વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ધર્મમાં શ્રદ્ધાનું મહત્વ છે જ્યારે વિજ્ઞાનમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. ધર્મ ‘WHY’ (શા માટે)નો જવાબ આપે છે તો વિજ્ઞાન ‘HOW’ (કેવી રીતે)નો જવાબ આપે છે. ધર્મ સૃષ્ટિ પાછળ હેતુવાદ (TELEOLOGY) છે એમ સમજાવે છે જ્યારે વિજ્ઞાન યંત્રવાદ (MECHANISM)થી જગતની સમજુતી આપે છે. સૃષ્ટિ, ધર્માનુસાર સર્જન (CREATION) છે. જયારે વિજ્ઞાન અનુસાર જગત ઉત્ક્રાંત થયેલું (EVOLVED) છે. ધર્મ કહે છે કે સૃષ્ટિનો સર્જક છે, પાલનહાર છે, પ્રલયકર્તા છે. જયારે વિજ્ઞાન જગતને કેવળ અકસ્માત (ACCIDENT) ગણે છે.

વિજ્ઞાન અને ધર્મ બન્ને માનવજાતનું હિત ઇચ્છે છે. વિજ્ઞાન માનવને સુખી કરવા માગે છે જ્યારે ધર્મ માનવનું કલ્યાણ ઈચ્છે છે. વિજ્ઞાન માને છે કે સંશોધન પર આધારીત ટેકનોલોજીનો વિકાસ કરીને, સાધન સગવડો આપીને માનવજાતને સુખી કરી શકાશે. જ્યારે ધર્મ કહે છે કે સાધન સગવડોથી નહિ પરંતુ તેના ઉપયોગ માટેની વિવેક શક્તિથી માનવને સુખી કરી શકાય છે. વિજ્ઞાન માનવને માટે ભોગ નિર્માણ કરીને તેને સુખી કરવા ઇચ્છે છે. જ્યારે ધર્મ ભોગ પર સંયમ રાખવાની કળા શીખવીને માનવને સુખી કરી શકાશે એવું કહે છે. વિજ્ઞાન બળવો કરીને ધર્મને પડકારે છે, જયારે ધર્મ વિજ્ઞાનની ઉપેક્ષા કરે છે.

આપણે એક વાર્તા દ્વારા ઉપરની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. બાયબલમાં ‘ટ્યુબલકેન’ નામનું પ્રકરણ આવે છે. તદનુસાર એ ગામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. હુમલો સશસ્ત્ર લોકોનો હતો. ગ્રામવાસીઓ પાસે લડવા માટે કોઇ શસ્ત્રો હતા નહિ તેથી તેઓ બુરી રીતે ઘવાયા. આ અનુભવ પછી ગ્રામવાસીઓએ શસ્ત્રો બનાવવાનું નક્કી કર્યું. શસ્ત્રો બન્યા. ત્યારબાદ ગ્રામવાસીઓને અંદરોઅંદર ઝઘડો થયો. ત્યારે તેઓએ બનાવેલા શસ્ત્રોથી એક બીજાનાં ગળા કાપ્યા. ગામના વડીલોએ શસ્ત્રો નહિ પણ ઉત્પાદનના સાધનો બનાવવાનું સુચવ્યું. તેઓએ ત્રિકમ, કોદાળી, પાવડા, તગારાં બનાવ્યા. ગામમાં ફરીથી અંદરોઅંદર ઝઘડો થયો. તેઓએ ઉત્પાદનના સાધનોથી જ એક બીજાને ફટકાર્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર કહી દેવાથી નક્કી થઈ જતું નથી કે વસ્તુ ઉત્પાદનનું સાધન છે કે શસ્ત્ર છે. કોઇ પણ વસ્તુ શસ્ત્ર બની શકે છે.

વસ્તુ સાધન છે કે શસ્ત્ર તેનો આધાર તેના વાપરનાર પર છે. બે પંડિતો લાયબ્રેરીમાં બેસીને ચર્ચા કરતાં હોય ત્યારે વાદવિવાદથી ગુસ્સે થઈને એક પંડિત બીજા પંડિતના માથામાં ડીક્ષનરી મારે તો તે ડીક્ષનરી પણ શસ્ત્ર થઇ શકે. ઘરમાં પતિ પુજા કરી રહ્યો હોય, લાલજીને સ્નાન કરાવી રહ્યો હોય અને પુજા કરતાં કરતાં પત્નીની કોઇ ભુલ પર ગુસ્સે થઇને લાલજી છુટ્ટા તેની તરફ ફેંકે તો તે પત્નીને કપાળે વાગે ને લોહી નીકળે છે. આમ લાલજી પણ અસ્ત્ર થઇ શકે છે.

ધર્મનું મુળ સ્વરુપ કે તેનાં પુર્ણ રુપ અંગે નહિ પરંતુ આજે ધર્મની જે સ્થિતિ છે તેના વિશે અને વિજ્ઞાન વિશે વાત કરીએ તો ધર્મ અને વિજ્ઞાન બન્નેમાં મર્યાદાઓ, ખામીઓ છે જે દુર કરી તેના યથાર્થ રુપમાં સમાજ સમક્ષ મુકવાની જરુર છે. ધર્મમાંથી ચાલ્યું ગયેલું બુદ્ધિપ્રામાણ્ય ધર્મની નબળાઈ છે. ધર્મ આજે કર્મકાંડાધિષ્ઠીત થઇ ગયો છે. માનવજીવનના પ્રશ્નોનો જવાબ આપવાની ક્ષમતા ધર્મ ગુમાવી બેઠો છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈંસ્ટાઈન કહે છે, કે “બ્રહ્માંડમાં અનંત ગોળાઓને તરતા રાખનાર તેમજ તેને નિયત અને નિયમિત ગતિ આપનાર ઈશ્વર સમક્ષ મારું મસ્તક આદરથી ઝુકી જાય છે પરંતુ સામાન્ય માનવની રોજબરોજની માગણીઓ પુરી કરનાર ઈશ્વરની કલ્પના હું કરી શકતો નથી.”

આ તરફ વિજ્ઞાન ઉદ્દંડ બન્યું છે. માનવજીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ તેની સગવડો વધારી દેવામાં છે એમ તે માને છે. માનવ વર્તન પર તે નિયંત્રણ રાખવાની વિરુદ્ધમાં છે. ભોગવાદથી માનવને સુખી કરી શકાશે એવું તે ધારે છે. વિજ્ઞાન પર આધારીત ટેકનોલોજીનો વિકાસ થયો. જગતે મર્કંટાઇલ રીવોલ્યુશન અને ઇંડસ્ટ્રીયલ રીવોલ્યુશન જોયા. પરંતુ માનવની સમસ્યાઓ ઘટવાને બદલે વધી ગઈ છે. માનવનું સ્થાન યંત્રએ લીધું. માનવશ્રમની કિંમત ઘટી. આવી ક્રાંતિઓને પરિણામે ધનિકો વધુ ધનિકો થયા. ગરીબો વધુ ગરીબ થયા. માનવ-માનવ વચ્ચે અંતર વધતું ગયું. જીવલેણ રોગોની દવાઓ શોધાઇ તેની સાથે સાથે નવા રોગો પણ વિજ્ઞાને જ આપ્યાં છે. વાહનવ્યવહારની સુવિધાઓ વધી, જગત એક કુટુંબ બન્યું. પરંતુ માનવના હ્રદયો વચ્ચે જબરદસ્ત મોટી ખાઇ પડી ગઇ. સાધનમાં સુખ નથી. સુખ માનવની વિવેકશકતિના આધારે સાધનના યોગ્ય ઉપયોગમાં છે. આ વાત વિજ્ઞાને સમજવી પડશે.

વિજ્ઞાને એ પણ કબુલ કરવું પડશે કે માનવ મનનું નિયંત્રણ વિજ્ઞાન કરી શકે તેમ નથી, એ કામ ધર્મનું છે. કારણ ધર્મનું સ્થાન માનવના હ્રદયમાં છે. ભારતમાં સમ્રાટ હર્ષ, મૌર્ય વંશ, સમુદ્ર ગુપ્ત જેવા રાજા-મહારાજાઓના કાયદા-કાનુન તેઓની સાથે જ ચાલી ગયા. પરંતુ એકાદશીનું વ્રત આજે પણ માનવમનનું નિયંત્રણ કરે છે. પશ્ચિમના દેશોમાં 14મો લુઇ, સિકંદર ધ ગ્રેટ, જુલીયસ સીજર, ઓગસ્ટ્સ સીજર વગેરે સમ્રાટોએ વર્ષો સુધી શાસન કર્યું. પરંતુ તેઓ તેમના કાયદાઓને પોતાની સાથે લેતા ગયા. આજે જુનો પુરાણો રોમન કેથોલિક ધર્મ ત્યાંના લોકોનું વર્તન સંયમિત કરે છે.

ધર્મમાં બુદ્ધિપ્રામાણ્ય લાવવાની જરુર છે. ધાર્મિક ક્રિયાઓ પાછળના બૌદ્ધિક ખ્યાલથી તેમજ તેના મૂળમાં જે ભાવ રહેલો છે એનાથી સભાન બનવાની જરુર છે. ધર્મમાંથી વિચાર અને ભાવના નીકળી ગયા હોવાથી ધર્મના પ્રાણ નીકળી ગયા હોય એમ લાગે છે અને યંત્રવત ભક્તિ ચાલતી રહી છે. પરિણામે ધર્મ પાંગળો અને મશ્કરીને પાત્ર બન્યો છે. વિજ્ઞાને પણ સમજવાનું છે કે શ્રદ્ધા બુદ્ધિની વિરોધી નથી પરંતુ બુદ્ધિયુક્ત છે. તેમ છતાં બુદ્ધિની મર્યાદા છે. બુદ્ધિ દ્વારા માત્ર ભૌતિક જગત અંગેનું જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, પુર્ણ જ્ઞાન નહિ. ગણપતિ ભગવાનના બે દાંત છે તેમાંનો આખો દાંત શ્રદ્ધાનું પ્રતીક છે અને તુટેલો દાંત બુદ્ધિનું પ્રતીક છે – જે બતાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં બુદ્ધિ બટકી છે. સૃષ્ટિનો રચયિતા ઇશ્વર છે અને ‘હું’ અને ‘ઇશ્વ્રર’ જુદા નથી આ સત્ય છે. હવે આ વાત સત્ય હોય, તો આપણે તેનો અનુભવ કેમ લઇ શકતા નથી? અહીંયા શ્રદ્ધા જરુરી છે. બુદ્ધિ જ્યાં અટકે છે ત્યાં શ્રદ્ધાના બળે માનવ આગળ વધે અને આત્મજ્ઞાનનો અનુભવ લઇ શકે છે. વિજ્ઞાન એમ કહે છે કે ઇશ્વરને પ્રયોગશાળામાં સિદ્ધ કરો, તો જે અતિન્દ્રિય તત્વ છે તે ઇન્દ્રિયની પકડમાં કેમ આવી શકે?

બુદ્ધિમાં નિર્ણયશક્તિનો અભાવ છે. કારણ કે બુદ્ધિ સ્વાર્થથી દોરવાઇ જાય છે, પક્ષપાતી બની જાય છે. આવા પક્ષપાતી વર્તનને બુદ્ધિ નિયંત્રીત કરી શકતી નથી. વળી બુદ્ધિનું કાર્ય વિશ્લેષણનું છે.તે કોઇપણ વિષયનો અભ્યાસ તેને વિભાગોમાં વહેંચીને કરે છે. પરિણામે વિવિધ વિષયો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ પડે છે. કારણ કે તત તત વિષયોના અભ્યાસ બાદ નિકળેલા નિષ્કર્ષો એકબીજાથી વિરુદ્ધ મતના આવે છે. દા.ત. પાશ્ચાત્યોએ બુદ્ધિના આધારે નિર્માણ કરેલું નીતિશાસ્ત્ર પરાક્રમણ માટે વિરુદ્ધ છે, જ્યારે તેઓનું રાજ્યનીતિશાસ્ત્ર તે માટે અનુકૂળ છે. તેમનું અર્થશાસ્ત્ર વ્યક્તિસ્વાતંત્ર્યવાદી છે તો સમાજશાસ્ત્ર તેનાથી ઊલટું જ છે. નીતિશાસ્ત્ર દુર્બળોનું રક્ષણ કરવા કહે છે, બલ્કે આગ્રહ રાખે છે. પરંતુ ઉત્ક્રાંતિશાસ્ત્ર ‘મારે તેની તલવાર’ (MIGHT IS RIGHT) કહીને તેનો વિરોધ નોંધાવે છે.

ધર્મને ગતિશીલ(DYNAMIC), સમયની સાથે તાલ મેળવતો બનાવવો પડશે. સાથે-સાથે વિજ્ઞાનને પ્રામાણ્યબુદ્ધિ રાખવાનું સમજાવવું પડશે. કારણ કે પ્રત્યેકની બુદ્ધિ તમામ વાતોનો નિર્ણય લઈ શકતી નથી. માણસે ક્યાંક ને ક્યાંક પ્રામાણ્યબુદ્ધિ રાખીને, કોઈ ને કોઈ શાસ્ત્ર પર આધાર રાખીને જ નિર્ણય લેવો પડે છે. અરે, તજ્જ્ઞો પોતાના વિષયમાં નિષ્ણાત (EXPERT) હોય છે તેમણે પણ બીજા વિષયોના શાસ્ત્રોમાં પ્રામાણ્યબુદ્ધિ રાખવી જ પડે છે. દા.ત. મારી છાતીમાં દુ:ખતું હોય તો ડોક્ટર જે નિદાન કરે તે મારે માન્ય રાખવું જ પડે. મારી બુદ્ધિ ગમે તેટલી પ્રગલ્ભ હોય તો પણ અન્ય વિષયમાં તે પ્રમાણ ન ગણાય. ધર્મ અને વિજ્ઞાન પોતાની ખામીઓ દુર કરશે અને પોતાની મર્યાદાઓ સમજશે તો માનવજીવનનું પ્રેય અને શ્રેય બન્ને જળવાશે.

Advertisements

Comments on: "ધર્મ અને વિજ્ઞાન" (4)

 1. Mrugesh Jani said:

  ખુબ જ સરસ….શેર કરવા બદલ ખુબ ખુબ આભાર!

 2. જગત દવે said:

  વિજ્ઞાને સત્યને પ્રયોગશાળામાં ચકાસ્યું છે. ધર્મનું સત્ય એ શ્રધ્ધાનું કે અનુમાનનું સત્ય છે. દરેક ધર્મની શરુઆત તો સત્યને પામવાની ઝંખનાથી જ શરુ થઈ છે પણ…… માત્ર શ્રધ્ધા દ્વારા સ્થાપિત સત્યને અંતિમ માની લેવાની ઘર્મ એ મોટી ભુલ કરી છે.

  જ્યારે વિજ્ઞાનનાં સત્યમાં તો કદી પૂર્ણવિરામ આવતું જ નથી. એટલે જ કોઈપણ વૈજ્ઞાનિક પોતે શોધેલાં સત્યને અંતિમ માનવાની ગુસ્તાખી કરતો નથી. એક વૈજ્ઞાનિક હંમેશા બીજા વિજ્ઞાનિક નો પૂરક બને છે.

  વિજ્ઞાને ક્યારેય તેમણે શોધેલા સત્યોનાં અનુયાયીઓ નથી ઉભા કર્યા. (ધડીયાળનો, રેફ્રીજરેટર, મોબાઈલનો, ટી.વી. નો સંપ્રદાય કે કંઠી ક્યાંય જોઈ છે????) તેમણે ક્યારેય પોતાની જાતને ‘ભગવાન’ નથી જાહેર કર્યા કે સમાજ પર હાવી થઈ જવા માટે તેનો ઊપયોગ નથી કર્યો. વિજ્ઞાને કરેલાં સામાજીક ઉપકારો માટે વિજ્ઞાને સમાજને ક્યારેય તેની ગુલામી કે શરણાગતિ માટે બાધિત નથી કર્યો.

  ધર્મ અને વિજ્ઞાનનો અદ્દ્ભૂત સંગમ ભારતે વૈદિક-કાળમાં જોયો છે. તેથી જ કણાદ, આર્યભટ્ટ, પાણિની, વાત્સાયન જેવા મહાન વૈજ્ઞાનિકોને આપણે ઋષિઓ તરીકે સ્વીકાર્યા પણ છે અને તેમનું સન્માન પર કરેલું છે. વિજ્ઞાન અહિં ઘર્મથી જુદુ નહી પણ ધર્મનું પ્રેરક બન્યું છે.

  ભારતનાં દૂર્ભાગ્યે એ પરંપરા ને લાંબુ ન ચાલવા દેવામાં આવી અને તેનાં ફળ સ્વરૂપે ભારત લાંબી ગુલામીમાં ધકેલાઈ ગયું.

 3. ધર્મને જો આપણે પૂજા-પ્રક્રિયા સુધી અને વિજ્ઞાનને કલા, ધંધા-વેપાર સુધી જ મર્યાદિત રાખીશું, તો તેથી બંનેનું ગૌરવ ઘટશે. બંને અપંગ અને અધૂરાં રહી જશે. એ બંનેનું પરસ્પર પૂરક થઈને રહેવું યોગ્ય નહીં, ખાસ જરૂરી પણ છે.વૈજ્ઞાનિકનું કથન છે, ‘વિજ્ઞાન અને ધર્મ ઝડપથી એકબીજાની નજીક દોડી રહ્યાં છે અને હવે એ દિવસ દૂર નથી કે જયારે તેઓ એકબીજાને પોતાના બાહુપાશમાં સમાવી લેશે.’ વિજ્ઞાની હબટર્ર્ ડિગલે તરફથી એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે વિજ્ઞાનનું ક્ષેત્ર માત્ર તથ્યો સુધી મર્યાદિત હતું એ દિવસો હવે વીતી ચૂકયા છે હવે તો એનું કાર્યક્ષેત્ર કયાંયે આગળી વધી ગયું છે, અને રહસ્યોને પણ શોધ કરવા માટે યોગ્ય આધાર તરીકે માનવામાં આવ્યાં છે.

 4. Maheshchandra Naik said:

  વિજ્ઞાનને ધર્મ વગર ચાલવાનુ નથી, અને સંસ્કૃતિ પણ ત્યારે જ જીવંત રહેશે જ્યારે બને એક્બીજાન પુરક બની રહેશે, પ્રગ્નાજુ સાથે સંમત થાઉ છુ……….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: