભાંગ્યું-તુટ્યું શબ્દપ્રમાણ (શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા) હજી જીવે છે.

આપણા શાસ્ત્રકારોએ કરેલો અભ્યાસ અને એના આધારે રચેલાં શાસ્ત્રો માનવજીવનના એક ચોક્કસ ધ્યેયને લઈને છે, માનવને તેના અંતિમ ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે છે. જ્યારે પાશ્ચાત્યોએ શંકાશીલ બનીને અજ્ઞાત ક્ષેત્રમાં બુદ્ધિના ટમટમીયા વડે ફાંફા મારીને શાસ્ત્રો રચ્યા છે. તેઓના ગ્રંથોમાં બૌદ્ધિક સ્વૈરવિહાર જ જોવા મળે છે. તેઓએ રચેલા શાસ્ત્રોમાં ધ્યેયનો પત્તો નથી ને માર્ગનું ઠેકાણું નથી. આપણે આ જગતમાં શા માટે આવ્યા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે શું કરવાનું છે વગેરેની તેઓને કંઈ જ ખબર નથી. જ્યારે ભારતીય શાસ્ત્રકારોને ચોક્કસ ખબર છે કે માનવ્યને કઈ દિશામાં લઈ જવાનું છે. ઈન્દ્રિયો, મન તેમજ બુદ્ધિની મર્યાદાઓને જાણનારા શાસ્ત્રકારોએ રચેલાં શાસ્ત્રો માનવજીવનના કોઈ ચોક્કસ ધ્યેયને સાકાર કરવા માટે રચ્યા છે. છતાં આપણે આપણા શાસ્ત્રોની ઘોર અવગણના કરીને, તેઓના સંશોધનોને જ પ્રમાણ ગણતા રહ્યા છીએ.

વેદ આપણું શાસ્ત્ર છે. તે માનવબુદ્ધિથી લખાયેલ નથી. આપણા ઋષિમુનિઓએ સમાધિ અવસ્થામાં પરમાત્માનો શબ્દ સાંભળ્યો તે વેદ. આમ વેદ શ્રુતિગ્રંથ છે અને ઋષિમુનિઓ મંત્રકર્તા નહિ પણ મંત્રદૃષ્ટા છે. વેદજ્ઞાન કોઈ વ્યક્તિની બુદ્ધિનો પરિપાક ન હોવાથી એ અપૌરુષેય ગણાય છે. જેમ સ્વતંત્ર રાષ્ટ્રનું પોતાનું બંધારણ હોય છે, એમ વેદ પરમાત્માએ ઘડેલું સૃષ્ટિમાત્રનું બંધારણ છે. માનવ પરમાત્માની શ્રેષ્ઠ કૃતિ છે. તેણે શ્રેષ્ઠ તરીકે ટકી રહેવા માટે સૃષ્ટિમાં કેવી રીતે રહેવું તેનું આલેખન વેદમાં છે. આ જ્ઞાનને શબ્દબદ્ધ કરવામાં ઋષિમુનિઓ માધ્યમ બન્યા છે. પરમાત્માના જ્ઞાનને પડકારી શકાય નહિ. કારણ કે તે પૂર્ણ છે અને સૃષ્ટિરચના પાછળ તેનો કોઈ સ્વાર્થ નહિ પરંતુ જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ છે. આપણું જીવનધ્યેય પરમતત્વના પ્રેમને ઓળખવાનું અને તેને પ્રાપ્ત કરવાનું છે.

માનવને તેની ક્ષુદ્ર વાસનાઓથી ઉપર ઉઠાવીને પરમાત્મા સુધી લઈ જવો એ અનંત જન્મોની તેમજ હજારો વર્ષોની સફરની વાત થઈ. તેના માર્ગ તેમજ ગંતવ્ય સ્થાન વિશેનું સ્પષ્ટ જ્ઞાન વેદરચયિતાને છે. અલ્પકાલીન તેમજ સંકુચિત પરિપ્રેક્ષ્યમાં વિચારવા માટે ટેવાયેલો અલ્પમતિ માણસ લાંબો વિચાર કરી શકતો નથી. કાળનો વિશાળ સંદર્ભ તેમજ સમગ્ર માનવજાતિના હિતમાં હજારો વર્ષોની તેની યાત્રાનો વિચાર કરવામાં આવે ત્યારે વિરાટ સૃષ્ટિકર્તાની વિરાટ દૃષ્ટિથી લખાયેલ ગ્રંથને જ પ્રમાણ ગણી શકાય. આવતીકાલે શું થવાનું છે એ ખબર નથી ને બુદ્ધિના ટમટમીયાને આધારે માનવજીવનને માર્ગદર્શક ગ્રંથો લખવા બેસી જનારા પાશ્ચાત્યો માનવસમાજને લગતા સિદ્ધાંતોનું આલેખન કરે છે અને દર પચાસ વર્ષે કોઈ સિદ્ધાંત ખોટો પડવા બદલ સમાજની માફી માગે છે. નવા સિદ્ધાંતનું પ્રતિપાદન થાય છે અને એ જ રીતે એ ખોટો પડવા બદલ દિલગીરી બતાવવાનું પુનરાવર્તન તેઓ દ્વારા થયા કરે છે.

પાશ્ચાત્ય વિદ્વાનોએ સમાજરચના અંગેના જે આદર્શ મોડેલો આપ્યા છે તેનો અભ્યાસ કરીશું તો જણાશે કે પ્રત્યેક મોડેલ પચાસ વર્ષ સુધી ટકે છે. ત્યારબાદ તેના દુષ્પરિણામો સમાજ સમક્ષ આવતાં જ એ મોડેલને રદ કરવામાં આવે છે. સિદ્ધાંત કોઈ દિવસ ખોટો ઠરી શકે જ નહિ. છતાં પશ્ચિમમાં આવું બધું ચાલ્યા કરે છે. આપણે ત્યાં વેદ તથા શ્રીમદભગવદગીતાના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. હજારો વર્ષો બાદ આજે પણ તે એટલા જ પ્રસ્તુત છે. વિશ્વની આજની તેમજ આવનારી સદીઓ પછીની તમામ સમસ્યાઓનો જવાબ તેની પાસે છે. છતાં આપણા જેવા પૂર્વના અક્કરમીઓના કારણે આ જ્ઞાન વિશ્વ સમક્ષ પહોંચ્યું નહિ. આપણે માત્ર પાશ્ચાત્યોનું આંધળુ અનુસરણ જ કર્યું. આપણું વૈદિક વાંગ્મય વિદેશીઓના હાથમાં આવે, તેઓ તેનો અભ્યાસ કરે અને વિશ્વમાં તેને ફેલાવે ત્યારે આપણે તેનો સ્વીકાર કરીએ એટલા બધા આપણે પાશ્ચાત્યોના માનસિક ગુલામ છીએ.

અભ્યાસવિષય

અંગ્રેજોથી પ્રભાવીત આઝાદ ભારતના શાસકો તેમજ આંગ્લવિદ્યાવિભૂષિત પંડીતો(વિદેશ જઈને ભણી આવેલા વિદ્વાનો) એ ભારતનો વિકૃત ઈતિહાસ લખ્યો તેને જ આપણે શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં રાખ્યો છે. કેટલી બધી બૌદ્ધિક અવનતિ છે આપણી ! આપણે ફ્રેંચક્રાંતિ ગોખી પણ જ્ઞાનેશ્વરભગવાને, સંત તુકારામે, સંત નરસિંહ મહેતાએ, સહજાનંદસ્વામીએ કઈ ક્રાંતિ કરી તેની આપણને જાણ નથી અને તે બદલ કોઈ શરમ નથી. ‘ક્રાંતિ’ શબ્દનો અંગ્રેજો માન્ય કરે છે એ જ અર્થ આપણે લીધો. તેઓ ક્રાંતિમાં બે બાબતોનો સમાવેશ કરે છે: (1)લોહિયાળ જંગ થાય છે. હજારો-લાખો માણસોની કત્લેઆમ થાય છે. અને (2)સત્તાપરિવર્તન થાય છે. આ બે બાબતોમાંથી કોઈ એક બાબતનો અભાવ હોય તો પાશ્ચાત્યો તેને ક્રાંતિ ગણતા નથી. લોહિયાળ જંગ ખેલાય પરંતુ સત્તાપરિવર્તન ન થાય તેને તેઓ બળવો કહે છે. દા.ત. 1857નો બળવો. જ્યારે સત્તા પરિવર્તન થાય પરંતુ જંગ લોહિયાળ ન હોય તો એને આંદોલન કહે છે. દા.ત. ભારતને મળેલી આઝાદી. ભારતમાંથી અંગ્રેજો નીકળી ગયા તેથી સત્તાપરિવર્તન થયું પરંતુ રક્તપાત ન થયો હોવાથી પશ્ચિમના વિદ્વાનો એને ક્રાંતિ ગણવા તૈયાર નથી.

સંસ્કૃત શબ્દ ‘ક્રાંતિ’નો અર્થ વ્યુત્પત્તિશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ક્ર + અંતૌ = ક્રમશ: અંત. ક્રાંતિ એટલે સમૂળગું પરિવર્તન. ‘ક્રાંતિ’ શબ્દમાં ચાર બાબતોનો સમાવેશ થાય છે. આ પરિવર્તન: (1)ધીમું, (2)નક્કર પરિણામલક્ષી, (3)સર્જનાત્મક અને (4)દીર્ઘજીવી હોય છે. આપણે ત્યાં સંતો દ્વારા જે સામાજિક ક્રાંતિ થઈ એને અંગ્રેજોએ ભક્તિઆંદોલનો ગણાવ્યાં. વિશ્વમાં જે છ લોહિયાળ ક્રાંતિઓ જાણીતી છે તે સ્વાર્થપ્રેરિત હતી. આ ક્રાંતિઓ પાછળ જે આદર્શો ગણાવવામાં આવે છે તે પશ્ચિમના બૌદ્ધિક વિદ્વાનોનો નર્યો દંભ છે. હક્ક અને અધિકારની વાતો કરવાવાળાઓ આદર્શો અંગે કેવી રીતે બોલી શકે? ફ્રેંચ ક્રાંતિ પાછળ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા (Equality, Fraternity and Brotherhood) ના આદર્શો ગણાવાય છે તે તો સર્જનશીલતાના લક્ષણો છે. વિનાશક માર્ગના આદર્શો ક્યારેય આવા ન હોઈ શકે. જ્યારે આપણા સંતોએ સમાજમાં સંસ્કારિતાનું પોષણ કરીને જડબેસલાક સર્જનાત્મક કાર્ય કર્યું છે. સમાજની ચેતનાને જાગૃત કરી છે. તેના નક્કર પરિણામો દીર્ઘકાલીન ફળ આપનારા નીવડ્યા છે. તમામ પ્રકારની સામાજિક બદીઓથી દૂર કરીને હળવે-હળવે સમાજને તેઓ ઉપર લઈ આવ્યા છે. અઢીસો વર્ષ પહેલા ભારતમાં અંગ્રેજોએ કરેલી સમાજસુધારણાની વાતો માત્ર દેખાડો છે. જે શાસ્ત્રોના આધારે તે સમયે સંતોએ સમાજમાં સદવિચારોનું સિંચન કર્યું તે શાસ્ત્રોને અભ્યાસક્રમમાં દાખલ કરવાની જરુર છે.

ભારતીય અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર વગેરે શાસ્ત્રોની અવગણના કરીને આપણે પશ્ચિમના વિદ્વાનો દ્વારા રચાયેલા શાસ્ત્રો ભણાવીએ છીએ. પરંતુ આપણા શાસ્ત્રો તરફ પણ નજર કરવાની જરુર છે. આપણું અર્થશાસ્ત્ર દ્વિમાર્ગી છે. તે અર્થોપાર્જન ઉપરાંત વિનિમય અંગે પણ વાત કરે છે. આપણું સમાજશાસ્ત્ર વર્ગવિહીન સમાજરચનાની વાતો કરનારાઓનો દંભ ઉઘાડો પાડે છે. આપણા ઋષિમુનિઓએ રાજ્યશાસ્ત્રમાં 14થી વધુ શાસનપ્રણાલીઓ અંગેની ચર્ચા કરી છે. ભાર મુક્ત ભણતરની આજે માત્ર વાતો થાય છે ત્યારે શ્રવણ પરંપરા પર આધારિત આપણી શિક્ષણવ્યવસ્થામાં વિદ્યાર્થીએ માત્ર આંખ અને કાન જ પોતાની પાસે રાખવાના રહે છે અને એ વિદ્યાર્થીને સર્વજ્ઞ બનાવવા માટે ગુરુ સક્ષમ હોય છે. આથી આપણા સમૃદ્ધ ખજાના તરફ નજર કરીને એનો લાભ લઈએ અને પશ્ચિમના કચરાને એનું યોગ્ય સ્થાન બતાવીએ.

Advertisements

Tag Cloud

%d bloggers like this: