વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રભુ માળી બનીને મારા મસ્તિષ્કરુપી બગીચામાં આવા ચિંતનપુષ્પો ખિલવે છે:

(1)બુદ્ધિમાં ન ઉતરે ત્યાં સુધી વાત ને સમજવાનો પ્રમાણિક પ્રયત્ન કરે અને બુદ્ધિમાં ઉતર્યા પછી તેને આચરણમાં લાવવા માટે સંનિષ્ઠ પ્રયત્ન કરે તે સાચો બુદ્ધિનિષ્ઠ.

(2)જગતનાં પદાર્થો નિરખતા આનંદ થાય છે એવો આનંદ સર્જકનું ધ્યાન ધરતી વખતે નથી આવતો. જગત જેવું જ ઉત્કટ અને અદમ્ય આકર્ષણ ભગવાન પ્રત્યે થાય તો . . . સહજ સમાધિ ભલી સાધો.

(3)નોકરિયાતને તો નિયત તારીખે નિયત પગાર મળી જાય છે તેથી એને ભગવાનના પ્રેમની કે ભગવાન પર વિશ્વાસ રાખવાની જરુર જણાતી નથી. જ્યારે ખેડૂતે પોતાનું સર્વસ્વ ખેતરમાં દાવ પર લગાડી દીધું હોવાથી એને ચાતક નજરે આકાશ તરફ જોતો, બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરતો અને યોગ્ય સમયે જરુરી વરસાદ પડતા પ્રભુનો પ્રેમ મળી રહ્યો હોય એમ એને ખુશીથી નાચતો જોઈ શકાય છે.

(4)માંદા માણસની ખબર જોવા જઈએ ત્યારે ફ્રુટ્સ ન લઈ જઈએ, વાતો શું કરવી એ ખબર ન પડે તો ચાલે પરંતુ સસ્મિત ચહેરે એની સન્મુખ પાંચ મિનિટ બેસવાથી એને જરુર આનંદ થાય. ઘણાં તો સાજા થવા આવેલા દર્દીને પંદર દિવસ વધુ સારવાર લેવી પડે એવી ખબર લઈ નાંખે છે- સોરી ખબર કાઢે છે.

(5)માણસ ગમે તેટલો દુ:ષ્ટ હોય, એના મૃત્યુ બાદ એના વિશે બુરુ ન બોલવું. રામે લક્ષ્મણને રાવણ વિશે બુરુ બોલતા રોક્યા છે. અને માણસે નક્કી કરી નાંખ્યું, ‘માણસ જીવતો હોય ત્યાં સુધી એના વિશે સારું ન બોલવું.’

(6)સમય ન હોવાથી ઘર અને દુકાન/ઑફિસમાં રાખેલા નાનકડા મંદિરમાં દેવપુજા માટે શેઠ મહારાજ રાખતા. હવે ઘરવાળીને પ્રેમ કરવા માટે પણ શેઠ પાસે સમય નથી તેથી ડ્રાયવર રાખ્યો છે. શેઠના છોકરા કામવાળી અને ‘રામા’ના સંગમાં ઉછરે છે. નોકરના છોકરા તગડા થાય છે ને શેઠના ખેંખલી! ગાળો ને વ્યસન શીખે એ નફામાં! તે શેઠ રુપિયા શા માટે કમાય છે?

(7)H2O એટલે પાણી: જેમાં રહેલો હાઈડ્રોજન વાયુ સળગાવનારો છે અને ઓક્સિજન વાયુ જાતે સળગનારો છે. પરંતુ બન્ને ભેગા થઈ જાય તો પાણી બનીને આગને બુઝાવનારા બને છે. કેવી કુદરતની કરામત !

(8)ઝાડની જે ડાળી પકડીને માણસ લટક્યો છે, એ ડાળીએ એક અજગર માણસને ગળવા સરકી રહ્યો છે, વળી એ ડાળી તુટી રહી છે, નીચે ઉંડો કુવો છે. ત્યાં માણસ શા માટે પહોંચ્યો? ઉપરની ડાળી પરના મધપુડામાંથી ટપકતા મધના ટીપા પોતાના મુખમાં આવી જાય એ આશાએ ! સંસારનું સુખ મેળવવું કેટલું દુષ્કર છે ! છતાં . . . . .

(9)સારું કામ કરીએ તો સારું ફળ મળે પણ મુક્તિ ના મળે. છરી સાધન છે: એ શાક સુધારે કે કોઈના પેટમાં ઘુસી જાય, એને સજા ન થાય કારણ કે છરીને કોઈ ઈચ્છા નથી. સાધન બનીને કર્મ કરીએ તો આનંદ પણ મળે, ફળમાંથીય બચી જવાય ને મુક્ત પણ થઈ શકાય. માણસે પોતાની ઈચ્છા છોડીને ઈશ્વરેચ્છાથી કર્મ કરવું જોઈએ.

(10)કર્મ કરવામાં આનંદ માણતા આવડે તો કર્મ સતત ચાલતું હોવાથી આનંદ પણ સતત મળે. ફળમાં જ આનંદ આવતો હોય તો ફળ તો એક ક્ષણમાં જ મળી જતું હોવાથી આનંદ પણ ક્ષણિક જ મળે.

(11) ચાલીને જતા રસ્તો ધીમે-ધીમે કપાય(નહિ તો થાકી જવાય), ગોદડી ધીમે-ધીમે સીવાય(નહિ તો સોય વાગે), પર્વત પર ધીમે-ધીમે ચઢાય(નહિ તો હાંફી જવાય), વિદ્યા ધીમે-ધીમે આવે(નહિ તો અભ્યાસ કાચો રહી જાય), ધન ધીમે-ધીમે કમાવાય(નહિ તો અહંકારી થઈ જવાય).

(13)CAUSE અને REASON બન્નેનો અર્થ ‘કારણ’ થાય છે પરંતુ CAUSE માં યાંત્રિકતા છે જ્યારે REASON માં હેતુ-ઈરાદો છે. “નિશાળે આવતા મોડું કેમ થયું?” ‘બસ ચુકી ગયો’ એમ કોઈ કહે તો એને CAUSE કહેવાય અને ‘પહેલું લેક્ચર બોરિંગ હોય છે એટલે’ એવું કોઈ કહે તો એને REASON કહેવાય. ઘણી વાર CAUSE પુછતા જવાબ REASON માં મળે છે:

(14)વિધાતાએ આપેલા આયુષ્યનું METER વર્ષોમાં કે નાડીના ધબકારાને આધારે નહિ પણ શ્વાસોચ્છવાસના આધારે ગણાય છે. આપણે જેટલી શાંતિથી શ્વાસોચ્છવાસ લઈશું એટલું આયુષ્ય લંબાશે. આથી જ પ્રાણાયામ દ્વારા શ્વાસોચ્છવાસ રોકીને યોગીઓ હજાર-બે હજાર વર્ષ સુધી જીવી શકે છે.

(15)સહકર્મચારી પરસ્પરના દોષને અવગણે છે, મિત્ર મિત્રના દોષને ચલાવી લે છે, મા-બાપ સંતાનોના દોષને ગળી જાય છે, પતિ-પત્ની એકમેકના દોષને ઢાંકે છે પરંતુ પ્રેમી-પ્રેમિકાને એકબીજામાં દોષ દેખાતા જ નથી.

(16)’હું એના વગર જીવી નહિ શકું’, ‘એની યાદ આવતાં જ જિંદગીના તમામ ગમ ભુલી જાઉં છું’, ‘એની હાજરીમાં બધું ગમવા લાગે છે’- આ પ્રેમ નહિ પણ સંપર્કની સાઈડ ઈફેક્ટ્સ છે. પ્રેમ તો એને કહેવાય જેમાં વ્યક્તિ એના માટે પોતાના ગમા-અણગમા છોડી દે, બુદ્ધિના નિર્ણયો એને સોંપી દે ને અહમ સુદ્ધાં ઓગાળી નાંખે કે એના દ્વારા થતાં માન-અપમાન પણ ન અનુભવાય.

(17)એમ.ડી. થયાના બે-પાંચ વર્ષમાં જ આઈ.સી.સી.યુ. ઉપરાંત તમામ અદ્યતન સગવડો ધરાવતી પોતાની ચાર મજલી હોસ્પીટલ મોટા શહેરની મધ્યમાં હોવાનું સ્વપ્ન જોતા કેટલાક ડોક્ટર્સ દર્દીને સગાંવ્હાલા સહિત ચીરી નાંખે છે. મીઠું બોલીને નાના માણસનું શોષણ કરીને કમાવેલા રુપિયાનું ફળ માણસને આપવા માટે આવા સુંદર રાક્ષસો ઉત્પન્ન થાય છે.

(18)મુંબઈ હુમલાના આતંકવાદીઓએ જાંબાઝ પોલીસ અધિકારીઓને ખતમ કરી નાંખ્યા બાદ ગાડીનો કબજો લેતી વખતે તેઓની લાશને બહાર ફેંકતા હસીને બોલ્યા: “અબે આ લોકોએ તો બુલેટપ્રુફ જાકીટ પહેર્યા હતા.” પાંચ કરોડનું એક લેખે અસંખ્ય જાકીટની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારનું પાપ અધિકારીઓને ખાઈ ગયું. જનતાના રોષથી બચવા વાત દબાવી દેવાઈ.

(19)પરમાત્માના વિશુદ્ધ ચૈતન્ય સ્વરુપની ઉપાસનાને બદલે માણસ પોતાની શ્રદ્ધાને ઉત્તરોત્તર અતિ નિમ્ન કક્ષાએ લઈ જઈને ક્રમશ: અવતારો, ભક્તો, સંતો, સજ્જનો, અભિનેતાઓ, રાજકારણીઓના મંદિરો બનાવી તેઓની ઉપાસના કરે છે ત્યારે તેની નિમ્ન કોટિની શ્રદ્ધા તોડીને ઉચ્ચ કક્ષાની ઉપાસના આપવા ઈશ્વર સૃષ્ટિ પર કુદરતી આપત્તિઓ મોકલે છે. વિજ્ઞાન ભૌતિક જગતનું સત્ય જાણી શકે, આધ્યાત્મિક સત્ય જાણવાની તાકાત એનામાં નથી.

(20)મનથી કૃષ્ણને વરી ચુકેલી રુક્મિણીના લગ્ન વ્યભિચારી શિશુપાળ સાથે નક્કી થઈ રહ્યા હોવાથી એણે કુંવારા કૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને બધાના દેખતા પોતાને ઉપાડી જવા કહ્યું. કૃષ્ણ આવતાં જ ‘જે ભાગ્યો તે બચ્યો’ સમજીને સહુ ભાગ્યા. રુક્મિણીના ભાઈએ ઝનુનપુર્વક પીછો કર્યો, તો તેની હત્યા કરતા પહેલા એક વાર રુક્મિણી સામે જોયું ને કૃષ્ણે એને જીવતો જવા દીધો.

(21)માણસનો એક જ હાથ વધુ કામ કરે છે, એ હાથ થાકી જાય તો કામ બંધ કરાય છે જ્યારે બીજો હાથ આરામ વધુ કરે છે છતાં બન્ને એકસરખા પુષ્ટ રહે છે કારણ કે બન્ને એક જ શરીરના અવિચ્છિન્ન અંગો છે. ઘરમાં એક સભ્ય વધુ કામ કરે ને બીજો વધુ આરામ કરે તો પણ એક પરિવારના હોવાથી બન્નેને ભાવ-પ્રેમ ને હુંફ એકસરખા મળવા જોઈએ.

(22)માણસને કાયમી નોકરી આપવામાં આવે તો પગાર ઓછો આપવો ને વધુ લક્ષ્યાંકો સિદ્ધ કરીને વધુ આવક મેળવવાની તક આપવી અને જો વધુ પગાર આપો તો કાયમી નોકરીનું રક્ષણ આપવાને બદલે તેની કામગીરીના આધારે નોકરી ચાલુ રાખવી. સરકારે ઊંચા પગારની કાયમી નોકરી આપી તેથી માણસ હરામખોર બનીને કટાઈ ગયો.

(23)લોકશાહીમાં સત્તાવાન અને સંપત્તિવાન હાથ મિલાવે તો કરોડો સામાન્ય માણસોનું જીવન નર્ક જેવું બની જાય. ભારત દેશ વિશ્વમાં આજે પણ ભિખારીઓ અને મદારીઓના દેશ તરીકે જ ઓળખાય છે.

(24)પશ્ચિમમાં વસતી મર્યાદિત હોવાથી નહિ જેવા ખર્ચે પુષ્કળ ઉત્પાદન કરીને યંત્રોએ માણસને શક્તિશાળી બનાવ્યો છે જ્યારે વસતીથી ઉભરાતા આઝાદ ભારતના ‘વિઝન’ વિનાના નેતાઓએ કરેલા પશ્ચિમના આંધળા અનુકરણથી, માણસની અવેજીમાં યંત્રોના વપરાશથી લાખો બેકાર થઈ ગયા અને સેંકડો અબજોપતિ થઈ ગયા.

(25)પશ્ચિમના સંશોધકો રામ-સીતા, હનુમાનજી, કૃષ્ણને ભોગવાદી શા માટે સાબિત કરે છે? દેવના ત્યાગી-સંયમી જીવન પરથી આપણે વસ્તુ વિના ચલાવી લેતા શીખી જઈએ તો યંત્રો દ્વારા ઉત્પાદિત થયેલો અઢળક માલ તેઓ આપણને વેચીને પુષ્કળ નફો ના કમાઈ શકે ને!

(26)કહેવાતી પુરુષોની ગુલામીરુપ પડથાપ્રથા અને બુરખાપ્રથામાંથી બહાર, જાહેરમાં આવીને એણે શું કર્યું? જાતે જ ચહેરો દુપટ્ટામાં ઢાંકી દીધો, સુર્યના તાપમાં જ નહિ ચાંદની રાતમાં પણ ! હવે એ જાહેરમાં અંગત પળો માણે છે. નારી માત્ર ઢાંકવા પાત્ર.

(27)માયાના ત્રણ લક્ષણો:
*નિત્ય નુતન – એના એ દાળ-ભાત-શાક-રોટલી રોજ સ્વાદિષ્ટ લાગે છે.
*જે નથી તે બતાવે – આનંદ પોતાની અંદર છે પણ બહાર આઈસ્ક્રીમમાં – સ્ત્રીમાં હોય એમ જણાય છે.
*પોતે નિત્ય યુવાન રહે પણ જેને વળગે તેને ઘરડો કરી નાંખે – મરતા માણસની વાસના તીવ્ર યુવાન જ રહે છે પણ ભોગો ભોગવતા એ પોતે માયાના હાથે ભોગવાઈને  ખતમ થઈ જાય છે.

(28)ધનથી મનુષ્યને ક્યારેય તૃપ્તિ થતી નથી – કઠોપનિષદ.

(29)બ્રાહ્મણ અને ક્ષત્રિય લોહીનું મિશ્ર સંતાન સરહદ પર લડવા જાય તો દુ:શ્મન પર ગોળીબાર તો કરે પરંતુ દુ:શ્મન માફી માગે તો એ દયાળુ જીવ માફ કરી દે. પછી દુ:શ્મન એને . . .

(30)તત્વજ્ઞાનમાં ‘માયા’ ની ચર્ચા ખુબ ચાલી છે. या मा सा माया – જે નથી તે માયા. એટલે કે જેનું અસ્તિત્વ જ નથી તેનો અનુભવ કરાવે તે માયા. મંદ અંધકારમાં ખુણામાં પડેલું દોરડું સાપ લાગે છે. બપોરે દૂર સડક પર પાણીનો ભાસ થાય છે. દાંત વચ્ચે દબાવેલું હાડકુ તાળવે વાગવાથી ટપકતા પોતાના જ લોહીનો સ્વાદ કુતરાને હાડકામાંથી આવતો લાગે છે.

Advertisements

Comments on: "ચિંતનપુષ્પ-1" (9)

 1. Dr. MAHILESH BAXI said:

  બહુજ સરસ

 2. અતિશ ઉત્તમ સ્રેણી ના વિચાર મોતીઓ ……..વાહ ભઈ વાહ…!!

 3. Dilipbhai Shah said:

  Dear Mr Kalpesh D Soni
  Good Morning & jayshrikrushna
  Many thanks for sending me all the three Chintan Pushpa at my request.
  Your selfless services to Gujarati community globally shall yield excellent reward virtually.
  Pl keep it up.
  Thanks a lot once again.

 4. Mayur Baxi said:

  very very think about this type sentence’s.

 5. I think, it’s small mistake, and I did corrected it.

  (7)H2O એટલે પાણી: જેમાં રહેલો હાઈડ્રોજન વાયુ જાતે સળગનારો છે. અને ઓક્સિજન વાયુ સળગાવનારો છે, પરંતુ બન્ને ભેગા થઈ જાય તો પાણી બનીને આગને બુઝાવનારા બને છે. કેવી કુદરતની કરામત !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: