વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રભુ માળી થઈને મારા મસ્તિષ્ક રુપી બાગમાં આવા ચિંતનપુષ્પો ખિલાવે છે:

(1)આજે બાળકની ચોકલેટની જીદ પુરી થઈ હોય તો ભવિષ્યમાં તે જીવનસાથી તરીકે ચોક્કસ પાત્રની જીદ કરી શકે છે, જે ન મળે તો એક પક્ષીય આકર્ષણ ભયંકર પરિણામ લાવી શકે છે. શક્ય છે કે તે પોતે આત્મહત્યા કરે અથવા સામા પાત્રને મોટું નુકશાન કરે કે તેની હત્યા કરે.

(2)વાઘ-સિંહ હિંસક નથી. જગતના કોઈ પણ જીવને તકલીફ આપવાનો વિચાર તેઓ ક્યારેય કરતા નથી. પોતાની ભુખ સંતોષવા તેઓ હરણને મારે છે, એને દુ:ખી કરવા નહિ. વિના કારણ અન્યને હેરાન કરવાનું કામ તો માણસનું છે.

(3)હોસ્ટેલમાં રહેતા દીકરાની ચાર હજાર રુપિયાની જરુરિયાત સામે પિતા એને હજાર રુપિયા જ મોકલાવે છે. જેથી દિકરાનો ફોન આવતો રહે ને દિકરા સાથે વાત કરવાની ઈચ્છા પુરી થતી રહે. પ્રેમભીનો ભગવાન આથી જ આપણી માગણી પણ ક્યારેય પુરેપુરી સંતોષતો નથી. નરસિંહ મહેતા ભગવાન સાથે સતત વાતો કરતા હોવાથી એમની જરુરિયાતો અધિક રીતે પુરી કરે છે.

(4)પોતાનું મકાન ચણાતુ હોય ત્યારે માણસ એની કેટલી બધી કાળજી લે છે ! અને પોતાના સંતાનોને જંગલી બાવળની જેમ ઉછરી જવા દે છે. ને પછી કહે છે: ‘આપણા બાળકો ક્યારે મોટા થઈ ગયા, કાંઈ ખબર જ ના પડી.’ આને જ કહેવાય ભૌતિકવાદ વિરુદ્ધ ચૈતન્યવાદની લડાઈ.

(5)મરજીમાં આવે તેમ વર્તવાથી તો મન નબળુ પડી જાય છે. મનને મજબુત બનાવવા કોઈ વ્રત લેવું જોઈએ. જેમ, કે ‘રોજ દસ પાન વાંચીશ નહિ ત્યાં સુધી સુઈશ નહિ’ અથવા ‘રોજ એક શ્લોક મોઢે કરીશ નહિ ત્યાં સુધી જમીશ નહિ’ વગેરે . . .

(6)સામાન્ય માણસને જેમ ધનવાનના મોંઘા બંગલાની ઈર્ષ્યા થાય છે, તેમ ધનવાનની સ્ત્રીને, સાથે બેસીને જમતા મજુર પતિ-પત્નીની પણ ઈર્ષ્યા થાય છે.

(7)બાળક કોઈ ચીજની માંગણી કરે, ને એના વિના ચાલે એમ હોય તો ‘હમણાં નહિ’ એવો જવાબ આપીને તેને રાહ જોવાની ટેવ પાડવી જરુરી છે. આપણે જાણીએ છીએ કે જીવનમાં ઘણી ચીજ તરત મળતી નથી. આવા સંજોગોમાં મનની પ્રસન્નતા ચાલી ન જાય એ માટે નાનપણથી જ એને રાહ જોવાની ટેવ પડે એ ઘણું આવશ્યક છે.

(8)હિન્દુસમાજ રંગબેરંગી ફુલોથી મહેકતો બાગ છે જેના રક્ષણ માટે ક્ષત્રિય વર્ગરુપી કાંટાળી વાડ ન હોય તો એક બકરી પણ એને ઉજાડી શકે છે તો પછી બિનસાંપ્રદાયિકતાની નીતિનો લાભ લઈને આ દેશમાં ઘુસી ગયેલા શિયાળ જેવા લુચ્ચા અને વાઘ જેવા હિંસક લોકો તો શું ના કરે? નાજુક ફુલ-છોડને પોતાનું રક્ષણ જાતે કરવાનું આવે તો એણે પોતાની નજાકત છોડીને કાંટાળો થોર બનવું પડે અને એ તો આત્મહનન ગણાય. અભય હોય ત્યાં જીવન ખીલે છે.

(9)કેટલાક દોઢડાહ્યાઓ પુછે છે: “તમારે બુદ્ધ જોઈએ કે યુદ્ધ?” અરે ભાઈ, યુદ્ધ કોઈને જોઈતું નથી. પરંતુ જો યુદ્ધ અનિવાર્ય બને તો એનાથી ભાગવાને બદલે સજ્જનો પુરી તાકાતથી લડી લેવાનું પસંદ કરે છે. અને અહિંસાનો અંચળો ઓઢીને ફરનારા કાયરો; શૂરવીરતા, બહાદુરી, પરાક્રમ જેવા સદગુણોને પોષનારા તેમજ સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા યુદ્ધની નિંદા કરે છે.

(10)સફળતા-નિષ્ફળતાથી ચલિત થયા વગર માણસ પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહે અને ભય કે લાલચ (reward & punishment)થી નહિ પરંતુ વિચારથી જે માણસ કાર્યપ્રવૃત્ત થાય છે તેને જીવનલક્ષી શિક્ષણ મળ્યું છે એમ કહેવાય.

(11)સીતાનું અપહરણ કરતી વખતે રામ સાથે લડી લેવાને બદલે રાવણ રામને કપટપુર્વક સીતાથી દુર કરી દે છે. આથી રાવણ રામથી પહેલેથી જ ડરતો હતો, એ વાત સાચી. કપટના પેટમાં અસમર્થતા છે. તમે જે વસ્તુ બજારમાંથી ખરીદી શકો છો, એ વસ્તુ મેળવવા તમે કપટ નહિ કરો.

(12)વિરોધી ટીમના સભ્યો અવરોધતા હોવા છતાં તેઓની સાથે લડવાને બદલે તેઓથી બચાવીને આપણે બોલને ગોલપોસ્ટ સુધી પહોંચાડીએ છીએ. આથી જીવનમાં પણ વિરોધીઓને અવગણીને કાર્યસિદ્ધ કરવાની પ્રેરણા મળે છે.

(13)“આપવામાં આવે” તે શિક્ષણ છે અને “ઉપાડવામાં આવે” તે સંસ્કાર છે. ઈતિહાસના જ્વલંત-ઉજ્જવળ પાત્રો, જેવા કે રામ અને કૃષ્ણ, ધૃવ અને પ્રહલાદ, શિવાજી અને મહારાણાપ્રતાપના જીવન વિશે જાણીને એમાંથી વિદ્યાર્થી પોતાના સંસ્કાર પ્રમાણે જે તે વાત ઉપાડે છે અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે છે.

(14)કાયદો કરવાથી ભ્રષ્ટાચાર જતો નથી પરંતુ જાહેરસેવા અર્થે સતત લડનારા શુદ્ધ ચરિત્રો કાયદાનો અસરકારક અમલ કરાવી શકે છે. આવા ચરિત્રો આકાશમાંથી ટપકતા નથી. એ તો હજારો માઈલની સફર કરીને આવેલા દરિયાના મોજામાં જોવા મળતા શુભ્ર ફીણ જેવા હોય છે. એ માટે પેઢીઓથી ઘરમાં સદગ્રંથોનું વાચન, મહાપુરુષોના ચરિત્રોનો અભ્યાસ થતો હોય એ જરુરી છે.

(15)જુના કાળમાં મિત્રતા પણ લગ્નની જેમ અગ્નિની સાક્ષીએ થતી: દા.ત. રામાયણમાં રામ અને સુગ્રીવની મૈત્રી અગ્નિસાક્ષીએ થઈ હતી. આજે પણ મિત્રતા અગ્નિસાક્ષીએ થાય છે, પણ જરા જુદી રીતે: બે અજાણ્યા ટ્રેનમાં મળે, ને એક જણો બે બિડી સળગાવીને એક સામેવાળાને આપે ને એક પોતે પીવે એટલે થઈ ગઈ મૈત્રી !

(16)ભોગપ્રધાન સમાજમાં રહેનારા બાળક પર કોઈ સારા સંસ્કાર પાડી શકાતા નથી. આથી જ શિક્ષણ તમજ સંસ્કાર ઘડતર માટે આપણા ઋષિમુનિઓએ વનપ્રદેશ પસંદ કર્યો હતો.

(17)ઉઘાડા પગે ચાલતા માણસને થાય, કે “ચપ્પલ મળે તો સારુ.” પછી થાય, “સાયકલ હોય તો સમય બચી જાય.” પછી થાય, “મોપેડ આવી જાય તો થાક તો ના લાગે.” પછી વિચારે, “ટુવ્હીલર હોય તો વાતો કરતા-કરતા રસ્તો પસાર થઈ જાય.” પછી એમ લાગે, “ફોર વ્હીલર આવી જાય તો રસ્તે ગરમી-ઠંડી-વરસાદ તો ના નડે.” પછી લાગે, “વિમાન હોય તો ટ્રાફિક તો ના નડે.” વિમાનમાંથી દેખાતા ઘાસના મેદાનો જોઈને વિચારે, “ખુલ્લા પગે ઘાસમાં ચાલવાની નિરાંત મળે તો કેવું?”

(18)આઈ.એ.એસ. થયેલા મોટા ભાગના અધિકારીઓએ કબૂલ કર્યું છે કે તેઓને તેમના મા-બાપે નાનપણથી જ સેંકડો શ્લોકો કંઠસ્થ કરાવેલા. પરિણામે તેઓની બુદ્ધિ તીવ્ર બની છે, જે આગળ જતાં ઉચ્ચ અભ્યાસમાં આશ્ચર્યજનક રીતે મદદરુપ બની છે.

(19)પિતાજીએ ખોળામાં ન બેસવા દીધો તો જગત્પિતા નારાયણના ખોળામાં બેસવા ચાલી નીકળેલો ધ્રુવ, પિતાના અધર્મનું આચરણ કરવાના આદેશને ઠુકરાવનારો પ્રહ્લાદ, ‘તરસ્યો રહીને પ્રાણ ત્યાગજે પણ મફતનું પાણી ન પીતો’ એવી હરિશ્ચંદ્રની આજ્ઞા માથે ચડાવતો તેનો દીકરો રોહિત, ‘મારી માતાને ઘણાં પુરુષોની સેવામાં રહેવાનું હોવાથી મારા પિતા કોણ છે એ મને કે મારી માને ખબર નથી.’ એવી સત્ય વાણી નિર્ભયતાથી ઉચ્ચારનાર જાબાલીનો પુત્ર સત્યકામ જાબાલ, ‘જા, તને હું યમને દાનમાં આપું છું’ એવી પિતાની આજ્ઞા સાચી કરવા સાક્ષાત યમરાજને મળીને તેની પાસેથી પણ આત્મજ્ઞાન લઈ આવનાર નચિકેતા, દશરથની આજ્ઞા માનીને વનમાં જનાર રામ, માબાપને કાવડમાં બેસાડીને જાત્રા કરાવનાર શ્રવણ – આવા તો સેંકડો પાત્રો છે જે આપણો ગૌરવવંતો ઈતિહાસ છે અને અકાળે પરિપક્વ થયેલા બાળકો માટે પણ ઉત્તમ જીવનચરિત્રોની ગરજ સારે એમ છે.

(20)મોટી ઉમ્મરે માબાપ બનેલા સ્ત્રી-પુરુષની માનસિકતા અતિ પાકટ હોવાથી તેઓનું બાળક વહેલું પુખ્ત થઈ જાય છે. માબાપ પોતે મુગ્ધાવસ્થામાંથી નવા-સવા બહાર આવ્યા હોય, સ્વભાવે નિર્દોષ, જમાનાની હવા લાગ્યા વિનાના હોય તો તેઓનું બાળક નિર્દોષ બુદ્ધિનું, સરળ તેમજ કપટરહિત હોવાનું.

(21)સૌને વરદાન આપનારા કૃષ્ણને જ્યારે વિશ્વકર્માએ વરદાન માગવાનું કહ્યું ત્યારે કૃષ્ણે માગ્યું, “પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ” એટલે કે ‘મારી પૃથ્વીવાસીઓ પ્રત્યેની પ્રીતિ શાશ્વત (હંમેશા ગાઢ) રહો.

(22)સજ્જનો બીજાની લીટી નાની કરવાની કે પોતાની લીટી મોટી કરવાની માનસિકતા ધરાવતા નથી. તેઓ સહજ પોતાનું કર્તવ્ય કર્યા કરે છે. પોતાની લીટી મોટી કરવી એટલે તો સભાનતાપૂર્વક મોટાઈ મેળવવી. ને એ રીતે લીટીને જેમ મોટી કરવા જઈએ એમ એ વાંકી-ચુકી કે ત્રાંસી જતી રહે છે. આપણે આપણું કામ કર્યા કરવું. લીટીને મોટી-નાની જેવી થવી હોય એવી ભલે ને થાય.

(23)બાળક સુખી થવા માટે યાદ રાખવા જેવું ભુલી જાય છે અને ઘરડાં ભુલવા જેવું યાદ રાખીને દુ:ખી થયા કરે છે. આપણને સુખી કરનારી વાતો આપણે ભુલી જઈએ અને દુ:ખી કરનારી વાતો યાદ રાખીએ છીએ !

(24)સિનેમાઘરો, ડાંસબારો, મોજ-મજાનાં તમામ સ્થળોએ પડાપડી થાય છે જ્યારે કુસ્તીના અખાડા, પુસ્તકાલયો, વિચારયુદ્ધના મંચો સૂમસામ જણાય છે. સ્પર્ધાનું વાતાવરણ છે, પરંતુ શારિરીક મહેનત વગર પૈસો તેમજ કીર્તિ કમાવાનું શિક્ષણ મેળવવામાં, પાંચ-સાત આંકડાનો માસિક પગાર મેળવવામાં અને ધંધો વિકસાવવામાં!

(25)”GIVE ME HUNDRED NACHIKETAS & I WILL CHANGE THE WORLD.” જગતને બદલી નાંખવાની હિંમત દાખવનાર સ્વામી વિવેકાનંદને ઉપનિષદનું વિધાન : “उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत:” “ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અવિરત પ્રયત્નશીલ રહો.” – ખુબ પ્રિય હતું.

Advertisements

Tag Cloud

%d bloggers like this: