વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રભુ માળી બનીને મારા મસ્તિષ્કરુપી બગીચામાં આવા ચિંતનપુષ્પો ખિલવે છે:

(1)મા-બાપને મન સંતાનો કરતા સગવડો વધુ મહત્વની છે. છતાં ‘અમે સંતાનો માટે જ સગવડો ઊભી કરી રહ્યા છીએ.’ એવો દંભ મા-બાપ કરે છે. આ રીતે તેઓ બીજાને તેમજ પોતાની જાતને છેતરે છે. પ્રથમ જરુરિયાત વધારીને પછી સગવડો વધારીએ અને એ માટે રુપિયા કમાવામાં જ એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે એને માણવાનો સમય જ આપણી પાસે હોતો નથી.

(2)નવા પરણેલાં પતિ-પત્ની વહાણમાં બેઠાં. સમુદ્રમાં તોફાન શરુ થયું. પતિને કુદરતને માણતો જોઈને પત્ની કહે, “તમને કાંઈ થતું નથી? મૃત્યુ આંખની સામે છે.” પતિએ રીવોલ્વર પત્નીના લમણા પર મૂકી. પત્ની હસવા માંડી. પતિ કહે, “હસે છે શું? આ લોડેડ રીવોલ્વર છે.” પત્નીએ કહ્યું, “રીવોલ્વર જેના હાથમાં છે એ મારો પ્રિયતમ છે.” પતિએ કહ્યું, “આ તોફાન મારા પ્રિયતમ પ્રભુનાં હાથમાં છે.”

(3)આધિ, વ્યાધિ ને વળગી છે ઉપાધિ, કહો માણસને ક્યાંથી લાગે સમાધિ.

(4)ભણેલી ને કમાતી સ્ત્રી અભણ મણીબેનો(ગૃહિણી)ની મશ્કરી કરે છે પરંતુ જીવન વ્યવહારમાં મણીબેનો વધારે હોશિયાર સાબિત થાય છે. પોતાના સ્ત્રીત્વનું રક્ષણ અને ગૌરવ કરવાનું તેઓ સારી રીતે જાણે છે. પોતાનું જીવન શાંતિથી, આનંદથી પસાર કરે છે. તમામ સગવડો સચવાતી હોવાથી પતિ પણ પ્રસન્નચિત્ત થઈને અનેકગણું અર્થોપાર્જન કરી શકે છે. પ્રેમથી જીતાયેલો પતિ પોતાની તમામ આવક પત્નીના પગ પાસે ઠાલવે છે જેની વ્યવસ્થા કરવાનું ગૌરવવંતુ કામ સ્ત્રી કરે છે.

(5)તદ્દન નાજુક-કોમળ અને અણકેળવાયેલા હોવાથી બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે માસ્ટર ડીગ્રી ધરાવતા સ્કિલ્ડ શિક્ષકોની જરુર છે. બાળકો મોટા થતા તેઓમાં સ્વયં શિસ્ત કેળવાઈ હોવાથી તેઓ માટે ઓછી આવડત વાળા શિક્ષકો ચાલી જાય. જ્યારે આજે નાના બાળકો માટે નાદાન શિક્ષકો અને પાકટ વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ શિક્ષકો પ્રયોજાય છે.

(6)જુની-નવીકહેવતો
(1)જુની: દીકરી ને ગાય, દોરે ત્યાં જાય. નવી: છોકરી ને ગાય, ફાવે ત્યાં જાય ને ભાવે તે ખાય.
(2)જુની: ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય. નવી: પ્રજા મરવાની થાય ત્યારે લોકશાહી રચાય.
(3) જુની: ખાડો ખોદે તે પડે. નવી: ખાડો ખોદે તે રળે(કમાય).

(7)પતિવ્રતા સ્ત્રીને પણ ભ્રષ્ટ કરવાની આવડત ધરાવતા સેક્સી શિશુપાળે આપેલી સો માંથી એક પણ ગાળમાં એણે કૃષ્ણને કામી ગણાવ્યા નથી. કૃષ્ણ એમના યુગમાં એટલા નિષ્કલંક હતા. છતાં તેઓના નામે આજે માણસ પોતાની વાસનાઓ સંતોષે છે અને કહેવાતા સંશોધકો કૃષ્ણ કામી હોવાનો આક્ષેપ કરે છે.

(8)જીવનભર યુદ્ધો કરીને વિશ્વવિજેતા બન્યા બાદ સિકંદરે અંતિમયાત્રા દરમિયાન પોતાના બન્ને ખાલી હાથ સૌને દેખાય એ રીતે રાખવાની અને કબર પર ‘લેટ ધ વર્લ્ડ નો : સિકંદર ડાઈડ વિથ એમ્પ્ટી હેંડ્સ !’ લખવાની સુચના આપી. જીવનભર પ્રવૃત્તિ કરી, પરંતુ અંતે ‘જીવનનો સાર નિવૃત્તિ છે’ એમ એને જણાયું.

(9)મહાપુરુષો શા માટે મહાન છે : તેઓ મનના માલિક છે તેથી. માણસ મનનો ગુલામ બનીને મન દોડાવે તેમ દોડ્યા કરે છે. છેવટે હારી-થાકી, કંટાળી, નિરાશ થઈને બેસી જાય છે પરંતુ સમજીને ઇચ્છાઓ પર નિયંત્રણ રાખતો નથી. માણસે પોતાની ઇચ્છા અને એ ઇચ્છા પુરી કરવા માટેની શક્તિનો ખ્યાલ રાખવો જોઈએ, જેને વિવેક કહેવાય છે. આજે Stressed mind, nervous mind, frustrated mind જેવા મનોરોગોએ ભરડો લીધો છે તેના મૂળમાં આ વિવેકનો અભાવ છે.

(10)પોતાની જાત સાથે વાત કરવી કેટલી અઘરી છે ! માણસ પોતાના વિશે બહુ મોટા ભ્રમમાં હોય છે. એ પોતાને ઓળખતો જ નથી હોતો. કોઈ જ્ઞાની-સમજુ માણસ એને પોતાના વિશે થોડું ઓળખાવે ત્યારે આશ્ચર્ય થાય છે : ‘હું આવો છું?’ જેમ-જેમ એ પોતાને ઓળખતો થાય એમ-એમ એ પોતાની જાત સાથે સંવાદ સાધતો થાય. ત્યારબાદ સ્વ-પરિવર્તનની, સુધારની પ્રક્રિયા શરુ થાય છે.

(11)નિર્બળતા, અસહાયતા, લાચારીથી આવેલા દુ:ખના આંસુ માણસને ખોખલો કરી નાંખે છે જ્યારે ભાવ-પ્રેમથી આવેલા વિરહના દુ:ખના આંસુ માણસને અંદરથી ભરી દે છે. અભિમન્યુની શહીદી અને ભીષ્મનું મૃત્યુ – એમ જીવનમાં માત્ર બે પ્રસંગને કૃષ્ણે બે આંસુ વહાવીને વધાવ્યા હતા.

(12)પોતાના નામનો શું અર્થ થાય એ અંગે જેણે હજી સુધી નથી વિચાર્યું એને જિજ્ઞાસુ કેવી રીતે કહી શકાય ? હજુ પણ એ અંગે વિચારી શકાય અને એમાં બીજાનો સહકાર પણ લઈ શકાય.

(13)ડાકોરના ઠાકોર રણછોડરાયજીના શણગારના અને રાજભોગના દર્શન કરીને ધન્ય થઈ જવાય. બોડાણાએ ડાકોરમાં કૃષ્ણને સાચવ્યા હતા એ સ્થળે એક વાક્ય વાંચ્યું : ‘હરામખોરીના વૃક્ષને મુસીબતરુપી ફળ આવે છે.’

(14)કૈકેયીએ રામના શરીર પરથી રાજવી વસ્ત્રો ઉતરાવી લીધા તો ભરતે રામના પગમાં ચપ્પલ પણ ન રહેવા દીધા છતાં એની પાછળ કૈકેયી અને ભરત એમ બન્નેના મનમાં રહેલો ભાવ જુદો છે. એક્શન ડુ નોટ શો ઈંટેંશન.

(15)ગાડીમાં ઓઈલ હોય અને જીવનમાં પ્રેમ હોય તો બન્ને સ્મૂથ ચાલે છે અને જેમ કારમાં જંપર હોય તેમ સ્વભાવમાં ગમ ખાવાની ટેવ (શોક એબ્સોર્બર) હોય તો સંબંધોમાં તેમજ રસ્તામાં આવતા આંચકા ખમી શકાય છે અને જીવન અને ગાડી બન્ને સરળતાથી ચાલે છે.

(16)ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિ મનની સ્વસ્થતા ડહોળી ન નાંખે એ હેતુ આપણે જુદી-જુદી પ્રતિકૂળ પરિસ્થિતિનું મન સમક્ષ સર્જન કરીને એની સામે લડવા મનને અગાઉથી જ તૈયાર કરીએ – એને કહેવાય મનનું વેક્સિનેશન. દીકરીને ભવિષ્યમાં સાસરે જવાનું હોવાથી ત્યાં પરિસ્થિતિ જુદી હોઈ શકે છે, જેમાં એના મનની પ્રસન્નતા ચાલી ન જાય એ માટે ઘણા મા-બાપો તેનો ઉછેર ખાસ રીતે કરે છે. એવું નથી કે મા-બાપ દીકરા-દીકરીના ઉછેરમાં પક્ષપાત કરે છે.

(17)ખોટી રીતે પૈસો કમાવીને પરિવારને મોજમજા કરાવવા કરતા પ્રમાણિકતાથી કમાણી કરીને ઘરના સભ્યોને ઈચ્છાઓ સાથે સમાધાન કરતા રાખવાથી લોહીમાં ગરમી ટકી રહે છે, જેનાથી અન્યાય સામે લડવાનું બળ મળી રહે છે. ભારતને આજે ગરમ લોહીવાળા લડવૈયાઓની સખત જરુર છે.

(18)દીપોત્સવી એટલે પાંચ ઉત્સવોનું સ્નેહસંમેલન: ધનતેરસ: સજ્જનોએ લક્ષ્મી કમાવવી અને સત્કાર્યાર્થ વાપરવી, કાળીચૌદશ: દુ:ષ્ટોનો, દુ:ષ્ટવૃત્તિનો વિનાશ કરવો, દિવાળી: વીતેલા વર્ષનું સરવૈયુ કરી કટુતા કાઢવાની અને પ્રેમ વધારવાનો, નવું વર્ષ: શુભ ચિંતન-શુભ સંકલ્પનો દિવસ ભાઈ બીજ: સ્ત્રીજાતને બહેન તરીકે જોવાનો અભ્યાસ કરવો.

(19)ઘરેડમાં જીવવા(ચીલે ચાલવા) ટેવાઈ ગયો એ ઘરડો. ‘આમાં કશું થઈ શકે નહિ’, ‘આમ જ જીવાય’, ‘આમ જ થાય’, નવી દિશા, નવો માર્ગ, નવો વિચાર વગેરે માટે જેણે જીવનનાં બારણાં બંધ કરી નાંખ્યા છે એ ઘરડો. આવો ઘરડો માત્ર બેંક-બેલેંસ સાચવીને બેઠો હોય છે. પરંતુ વૃદ્ધ એટલે વધેલો. જ્ઞાનમાં, અનુભવમાં, પ્રેમભાવમાં જે વૃદ્ધિ પામ્યો છે તે વૃદ્ધ. મિત્રોની સંખ્યામાં વધારો કરે તે વૃદ્ધ.

(20)ભારતના યુવાનો ફિલ્મી હિરો અને ક્રિકેટરોના દિવાના છે. તેઓ ભારતના રાજકીય હિત અંગે કેમ નિર્લેપ જણાય છે? કારણ કે ભારતના રાજકીય હિરો કાં તો નપુંસક છે અથવા તો ખખડી ગયેલા ડોસલાઓ છે. તેઓ આતંકવાદીઓ, કાશ્મીર-અલગતાવાદીઓ તેમજ વિદેશી સત્તાધીશોની છાતી પર ચડી બેસવાને બદલે તેઓને તાબે થઈ જવા અંદરોઅંદર હરિફાઈઓ કરે છે.

(21)પ્રારબ્ધને વશ થઈને માણસને બે-પાંચ લાખ રુપિયા ગુમાવવા પડે અથવા નાછુટકે માંદગી-કોર્ટ/કચેરી કે આબરુ બચાવવા પાછળ અઢળક રુપિયા ખર્ચવા પડે તો એ ખર્ચે છે પરંતુ સ્વેચ્છાએ કોઈ લાયક જરુરિયાતમંદને એ આગળ વધે એ માટે બે-પાંચ હજાર રુપિયા આપી શકતો નથી.

(22)પોતાના ગ્રુપના તમામ સભ્યોને એકસરખો પ્રેમ કરીએ છતાં પ્રત્યેકને એમ લાગે કે ‘મારા માટે એને ખાસ લાગણી છે’ – આ છે પ્રેમ કરવાની કળા.

(23)વિકાસ માટે જીવનમાં કોઈ બંધન સ્વીકારવું જ પડે છે. ઘડિયાળનો કાંટો કેન્દ્રનું બંધન સ્વીકારે છે તેથી સાચો સમય બતાવી શકે છે, નદી કિનારાનું બંધન માન્ય કરે છે તેથી તેનામાં વેગ આવે છે. વૃક્ષ જમીનનું બંધન માન્ય કરે છે તેથી તેના પર ફળ-ફુલ આવે છે, સીતારનો તાર ખીંટીનું બંધન માન્ય કરે છે તેથી સંગીત નિર્માણ થાય છે.

(24)નબળા વિદ્યાર્થીને શિક્ષક કહે છે, “ભણીશ નહિ તો ઢોરા ચારવાનો વખત આવશે.” તપોવનકાળમાં આત્મજ્ઞાન જેવી ટોચની વિદ્યાશાખાના વિદ્યાર્થીને ગાયો ચરાવવા મોકલાતો. વનમાં ઝરણા એને સંગીત પીરસતા, પંખીઓ એની સાથે ગીતો ગાતા, સૂર્યોદય અને સૂર્યાસ્ત એની આંખોમાં રંગોળી પૂરતા, પતંગિયા એને ચિત્રકામ શીખવાડતા. આત્મજ્ઞાન માટે અનિવાર્ય એવો અહમ અને મમતાનો ત્યાગ સહજ થઈ જતો. ગમે તેવો મોટો માણસ મરી જાય તોય રજા નહિ કે ધ્વજ અર્ધી કાઠીએ ફરકે નહિ.

(25)સાથે ફરતો સામાન્ય માણસ મહાન તરીકે પ્રસ્થાપિત થાય તો એનામા કોઈ ફરક થયો ન હોવા છતાં એના તરફ જોવાનો એની આસપાસના લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. લોકોને એનામાં રહેલી શક્તિઓ વિશે મોડેથી જાણ થાય છે. અતિ પરિચયાત/સામિપ્યાત અવજ્ઞા.

(26)ઘર આંગણે માગવા આવેલા ભિખારીના મુખમાંથી ક્યારેક આપણા જીવનની સળગતી સમસ્યાનો ઉકેલ ભગવાનની પ્રેરણાથી નીકળતો હોય છે, જેના માટે આપણે હજારો રુપિયા ખર્ચીને હજારો કિલોમીટર દુર કોઈ માનેલા બાપજી પાસે જતા હોઈએ છીએ. ખરેખર, સહેલાઈથી મળી જાય એવી બહુમુલ્ય બાબતની માણસને કોઈ કિંમત હોતી નથી.

(27)આજના યુગમાં માણસ જે વસ્તુ-વ્યક્તિ કે કામ માટે રુપિયા ખર્ચવા તૈયાર થઈ જાય છે, એ વસ્તુ-વ્યક્તિ કે કામ એ માણસની સૌથી વધુ ગમતી બાબત છે. રુપિયા ખર્ચવાના આવે ત્યારે માણસ આઘો-પાછો થાય તો એ બાબત એને મન અણગમતી છે એમ કહેવાય.

(28)ટી.વી. જોવાથી બાળકો બગડતા નથી. ઘરમાં સદગ્રંથનું વાચન થતું નથી તેથી બાળકો બગડે છે. ભોજન કરવાથી વાસણ ગંદા થવાના જ ! તેથી કંઈ ભોજન કરવાનું છોડી ન દેવાય. તેમ ટી.વી જોવાથી કે છાપા વાંચવાથી મન-બુદ્ધિ બગડતા હોય તો એ જોવા-વાંચવાનું બંધ ના કરાય. ગંદા થયેલા વાસણને જેમ ઊટકીને સાફ રાખીએ છીએ તેમ વ્યવહારમાં ડુબેલા મન-બુદ્ધિને પણ સદવિચારોના શ્રવણ-મનન-ચિંતનથી રોજ માંજીને ચકચકતા રાખવા પડે.

(29)પત્નીનું કામ કયું ? વાસણ-કપડા, કચરા-પોતા તો કામવાળી બહેન પણ કરી શકે. પત્નીનું કામ છે : પોતે પ્રસન્ન રહેવુ અને પતિને પ્રસન્ન રાખવો. પતિનું કામ કયું ? ધન કમાવવું અને પત્નીનું રક્ષણ-પોષણ કરવું. આ જ સફળ ગૃહસ્થાશ્રમનું રહસ્ય છે. પતિ પ્રસન્ન રહેવા બીજે ફાંફાં મારતો હોય અને પત્ની પોતાના રક્ષણ-પોષણ માટે બીજે નજર દોડાવતી હોય એવું ઘર પશુના ગોઠા જેવું ગણાય.

(30)પત્નીને ગમે એ રીતે એને પ્રેમ કરવો એ પતિને ગમતુ નથી (નિચોવાઈ જઈને રુપિયા કમાવવા ને પાણીની જેમ પત્નીને ખર્ચવા દેવા) અને પોતાને ગમે એ રીતે માત્ર વાણીથી કે સ્પર્શ વડે પતિ પ્રેમ કરે એ પત્નીને ગમતું નથી. પ્રેમ લાગણી ઉપરાંત સમજણ માંગે છે.

Advertisements

Comments on: "ચિંતનપુષ્પ-3" (5)

 1. ખુબ ચિંતનાત્મક લેખ

  ૨૮ સાથે સહમત નથી

  ટી.વી. જોવા માં જો વિવેક હોય તો કોઈ પ્રશ્ન નથી પણ વિવેક હોવુ બહુ દુર્લભ ઘટના છે

 2. ખૂબ સરસ સંકલન્ વાંચો,વિચારો,વર્તનમાં મૂકો.

 3. Dilipbhai Shah said:

  Thanks for the mail. EXCELLENT attempt. Congratulations.
  Not necessary that all would agree 100% to all the points.
  Expression is widly applicable to majority of people.
  Exceptions, ofcourse must be there.
  I would appreciate to get my email registered for FREE despatch of
  Chintan-Pushpa series regularly… ofcourse in GUJARATI only..
  My email id is
  aimscon@indiatimes.com
  If convenient, please send me first two chintan pushpa by mail.
  Thanks with regards
  Truly Yrs
  Dilipbhai Shah
  NAVSARI

 4. સરસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: