વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રભુ માળી બનીને મારા મસ્તિષ્કરુપી બગીચામાં આવા ચિંતનપુષ્પો ખિલવે છે:

(1)શરીરસંબંધ વખતે સ્ત્રી પુરુષના હોર્મોન સ્વીકારતી હોવાથી જીવનમાં આવેલો પ્રથમ પુરુષ એના શરીરમાં તેમજ મનમાં આજીવન રહેતો હોય છે. આથી બીજા પુરુષ સાથેના સંબંધથી તે સ્ત્રીમાં તેમજ તે પુરુષથી થનારા સંતાનોમાં વિકૃતિ, ગુનાઈત માનસિકતા જન્મતી હોવાથી ભારતીય સંસ્કૃતિ વિધવાવિવાહ તેમજ છુટાછેડા વર્જ્ય ગણે છે.

(2)જેમ માટીમાંથી માટલું બને છે તેમ ભોજનથી મન બને છે. ભુખ્યા પેટે આપણું મન ક્યાંયે લાગશે નહિ. ભોજન તૈયાર કરતી વખતે બહેનો મન પ્રસન્ન રાખી સરસ મજાના ગીતો ગાતી હોવાથી એના તરંગો અન્નમાં ભળતા રહે છે. બહારથી ત્રાસી-કંટાળીને ઘરે આવેલો પતિ આવું અન્ન જમે તો અન્ય કોઈ પ્રયત્ન વિના જ એના મનનો ત્રાસ દૂર થઈ જાય.

(3)શ્રીમદ ભગવદ ગીતાના ચારેય પાત્રો જબરા સંસારી છે: ધૃતરાષ્ટ્રને સો દીકરા, કૃષ્ણને આઠ પત્ની, અર્જુનને બે + અનેક પત્નીઓ, એ જમાનામાં સંજય પાસે દુરદર્શન હતું. છતાં કહેવાય છે, ગીતા સન્યાસીઓ માટે છે. ‘જ્યારે દાઢી થઈ ધોળી, ત્યારે ઘરમાંથી ગીતા ખોળી.’

(4)સુધરેલો કે બગડેલો કાળ એ માનસિકતા છે, વાસ્તવિકતા નહિ. ભરી સભામાં ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠીરની પત્ની અને રાજરાણી દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે પણ આજની જેમ જ એક પણ સજ્જને વિરોધ નોંધાવ્યો નથી. આજે સંસદમાં પણ આ પ્રકારની ઘટના બની શકે છે.

(5)પુંજિકસ્થલા નામની અપ્સરા પર રાવણે બળાત્કાર કર્યા બાદ એને બ્રહ્માજીનો શાપ હતો કે સ્ત્રીની સંમતિ વિના એની સાથે શરીર-સંબંધ કરશે તો રાવણનું તત્કાળ મૃત્યુ થશે. આથી ડરપોક રાવણ સીધો ચાલતો હતો.

(6)ઋષિમુનિ તેમજ આચાર્યોએ સાહિત્ય સર્જન કરીને સ્મૃતિગ્રંથો, પુરાણો, દર્શનશાસ્ત્રો, મહાકાવ્યો, મહાનાટ્યો તેમજ ભાષ્યો આપ્યા છે, જેનો રસ-સુગંધ હજારો વર્ષો બાદ આજે પણ તાજગીદાયક છે. બુદ્ધિના દેવ ગણેશ સુદ્ધાં વેદવ્યાસના લહિયા (ડિક્ટેશન લેનાર) ગણાતા અને સર્જક બનવાનું સાહસ કરતા પહેલા વિચારતા હતા. આજે તો . . .

(7)ભારતીય પરંપરામાં જેણે ઘણું સાંભળ્યું છે એ – बहुश्रुत (well listener) વિદ્વાન ગણાય છે. જ્યારે પશ્ચિમની પરંપરામાં જેણે ઘણું વાંચ્યું છે એ – well read જ્ઞાની ગણાય છે. આપણે ત્યાં નોટબુક – ચોપડી ન હતી. ગુરુ બોલે અને શિષ્ય સાંભળે. એક વાર સાંભળવાથી યાદ રહી જતું હોય એવો શિષ્ય ગુરુ પાસેથી જ્ઞાન મેળવી લે. પછી એ શિષ્ય બોલે એટલે બે વાર સાંભળતા યાદ રહી જાય એવા શિષ્યોને પણ આવડી જાય.

(8)પુરુષ દાદાગીરીથી ધાર્યુ કરાવે છે જ્યારે સ્ત્રી રીસાઈને ધાર્યુ કરાવે છે. તમને એના પર કેટલો પ્રેમ છે, એ ચકાસવા સ્ત્રી રીસાય છે. તમે એની જીદ ભલે પુરી ન કરો પણ એને મનાવવા કેટલા મથો છો એ પરથી તમારા એના પ્રત્યેના પ્રેમનું એ માપ કાઢે છે.

(9)શરીરને કાર્ય કરવાની શક્તિ મળી રહે એ માટે ખાવું જોઈએ તેને બદલે આપણે સ્વાદ માણવા માટે ખાવાનું શરુ કર્યું તેથી શરીરની ભુખનું રુપાંતર માનસિક ભુખમાં થઈ ગયું. આનું પરિણામ એ આવ્યું કે હવે આપણને ખબર જ નથી પડતી કે આપણને લાગેલી ભુખ શારિરીક છે કે માનસિક.

(10)સોક્રેટીસ કહે છે: માણસ ગુનો કરે છે અને જો એ જાણે છે કે ‘પોતે ગુનો કરી રહ્યો છે’ તો એ ઓછો ગુનેગાર છે. કારણ કે ભવિષ્યમાં એ સુધરે એવી શક્યતા છે. પરંતુ જો એ જાણતો જ નથી કે એ ગુનો કરી રહ્યો છે તો એ વધુ ગુનેગાર છે કારણ કે એની સુધરવાની શક્યતા જ નથી. આતંકવાદીને લાગવું તો જોઈએ ને કે પોતે ધર્મયોદ્ધો નહિ પણ દુ:ષ્ટ છે.

(11)સોક્રેટીસ કહે છે: જ્ઞાન એ સદગુણ છે અને સદગુણ એ જ્ઞાન છે – knowledge is virtue & virtue is knowledge. એટલે કે (1)સારો વિચાર આચારમાં ન આવે તો તેનો કોઈ અર્થ નથી અને (2) આચરણમાં જે કંઈ સારુ છે એ, એમ ને એમ જ નહિ પણ સમજીને વર્તતા હોઈએ એ અગત્યનું છે.

(12)ગાંડા હાથીને દોડતો આવતો જોઈને શંકરાચાર્ય દોડીને સાંકડી ગલીમાં આવેલા મકાનના ઓટલા પર ચડી ગયા. એ જોઈને કોઈએ કહ્યું, “કેમ પંડીતજી, તમે તો કહેતા હતા ને, કે જગત ખોટું છે. તો પછી ભાગ્યા કેમ?” શંકરાચાર્ય કહે, “જગત ખોટું છે તો મારું ભાગવાનું પણ ખોટું જ છે ને ! गजः अपि मिथ्या पलायनं अपि मिथ्या.

(13)જીવનવિકાસ માટે ‘સ્વ’ ને નમ્ર રાખવા પોતાના સદગુણો તરફ ‘ટેલીસ્કોપીક વ્યુ’ થી તો ક્યારેક દોષદર્શન કરી લેવા ‘માઈક્રોસ્કોપીક વ્યુ’ થી જોવું જોઈએ.

(14)સોક્રેટીસ કહે છે : “હું અજ્ઞાની છું.” એથેંસના નગરજનોએ કહ્યું, “એથેંસની દેવીએ આપને સૌથી વધુ જ્ઞાની ગણાવ્યા તેનું શું?” તો સોક્રેટીસ કહે, “મને મારા અજ્ઞાનનું જ્ઞાન છે – એ અર્થમાં હું જ્ઞાની છું.”

(15)મુર્ખાઓ કદી એકબીજાનો સાથ છોડતા નથી અને બે બુદ્ધિશાળી કદી એક થઈને રહી શકતા નથી.

(16)બાળપણ ગુમાવીને યુવાન બનીએ એનો કોઈ અર્થ નથી. બાળપણ આજીવન સચવાઈ રહેવું જોઈએ. યાદોમાં નહિ પણ વર્તનમાં. બાળપણ એટલે નિર્દોષતા, નિખાલસતા, સરળતા, વિસ્મયતા વગેરે. આ ગુણો સચવાય એટલે બાળપણ સચવાયું કહેવાય. વય પ્રમાણે આપણું વિસ્મયજગત બદલાઈ શકે પરંતુ વિસ્મયતા આજીવન સચવાવી જોઈએ.

(17)સરહદ પર હંમેશા વિવાદ હોવાનો જ, પછી એ દેશની હોય કે મકાનની ! ભારતની કોર્ટ્સમાં 90% કેસો સ્થાવર મિલકતની સરહદને લગતા છે. પાડોશીને એક ઈંચ જગ્યા વધુ ન મળે એ માટે હજારો રુપિયા ને સેંકડો કલાકો વહાવી નાંખનાર નાગરિક, દેશની હજારો કિલોમીટર લાંબી જમીન સરહદો પાડોશી દેશો પડાવી રહ્યા છે, પચાવી ચુક્યા છે, છતાં શાંતિથી બેઠો છે. દેશભક્તિ આવી હોય?

(18)કોઇપણ જાતની શિક્ષા લીધા વિના સૃષ્ટિનો પ્રત્યેક જીવ પોતાની ભૌતિક જરુરિયાતો પુરી કરી રહ્યો છે ત્યારે માત્ર અર્થોપાર્જન માટે માણસ સત્તર-સત્તર વર્ષ શિક્ષણ લેતો રહે – એ શું એના માટે શરમની વાત નથી?

(19)ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા. અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે : ते हि नो दिवसा: गता: ભુતકાળના સુખી દિવસો ચાલ્યા ગયા . . .

(20)ભગવાનને આવવાનું પહેલું કારણ परित्राणाय साधुनाम છે. એટલે કે
પ્રભુ કહે છે : “રાવણો તો ઘેર-ઘેર છે પરંતુ
એ રાવણોને મારવા કોઈ સામો તો થાય !
અન્યાય સામે ખપી જવા જે લડવૈયો થાય,
જોઉં છું એનો કોઈ વાળ વાંકો તો થાય !”

(21)મેં કહ્યું, “આપણા આશ્રિતો વેલસેટ થાય એનું ધ્યાન રાખવું જોઈએ.” એક વડીલ આક્રમક થઈ ગયા, “કોઈને આપણા આશ્રિત શામાટે ગણવાના? તેઓ પણ માણસ જ છે.” ‘સમતા’નો વિચાર સારો છે પરંતુ વ્યવહારભેદ અનિવાર્ય છે. નોકરને બાજુમાં બેસાડી, એના ખભે હાથ મુકીને આપણે ટી.વી. નથી જોતા. ભણેલા નોકરિયાત માણસે પણ, પોતે શેઠનો આશ્રિત છે – એમ કબુલવું જોઈએ. નહિ તો રાવણમાં ને આપણામાં શું ફર્ક?

(22)જેમ-જેમ માણસો એકબીજાની નજીક આવે તેમ-તેમ પરસ્પરના દોષો વિશે ખબર પડતી જાય છે, જે જાણ્યા પછી એકબીજા પરનો ભાવ ઘટી જાય છે. આ ભાવ કેમ ટકાવવો એ એક કળા છે. એનાથી આપણે અંદરથી ભર્યા-ભર્યા, સમૃદ્ધ રહીએ છીએ. ભાવ ચાલ્યા ગયા પછી માણસ લુખ્ખો થઈ જાય છે. અંદર વહેતું આનંદનું ઝરણું સુકાઈ ગયા પછી જીવવાનો શું અર્થ?

(23)સ્ટાફરુમમાં ટેમ્પરરી શિક્ષક દલીલ કરે, કે તે પરમેનેંટ શિક્ષક જેટલું જ કામ કરતો હોવાથી બન્નેને એકસરખું માન મળવું જોઈએ. પણ બજારમાં મોચીને રુપિયા ચુકવવાના થાય ત્યારે ચાલાકી કરતા કહે, “સાહેબ કરતા મારો પગાર બહુ ઓછો છે. મારી પાસે ઓછા પૈસા લેજે.” જો માન બન્નેને સરખું તો એના જે રુપિયા ચુકવવાના થાય છે એ પણ સરખા કેમ નહિ? છે ને ડબલ સ્ટાંડર્ડ !

(24)કંપનીના કામે ગયેલા સાહેબ બિલમાં બે-પાંચ હજાર રુપિયા ખોટી રીતે ઉમેરીને બિલ પાસ કરાવી લે. પરંતુ એમની સાથે એસ.ટી. બસનો કંડક્ટર ‘છુટ્ટા નથી’ કહીને બે-પાંચ રુપિયા પડાવી લેવાની કોશિશ કરે કે રીક્ષાવાળો મીટરને ફાસ્ટ ભગાવીને દોઢુ ભાડુ માંગવાની ચાલાકી કરતો જોવા મળે તો સિદ્ધાંતનો મામલો ગણીને એ જ સાહેબ મરવા-મારવા પર ઉતરી આવે.

(25)નોકર હોય ત્યારે માણસ વિચારે: ‘સવારથી રાત સુધી કામ કરીને તુટી જાઉં છું છતાં શેઠના દિલમાં મારા માટે દયાનો છાંટો પણ નથી.’ એ જ નોકર શેઠ બને ત્યારે વિચારે: ‘જરા પણ લાગણી બતાવીશ તો નોકરના નખરાં વધી જશે. માટે એના પ્રત્યે સહેજ પણ દયા બતાવીશ નહિ.’

Advertisements

Comments on: "ચિંતનપુષ્પ-2" (8)

 1. સુંદર વાતો કહી છે. આભાર !

 2. સરસ વિચારનું સંકલન

 3. manoj patel said:

  .સરસ વિચારનું સંકલ સરસ આભાર !

 4. સુંદર વાતો કહી છે

 5. સરસ અને ગ્યાન નું સંકલન કર્યું છે. કોઈ વાર ઉપયોગમાં લઈ શકાય એવું ભાથું છે.

 6. dhanesh parekh said:

  થન્ક્સ થિસ ઇસ ગોૂદ થોથ્સ્.

 7. આ ચિન્તનમાત્ર પુસ્પો જ નથિ આ તો ચિન્તન નો ગુલ્દસ્તો છે.

 8. jagdish joshi said:

  સુદર વિચારો વાચ્વા મ લ્યા જિન્દ્દ ગિ મા શિખ્વા અને વિચાર્વા જેવુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: