વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

શિક્ષણના મુખ્યત્વે બે પ્રકાર છે: જીવનવિકાસનું શિક્ષણ અને જીવનનિર્વાહનું શિક્ષણ. વિશ્વમાં ક્યાંય પણ જીવનવિકાસનું શિક્ષણ કોઈને મળતું નથી. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે વિકાસનું શિક્ષણ એટલે શું? અને એ નિર્વાહ માટેના શિક્ષણથી કેવી રીતે જુદું પડે એની જ કોઈને ખબર નથી! ‘સા વિદ્યા યા વિમુક્તયે’ એવું લખાય છે પરંતુ મુક્તિ કોને કહેવાય? બંધનનો અનુભવ છે કોઈને? આજે તો એવું શિક્ષણ અપાય છે ને લેવાય છે કે જેમાં માણસ વધુ ને વધુ બંધાતો જ જાય છે, ગુલામ બનતો જાય છે. સહુ નિર્વાહ માટેનું શિક્ષણ લઈ રહ્યા છે એની સાથે-સાથે દિવસના એક કલાક પણ જો જીવનવિકાસનું શિક્ષણ તેઓને મળતું થાય તો માનવજીવનને એક ઊંચાઈ પર લઈ જઈ શકાય!

Education શબ્દ ‘educe’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે: ‘to draw out’ અર્થાત માણસમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી – તેને ખીલવવી. શ્રીમદભગવદગીતા કહે છે: શરીર ખેતર છે અને એમાં સદગુણો ખીલવવાના છે. સોળમાં અધ્યાયમાં દૈવી સંપત્તિના ગુણોની યાદી આપી છે જેમાં ‘અભય’ નામનો ગુણ પ્રથમ આવે છે. ‘અભય’ સૌ ગુણોનો સેનાપતિ છે. એ આવે એટલે બીજા ગુણો જલ્દી આવવા લાગે છે. શું આજનું શિક્ષણ અભયત્વ ખીલવી શકે છે? જે અભય છે એ સાચુ બોલવાની હિંમત કરી શકે છે. તટસ્થ રીતે શિક્ષણ આપવામાં આવે તો એનામાં માણસને સિંહ બનાવવાની તાકાત છે. યુવાનોમાં તેજસ્વીતા, તપસ્વીતા, તત્પરતા, આત્મવિશ્વાસ, જિજિવિષા, વિજિગીષા જેવા ગુણો ખીલવવા હોય તો તેજસ્વી શિક્ષણ આપવું પડે.

વૈદિકકાળમાં શિક્ષણ ઋષિમુનિઓના હાથમાં હતું. તેઓ તપોવનો ચલાવતા. હજારો વિદ્યાર્થીઓ એક-એક તપોવનમાં અભ્યાસ કરતા હતા. યાજ્ઞવલ્ક્યના તપોવનમાં સાઈઠ હજાર વિદ્યાર્થીઓ હતા. તપ:સ્વાધ્યાયનિરત ઋષિમુનિઓ જીવનની એક પણ ક્ષણ વૈયક્તિક કે કૌટુમ્બિક સ્વાર્થ માટે ખર્ચવાને બદલે નિ:સ્વાર્થભાવે બાળકોને શિક્ષણ આપવામાં વીતાવતા હતા. વિત્ત(ધન) કે સત્તાની અપેક્ષા વિના અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓમાં સહજ રીતે ઉગી નીકળતું. વિદ્યાસ્નાતકની સાથે-સાથે વ્રતસ્નાતક થઈને તપોવનમાંથી બહાર પડેલા વિદ્યાર્થીને માર્ગમાં સામે રાજા મળે તો એ રથ અથવા હાથી પરથી નીચે ઉતરીને વિદ્યાર્થીના કુશળ પૂછતો – આવી તેજસ્વીતા વિદ્યાર્થીમાં શિક્ષણના પરિણામે નિર્માણ થતી. શિક્ષણનું પાવિત્ર્ય એટલું બધું જળવાતું, નૈતિક-આધ્યાત્મિક મૂલ્યોનું સ્તર એટલું બધું ઊંચું હતું કે સત્તાવાન અને ધનવાન બન્ને વિદ્વાનનું પૂજન કરતા. તેઓ પોતાનું ધન તપોવનના કામમાં આવે તો પોતાનું અહોભાગ્ય સમજતા. વિદ્યાપીઠોમાં ચાલતા શિક્ષણકાર્યોમાં દખલગીરી કરવાની વાત તો બાજુ પર રહી, તપોવનની હદમાં પ્રવેશતા પહેલાં રાજા પોતાનો રાજવી ઠાઠમાઠ ઉતારીને સામાન્ય માણસની જેમ પગે ચાલીને ઋષિના આશ્રમે આવતો. મૃગયા(હરણનો શિકાર) કરતો-કરતો રાજા તપોવનની હદમાં ભુલથી પ્રવેશી જાય તો આશ્રમનો સાત વર્ષનો બાળક હાથ આડો કરીને રાજાને આગળ વધતો રોકી શકતો. રાજાને પોતાની ભુલનું ભાન થતાં જ નાના બાળકની માફી માંગતા એને શરમ આડે ન આવતી.

તપોવનમાં શિક્ષણને જીવન સાથે સંબંધ છે એનું સતત ધ્યાન રાખવામાં આવતું. શિક્ષણ માત્ર માહિતીનો ભંડાર કે અર્થોપાર્જનનું સાધન ન બની જાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો. આજે શિક્ષણસંસ્થાઓમાં પાંડીત્યપ્રદર્શન, વાદવિવાદ, ખંડન-મંડન, તેમજ above neck ચર્ચા – જેનો જીવન સાથે કોઈ સંબંધ ન હોય એ જ બાબતો જોવા મળે છે. સહુ આ વાત જાણે છે છતાં ‘આમાં કશું થઈ શકે નહિ’ એવો નિરાશાવાદ વ્યક્ત કરતા બેઠા છે. તપોવનનું શિક્ષણ residential પદ્ધતિથી અપાતું, જેમાં શિક્ષકો પોતાના પરિવાર સાથે આશ્રમના પરિસરમાં જ રહેતા. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પોતપોતાના વિભાગમાં છતાં આશ્રમમાં સાથે રહેતા હોવાથી શિક્ષકના જીવનમાં બૌદ્ધિક જ્ઞાનનો વિનિયોગ થયેલો જોઈને પોતાના જીવનને પણ એવું બનાવવા પ્રયત્નશીલ રહેતા. સદગુણનું demonstration વિદ્યાર્થીઓને જોવા મળતું. શિક્ષકના વાણી, વર્તન, વિચાર અને વ્યવહારમાં એકરુપતા જોઈને વિદ્યાર્થી પ્રભાવીત થતો અને આજ્ઞાંકિત બનીને એનું અનુકરણ કરતો. સહજીવનથી informal education શક્ય બને છે આથી જ્ઞાનોપાર્જન સહજ થાય છે.

તપોવનમાં વિદ્યાર્થીજીવન સાદાઈભર્યું, સ્વાવલંબી અને પ્રવૃત્તિસભર રહે તેનો ખાસ ખ્યાલ રખાય છે. વિદ્યાર્થીએ જાતે જ રસોઈ બનાવવાની, જાતે જ વાસણ-કપડાં ધોવાના, સાદો-મરી-મસાલા વિનાનો ખોરાક લેવાનો રહે છે. તપોવનમાં વિદ્યાર્થી વહેલી સવારે પાંચ કલાકથી રાત્રે દસ કલાક સુધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે એ પ્રકારની દિનચર્યા રહે છે. જાજરુ-બાથરુમની સફાઈ, બાગકામ: જેમાં ખોદવું, ઘાસ કાઢવું, ક્યારા બનાવવા, ખાતર-પાણી આપવું, હૉલની સાફસફાઈ, કચરા-પોતાં વગેરે તમામ પ્રકારનું શ્રમકાર્ય વિદ્યાર્થી સહજતાથી કરે એનું ધ્યાન રાખવામાં આવતું. શરીર સુદૃઢ બનાવવા તેમજ સૂર્યના ગુણો જીવનમાં આવે તે માટે પ્રત્યેક વિદ્યાર્થી સૂર્યનમસ્કાર કરે એવો નિયમ હતો. તપોવનનો વિદ્યાર્થી યૌવનસહજ વિકૃતિથી દૂર રહેતો કારણ કે તેને પોતામાં રહેલી સર્જનશીલતા વિકસાવવામાં જ રસ રહે એ પ્રકારનું વાતાવરણ મળતું. મંદિરનું પવિત્ર વાતાવરણ તેમજ સવાર-સાંજ વેદઘોષ થતો હોય એવું શૈક્ષણિક સંકુલ મળતું. બહારની કોઈ વ્યક્તિને કેમ્પસમાં પ્રવેશવાની કે વિદ્યાર્થીને બહાર જવાની છૂટ ન હતી. આ રીતે બાહ્ય ભૌતિક જગતના સંપર્કથી વિમુખ થઈને એકચિત્તે તપોવનનાં પવિત્ર વાતાવરણમાં સમરસ થઈ જ્ઞાનનું ભાથું બાંધવાની તક વિદ્યાર્થીને મળતી.

શિક્ષણની પ્રક્રિયા સંબંધ પર આધાર રાખે છે. શિક્ષકે કઈ ભુમિકાએ શિક્ષણ આપવું જોઈએ? ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’ આથી શિક્ષક પોતે જ ‘મા’ની ભુમિકામાં રહીને શિક્ષણ આપે તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? તપોવનમાં સાત વર્ષથી લઈને બાર વર્ષની વયના વિદ્યાર્થીઓ આવતા ને પચીસ વર્ષના થાય ત્યાં સુધી ત્યાં રહીને અધ્યયન કરતાં. તે દરમિયાન તેઓના રહેવા, જમવા કે શિક્ષણ પેટે એક પણ પૈસો લેવામાં આવતો નહિ. ભલા, મા પોતાના બાળક પાસેથી ફી લે ખરી કે? જીવનવિકાસ કરવા માટે વિદ્યાર્થીને સવારે વેદ અને ઉપનિષદનું જીવનલક્ષી તત્વજ્ઞાનનું શિક્ષણ આપવું જરુરી છે. બુદ્ધિને તૈયાર કરવા(તર્કશક્તિ ખીલવવા) ન્યાય-વ્યાકરણશાસ્ત્રનું શિક્ષણ અપાવું જોઈએ. સાથે-સાથે ભાષાજ્ઞાન પણ અનિવાર્ય છે. ભાષાનું જ્ઞાન હોય ને બુદ્ધિ તૈયાર થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી કોઈ પણ વિષયનો અભ્યાસ પોતાની મેળે કરવા માટે સમર્થ થઈ જાય છે. આમ કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થી માટે તર્કશાસ્ત્ર તેમજ ભાષાનું જ્ઞાન ફરજિયાત હોય એ જરુરી છે.

OPEN YOUR BOOKS નહિ પણ OPEN YOUR MINDનું શિક્ષણ તપોવનકાળે હતું. ગુરુ બોલે અને શિષ્ય સાંભળે. આજે ગુરુ વાંચે છે અને શિષ્ય લખે છે. એનો અર્થ એ થયો કે બેમાંથી કોઈને ભણેલું યાદ રાખવું નથી. જેમાં રુચિ જ ન હોય એ ક્યાંથી યાદ રહે? તપોવનકાળમાં ગુરુ હરતા-ફરતા વિશ્વવિદ્યાલય (મોબાઈલ યુનિવર્સિટી) સમાન હતા. તેઓ ગોખીને ન આવતા પરંતુ यास्तेषां स्वैरकथा અનુસાર વિદ્યાર્થી સમક્ષ તેઓ બેસે એટલે એમના મુખ દ્વારા સહજ જ્ઞાન સ્રવવા લાગતું. એકપાઠી વિદ્યાર્થીઓ શાહીચુસ(બ્લોટિંગ પેપર)ની માફક એને ગ્રહણ કરી લેતા. ગુરુના શબ્દો ભુલી જવાય તો વાંધો નહિ પરંતુ તેનો સાર યથાતથ સચવાઈ રહે એ જોવાતું. ગુરુનું વ્યાખ્યાન પુરું થાય એટલે તરત જ તેના પર વિદ્યાર્થીઓ સ્ટડીસર્કલ કરતા. આથી એકપાઠી વિદ્યાર્થીએ પુનરાવર્તીત કરેલો ઉપદેશ દ્વિપાઠીને સમજાઈ જતો. ત્યારબાદ દિવસ દરમિયાન દ્વિપાઠી સાથે ચર્ચા કરીને અન્ય નબળા વિદ્યાર્થીઓ એ જ્ઞાનથી સજ્જ થઈ જતાં. આમ તપોવનકાળે વિદ્યાર્થીએ નોટબુક્સ, ટેક્સ્ટબુક્સ કે રેફરંસબુક્સ લાવવાની રહેતી નહિ. ખાલી હાથે અને આંખ-કાન સતેજ રાખીને વર્ગમાં બેસવાનું રહેતું. એને જ કહેવાય ભાર વિનાનું ભણતર!

જ્ઞાનનો વિષય જેટલો અઘરો હોય તેટલી બુદ્ધિ ધારદાર જોઈએ જેથી તે સરળતાથી વિષયપ્રવેશ કરી શકે અને એને ભેદીને તેની આરપાર નીકળીને સમગ્ર વિષયને જાણી શકે. પરંતુ એ માટે શરીરની તમામ શક્તિ એકમાત્ર બુદ્ધિને જ મળે એનું ધ્યાન રાખવું જરુરી છે. આજે શરીરની મોટા ભાગની શક્તિઓને પાંચેય ઈન્દ્રિયો મોજમજા કરવામાં વાપરી નાંખે છે. આથી બુદ્ધિને એ શક્તિ ન મળતી હોવાથી અભ્યાસ શરુ કરતાં જ બુદ્ધિ થાકી ગયેલી જણાય છે. ભોગવિલાસી સંસારમાં રહીને અભ્યાસ થઈ જ ના શકે એવો સ્પષ્ટ મત ધરાવતા ઋષિમુનિઓએ તપોવનો વનપ્રદેશમાં રાખ્યા હતા. આજે લેખિત પરીક્ષા લેવાય છે તેથી વિદ્યાર્થી કેટલું સમજ્યો છે એ જાણી શકાતું નથી. જેની સ્મૃતિ સારી છે એને તીવ્ર બુદ્ધિ ધરાવતા એવા મંદ સ્મૃતિ વાળા યુવાન કરતા વધુ માર્ક્સ મળે એવું બને છે. તપોવનમાં શલાકા પદ્ધતિથી પરીક્ષા લેવાતી. પુસ્તકમાં અણીદાર સળી ખોસીને જે પાનું ખુલે એ પાન પરથી શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછતાં. આથી જે ભણાવ્યું હોય એ બધું જ વિદ્યાર્થીને આવડવું જરુરી હતું. ત્યારે ઑપ્શન પ્રથા ચાલતી નહિ. વળી પ્રશ્નનો ઉત્તર મૌખિક આપવાનો હોવાથી વિદ્યાર્થી કેટલું સમજ્યો છે એની જાણ પણ શિક્ષકને થઈ શકતી. સ્વાર્થરહિત ભાવનાથી અપાતા શિક્ષણને કારણે હાલ જોવા મળતા પરીક્ષાના દુષણો તે કાળે ન હતાં.

ભારતીય સ્ત્રીના જીવનમાં લગ્ન બાદ પિતૃગૃહેથી વિદાય લઈને પતિગૃહે જવાનો પ્રસંગ બને છે. આથી સ્ત્રી ભાવ-પ્રેમના આંસુ વહાવીને ગદગદ થાય છે. પરંતુ પુરુષના જીવનમાં વિયોગનો પ્રસંગ ક્યારેય આવતો નથી, તેને ક્યારેય કોઈને છોડીને જવાનું બનતું નથી. તપોવનપદ્ધતિના શિક્ષણમાં બાળક મા-બાપને છોડીને ગુરુગૃહે જઈને શિક્ષણ લેતો. સાત-આઠ વર્ષનો બાળક આશ્રમમાં જાય અને પચ્ચીસ વર્ષનો થાય ત્યારે પરત ઘરે આવે. આથી બાળક તેમજ તેના મા-બાપ વિયોગના દર્દને અનુભવતા. એ જ રીતે બાલ્યાવસ્થાથી આશ્રમમાં રહેતો વિદ્યાર્થી યુવાન થતાં તેને વિદાય આપવાનો પ્રસંગ શિક્ષકના જીવનમાં આવતો. વર્ષો સુધી દીકરાની જેમ રાખી પોતાનું બધું જ્ઞાન તેને આપીને જગતનાં આંગણામાં રમવા મોકલતા ગુરુની આંખ આંસુથી છલકાતી. પિતાથી અધિક વહાલા એવા ગુરુજીને છોડીને જતાં યુવાન પણ ગદગદ થઈ જતો.

આ રીતે તપોવનનું શિક્ષણ બુદ્ધિપ્રધાન ન રહેતા જીવનમાં ભાવ-પ્રેમ તેમજ બુદ્ધિનું બેલેંસ રાખવાની વાત સમજાવતું, માણસને માણસ બનાવતું અને ધન્ય જીવન જીવવાની પ્રેરણા આપતું.

Advertisements

Tag Cloud

%d bloggers like this: