વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રાચીન આશ્રમવ્યવસ્થા

આર્યો અગ્નિપૂજક હતા. તેઓ લગ્ન ઉપરાંત મૈત્રી પણ અગ્નિસાક્ષીએ કરતા. લગ્નના સાક્ષી એવા અગ્નિને રસોઈઘરમાં સાચવીને રાખતા તેમજ તે સદૈવ પ્રજ્વલિત રહે તેનું ધ્યાન પણ રાખતા. દરરોજ સવાર-સાંજ અગ્નિહોત્ર યજ્ઞ કરી તેમાં હવિષ્યાન્ન હોમતા. એ અગ્નિ વડે જ સવાર-સાંજ રસોઈ માટેનો ચૂલો પેટાવવામાં આવતો. પતિ-પત્નીમાંથી કોઈનું અવસાન થાય ત્યારે એ જ અગ્નિને ઘરેથી સ્મશાને લઈ જઈને તેનાથી તેઓના દેહને બાળવામાં આવતો. ગૃહસ્થાશ્રમમાં રહેતા પતિ-પત્નીનો દીકરો બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાભ્યાસ પૂરો કરીને લગ્ન કરવા માટે ગુરુની રજા લઈને ઘરે આવે અને કોઈ કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાય ત્યારે તેના લગ્નના સાક્ષી એવા અગ્નિને ક્યાં રાખવો? રસોઈ કયા અગ્નિ વડે બનાવવી? કયા અગ્નિ વડે સવાર-સાંજ હોમાત્મક યજ્ઞ કરવો? આવા પ્રશ્નો વૈદિક પરંપરામાં ઉદ્ભવતા નહિ કારણ કે લગ્ન બાદ દીકરા-વહુને સંસારની જવાબદારી સોંપીને મા-બાપ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરતા. અલબત્ત અવારનવાર પ્રસંગે તેઓ ઘરે આવતા ને થોડા દિવસ પોતાના સંતાનો સાથે રહેતા પરંતુ એક મહેમાનની જેમ! જ્યારે સન્યસ્તાશ્રમ સ્વીકાર્યા બાદ ક્યારેય ઘરે આવવાનું બનતું નહિ.

પચાસ વર્ષની વય ધરાવતું આ દંપતિ પૈકી પતિ છોકરાઓના અને પત્ની છોકરીઓના અલગ-અલગ ચાલતા તપોવનોમાં પહોંચી જતા. ત્યાં દસ-દસ બાળકોના ગ્રુપની જવાબદારી લઈને તેઓને બપોરના ભોજન બાદ અર્થોપાર્જનનું (કળાનું) શિક્ષણ આપતા. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલા પુરુષે અગાઉ પોતે બ્રહ્મચર્યાશ્રમમાં હતો ત્યારે અર્થોપાર્જનનું સૈદ્ધાંતિક શિક્ષણ લઈને, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશીને એ શિક્ષણનો વ્યવહારમાં ઉપયોગ કરીને તેનાથી રુપિયા કમાવાનો પ્રાયોગિક અનુભવ મેળવ્યો હોવાથી, એ પચાસ વર્ષની વયે પહોંચે ત્યારે અનુભવી શિક્ષકની ભુમિકા અદા કરતાં બાળકોને અર્થોપાર્જનનું શિક્ષણ આપે તેથી તેની અસર ખુબ પડતી. નિવૃત્ત ચાર્ટર્ડ એકાઉંટંટ નાના બાળકોને એકાઉંટનું શિક્ષણ આપે તો એ શિક્ષણ ઉગી જ નીકળે. આજે તો એવું પણ બને કે કૃષિયુનિવર્સિટીના પ્રધ્યાપકે ખેતરમાં જઈને કોઈ વખત ખેતી જ ના કરી હોય ! એ જ રીતે પચાસ વર્ષની બહેન, જેણે પોતે બ્રહ્મચર્યાશ્રમમાં પરિવારને સંભાળવાનું શિક્ષણ લઈને સફળતાપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવ્યો છે એ નાની બાળકીઓને ભવિષ્યમાં આવનારી પોતાની જવાબદારી અંગેનું સ્ત્રીશિક્ષણ આપે તો એ શિક્ષણ ઉત્તમ કક્ષાનું જ હોવાનું !

જે રીતે પ્રૌઢ મા-બાપ વાનપ્રસ્થાશ્રમમાં ચાલી જાય છે એ રીતે પતિ-પત્ની બનેલા યુવાન સંતાનોના જન્મેલા બાળકો પણ બ્રહ્મચર્યાશ્રમમાં અભ્યાસ હેતુ તપોવનમાં ચાલ્યા જાય છે તેથી નવ પરિણિત દંપતિને સંસારસુખ ભોગવવામાં મા-બાપ કે બાળકો નડતરરુપ બનતા નથી. આજે તો ત્રણેય આશ્રમો ખતમ થઈ ગયા છે ને બધાને ગૃહસ્થાશ્રમનું વળગણ એટલું બધું છે કે કોઈ ઘરની બહાર નીકળવા જ તૈયાર નથી. ચોથા એવા સન્યસ્તાશ્રમમાં પ્રવેશવાનું તો બધાને ઝેર જેવું લાગે છે. પરિણામે અશાસ્ત્રીય ઢબે સૌનો સંસાર ચાલી રહ્યો છે. આવા પરિવારોમાં કજીયા-કંકાસ ન જોવા મળે તો જ નવાઈ ! આપણી સંસ્કૃતિ કહે છે કે પ્રત્યેક માણસે પોતાની વયના માણસ જોડે જ જીવન જીવવું જોઈએ. આને જ કહેવાય સમૂહજીવન.

બ્રહ્મચર્યાશ્રમમાં બાળકો એકસાથે રહીને સમૂહમાં જીવે, ગૃહસ્થાશ્રમ દરમિયાન યુવાન હૈયાઓ જ સંસારમાં હરતા-ફરતા દેખાય. વાનપ્રસ્થાશ્રમમાં નિવૃત્ત પ્રૌઢો એકસાથે રહે ને પોતપોતાના સુખ-દુ:ખ એકબીજા સાથે વહેંચતા સમૂહજીવન જીવતા રહે. સન્યસ્તાશ્રમમાં પ્રવેશીને માણસ તીર્થયાત્રાએ નીકળી જાય ને પગે ચાલીને ભારતભ્રમણ કરે. વહેલી સવારે ચાલીને બપોર પહેલા કોઈ ગામમાં પહોંચી જાય. ભોજન બાદ વિશ્રામ કરીને ફરીથી ચાલવાનું શરુ કરે અને રાત્રી પહેલા બીજા ગામ પહોંચી જાય. વાળુ કર્યા બાદ ગામવાસીઓ જોડે બેસે ને જીવન જીવવા માટેની પ્રેરણાદાયક વાતો તેમજ પોતાના જીવનના અનુભવો કહે. આ રીતે તીર્થોમાં પહોંચી દેવદર્શન કરતા-કરતા માણસ પોતાના આયુષ્યના સો વર્ષ પૂરા કરી કોઈ રોગને નિમિત્ત બનાવ્યા સિવાય જંગલમાં જઈને સ્વેચ્છાએ દેહત્યાગ કરે. આમ ભારતીય સંસ્કૃતિમાં નિવૃત્તિ છે જ નહિ. આમરણ કર્તૃત્વવાન રહેવાનું છે. જીવન સંયમી હોવાથી માણસોના શરીરમાં રોગ પ્રવેશી શકતો નહિ. વળી તેના શરીરના અંગો પણ છેવટ સુધી સ્ફૂર્તિલા રહેતા.

આજે બાળકોને ઘરે અભ્યાસ માટે શાંત વાતાવરણ મળતું નથી. પાંચેય ઈન્દ્રિયોને શાંત કરીને બુદ્ધિને જ સમગ્ર પોષણ મળતું હોય તો ગમે તેવા અઘરા વિષયમાં તેનો પ્રવેશ સરળતાથી કરાવી શકાય છે. પરંતુ સંસારમાં રહેતા બાળકોની પાંચેય ઈન્દ્રિયોને ખુબ સુખ મળતું હોવાથી પોષણના અભાવમાં બુદ્ધિ આળસી જાય છે. ઘરમાં ટી.વી.માં જોવા મળતા યુવા હૈયાઓના પ્રણય દૃશ્યો, છાપામાં જોવા મળતા અશ્લીલ ફોટાઓ, મા-બાપનું કામી વર્તન, સાદાં ભોજનને બદલે ઈન્દ્રિયોને બહેકાવનારો મસાલેદાર ખોરાક, ચટાઈ પર સુવાની જગ્યાએ સ્ખલન કરાવનારા જાડા ગાદલા, સુગંધીદાર સ્પ્રે, હેરઓઈલ, શેમ્પૂ, સાબુ, ડીઓડરંટ, મદમસ્ત સંગીત તેમજ કામી અવાજમાં વાગતા ગીતો – આ બધામાં વિદ્યા ચઢે કેવી રીતે?

એ જ રીતે નવપરિણિત યુગલો સંસારસુખ માણવા માંગે છે તો તેઓને એ માટેની મોકળાશ ક્યાંય મળતી નથી. દિવસ દરમિયાન પરસ્પર યુવાન હૈયા પોતાના હૃદયના ઉમળકાને છુટથી અભિવ્યક્ત કરવા માંગે તો વડીલોની હાજરી હોવાથી તેઓ એમ કરી શકતા નથી. પતિ પોતાની પત્નીએ બનાવેલી રસોઈના વખાણ કરવા માંગે તો પણ એનાથી, “વાહ, ડાર્લિંગ શું ફક્કડ કઢી બનાવી છે !” એવું કહી શકાતું નથી કારણ કે એમાં આમન્યા ભંગ થાય છે. આ ઉપરાંત અનેકવિધ ભાવોની અભિવ્યક્તિ જેવી કે પત્નીને ઉંચકી લેવી, પતિને ભેટી પડવું, હાથમાં હાથ રાખીને સોફામાં બેઠાં-બેઠાં ટી.વી. જોવું, એક થાળીમાં જમવાનું લઈને પોતાના હાથે પરસ્પરને જમાડવું વગેરે સુખ યુવાન પતિ-પત્ની માણી શકતા નથી. વડીલો સમાજ પ્રત્યે પોતાની ફરજ બજાવવામાં વ્યસ્ત બનીને ઘરની બહાર પોતાનો મોટા ભાગનો સમય વીતાવતા હોય તો પણ નવપરિણિત સંતાનોને ગૃહસ્થાશ્રમનું સુખ માણવાની તક મળે. તેઓએ હંમેશને માટે વાનપ્રસ્થાશ્રમમાં જવાની જરુર નહિ.

આશ્રમવ્યવસ્થા તુટ્યા બાદ એક માન્યતા દૃઢ થઈ ગઈ કે પતિ-પત્નીએ પરસ્પર પ્રેમ કરવો એટલે જાતીય સુખ માણવું. કારણ કે જાતીયસુખ સિવાયની કોઈ પણ પ્રેમાળ અભિવ્યક્તિ સંયુક્ત કુટુમ્બમાં અભદ્ર હોવાથી વર્જ્ય ગણાય છે. દિવસ દરમિયાન જુદી-જુદી જવાબદારીઓમાં વ્યસ્ત પતિ-પત્ની રાત્રીની નિરવતામાં, એકાંતમાં પણ મોકળાશથી પ્રેમાળ સંવાદ કરી શકતા નથી કારણ કે તેઓનો શબ્દ અન્યના કાને પડે તેમાં પણ આમન્યાભંગ થાય છે. એકાંતમાં પણ તેઓ છુટથી હસી કે રડી શકતા નથી. મર્યાદાભંગ ન થાય એ વાતની કાળજી રાખીને ધીમા, દબાયેલા અવાજે પતિ-પત્ની સંવાદ કરતા થયા ત્યારથી તેઓ ‘આમન્યા જાળવવા આ રીતે વાત કરે છે’ એ વાત વિસરાઈ ગઈ ને આવો સંવાદ છુપાઈને કરાતો હોવાથી આ પ્રકારના કૃત્યમાં અપરાધભાવ ઘર કરી ગયો. ભારતમાં કોઈ પણ વયનો માણસ જાતીયસુખને ગુનો ગણે છે, એનું મુખ્ય કારણ આ છે.

પ્રૌઢાવસ્થાએ પહોંચેલા વડીલો પણ પોતાની વયના સભ્યોના સહવાસના અભાવમાં પોતાની તકલીફો અંગે બેખબર એવા યુવા સભ્યોના બેફિકર વર્તનના કારણે ઘરમાં સુખી રહી શકતા નથી. યુવાસભ્યો સિનેમા, બાગ, હોટેલમાં જવા ઈચ્છે છે તો તેઓને મોટે ભાગે વડીલોને દવાખાને લઈ જવાનું આવે છે, બાળકો માટે વિવિધ કારણોસર નિશાળમાં હાજરી પુરાવાની થાય છે. આમાંથી છુટવા માટે ઘોડીયાઘર તેમજ ઘરડાંઘર અસ્તિત્વમાં આવ્યા. સંસ્કૃતિની વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉત્તમ ગણી શકાય એવી વ્યવસ્થા તુટે પછી વિકૃત સ્વરુપે નવી વ્યવસ્થા આવે છે, જેને મને-કમને સ્વીકારવી જ પડે છે.

આશ્રમવ્યવસ્થામાં વહેંચાયેલી ભારતીય સંસ્કૃતિએ ખાસ ખ્યાલ રાખ્યો હતો કે બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાર્થીના શીલ અને ચારિત્ર્યનું ઘડતર થાય, વિદ્યાની ઉપાસના માટે આવશ્યક એવું કઠોર જીવન તેઓ જીવે. એ જ રીતે પિતૃઋણ અદા કરવા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશેલા દંપતિને ઉત્તમ પ્રકારનાં ભોગો લગ્નજીવન દરમિયાન ભોગવવા મળવા જોઈએ. આ આશ્રમમાં અર્થ તેમજ કામ પુરુષાર્થને પ્રાધાન્ય મળે તેઓ ખાસ ખ્યાલ રખાતો. વાનપ્રસ્થી વનમાં જઈને વેતન લીધા વગર બાળકોને અર્થોપાર્જનનું શિક્ષણ આપતો. એ રીતે તેણે બ્રહ્મચર્યાશ્રમમાં વિનામૂલ્યે શિક્ષણ મેળવ્યું હતું તેનું ઋષિઋણ અદા કરતો. ઉપરાંત ચિંતન-મનન કરીને પોતાના જીવનની સાધના આગળ ધપાવતો. છેવટે સન્યસ્તાશ્રમમાં પ્રવેશી તીર્થસ્થાનોમાં જઈ દેવઋણ અદા કરતો.

આધુનિક જીવનવ્યવસ્થા

આ રીતે જોઈએ તો ચાર આશ્રમોમાં વહેંચાયેલી ભારતીય સંસ્કૃતિને વ્યવસ્થાની દૃષ્ટિએ વિભક્ત કુટુમ્બ અને ભાવનાની દૃષ્ટિએ સંયુક્ત કુટુમ્બ વ્યવસ્થા માન્ય છે. આજે આશ્રમવ્યવસ્થા અસ્તિત્વમાં નથી. તેથી બાળકોને તપોવનમાં મોકલી શકાય એમ નથી. જો કે હોસ્ટેલની વ્યવસ્થા એ આજે તપોવનનો વિકલ્પ બન્યો છે. એ જ રીતે ઘરડાં મા-બાપ માટે વૃદ્ધાશ્રમ એ વાનપ્રસ્થાશ્રમનો વિકલ્પ બની રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ એવી આશ્રમવ્યવસ્થા ફરીથી ઉભી ન થાય ત્યાં સુધી આજના યુગની માંગ છે કે ઘરમાં ચારેય આશ્રમ ચાલતા હોય તો બાળકોને ઈન્દ્રિયારામ કરાવનારી ચીજ-વસ્તુઓથી દૂર રાખવા, તેઓને કષ્ટદાયક જીવનપદ્ધતિથી જીવવાની ટેવ પાડવી. યુવા દંપતિઓએ મોકળાશ માણવા વૈકલ્પિક વ્યવસ્થારુપે સમયાંતરે પિકનિક, ટુર વગેરેનું આયોજન કરી લેવું, પ્રૌઢોએ સમાજસેવામાં વ્યસ્ત રહી મોટા ભાગનો સમય ઘરની બહાર વીતાવવો અને વૃદ્ધોએ ભૌતિક સુખનું આકર્ષણ ત્યજીને શાંતિથી પ્રભુસ્મરણ કરતાં-કરતાં સમય પસાર કરવો ને શક્ય હોય તો દેવમંદિર જવાનું રાખવું.

આજની વિભક્ત કુટુમ્બની પ્રથાએ અનેક સમસ્યાઓને જન્મ આપ્યો છે. યુવાદંપતિ પૈકી પતિ-પત્ની બન્ને રુપિયા કમાવામાં વ્યસ્ત છે ને બાળકો જંગલી બાવળની જેમ ઉછરી રહ્યા છે. ઘરડા મા-બાપ એકલતાથી કંટાળીને જીવનને તિરસ્કારી રહ્યા છે તો માંદગીથી કંટાળીને આત્મહ્ત્યાના વિચારો કરી રહ્યા છે. આવા ઘણા મા-બાપો ઘરડાંઘરમાં ઉપેક્ષીત જીવન જીવી રહ્યા છે. ઘરના સભ્યો જુદા થાય એટલે મકાનથી શરુ કરીને જીવન જરુરિયાતની તમામ ચીજ-વસ્તુઓ, મા-બાપને જો બે દીકરા હોય તો બમણી કે ત્રણ-ચાર ગણી જોઈએ. આની સીધી અસર એ થાય છે કે મોંઘવારી વધે છે. મકાનના ભાવો આકાશે આંબ્યા છે કારણ કે ઘરદીઠ માત્ર બે જ વ્યક્તિ રહે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે એ જ ઘરમાં દસ સભ્યો આરામથી રહી શકે છે. માટે આજના સમયને ઓળખી લઈને સંયુક્ત કુટુમ્બપ્રથાને મજબુત કરવાની જરુર છે. એમ બનશે તો ઘર ભર્યું-ભર્યું લાગશે, બાળકોને દાદા-દાદી સંસ્કાર આપશે તેથી નવી પેઢી મુસીબતરુપ ન બનતા વિકાસની ભાવનાને સહકાર આપનારી બનશે અને એકલતાથી ઉદ્ભવનારી વૃદ્ધોની મનોરોગ જેવી સમસ્યાઓ દૂર ભાગશે. યુવા પેઢી પણ વડીલોની હાજરીથી બેફામ ભોગવિલાસ ત્યજીને જીવનને ચોક્કસ આકાર આપતા શીખશે. આમ આજના બુદ્ધિપ્રધાન યુગથી ત્રાસેલી માનવજાતને ભાવ-પ્રેમ-હુંફની અત્યંત આવશ્યકતા હોવાથી સંયુક્ત કુટુમ્બપ્રથા જ વધુ જરુરી તેમજ અનેક મનોરોગોનો અક્સીર ઈલાજ કરનારી છે.

Advertisements

Comments on: "ભારતીય સંસ્કૃતિની આશ્રમવ્યવસ્થા" (6)

 1. નિરવ said:

  અપ્રતિમ . . .

 2. MANE JUNI JINDGI J GAME CHE,
  EMA PREM, SUKH, SHANTI, NE HUF VADHU CHE,
  JAYRE AAJ NI JINDGI MA GHANU HOVA CHHATAYE KAI NATHI.

 3. sonal b soni said:

  પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. બદલાતા યુગ સાથે પરિસ્થિતિ પણ બદલાય છે. નિયમો એવા રાખવા કે પહેલાની વ્યવસ્થા સચવાય.તમારી વાત એકદમ સાચી છે. પણ ભેગા રહેવુ જોઇએ એવુ બધા કહે છે, પણ અનુસરી શક્તા નથી.બધા સમજદારીથી રહે તો બધુ શક્ય છે.જતુ કરવાની ભાવના હોય તો સાથે રહેવાય.

 4. વિચારો સરસ છે. ૨૧મી સદીમા આ બધું ગળે ઉતારવું મુશ્કેલ છે. પશ્ચિમના રંગે રંગાયેલી આજની પ્રજા કશું જ માનવાની નથી. ‘સ્વતંત્રતા’ અને સ્વછંદતા વચ્ચેનૉ લક્ષમણ રેખા ભુંસાઈ ગઈ છે.

 5. ખુબ જ વાસ્તવિક ચિત્ર.!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: