વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ગ્રીસ દેશના એથેંસ નામના નગરમાં સોક્રેટીસ એક એવા મહામાનવ થઇ ગયા જેને પરમાત્માના અંશાવતાર કહી શકાય. પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જ નહિ પરંતુ માનવજીવનને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં મહાન એવા પ્લેટો અને એરિસ્ટોટલ એ સોક્રેટીસનું સર્જન છે. પ્લેટો કહે છે કે સોક્રેટીસના સંપર્ક માત્રથી પોતાના જીવનનું રૂદન સમાપ્ત થઇ ગયું. પ્લેટોએ લખેલા તમામ નાટકો, જેમાં જીવનને કરૂણતાની દૃષ્ટિએ જોવામાં આવ્યું છે, એને પોતે સળગાવી નાખ્યાં. શેક્સપિયર સોક્રેટીસના સંપર્કમાં આવ્યા હોત તો આપણને શેકસપિઅર જુદા જ અંદાજમાં જોવા મળ્યા હોત! ત્યારબાદ પ્લેટોએ સોક્રેટીસના વિચારોને સંવાદરુપે આલેખીને સોક્રેટીસ પ્રત્યે પિતૃતર્પણ કર્યુ છે. આજે એકવીસમી સદીમાં પણ પ્લેટો અને એરિસ્ટોટલના વિચારોને તમામ માનવી વિજ્ઞાનોના(Humanities-social sciences) આધાર તરીકે લીધા વિના આગળ ચાલી શકાતું નથી.

સોક્રેટીસનું જીવન અતિ સાદગીપ્રૂર્ણ હતું. તેઓએ જીવનમાં કોઇ આર્થિક પ્રવૃતિ કરી ન હતી. સોક્રેટીસના પિતા શિલ્પી અને માતા દાયણ(પ્રસુતિ સહાયક) હતા. અનિયત આકારના અણઘડ પત્થરને ટાંકણાથી ટાંકીને જેમ નિયત આકારનું શિલ્પ ઘડી કાઢવામાં આવે છે તેમ સોક્રેટીસ માનવજીવનરૂપી શિલ્પો ઘડતા. સ્ત્રી બાળકને જન્મ આપી શકે તેમજ બાળક અને જન્મદાત્રી સ્ત્રી સ્વસ્થ રહે તે જોવાનું કામ દાયણનું છે. તેમ સોક્રેટીસ માનવમાત્રમાં જ્ઞાનનો જન્મ થાય તે માટે સહાયક બનતા. જ્ઞાનના ઉદય બાદ માનવ નમ્ર રહે તો તે સ્વસ્થ કહેવાય અને જન્મેલું જ્ઞાન જગતની સેવા અર્થે પ્રયોજાય તો તેને સ્વસ્થ જ્ઞાન કહેવાય. આ રીતે સોક્રેટીસે પોતાના માતા-પિતાંનો વારસો સાચવ્યો હતો. તેઓ કાંઇ કમાતા ન હોવાથી પત્ની ઝેંથપીને ઘર ચલાવવામાં ખૂબ અગવડ પડતી હશે. તેથી ઝેંથપી સોક્રેટીસ પર ક્યારેક પ્રગટ રીતે ગુસ્સે પણ થતી હશે. પરંતુ તે પરથી ઝેંથપી કર્કશા હતી એવું કહીને તેને ઉતારી પાડવાની જરૂર નથી. સોક્રેટીસને ક્યારેય તેની પત્ની સામે કોઇ ફરીયાદ ન હતી.

સોક્રેટીસે પોતાનો તમામ સમય જાહેર સ્થળોએ પસાર કરતા. એથેંવાસીઓ સાથે ચર્ચા કરવાનું તેઓને ખૂબ ગમતું. સોક્રેટીસ માનતા હતા કે ચર્ચા કરવાથી માણસની ગેરસમજ દૂર થાય છે અને સમજણનો વિકાસ થાય છે. ચર્ચા કરતા યુવાનોની વચ્ચે સોક્રેટીસ બેસતા. બે માણસો અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હોય ત્યાં પણ સોક્રેટીસ પહોંચી જતા. તેઓની વાતચીતના કોઇ મુદ્દાને સ્પર્શતો એવો પ્રશ્ન સોક્રેટીસ કરતા, કે જે તાત્વિક હોય અને સોક્રેટીસ એવો દેખાવ પણ કરતા, કે ‘એ પ્રશ્નના ઉત્તર પરત્વે પોતે અજ્ઞાન ધરાવે છે.’ વાતચીત કરતા યુવાનો ‘પોતે જ્ઞાની છે અને સોક્રેટીસના અજ્ઞાનને ચપટી વગાડતા જ દૂર કરી શકે છે’ તેવા આત્મવિશ્વાસથી તેઓ સોક્રેટીસ સાથે ચર્ચામાં ખેંચાઇ જતા.

સોક્રેટીસ પ્રશ્નોત્તરીની પદ્ધતિથી યુવાનોને જ્ઞાનસાગરના મધદરિયે લઇ જતા. યુવાનોના દલીલરૂપી હલેસાં કામ ન આપતાં. આથી તેઓ જ્ઞાનસાગરના પાણીમાં ડૂબી રહ્યા હોવાનો, તેઓના નાક- કાન-મુખ- આંખોમાં પાણી ઘુસી જવાથી બેબાકળા થયા હોવાનો અનુભવ કરતા અને ‘સોક્રેટીસ આ આપત્તિમાંથી પોતાને બચાવે’ એવો ભાવ યુવાનોના ચહેરા પર જણાતો. સોક્રેટીસ કહે છે, કે ‘જ્ઞાન પ્રાપ્તિ માટેની આ આદર્શ અવસ્થા છે. માણસ પોતે અજ્ઞાની છે તેનું તેને જ્ઞાન હોવું અને જ્ઞાનપ્રાપ્તિની જીજ્ઞાસા હોવી, જ્ઞાનની ભુખ હોવી એ જ્ઞાનની સાધના માટે અત્યાવશ્યક માનસિક સ્થિતિ છે.’ આમ, સોક્રેટીસ ચર્ચા દ્વારા પ્રત્યેક વ્યક્તિને ભાન કરાવતા કે ‘પોતે અજ્ઞાની છે પરંતુ અત્યાર સુધી તેને પોતાના અજ્ઞાન વિશે ખબર ન હતી. પોતે એવું જ માનતો હતો કે તેને તમામ બાબતોનું સંપૂર્ણ જ્ઞાન છે.’ સોક્રેટીસની આ પદ્ધતિ વક્રોક્તિ (Socratic irony ) તરીકે ઓળખાય છે.

સોક્રેટીસના પ્રયત્નોથી જાગેલી જિજ્ઞાસા યુવાનોને સોક્રેટીસના ઘર સુધી ખેંચી લાવતી. જમવાનું ઠંડુ થવા છતાં સોક્રેટીસ યુવાનો સાથે જ્ઞાનની ચર્ચામાં વ્યસ્ત રહેતા હોવાથી ઝેંથપી દ્વારા થતો વાસણોનો ખખડાટ સોક્રેટીસના ધ્યાનમાં આવતો ન હતો. ધીરજ ખુટી જવાથી ઝેંથપી રસોડામાંથી ઘડો ભરીને પાણી લઇ આવી અને સોક્રેટીસના માથા પર રેડી દીધું. સોક્રેટીસે શાંતિથી યુવાનોને કહ્યું કે,’જુઓ મિત્રો, મેં તમને કહ્યું ને કે પ્રથમ વાદળોનો ગડગડાટ થાય(વાસણો ખખડવા) ત્યારબાદ વરસાદ વરસે.’

સોક્રેટીસના સમયમાં ગ્રીસમાં રાજકીય પરિબળો તીવ્ર ગતિમાન હતા. જ્ઞાનના ક્ષેત્રમાં અંધાધૂંધી વ્યાપેલી હતી. સોફીસ્ટોનું વર્ચસ્વ હતું. તેઓ પૈસા લઇને જ્ઞાન આપતા-જ્ઞાનનો વેપાર કરતા હતા. તેઓ મોટેભાગે દલીલની કળા શીખવતા. તેઓની ઉંચી ફીના કારણે રાજાશાહી યુવાનો, રાજકીય ઉમરાવોના પુત્રો અને ધનાઢ્યો જ સોફીસ્ટો દ્ધારા અપાતું શિક્ષણ પ્રાપ્ત કરી શકતા. દલીલો દ્ધારા ન્યાયાલયોમાં પોતાનું હિત સાધવું, રાજકીય પરીબળોને પોતાના તરફી કરવા અને તે માટે ભારે ફી ચૂકવીને જ્ઞાનનો એકાધિકાર સ્થાપિત કરવો – સર્વસામાન્ય બાબત હતી.

તીવ્ર ભૌતિકવાદ અને ભોગવાદના સમયમાં સોક્રેટીસે એક પણ પૈસો લીધા વગર એથેંસના યુવાનોને જ્ઞાનના ક્ષેત્રમાં પારંગત કરવાનું બીડું ઝડપ્યુ હતું. તે માટે સોક્રેટીસે સામે ચાલીને નગરના યુવાનોને મળવાનું પસંદ કર્યું. સોક્રેટીસને પોતાનો કોઇ અંગત સ્વાર્થ સાધવાનો ન હતો છતાં યુવાનો પ્રત્યેના અને જ્ઞાન પ્રત્યેના પ્રેમને કારણે સોક્રેટીસ આજીવન યુવાનોને મળતા રહ્યા, તેઓમાં જ્ઞાન-પ્રકાશનું ઉદઘાટન કરતા રહ્યા. આ પ્રવૃત્તિની અસર એવી થઇ કે સોક્રેટીસે સોફીસ્ટો વિરુદ્ધ કાંઇપણ ન કર્યું હોવા છતાં સોફીસ્ટોની પોલ ખુલ્લી પડી ગઇ. સોફીસ્ટોની દલીલબાજીની કળાને અને જ્ઞાનને કોઇ સંબધ નથી આ બાબત પ્રકાશમાં આવી. સોફીસ્ટોની રાજકીય પકડ ઢીલી પડી થઇ. સોફીસ્ટો દ્વારા અપાતા શિક્ષણનું મહત્વ ખલાસ થાય, રાજકારણમાં તેઓની અસર-પ્રભાવ નેસ્તનાબૂદ થાય તો સોફીસ્ટોને આર્થિક, રાજકીય, સામાજીક, શૈક્ષણિક તમામ ક્ષેત્રોમાં ફટકો પડે – જે ચલાવી લેવાય નહિ. વળી સોક્રેટીસનો રાજકીય પ્રભાવ વધવા લાગ્યો હતો. તેની કીર્તિ-પ્રતિષ્ઠાની ઇમારત મજબૂત રીતે ચણાઇ ગઇ હતી જેની સામે સોફીસ્ટો વામણા લાગતા હતા.

તેવામાં એક એવી ઘટના બની જેણે સોક્રેટીસને એથેંસનો સર્વશ્રેષ્ઠ પુરૂષ સાબિત કરી દીધો. નગરવાસીઓ પોતાના દેવને પૂછવા ગયા કે ‘એથેંસનો સૌથી વધુ જ્ઞાની-શાણો-ડાહ્યો પુરૂષ કોણ છે.’ દેવતાએ કહ્યું, કે ‘સોક્રેટીસ સૌથી વધુ જ્ઞાની પુરૂષ છે.’ સોક્રેટીસને તેના જ્ઞાન વિશે પૂછતાં તેણે નગરવાસીઓને કહ્યું, કે ‘પોતે સૌથી વધુ અજ્ઞાની છે.’ એથેંસવાસીઓએ દેવતાની વાણી વિશે સોક્રેટીસને વાત કરી. હવે સોક્રેટીસ કહે, કે ‘પોતે અજ્ઞાની છે’ તો ‘દેવતાની વિરૂદ્ધ કહીને તે દેવતા કરતાં વધુ ડાહ્યો છે’ એમ પોતાને ઉદ્ધત સાબિત કરે અને ‘પોતે જ્ઞાની છે’ એમ કહે તો પોતાની જાત સાથે સોક્રેટીસ અપ્રમાણિક સાબિત થાય. આ પ્રકારના દ્વિધાનુમાનનું ખંડન સોક્રેટીસે એવી રીતે કર્યું, કે ‘દેવતાની વાણી સત્ય છે કે સોક્રેટીસ સૌથી વધુ જ્ઞાની પુરૂષ છે કારણકે સોક્રેટીસને પોતાના અજ્ઞાનનું ભાન છે.’

સોક્રેટીસની આ રીતે અવિરત વધતી રહેલી પ્રતિષ્ઠા સામે સોફીસ્ટોને પોતાનું ભાવિ અંધકારમય જણાતા તેઓએ એક થઇને રાજકીય ખટપટો ચલાવીને સોક્રેટીસ સામે આરોપનામું ઘડી કાઢ્યું. જાહેર ક્ષેત્રોમાં પોતાના પ્રભાવને બરકરાર રાખવા સોફીસ્ટોએ નક્કી કર્યું કે સોક્રેટીસને ખતમ કરવા. આ માટે એથેંસની અદાલતમાં સોક્રેટીસ પર આરોપો મુકી કામ ચલાવવામાં આવ્યું.

(1) સોક્રેટીસ યુવાનોને ઉશ્કેરે છે-તેઓને ગુમરાહ કરે છે.
(2) એથેંસના દેવતાનું તે અપમાન કરે છે અને
(3) નવા દેવતાઓને તે પ્રસ્થાપિત કરે છે.

આરોપ સાબિત થયો અને સોક્રેટીસને મૃત્યુદંડ ફરમાવવામાં આવ્યો. સોક્રેટીસના વિચાર, વાણી, વર્તન તેમજ વ્યવહારમાં નમ્રતા હતી તેથી સોક્રેટીસ મૃત્યુ પામે એવું કોઇ ઇચ્છતું ન હતું. માત્ર તેઓનો પ્રભાવ ખતમ કરવાનો રાજકીય ઇરાદો હતો. ન્યાયાલયના ન્યાયાધીશે જણાવ્યું કે ‘સોક્રેટીસ પોતાનો ગુનો કબુલી લે તો માત્ર એક પૈસો દંડ લઇને તેને છોડી મૂકવામાં આવશે.’ સોક્રેટીસે જણાવ્યું, કે ‘મૃત્યુથી બચવા પોતે જાત સાથે અપ્રમાણિક નહિ બને. પોતે ગુનો કર્યો છે એવું સોક્રેટીસને લાગતું નથી. તેથી ગુનો કબૂલ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.’ સજાના અમલ પૂર્વેના જેલવાસ દરમિયાન જેલરે દ્રવી જઇને ‘સોક્રેટીસને જેલમાંથી છુપાઇને ચાલ્યા જવાની વ્યવસ્થા કરી આપવા પોતે તૈયાર છે’ એવું જણાવ્યું. સોક્રેટીસે જેલરને જણાવ્યું, કે ‘પોતે કાંઇ ખોટું કાર્ય કયું નથી. મૃત્યુથી તે ડરતા નથી અને ન્યાયાલયના ફરમાનને પોતે શિરોધાર્ય ગણે છે.’ સોક્રેટીસે સામે ચાલીને જેલરના હાથમાથીં ઝેરનો કટોરો લઇ લીધો અને ઝેર ગટગટાવી ગયા. સોક્રેટીસ હંમેશને માટે પોઢી ગયા. વાસ્તવમાં સોક્રેટીસ અમર થઇ ગયા.

પશ્ચિમના જગતે ભૌતિક ક્ષેત્રે જે પ્રગતિ કરી છે, વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ થયો છે તેનું શ્રેય સોક્રેટીસને ફળે જાય છે. આ જગત પર વિવિધ પરિબળોએ એકચક્રી શાસન કર્યું છે. એક સમય એવો હતો કે આ જગત પર ધર્મનું શાસન હતું. સર્વત્ર ધર્મનો પ્રભાવ હતો. વિશ્વવ્યાપી ખ્રિસ્તી ધર્મના શાસનકાળ દરમિયાન બુદ્ધિ ધર્મનું દાસીત્વ કરતી હતી. ધર્મપુસ્તકના લખાણમાં શંકા કરી શકાય નહિ. ધર્મગુરુઓના શબ્દો અંતિમ પ્રમાણ લેખાય. વૈજ્ઞાનિકો સ્વતંત્ર બુદ્ધિથી જગત અંગે વિવિધ સંશોધનો કરતા, જે ધર્મપુસ્તકોના લખાણથી વિપરીત અથવા જુદું જણાય તો તેને પ્રગટ કરી શકાતું નહિ. જો કોઇ વૈજ્ઞાનિક તેને પ્રગટ કરે તો ધર્મગુરુઓ વૈજ્ઞાનિકને મૃત્યુદંડની સજા કરતા. વૈજ્ઞાનિકો ડરીને ‘પોતાના સંશોધનો ખોટા છે’ એમ જાહેર કરીને તેને સળગાવી નાંખતા હતા.

પ્રેમ(ભક્તિ)ના ક્ષેત્રમાં જેમ મીરાબાઈએ ઝેર પીધું તેમ સોક્રેટીસે જ્ઞાનના ક્ષેત્રમાં આત્મબલિદાન આપ્યું પરંતુ સત્યની શોધમાં પોતાને જે લાધ્યું તે જગ સમક્ષ જાહેર કરવાનું ચૂક્યા નહિ. સોક્રેટીસ મૃત્યુથી ડર્યા નહિ કે ‘પોતાના બુદ્ધિના તારણો ખોટા છે’ એમ કબુલ્યું નહિ. મૃત્યુની સામે અડીખમ ઉભા રહ્યા. તત્કાલીન સત્તાધીશોનો, જ્ઞાનના ઇજારદારોનો એકલે હાથે છતાં મક્કમ મનથી મજબૂત રીતે સામનો કર્યો. વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે ધર્મની લોખંડી તાકાત સામે લડવાની નૈતિક હિંમત, મૃત્યુ સામે નિર્ભય બની સત્ય વચન ઉચ્ચારવાની શક્તિ વૈજ્ઞાનિકોમાં ભરવાનું કાર્ય સોક્રેટીસના બલિદાને કર્યું. જ્ઞાન માટે પ્રાણોની આહૂતિ આપી શકાય છે આવું દીવાદાંડીરૂપ કાર્ય વૈજ્ઞાનિકો માટે સોક્રેટીસે કર્યું. હંમેશા જે પ્રથમ કાર્ય કરનાર છે તે મહાન છે. બાકીના બધા અનુયાયી છે તેથી તેઓ ચીલે ચાલનારા છે. સોક્રેટીસ આ અર્થમાં આજના વિજ્ઞાનની પ્રગતિનો આધારસ્તંભ છે. ભૌતિકવાદની પ્રગતિનું શ્રેય સોક્રેટીસને શીરે જાય છે. આપણે વિજ્ઞાન પર આધારિત ટેક્નોલોજીના વિકાસને કારણે આજે સોયથી માંડીને એરોપ્લેન સુધી કોઇપણ સાધન-યંત્રનો ઉપયોગ કરીએ ત્યારે પ્રથમ સોક્રેટીસને Thank you કહીને જ ઉપયોગ કરવો જોઇએ.

Advertisements

Comments on: "સોક્રેટીસ: વૈજ્ઞાનિકોની દીવાદાંડી" (6)

 1. વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે ધર્મની લોખંડી તાકાત સામે લડવાની નૈતિક હિંમત, મૃત્યુ સામે નિર્ભય બની સત્ય વચન ઉચ્ચારવાની શક્તિ વૈજ્ઞાનિકોમાં ભરવાનું કાર્ય સોક્રેટીસના બલિદાને કર્યું. જ્ઞાન માટે પ્રાણોની આહૂતિ આપી શકાય છે આવું દીવાદાંડીરૂપ કાર્ય વૈજ્ઞાનિકો માટે સોક્રેટીસે કર્યું. હંમેશા જે પ્રથમ કાર્ય કરનાર છે તે મહાન છે. બાકીના બધા અનુયાયી છે તેથી તેઓ ચીલે ચાલનારા છે. સોક્રેટીસ આ અર્થમાં આજના વિજ્ઞાનની પ્રગતિનો આધારસ્તંભ છે. ભૌતિકવાદની પ્રગતિનું શ્રેય સોક્રેટીસને શીરે જાય છે.
  કોટી કોટી નમન આ બલિદાનને

 2. પ્રેમ(ભક્તિ)ના ક્ષેત્રમાં જેમ મીરાબાઈએ ઝેર પીધું તેમ સોક્રેટીસે જ્ઞાનના ક્ષેત્રમાં આત્મબલિદાન આપ્યું પરંતુ સત્યની શોધમાં પોતાને જે લાધ્યું તે જગ સમક્ષ જાહેર કરવાનું ચૂક્યા નહિ. સોક્રેટીસ મૃત્યુથી ડર્યા નહિ કે ‘પોતાના બુદ્ધિના તારણો ખોટા છે’ એમ કબુલ્યું નહિ. મૃત્યુની સામે અડીખમ ઉભા રહ્યા.
  આ જગે અમર થઈ ગયા.

  પ્રણામ તે વિભુતિને.

 3. ‘દેવતાની વાણી સત્ય છે કે સોક્રેટીસ સૌથી વધુ જ્ઞાની પુરૂષ છે કારણકે સોક્રેટીસને પોતાના અજ્ઞાનનું ભાન છે.’!

  વાહ્ ગમેી ગયું .

 4. socretisji ne koti koti pranam,

 5. ANAND R. MOHITE said:

  i like very much about socrates. i am very very thankful to you for this.

 6. આભાર કલ્પેશ ભાઈ
  સોક્રેટીસ વિષે ગુજરાતી વેબ સાઈટ કે બ્લોગ માં ખાસ માહિતી નથી આપે આ લેખ પોસ્ટ કરી ખુબ સુંદર કાર્ય કર્યું છે
  આવીજ રીતે એક પછી એક મહાપુરુષો ના જીવન સંક્ષિપ્ત માં પોસ્ટ કરતા રહો એ આશા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: