વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રાણીઓના બે પ્રકાર છે: (1)તૃણાહારી પ્રાણીઓ અને (2)માંસાહારી પ્રાણીઓ. શું માંસાહારી પ્રાણીઓને હિંસક કહી શકાય ? મન, વચન અને કર્મથી અન્યને દુ:ખ આપવું એનું નામ હિંસા. માંસાહારી પ્રાણીઓને જીવનનિર્વાહ સાથે મતલબ છે, નહિ કે તૃણાહારીઓને દુ:ખ પહોંચાડવા સાથે ! પેટ ભરેલું હોય ત્યારે તૃણાહારી પ્રાણીઓને મારવાની વાત તો બાજુ પર રહી, માંસાહારી પ્રાણીઓ તેની સામું પણ જોવાની દરકાર કરતા નથી. આથી તેઓ વસ્તુલક્ષી રીતે હિંસક નથી. અલબત્ત તૃણાહારી પ્રાણી માંસાહારી પ્રાણીથી દુ:ખી થતું હોવાથી વ્યક્તિલક્ષી રીતે માંસાહારી પ્રાણીઓ હિંસક પ્રાણીઓ કહેવાય ખરાં! એમ તો ગાય-ભેંસથી પણ કેટલાક માણસો ડરે જ છે ને !

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે માંસભક્ષી પ્રાણીઓ જીભ વાટે પાણી પીવે છે, જ્યારે તૃણાહારી પ્રાણીઓ હોઠ વડે પાણી પીવે છે. માણસ હોઠ વડે પાણી પીવે છે માટે કુદરતી રીતે તે શાકાહારી પ્રાણી છે. તેની વિરુદ્ધમાં એવી દલીલ થાય છે કે દાંતની રચના જોતા માંસાહારી પ્રાણીઓને ચીરવા માટે જેવા દાંત આપ્યા છે તેવા જ દાંત મનુષ્યને પણ આપ્યા છે. તૃણાહારી પ્રાણીઓને એવા દાંત નથી આપ્યા. આથી મનુષ્ય કુદરતી રીતે કેવું પ્રાણી છે તે નક્કી થઇ શકતું નથી. અલબત્ત સંસ્કૃતિની દૃષ્ટિએ વિચારતાં આપણને તેનો જવાબ મળી શકે એમ છે. વિકૃત-પ્રાકૃત અને સંસ્કૃત આવો વિકાસક્રમ ધ્યાનમાં લઇએ તો માણસ શરુઆતમાં નરભક્ષી હતો. અન્ય માનવને મારીને તેનું ભક્ષણ કરતો હતો. ત્યારબાદ તે માનવેતર નિમ્ન પશુ-પક્ષીઓના માંસ પર આધાર રાખતો થયો. તે કાચુ માંસ ખાતો. વૃક્ષની ડાળીઓ વચ્ચે ઘર્ષણ થવાથી પ્રગટેલા અગ્નિમાં શેકાયેલાં પશુ-પક્ષીઓનું માંસ તેને વધુ મીઠું, સહેલાઇથી ચાવી શકાય તેવું લાગતા અગ્નિ પ્રજ્વલિત કરીને માંસ શેકીને એ ખાતો થયો.

‘ભોગજીવન એ પ્રકૃતિ છે, ભાવજીવન એ સંસ્કૃતિ છે,’ ‘જીવન જીવવાનો પ્રત્યેકને અધિકાર છે’ એવું માણસે સ્વીકાર્યું. આમ માણસ પોતાને અન્ય પશુથી અલગ માનતો થયો. ‘અન્યને પોતાના જેવી લાગણી-ભાવનાઓ છે’ એ વાતની કદર કરતો થયો. ‘તેના પ્રાણ હરીને હું જીવું એ મારાથી કેમ બને ?’ આ સમજણ તેનામાં આવી. પ્રાકૃત માણસને સંસ્કૃત બનાવવાનું કાર્ય કુદરતી રીતે થયું નથી. તે માટે ઋષિ–મુનિઓનો અથાગ પરિશ્રમ કારણભુત છે. તેઓએ અવિશ્રાંત પ્રયત્નો કરીને સંસ્કૃતિને ઉભી કરી છે, જેના પરિપાક રુપે માનવ ખેતી કરતો થયો. વિકાસક્રમમાં એક પગથિયું આગળ ચઢ્યો. માનવની આંગળી પકડીને ‘મા’ની ભુમિકામાં રહીને હળવે-હળવે કરતા હજારો વર્ષ સુધી તપ કરીને ઋષિ માનવ્યને સુવિકસિત સ્થિતિમાં લઇ આવ્યા. જમીનનો અભ્યાસ શરુ થયો. આબોહવાની જાણકારી વધી. કયા પાકને કઇ જમીન અનુકૂળ છે તેનો વિચાર થયો. વરસાદ પર આધાર રાખવાની સાથે સાથે નદીના પાણીનો ઉપયોગ શરુ થયો. પાક સુધી પાણી પહોંચાડવા માટેની વિવિધ સિંચાઇ યોજનાઓ અમલમાં આવી.

પશુસૃષ્ટિમાં ‘મત્સ્યન્યાય’ છે. ‘મોટી માછલી નાનીને ખાય,’ ‘જેની લાઠી તેની ભેંસ’, ‘મારે તેની તલવાર,’ ‘બળીયાના બે ભાગ’ જેવી કહેવતો પશુસૃષ્ટિને લાગુ પડે છે. સબળ નિર્બળનું શોષણ કરે છે. સંસ્કૃત મનોદશામાં સબળ નિર્બળનું પોષણ કરે છે, અને એ જ ખરું માનવ્ય છે. માંસાહાર કનિષ્ઠ છે એ સમજાવવા માટે આ બધી વાતો સમજવી જરુરી છે. જંગલી જીવન જીવનારો માણસ માંસાહાર કરે તે સમજી શકાય છે. પરંતુ હજારો વર્ષોની સફર બાદ વિકૃત, પ્રાકૃત મનોદશાનો ત્યાગ કરીને માનવ જ્યારે સુસંસ્કૃત થયો છે, ત્યારે ફરીથી તે જંગલી જીવન જીવવાનું શરુ કરે છે તેને બુદ્ધિમાની કહી શકાય ખરી?

આરોગ્યની દૃષ્ટિએ, સૃષ્ટિમાં સગવડ-અગવડની દૃષ્ટિએ માંસાહાર ને યોગ્ય ઠરાવવામાં આવે છે. પરંતુ સંસ્કૃતિ, માનવ્ય વગેરેનો વિચાર જ નહિ કરવાનો? શાકાહારીઓ પોષણની દૃષ્ટિએ શાકાહાર ઉત્તમ ગણાવે છે, માંસાહારીઓ માને છે કે માંસાહારથી શ્રેષ્ઠ પોષણ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન એ છે, કે ‘શું આહારની ચર્ચા માત્ર ભોગવાદી દૃષ્ટિએ જ કરવી જોઇએ?’ પશુસૃષ્ટિમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન છે. પશુ અને માનવમાં કોઇ ફરક નથી શું ? શાકાહાર-માંસાહારની ચર્ચા પ્રકૃતિ-સંસ્કૃતિની દૃષ્ટિએ જ કરી શકાય. અન્યથા ચર્ચાનો અંત નહિ આવે.

એક દિવસના આપણી પાસે ચોવીસ કલાક છે અને ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર આપણે જીવનમાં ચાર પુરુષાર્થ સિદ્ધ કરવાના છે. આથી એક-એક પુરુષાર્થ માટે દિવસ દીઠ આપણી પાસે છ-છ કલાક છે. છ કલાક કમાવાનું(અર્થ), છ કલાક નિત્યક્રિયા તેમજ પત્ની અને બાળકો સાથે વીતાવવાના(કામ), છ કલાક ધર્મ એટલે કે ઈશ્વરપ્રીતિ અર્થે કાઢવાના અને મોક્ષ માટે કોઈ સ્વતંત્ર પ્રયત્ન કરવાનો હોતો નથી એટલે બાકીના છ કલાક ઊંઘવાનું. સામાન્ય માણસની ધર્મપાલનની શરુઆત આ રીતે થાય છે. ધીરે-ધીરે જીવન શૈલી એવી કરતા જવાનું કે જેમાં ધર્મ અર્થે માણસ વધુ ને વધુ સમય કાઢતો જાય અને એની મોક્ષની આકાંક્ષા તીવ્ર બને.

આ વાતને ધ્યાનમાં રાખીને આપણી કૃષિસંસ્કૃતિ અનુસાર વર્ષમાં ચોમાસાના ચાર મહિના ખેતી કરીને આપણે આખા વર્ષનું અનાજ ભેગું કરી લઈએ છીએ જેથી બાકીના આઠ મહિના ધર્મ માટે કાઢી શકીએ. પશુપાલન કરતા હોઈએ એટલે રોજબરોજના દુધ-ઘી-છાસ-માખણ-દહિંની ચિંતા રહે નહિ અને ઘરઆંગણે વાડી હોય એમાં રોજનું શાક મળ્યા કરે. ઉનાળામાં અથાણાં બનાવીને, તેમજ દાણાવાળા શાકભાજીને સુકવીને તેનો કઠોળ તરીકે ઉપયોગ કરીને શાકનો વિકલ્પ આપણે ઊભો કર્યો. આપણે ત્યાં ગૃહિણી અનાજ, કઠોળ કે મરીમસાલા આખા વર્ષ માટે ભરી દે છે એની પાછળ એકસામટુ કરિયાણું ખરીદીને રુપિયા બચાવવાની નહિ પરંતુ ચાર મહિના ભોગ અર્થે કામ કરીને બાકીના આઠ મહિના નિશ્ચિંતપણે પ્રભુભજન માટે જ વાપરવાની ભાવના કામ કરે છે. શાકાહારી ભોજનશૈલીમાં જ આ પ્રકારની વ્યવસ્થા શક્ય છે, માંસાહારીઓના તો બારે મહિના માંસની વ્યવસ્થા કરવામાં જ ચાલ્યા જાય. ભોજન માટેના પશુઓને અનાજની જેમ એક સાથે તૈયાર કરી ન શકાય ને તેઓને ઘરના એક ખુણામાં અગાઉથી સાચવીને રાખી ન શકાય. આ રીતે શાકાહારી જીવનશૈલી ઉચ્ચ જીવનસાધના તરફ લઈ જવામાં મદદરુપ થાય છે.

અવતારો ભારતભુમિમાં જન્મ લઇંને ઉતરોત્તર માનવ્યને એક-એક પગથી ઉપર લઇ ગયા છે. ભગવાન રામનું જીવન ધ્યેય હતું, કે પૃથ્વી પરના સર્વ પ્રાણીઓને નિર્ભય કરવા. રામાયણનો જન્મ પણ અસમર્થના સમર્થ દ્વારા થતાં શોષણને જોઇને ક્રુર એવા વાલીયા કોળીમાંથી વાલ્મિકી બનેલા ઋષિના મુખમાંથી સરી પડેલા આ શ્લોક દ્વારા થયો: ‘મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વામ……’ પ્રણયક્રીડામગ્ન ક્રૌંચ પક્ષીના યુગ્મ પર પારધિ બાણ છોડે છે. નર મરાય છે અને માદા તેના પર ઝુરી-ઝુરીને પ્રાણ ત્યાગે છે. આ દૃશ્ય જોઇને વાલ્મિકીના મુખમાંથી ઉપરનો શ્લોક સરી પડે છે. ત્યારબાદ તેઓ નક્કી કરે છે, કે “મારે સૃષ્ટિમાં એવા ચરિત્રને ઘર-ઘર સુધી, વ્યક્તિ-વ્યક્તિ સુધી પહોંચતું કરવું છે, જેણે આવું, સમર્થ દ્વારા અસમર્થનું થતું શોષણ અટકાવ્યું હોય, અસમર્થને નિર્ભય બનાવ્યો હોય.” તેઓ નારદમુનિને મળે છે અને પ્રશ્ન પુછે છે: “સાંપ્રત કાળમાં એવો કોઇ મનુષ્ય જગતમાં છે જે ઉચ્ચતમ અને વિશુદ્વ હોય?” નારદે જવાબ આપ્યો: ”હા, રામ છે.” ત્યારબાદ એમણે રામાયણ લખ્યું છે.

આમ આપણે માનવના મુળભુત અધિકારો અંગે વિચારીએ છીએ તેની સાથે-સાથે જીવમાત્રને કુદરતે આપેલી જીજીવિષા-જીવવાની ઇચ્છા, સ્વતંત્રતા, ઇચ્છાશક્તિ વગેરેનો પણ વિચાર કરીએ – તેવું ધર્મશાસ્ત્ર આપણને શીખવે છે. મત્સ્ય ન્યાય કહે છે: ‘જીવો જીવસ્ય જીવનમ.’ ‘એક જીવ બીજા જીવનું જીવન છે.’ ભોગવાદીઓ આનો અર્થ એવો કરે છે કે, ‘એક જીવને ખાઇને બીજો જીવે છે.’ માનવતાની દૃષ્ટિએ આનો અર્થ એવો થાય, કે ‘એક જીવને ભાવ-પ્રેમ આપીને તેની પાસેથી ભાવ-પ્રેમ લઇને, અન્યને પુષ્ટ કરીને જીવ પુષ્ટ થાય છે.’ આમ જીવ એ જીવનું જીવન છે. આજે તો એનાથી ઉંધુ થયું છે. વનસ્પત્યાહાર છોડીને સુસંસ્કૃત મનોદશામાંથી જંગલીયત તરફ વળેલો માણસ પશુતુલ્ય જીવન જીવે છે. માંસાહારી પ્રાણીઓ ક્યારેય અન્ય માંસાહારી પ્રાણીને ખાતા નથી. જ્યારે આજના કેટલાક કહેવાતા સભ્ય(દંભી) માણસોએ માંસાહારી પ્રાણીઓથી પણ એક ડગલું આગળ(?) જઇને માંસભક્ષી પ્રાણીઓને ખાવાનું શરુ કર્યું છે. આને માનવની પ્રાકૃત દશા કહીશું કે વિકૃત દશા? એનાથી પણ આગળ વધીને માણસ ફરી પાછો નરભક્ષી બન્યો છે. ગર્ભપાત કાયદેસર હોવાથી પાડી નાખવામાં આવેલ અર્ધવિકસિત ગર્ભ, માનવભૃણને ખરીદીને માનવ ખાતો થયો છે. હવે આ આહારની ચર્ચા પણ આપણે પોષણની દૃષ્ટિએ જ કરીશું કે?

Advertisements

Comments on: "માંસાહાર કે શાકાહાર ?" (4)

 1. Shailesh Patel said:

  Aek abhiyan na swaroope aa vat ne chhedva jevi chhe.

 2. ખોરાક અંગે ‘મેડિસિનલ સિક્રેટ ઓફ યોર ફૂડ’ પુસ્તકમાં ડો.. અમ્માને લખ્યું છે કે સરગવાની શીંગ લીવરની તકલીફથી માંડીને સાંધાના દુખાવામાં સરગવાનું શાક ખાવું સારું છે. પક્ષઘાતવાળાને સરગવાનો સૂપ ચોખ્ખા મધ સાથે અપાય છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન ‘સી’ લોહ અને પોટેશિયમ છે. ‘ટ્રીઝ ફોર લાઇફ,’ ‘ચર્ચ વર્લ્ડ સર્વિસ’ અને ‘કન્સર્ન ફોર હંગર ઓર્ગેનાઇઝેશન’ નામની સંસ્થાઓએ સરગવાનાં વૃક્ષનાં પાનમાં ઘણાં જ પોષક તત્વો હોવાનું કહ્યું છે.
  આવા લેખો સંઘરતા તો કોઈ વાર …
  રવિશંકર નામનો આ બિહારના પૂર્ણિયાનો વ્યક્તિ પાછલા ૧૦ વર્ષથી ગરોળીઓ ખાઈ રહ્યો છે, તે પણ દરરોજ. તેને નાસ્તામાં ગરોળી તો જોઇએ જ. રોજની તે સરેરાશ ૧0 ગરોળી તો ખાઈ જ જાય છે.
  જેવુ વાચી લાચારીની દયા આવતી પણ
  ‘ગર્ભપાત કાયદેસર હોવાથી પાડી નાખવામાં આવેલ અર્ધવિકસિત ગર્ભ, માનવભૃણને ખરીદીને માનવ ખાતો થયો છે. હવે આ આહારની ચર્ચા પણ આપણે પોષણની દૃષ્ટિએ જ કરીશું કે? ‘
  ન માની શકાય તેવી અઘોરીની વાત વાંચી ઉબકા આવે…
  ક્યાં જઈને આ અટકશે?

  આહાર શુધ્ધિ જ આચાર શુધ્ધિ લાવી શકે માટે આહાર શુધ્ધિ જ અતિ આવશ્ય ક છે અને તેથી જ કંદમૂળ અનંતકાય હોવાથી તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. હવે, એક પ્રશ્ર્ન એ પણ ઉદભવે કે મગફળી પણ જમીન માં જ થાય છે તો તે ભક્ષ્ય કે અભક્ષ્ય ? તો એનો ઉત્તર એ આપી શકાય કે મગફળીમાંથી નવો છોડ ઉત્પન્ન થયો નથી તેથી તે ભક્ષ્ય છે.આધુનિક વિજ્ઞાનની માન્યતા છે કે પ્રત્યેક સજીવ પદાર્થમાં તેના શરીરના મૂળભૂત એકમ સ્વરુપ કોષ છે. આવા અબજો કોષો મળીને સજીવ પદાર્થનું શરીર બને છે. દરેક કોષ સજીવ હોવાથી બટાકા વગેરેમાં અનંત જીવરાશિ છે માટે કંદમૂળને અભક્ષ્ય ગણી શકાય. કેટલાક કહે છે કે જયાં જીવોનો સમૂહ છે તેની અનુકૂળ પરિસ્થિતિનો નાશ કરી દેવામાં આવે તો તે જીવો મરી જતાં તેમાં સડો થઈ જતાં લાંબા સમય સુધી સારા રહી શકે નહીં. પરંતુ કંદમૂળ ઘણાં લાંબા સમય સુધી તાજા રહે છે….. જો તેમાં જીવ હોય તો તે જમીનમાં સૂરક્ષિત રહે પણ માટીમાંથી બહાર કાઢયા પછી તે જીવો નાશ પામે અને સડવા માંડે પરંતુ આ માન્યતા ખોટી છે. જીવો ત્યારે જ નાશ પામે, જયારે તે અગ્નિથી રંધાય.
  બીજી વાત એ છે કે, સજીવ પદાર્થમાંથી આત્મા નીકળી જાય એટલે તેમાં સજી જ થાય એવો કોઈ નિયમ નથી. આધુનિક વિજ્ઞાનમાં મૃતકને શુષ્કીકરણ દ્વારા લાંબો સમય સુધી સાચવી શકાય છે. આમ, કંદમૂળમાં જીવોનું મૃત્યુ થયા પછી તેને સુકવી દેવામાં આવે તો તેમાં સડો થતો નથી… જેમ કે, આદુ માંથી સૂંઠ….. તેનું શુષ્કીકરણ આપો આપ થઈ જાય છે. જયારે બટાકાનું શુષ્કીકરણ પોતાની જાતે થતું ન હોવાથી તે કંદમૂળ સુકુ થયા પછી પણ અભક્ષ્ય છે…….
  આ દર્શન બહુજન ક્યારે સ્વીકારશે ?

 3. Tushar Vaishnav said:

  આહાર એ માનવી ને જીવંત રહેવા માટે જરૂરી છે નહીં કે બીજાનો જીવંત રહેવાનો
  અધિકાર છીનવી લેવા માટે એવું માનવી સમજતો થાય તો જ શાકાહાર નો વ્યાપ વધે અને
  તેને માટે મનવીનું સુસંસ્ક્રુત થવું જરુરી છે………સરસ લેખ્…..

 4. સુંદર રીતે જાણકારી આપી. માણસ જીવવા માતે ખાય છે. ખાવા માટે નથી જીવતો.

  Please visit
  http://www.pravinash.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: