વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મારી પત્ની સ્નેહા લગ્નપૂર્વે નડિયાદમાં તેના માતાપિતાને ત્યાં હતી ત્યારે ’87ની સાલમાં 60% સાથે એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કર્યા બાદ પરિવારની ઈચ્છાને માન આપીને તેણે અભ્યાસ છોડી દીધો હતો. દસ વર્ષ બાદ 97ની સાલમાં એના લગ્ન મારી સાથે થયા. બીજા દસ વર્ષમાં બે બાળકોને જન્મ આપી, ઉછેરીને મોટા કરી, 2007ની સાલમાં એચ.એસ.સીની પરીક્ષા 60% સાથે પાસ કરીને ગ્રેજ્યુએશન કરવા માટે એણે કોલેજ જવાનું શરુ કર્યું. સ્નેહાના મિલનસાર સ્વભાવને કારણે પચ્ચીસ વિદ્યાર્થીનીઓનું સૌથી મોટું ગ્રુપ એણે બનાવી લીધું. એફ.વાય.માં ગ્રુપ ના બની જાય તો ત્રણેય વર્ષ છોકરીઓએ એકલા-એકલા ફરવું પડે. સારું ગ્રુપ બન્યાનું પરિણામ એ આવ્યું કે ગામડેથી તેમજ શહેરમાંથી આવનારી છોકરીઓ કોલેજ પર ભેગી થાય ને વર્ષમાં ત્રણ દિવસ: સ્નેહાના તેમજ અમારા બે બાળકોના જન્મદિવસે અમારા ઘરે આવે, આખો દિવસ રહે ને આનંદ કરે. લગ્નબાદ પણ સ્નેહાને ફુલટાઈમ કોલેજમાં અભ્યાસ કરવાનો લાભ મળતો હોવાથી અને શંકાથી પ્રેરાઈને એક પણ વાર કોલેજ જઈને મેં સ્નેહા વિશે તપાસ ન કરી હોવાથી તેની બહેનપણીઓ સ્નેહાની સાત્વિક ઈર્ષ્યા કરતી. સ્નેહાએ જરુરી કામે મને કોલેજ પર બોલાવ્યો હોવાથી કોઈવાર હું કોલેજ આવું ત્યારે સ્નેહાના ગ્રુપની ન હોય એવી છોકરીઓ, હું તેઓને ઓળખતો પણ ન હોવા છતાં દુરથી બુમો પાડીને સ્નેહા પર શંકા કરવાનું મન થાય એવી ખોટી વાતો મારા કાનમાં નાંખતી. સ્નેહા ઘરે આવે એટલે એનો ઉલ્લેખ કરીને અમે ખુબ હસતા. સ્નેહાના ગ્રુપની ઘણી છોકરીઓ સ્નેહાને પજવવા મને ફોન કરીને સ્નેહાના માલિકીભાવને લલકારતી. તો ઘણી છોકરીઓ મારા પ્રત્યે ‘જીજાજીની સાળી’ હોવાનો અધિકારભાવ પણ દાખવતી. શરુઆતમાં સ્નેહા, તેની બહેનપણીઓ સાથે તેણે કોલેજમાં કરેલી ચર્ચાઓ મને કહેવામાં ખચકાટ અનુભવતી. કદાચ કોઈ છોકરી મારી વધુ નજીક આવી જાય તો! પરંતુ મારા નિર્લેપ વર્તનથી સ્નેહાનો મારા પર વિશ્વાસ દૃઢ થવાને કારણે તેની ઘણી બહેનપણીઓ અમારા ઘરે ત્રણથી ચાર દિવસ રોકાવા પણ આવી શકતી.

મહિલાકોલેજના સંચાલકો સામાન્ય રીતે પરિણિત સ્ત્રીને પ્રવેશ આપતા નથી કારણ કે પરણેલી સ્ત્રીની એવી છાપ છે, કે તે નિયમિત વર્ગોમાં હાજરી આપી શકતી નથી ને પતિને કે સાસરીયાઓને આર્થિક સહકાર આપી શકાય એ માટે ડીગ્રી મેળવવાનો જ એનો હેતુ હોય છે. પરંતુ સ્નેહાએ કોલેજમાં તેમજ વર્ગોમાં સૌથી વધુ હાજરી આપીને, ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લઈને, ઈનામો જીતીને, સૌથી વધુ માર્ક્સ લાવીને તેના અધ્યાપકો સહિત અમારા સહુના દિલ જીતી લીધા. ‘કોલેજમાં અને વર્ગોમાં હાજરી આપીને’ એવું કહ્યું એનો અર્થ એ કે 60% છોકરીઓ કોલેજ આવે છે પરંતુ વર્ગમાં હાજરી આપતી નથી એ હકીકત છે. ઘરકામ ન કરવા ઈચ્છતી છોકરી લગ્ન પહેલા શક્ય એટલા જલસા કરી લેવા અભ્યાસના નામે કોઈને કોઈ કોલેજમાં એડમિશન મેળવીને ઘરમાંથી બહાર નીકળીને આઝાદીનો આનંદ માણતી હોય છે. કોલેજ જઈને આ છોકરીઓ વર્ગોમાં ન બેસતા કરે છે શું? એ કહેવાની જરુર નથી. ચૌદ વર્ષે માસિક આવતુ શરુ થયું હોય એવી સત્તર વર્ષની વય ધરાવતી ને ભડભડતો કામાગ્નિ ધરાવતી છોકરી, એને એકાંત મળે તો શું કરે? કાન વડે એ જાતીય સુખ માણે! એટલે કે આ વયની છોકરીને પુરુષના શબ્દો પણ કામસુખ આપતા હોય છે. મોબાઈલ ફોન હાથવગો હોય તો એનાથી ને નહિ તો ડબલામાં રુપિયાના સિક્કા નાંખીને કોઈને કોઈ બોયફ્રેંડ સાથે વાતો કરીને કામસુખ મેળવતી રહે. વાત આગળ વધે એટલે છોકરીનો બોયફ્રેંડ એને રુબરુ મળવા કોલેજ પર આવી ગયો હોય. ઘરેથી નીકળેલી વડોદરા શહેરના આસપાસના ગામડાની છોકરી એસ.ટી. ને સી.ટી. બસો બદલતી કોલેજ પર આવી જાય અને કોલેજનો સમય એ બહેનપણીઓ સાથે ને બોયફ્રેંડ સાથે વીતાવી નાંખે. કોલેજથી બોયફ્રેંડ સાથે પીક્ચર જોવા, બાગમાં બેસવા, નાસ્તો કરવા જાય ને એ રીતે છોકરી જિંદગીને પોતાની રીતે માણે.

પરીક્ષામાં તો ચોરી કરીને ચાલીસ ટકા આવી જાય એટલે બહુ થયું. લગ્નના માર્કેટમાં સારો મુરતીયો મેળવવા જરુરી એવી સ્નાતકની ડીગ્રી મેળવવી સહેલી છે. વળી ઘરેથી ઘણી મમ્મીઓએ મહત્વની સુચના આપી હોય, કે ‘કોઈ પણ છોકરો તને સારો લાગે તો એની સાથે ભાગી જઈને લગ્ન કરવામાં વાંધો નહિ. પપ્પા તેમજ ભાઈઓને તો હું સંભાળી લઈશ.’ આની પાછળ માતાની એવી ભાવના હોય કે દીકરી સારો છોકરો જોઈને જાતે લગ્ન કરી લે તો એને દહેજમાં કંઈ આપવું પડે નહિ ને લગ્નના ખોટા ખર્ચામાંથી પણ બચી જવાય એ મોટો લાભ. પછી દીકરાના લગ્ન તો ધામધુમથી કરી શકાય ને! છોકરી બિચારી પોતાના મા-બાપની પરિસ્થિતિ જોઈને તેઓને દિલથી સાચો સહકાર આપી રહી હોય છે ને એ માટે પોતાનો જીવનસાથી શોધવાનું કેટલું કપરું કામ કરવા એ તૈયાર થઈ જાય છે! કોઈ સામાજિક બંધનથી બંધાયેલો ન હોવાથી પસંદ કરેલો છોકરો, છોકરી સાથે મન ફાવે તેવું વર્તન કરી શકે તેમ હોય છે. એને માત્ર ને માત્ર પોતાના પ્રેમના બળે છોકરીએ પોતાની સાથે જોડી રાખવાનો હોય છે. વળી એ છોકરાના માબાપ લગ્નના માર્કેટમાં પોતાના છોકરાને વટાવી ન શક્યા હોવાથી પોતે છેતરાયા હોવાની તીવ્ર લાગણી અનુભવતા હોવાથી તેઓનો દુર્વ્યવહાર પણ એ ઘરની વહુ બનેલી છોકરીએ સહન કરવાનો આવે છે. બધા જ માબાપ આવા કારણોથી દીકરીને કોલેજ ભણવા મોકલે છે એવું નથી. ઘણી વાર એવું પણ બને કે કોલેજ આગળથી અનાયાસ પસાર થતાં પોતાની દીકરીને કોઈ છોકરા સાથે જોઈ જાય તો માબાપ પહેલા છોકરાની બરાબર ધોલાઈ કરે ત્યારબાદ કોલેજ પર આવીને કોલેજના સ્ટાફ, આચાર્યશ્રી તેમજ અન્ય વિદ્યાર્થીનીઓ સમક્ષ પોતાની દીકરીને ફટકારે. સજ્જન તેમજ અત્યંત મૃદુ એવા આચાર્યે પણ માબાપની ઈચ્છાને માન આપીને એ છોકરીને થોડી ધોલધપાટ કરવી પડે. વર્ષમાં પાંચ વાર આવા કિસ્સા બને ખરાં!

સ્નેહાના ગ્રુપમાં એક મુસ્લિમ બહેનપણી પણ હતી. તસ્લીમાને બાજુમાં રહેતા હિન્દુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો. છોકરીના માબાપને જાણ થઈ એટલે છોકરાને જાહેરમાં માર્યો હોવાથી બન્નેએ એકબીજાને મળવાનું બંધ કરી દીધું હતું. પરંતુ છોકરાએ આપેલું ગુલાબી ટી-શર્ટ ખાસ દિવસે કોલેજ પર આવીને તસ્લીમા જરુર પહેરતી. જીંસ પેંટ પહેરીને ફોટા પણ પડાવતી. સ્નેહા અને મારા બાળકોના જન્મદિવસે ઘરે આવીને ઉજવણીમાં જોડાતી બહેનપણીઓની અંગતતા ભંગ ન થાય એ માટે આખા દિવસ દરમિયાન ઘરનો કે આસપાસનો કોઈ પુરુષ અડચણરુપ ન બનતો હોવાથી તસ્લીમાને મહદ આશ્ચર્ય થતું. કોલેજ વિશે નવાઈ લાગે તેવી વાત એ છે કે નિમ્ન-મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ આવતી હોવા છતાં હજાર રુપિયા જેટલું ભાડું થાય એવા પ્રવાસનું આયોજન કોલેજ તરફથી થતું ને માત્ર પચાસની સંખ્યા થતી હોવાથી એક બસ કરીને બે રાત્રી-ત્રણ દિવસના પ્રવાસે એક પણ લેડી લેક્ચરર ન આવે તો પણ બે-ત્રણ પુરુષ અધ્યાપકોની સાથે જઈને છોકરીઓ સારી રીતે પરત આવતી. પુરુષ અધ્યાપકોની આંખની કડપ માત્રથી છોકરીઓ સીધી ચાલતી. શાળાના સંચાલકો પણ આઠથી બારમા ધોરણના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે રાત્રીરોકાણવાળા પ્રવાસોનું આયોજન કરવાનું જોખમ લેતા નથી ત્યારે કોલેજમાં આવું આયોજન નિર્વિઘ્ને પાર પડે એ સારી વાત કહેવાય.

મહિલા કોલેજની છોકરીઓ પોતાની તકલીફો વિશે લેડી અધ્યાપકને વાત કરતા ખચકાટ અનુભવે છે જ્યારે સ્નેહા તેઓની સાથે જ એક વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કરતી હોવાથી આ છોકરીઓ સ્નેહાને ‘દીદી’ કહીને બોલાવતી ને પોતાના દિલની બધી જ વાતો છુટથી કરતી. આ છોકરીઓ, શરીરસુખનો અનુભવ ન કર્યો હોવાથી સ્નેહાદીદીના બે મજાના બાળકોને જોઈને ઉત્તેજીત થઈ જતી ને હિમાલય કુદી જવા જેટલું માનસિક બળ કરવા છતાં પણ સ્નેહાને તેના લગ્નજીવનના અંગત અનુભવો વિશે પુછવાની હિંમત ન કરી શકતી. હા, એ છોકરીઓ પોતાની તમામ મુંઝવણો વિશે સ્નેહા સાથે ચર્ચા જરુર કરતી ને તેઓના બોયફ્રેંડ અજુગતી માગણી કરે તો શું કરવું એ અંગે સ્નેહાદીદીની સલાહ અચુક લેતી. કોઈ છોકરાએ લાંબો સમય મૈત્રી રાખીને પછી એ છોકરીને છોડી દીધી હોય. કોઈ છોકરો એસ.એસ.સી.માં સાથે ભણતો હોય ત્યારથી એ છોકરી પાછળ ખર્ચા કરી રહ્યો હોય ને હવે જાતીયસુખની માગણી કરી રહ્યો હોય તો શું કરવું? કોઈ કોઈ છોકરી તો એટલી બોલ્ડ હોય કે જાતીયસુખ માણ્યા બાદ પોતાને ગર્ભ ન રહે એ માટેના સરળ ઉપાયો વિશે સ્નેહાને બેધડક પુછતી. છોકરાઓથી દુર રહે એ માટે ભારતીય માતા પોતાની દીકરીઓને જાતીયતા વિશે અણઘડ સમજણ આપતા કહેતી હોય છે, કે ‘છોકરા સાથે વાત કરવાથી’ કે ‘છોકરો ચુંબન કરે’ તો ગર્ભ રહી જાય છે. આ અંગે સત્ય જાણવા પણ છોકરીઓ સ્નેહાને પુછતી હોય. આ તો 60% વર્ગ ન ભરતી છોકરીઓની વાતો થઈ, જે સ્નેહા સાથે સપ્તાહમાં અપલઝલપ વાતો કરવા આવતી હોય. બાકીની 40% અભ્યાસુ છોકરીઓ કે જે દરરોજ બારથી ચાર સ્નેહાની સાથે વર્ગોમાં હાજરી આપતી હોવાથી ને એ છોકરીઓનો ચર્ચાનો વિષય અભ્યાસના વિષયો હોવાથી એની ચર્ચા અહિં કરતો નથી.

તેમ છતાં સ્નેહાના ગ્રુપમાં ભુલથી આવી ગયેલી ને પોતાની હરકતોના કારણે ગ્રુપમાં સૌની અળખામણી બની ગયેલી એક છોકરી ‘માલતી’ની વાત આ પ્રમાણે છે: આ છોકરીના કોઈ સંસ્થાના અધિકારી પિતા લાખોપતિ હોવાથી જરુર ન હોવા છતાં પુરુષનો સંગ મળે એ માટે એ નોકરી કરતી. માલતીની ચાલચલગત પર નજર રાખવા તેની માતા પોતાના સાત વર્ષના દીકરાનો(માલતીના ભાઈનો) ઉપયોગ કરતી. કેવું વિચિત્ર! યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવાના ઈરાદાથી માલતીએ નોકરી છોડી દીધી તો એ પુરુષ ફોન કરીને માલતીને પજવવા લાગ્યો. અવારનવાર કોલેજ પર આવીને અજુગતી માગણી કરવા લાગ્યો. સ્નેહાના ગ્રુપની એક છોકરી હેમાલી, જે સામાન્ય દેખાવની હોવા છતાં નજરમાત્રની કરડાકીથી કોઈ પણ છોકરાને ડરાવીને ભગાડી શકતી. એકવાર આ છોકરો કોલેજ પર આવ્યો ને હેમાલીએ એના આવવાનું કારણ પુછતા છોકરાએ, ‘જરુરી ચર્ચા કરવા માટે આવ્યો’ હોવાનું જણાવ્યું એટલે બાજી સંભાળી લેતા હેમાલીએ કહી દીધું, કે ‘સાંજે તારા ઘરે તારી પત્ની અને બાળકોની હાજરીમાં માલતી અને હું જરુરી ચર્ચા કરવા આવવાના છીએ.’ ત્યારબાદ એ છોકરો કોલેજ પર ફરી ક્યારેય દેખાયો નહિ.

કેન્દ્રિય પ્રધાનના દીકરાની પત્ની નેહાએ પણ સ્નેહાની સાથે જ કોલેજમાં એડમિશન લીધું હતું. ત્યારે નેહાને છ માસની દીકરી હતી. શોફરડ્રીવન વૈભવી કારમાં નેહા ક્યારેક પોતાની દીકરીને સાથે લઈને તેમજ પિયરથી સાથે આવેલી એક બહેનપણીને સાથે લઈને કોલેજ પર આવતી. અંગપ્રદર્શન કરનારા તેમજ ફેશનેબલ એવા લેટેસ્ટ કપડાં પહેરીને કોલેજની સામાન્ય સ્થિતિની છોકરીઓ પર રુઆબ પાડીને મજા લુંટવાનું એ ચુકતી નહિ. રીસેસમાં કોલેજની બહેનપણીઓને સાથે લઈને વૈભવી સ્ટોરમાં જઈને પંદર મિનિટમાં દસ-બાર હજારના એક એવા બે-ત્રણ ડ્રેસીસ ખરીદીને અને ફુલ્લી એરકંડીશંડ રેસ્ટોરંટમાં પાંચસો રુપિયા સુધીનો નાસ્તો કરાવીને નેહા કોલેજ પરત આવી જતી. મારા માટે એ ગર્વની બાબત હતી, કે મેં કોઈ સુચના ન આપી હોવા છતાં ને ત્રણ વર્ષમાં અનેક વાર નેહાએ ફોન કરીને સ્નેહા પાસેથી પરીક્ષાનું માર્ગદર્શન તેમજ પરીક્ષાની સામગ્રી મેળવી હોવા છતાં એક પણ વાર એની સાથે ગાડીમાં બેસીને સ્નેહા ક્યાંય ફરવા ગઈ ન હતી. ઉલટાનું સ્નેહાની કોઈ બહેનપણી સ્નેહાને નેહા સાથે આવવા આગ્રહ કરતી તો સ્નેહા આ પ્રકારની મૈત્રીના ભયસ્થાનો બતાવતી. છેક છેલ્લા વર્ષમાં સ્નેહાના ગ્રુપની એક સામાન્ય છોકરી પ્રાંજલ નેહાની અંતેવાસી(અત્યંત નિકટ) થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ પ્રાંજલ વર્ગમાં હાજરી આપતી બંધ થઈ ગઈ હતી એટલું જ નહિ, પરંતુ કસમયે કોલેજ તરફ આવેલી પ્રાંજલ ચાર રસ્તે ઉભેલી, ગભરાયેલી, સુનમુન, ક્યારેક રડમસ ચહેરો ધરાવતી જોવા મળતી તો એકવાર જાહેરમાર્ગ પર રડતા-રડતા, નેહા સાથે પ્રાંજલને રેસ્ટોરંટમાં જતી સ્નેહાએ જોઈ હતી. અંદરકી બાત કૌન જાને? નેહાનો પ્રધાનપુત્ર પતિ પોતાની કાર પર ગેરકાયદેસર લાલ લાઈટ લગાડીને ફરવા બદલ તેમજ પોલીસ ઈંસ્પેક્ટરને ધક્કો મારીને ગેરવર્તન કરવા બદલ બે વખત અટકાયત પામ્યો હતો. જો કે એની સાથે પ્રાંજલના ભેદી વર્તનને કંઈ લેવાદેવા ન જ હોય!

શહેર કે ગામડેથી આવનારી તમામ છોકરીઓ પાસે પર્સમાં રુપિયા ના હોય. આવવા-જવા માટે બસ પાસ હોય ને ‘દીકરીને ભુખ લાગશે’ એવી ચિંતા કરીને એની મા પાસે દીકરી માટે નાસ્તો તૈયાર કરવાનો સમય કે રુપિયા હોય નહિ તેથી ખાવા માટે ખર્ચ કરવા પણ માબાપ કંઈ આપે નહિ. હા, દીકરી કંઈ કમાવીને લાવવાની હોય તો વાત જુદી છે. સવારે ઘરેથી નીકળીને સાંજે ઘરે જનારી છોકરી ભુખી રહીને કેવી રીતે આખો દિવસ પસાર કરી શકે? પાસે મોબાઈલ ફોન હોય પણ બેલેંસ ના હોય એવી છોકરી રુપિયા માટે ને ભુખ સંતોષવા માટે કોઈ છોકરાને ના શોધે તો જ નવાઈ! જો કે સ્નેહાને આ વાતની ખબર હોવાથી દરરોજ કંઈને કંઈ નાસ્તો તેની બહેનપણીઓ માટે લઈ જતી. અમારા ઘરે બદામનું ઝાડ હતું. વહેલી સવારે જમીન પર પડેલી બસો જેટલી બદામ વીણીને સ્નેહા એની બહેનપણીઓ માટે લઈ જતી. ‘એક રુપિયાની એક’ના ભાવે બજારમાં મળતી ત્રણ-ચાર બદામ સ્નેહા પાસેથી ફ્રીમાં મળે એટલે ખુશ થઈને એ છોકરીઓ સ્નેહાને વળગી પડતી. અધ્યાપકો આ છોકરીઓને એક જ વાત કરતા રહેતા હોય, કે ‘છોકરીઓએ ભણવામાં ધ્યાન આપવું જોઈએ.’ પરંતુ એ છોકરીઓની ખરી સમસ્યાઓ તરફ જોવાની દૃષ્ટિ, એ માટેનો સમય પણ તેઓ પાસે હોવો જોઈએ ને! કોઈની પીઠ પર આગ લાગી હોય તો પહેલા એ આગ ઠારવી જોઈએ કે એને શાંતિ જાળવવાની સલાહ આપવી જોઈએ? કામપીડાથી દાઝેલી છોકરીઓને લગ્નસુખથી વંચિત રાખીને અભ્યાસ કરવાનું કહેવું એ બહુ મોટું પાપ છે.

એકવાર બન્યું એવું કે કોલેજના સંચાલક વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા. તેઓની જગ્યાએ તેમના દીકરાઓ ટ્રસ્ટી બન્યા. પિતાના ટ્રસ્ટીપણા હેઠળ બે હજાર છોકરીઓ મફત શિક્ષણ લઈ રહી છે એ વાત દીકરાઓને યોગ્ય ન લાગતી. પિતાના ગુજરી જવાથી દીકરાઓએ નવી સેલ્ફફાયનાંસ કોલેજ શરુ કરવાનો વિચાર કર્યો. આ માટે તેઓએ કોલેજના આચાર્યને ચાલુ કોલેજ બીજે ખસેડવાની સુચના આપી દીધી. એટલું જ નહિ, તેઓ જલ્દીથી જગ્યા છોડીને ચાલ્યા જાય એ માટે અનેક રીતે તેઓની પજવણીઓ પણ શરુ કરી દીધી. જેમ કે કોઈ છોકરીને સમય પહેલા કોલેજના મકાનમાં પ્રવેશ ન આપવો, કોઈ વર્ગોમાં સાફસફાઈ માટે સફાઈ કામદારોને ન મોકલવા, માત્ર એક કે બે ઓરડામાં કોલેજના તમામ વર્ગો ચલાવવાની ફરજ પાડવી, છોકરીઓને પીવાનું પાણી કે બાથરુમની સગવડ સુદ્ધાં ન આપવી વગેરે. કોલેજના મજબુર આચાર્ય છોકરીઓને પાણીની બોટલ સાથે લાવવાનું કહે પરંતુ બાર કલાક ચાલે એવી પાણીની બોટલ છોકરીઓ પોતાની સાથે કેવી રીતે રાખી શકે?

સંચાલકોને એક નવું મકાન બંધાઈ રહ્યું હોવાની તેમજ ઝડપથી ત્યાં શીફ્ટ થઈ જવાની ખાતરી આચાર્યશ્રી આપ્યા કરતા હોવા છતાં સંચાલકો તરફથી થતી કનડગતમાં કોઈ ઘટાડો થતો નહિ. કેમ્પસમાં બાજુના બિલ્ડિંગમાં ચાલતી કોલેજની છોકરીઓને પણ આ છોકરીઓને રંજાડવાની સુચના આપી દીધી હોય એમ લાગે. કારણ કે આ છોકરીઓ કોલેજમાં બોટલમાં પાણી ભરવા જતી તો બાજુની કોલેજની છોકરીઓ તેઓને એમ ન કરવા દેતી. આજે કોલેજ અન્યત્ર લઈ જવાની વાતને બે વર્ષ થઈ ગયા હોવા છતાં આચાર્યશ્રીની નમ્રતા, તેઓની સંચાલકો સાથે વ્યવહાર કરવાની સુઝબુઝ, છોકરીઓને કષ્ટ પડતું હોવા છતાં તેઓના વિદ્રોહને શમાવી રાખવાની કળા વગેરેના કારણે સંસ્થા એ જ કેમ્પસમાં ને એ જ બિલ્ડિંગમાં સેલ્ફફાયનાંસ થયા વિના આજે પણ હેમખેમ ચાલી રહી છે. એક વાત નક્કી છે કે શિક્ષણ સસ્તું હોય તો એનો લાભ આર્થિક દૃષ્ટિએ નબળા પરિવારોની ઘણી છોકરીઓને મળતો રહે છે. આવી સંસ્થાઓ સેલ્ફફાયનાંસ થયા વિના ચાલે એમ સંપન્ન લોકોએ જોવું રહ્યું.

સંસ્થાને કે તેની વિદ્યાર્થીનીને અન્યાય થઈ ન જાય એ હેતુથી આ લેખમાં પાત્રોના નામ બદલ્યા છે. હું લગ્નસંસ્થાનો હિમાયતી તેમજ લેટમેરેજનો વિરોધી હોવાથી, શિક્ષણ લેનારી ને એ કારણે મોડા લગ્ન કરનારી આધુનિક યુવતીઓના જીવનમાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે અને સમાજે એના ગંભીર પરિણામો ભોગવવા પડે છે એ દર્શાવવા તેઓના અંગત જીવનની ચર્ચા અહિં કરી છે, કોઈ વિકૃત મનોરંજન માટે નહિ.

Advertisements

Comments on: "મહિલાકોલેજ" (3)

  1. anand r mohite said:

    i like this and i always thankful to you for this

  2. “આચાર્યશ્રીની નમ્રતા, તેઓની સંચાલકો સાથે વ્યવહાર કરવાની સુઝબુઝ, છોકરીઓને કષ્ટ પડતું હોવા છતાં તેઓના વિદ્રોહને શમાવી રાખવાની કળા વગેરેના કારણે સંસ્થા એ જ કેમ્પસમાં ને એ જ બિલ્ડિંગમાં સેલ્ફફાયનાંસ થયા વિના આજે પણ હેમખેમ ચાલી રહી છે. એક વાત નક્કી છે કે શિક્ષણ સસ્તું હોય તો એનો લાભ આર્થિક દૃષ્ટિએ નબળા પરિવારોની ઘણી છોકરીઓને મળતો રહે છે. આવી સંસ્થાઓ સેલ્ફફાયનાંસ થયા વિના ચાલે એમ સંપન્ન લોકોએ જોવું રહ્યું…”
    આ પ્રેરણાત્મક વાત ગમી તે અંગે યોગ્ય થાય તેવા પ્રયત્નો કરવા રહ્યા

  3. navin shah said:

    ખુબજ સરસ !!!! વાઁચવાનેી બહુ મજા આવેી. ઘણુઁ બધુ જાણવા મળ્યુ. આભાર .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: