વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

જીવનમાં આવેલી સફળતા-નિષ્ફળતા જેને ચલિત કરી શકતી નથી તે જ સાચો શિક્ષિત. સફળતાને પણ સહન કરવી પડે છે. સફળતા માણસને ઉદ્દંડ, ઘમંડી, ઉદ્ધત બનાવે છે ત્યારે તેની કાર્ય પરની પકડ ઢીલી થાય છે અને હાથમાં લીધેલું કાર્ય, ધ્યેય છુટી જાય છે અથવા રુકાવટ આવે છે. આથી જ કહી શકાય કે સફળતા મેળવવી સહેલી છે પરંતુ પચાવવી કઠણ છે. એ જ રીતે નિષ્ફળતાથી માણસ હતાશ–નિરાશ થાય છે, કાર્ય છોડી દે છે. સફળતા-નિષ્ફળતા માણસના જીવનમાં શા માટે આવે છે – એની સમજણ શિક્ષિતને સારી રીતે હોય છે. નિષ્ફળતાથી માણસ મજબુત થાય છે, સફળતા માણસને આગળ ધપાવવાને માટે હોય છે.

“કરતાં જાળ કરોળિયો….” અનુસાર એક પ્રયત્ને કાર્ય સિદ્ધ થતું નથી. અવિરતપણે અનેક પ્રયત્ન કરવામાં આવે ત્યારે માણસ કાર્ય સિદ્ધ કરી શકે છે. પચ્ચીસમાં ફટકાએ વૃક્ષનું થડ જમીન પર કપાઇને પડે ત્યારે “અગાઉના ચોવીસ ફટકા વ્યર્થ હતા, આ પચ્ચીસમો ફટકો પહેલા માર્યો હોત તો વૃક્ષ એક જ ફટકે જમીન પર પડ્યું હોત” – એમ માનવું મુર્ખાઇભર્યુ છે ! આથી જ જીવનમાં સફળતાની જેટલી અગત્ય છે તેટલી જ નિષ્ફળતાની જરુર છે.

સફળતા-નિષ્ફળતાથી ચલિત થયા વગર માણસ પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહે છે તેને જીવનલક્ષી શિક્ષણ મળ્યું છે તેમ કહેવાય. એ જ રીતે જીવનમાં આવનારા પડકારો ઝીલવાની જેની વૃતિ તૈયાર થઇ છે તે જ સાચો શિક્ષિત છે. પડકારોનો સામનો સામી છાતીએ કરવાની જે હિંમત ધરાવે છે એટલું જ નહિ પરંતુ સામેથી જે ચેલેંજ ઉપાડવા તૈયાર છે તે શિક્ષિત છે. જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ આવે છે એવું નથી. ક્યારેક ઝંઝાવાતનો પવન ફુંકાય છે, બધું જ છિન્ન ભિન્ન થઇ જાય છે ત્યારે પલાયનવાદી થઇ જવાના બદલે જે ફરીથી સર્જન પ્રક્રિયા માટે સજ્જ બને છે તે સાચો શિક્ષિત છે.

ભય અને લાલચ (reward & punishment)થી જેની કાર્ય પ્રવૃત્તિ થતી નથી પરંતુ વિચારથી જે માણસ કાર્યપ્રવૃત્ત થાય છે તેને જીવનલક્ષી શિક્ષણ મળ્યું છે એમ કહેવાય. જીવનમાં સદ્ગુણોની વાવણી અને તેની ખીલવણી તેમજ સદ્ગુણોનું સંગોપન-સંવર્ધન કરવા જે તૈયાર છે, મહાપુરુષોના ચરિત્ર વિશે સાંભળીને ‘હું પણ તેના જેવો થઇ શકું છું’ એવો આત્મવિશ્વાસ કેળવવા જે સભાન છે તે જ સાચો શિક્ષિત. પ્રકૃતિમાં મનુષ્ય કરતાં અનેક ગણા ચઢીયાતા સર્જનો છે છતાં મનુષ્ય શ્રેષ્ઠ શા માટે? પર્વતની સામે જોતાં આપણને તેનું સ્થૈર્ય, સાગરની અગાધતા, વિશાળતા, ગરુડનો કુદકો, હિમાલયની ઉત્તુંગતા, સિંહની ગર્જના આપણને પ્રભાવિત કરે છે છતાં તેઓની પાસે તે ગુણો પ્રકૃતિદત્ત છે. જયારે માણસ પાસે આમાંનું કાંઇ પણ ન હોવા છતાં ‘હું થઇ શકું છું’, ‘હું કરી શકું છું’ આ ભાવના તેને સહુથી વિશિષ્ટ સાબિત કરે છે.

બુદ્ધિ સાથે કાર્ય કરનારાનો ત્રણ વર્ગમાં સમાવેશ થાય છે: (1)બુદ્ધિવાદી, (2)બુદ્ધિજીવી અને (3)બુદ્ધિનિષ્ઠ. બુદ્ધિવાદીનું જીવન વિવિધ વાદોની ચર્ચા અને ખંડન-મંડનમાં જ વ્યતીત થાય છે. ચર્ચા- જેનો જીવન સાથે કોઇ જ સંબંધ નથી તેવા બુદ્ધિવાદીઓના વાદ વિષે કહેવાયું છે: money corrupts only its possessors mind but ‘ism’ corrupts whole people’s mind. બુદ્ધિથી પાંડિત્ય પ્રદર્શન, વિતંડાવાદ અને વૃથા બકવાસથી વિશેષ કાંઇ પણ ન કરનાર બુદ્ધિવાદી છે. બુદ્ધિને આજીવિકાનું સાધન (રોજી-રોટી) બનાવનાર બુદ્ધિજીવી છે. આ સૃષ્ટિમાં અન્ય જીવોને બુદ્ધિ નથી મળી છતાં તેઓ પોતાનું ભરણપોષણ સારી રીતે કરી શકે છે. જ્યારે માનવ બુદ્ધિનો ઉપયોગ જીવનવિકાસ માટે કરવાને બદલે જીવનનિર્વાહ માટે, આજીવિકા પ્રાપ્ત કરવા માટે કરે છે, એનાથી વિશેષ માનવની વિડંબના બીજી શું હોઇ શકે ?

જે બુદ્ધિનિષ્ઠ છે તેને જીવનલક્ષી શિક્ષણ મળ્યું છે એમ કહેવાય. જ્યાં સુધી બુદ્ધિમાં વાત ન ઉતરે ત્યાં સુધી તેને સમજવાનો પ્રમાણિક પ્રયત્ન કરે અને બુદ્ધિમાં ઉતર્યા પછી તેને આચરણમાં લાવવા માટે સંનિષ્ઠ પ્રયત્ન કરે તે સાચો બુદ્ધિનિષ્ઠ. મન અને બુદ્ધિને ખીલવવા માટે જે તત્પર છે, અવિરત પ્રયત્નશીલ છે તેને જીવનલક્ષી શિક્ષણ મળ્યું છે અને પચ્યું છે એમ કહેવાય. આજનું શિક્ષણ જીવન સાથેનો સંબંધ તોડીને અપાઇ રહ્યું છે, માત્ર આજીવિકાલક્ષી રહ્યું છે. રોજી-રોટી મેળવવામાં મદદ કર્યા સિવાય અન્ય કોઇ લાભ આજના શિક્ષણથી મળતો નથી. કોઇપણ જાતની શિક્ષા લીધા વિના સૃષ્ટિનો પ્રત્યેક જીવ પોતાની ભૌતિક જરુરિયાતો પુરી કરી રહ્યો છે ત્યારે માત્ર અર્થોપાર્જન માટે જ શિક્ષણની જરુરિયાત રહી હોય અને માણસ માત્ર રોજી-રોટી માટે જ સત્તર-સત્તર વર્ષ શિક્ષણ લેતો રહે – એ શું એના માટે શરમની વાત નથી?

વિચાર અને પ્રેમ દ્વારા દૃષ્ટિ પરિવર્તન એટલે જ જીવન–પરિવર્તન. દૃષ્ટિ પરિવર્તનની ત્રણ પગથી છે : (1)ભોગ જીવન, (2) ભાવ જીવન અને (3) ભદ્ર જીવન. આજનો માણસ ભોગવાદી છે. અન્ય વસ્તુ કે વ્યક્તિ તરફ તે ભોગની દૃષ્ટિથી જોતો રહેલો છે. ગુલાબનું ફુલ જોયા પછી તેને આનંદ થતો નથી. ફુલનો તે માલિક હોય, તેની સુગંધ, તેનો સ્વાદ, તેનો સ્પર્શ માણવા મળે તેવી તેની ઇચ્છા-તૃષ્ણા હોય છે. વિચાર અને પ્રેમ દ્વારા જ્ઞાની માણસ ભોગવાદી માણસના વિચારો, વૃત્તિઓને બદલી શકે છે. આથી માણસ ‘ભાવજીવન શું છે’ તેને તે સારી રીતે સમજતો થાય છે. માત્ર ગુલાબના સૌંદર્યને, તેની નજાકતને નીરખીને તે ભાવવાન બને છે. ત્યારપછી ઉત્તરોત્તર ચઢતા ક્રમની પગથી છે- ભદ્ર દૃષ્ટિ. અર્થાત સર્જનને જોયા પછી તેના સર્જકનો વિચાર. ગુલાબનું સૌંદર્ય નીરખ્યા બાદ તેના સર્જકના સૌંદર્યનો, તેની મહાનતાનો જેને વિચાર આવે છે તેની ભદ્ર દૃષ્ટિ ખીલી છે એમ કહી શકાય.

“આપવામાં આવે” તે શિક્ષણ છે અને “ઉપાડવામાં આવે” તે સંસ્કાર છે. શિક્ષક “વિચાર” અને “પ્રેમ” માત્ર બે સાધનો લઈને વિદ્યાર્થીગણ સમક્ષ ઉપસ્થિત થાય છે. પોતાની ખુબીથી ઇતિહાસમાં થઇ ગયેલા ઉત્કૃષ્ટ જીવનચરિત્રોનું વર્ણન કરે છે. જીવનમાં ગુણસંવર્ધનની પ્રેરણા જાગ્રત થાય તેવા જ્વલંત-ઉજ્જવળ પાત્રો, જેવા કે રામ અને કૃષ્ણ, ધૃવ અને પ્રહલાદ, શિવાજી અને રાણાપ્રતાપને રજુ કરે છે. વિદ્યાર્થી પોતાના સંસ્કાર પ્રમાણે જે તે વાત ઉપાડે છે અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. શિક્ષકને એ વાતનો ખ્યાલ હોવો જરુરી છે કે વિદ્યાર્થીમાં ગુણસંવર્ધનનો આધાર માત્ર વાણી જ નહિ પરંતુ શિક્ષકનું વર્તન પણ છે. દારુડીયો દુધના વખાણ કરે તો તેનું મહત્વ કેટલું?

અભ્યાસક્રમમાંથી આજે જીવનની બાદબાકી થઇ ગઇ છે અને એ માત્ર માહિતીનો ભંડાર બનીને રહી ગયા છે અને આપણે શીલ અને ચારિત્ર્યની વાતો કરીએ છીએ. શું ચારિત્ર્યવાન યુવાનો તૈયાર થાય તેવા અભ્યાસક્રમો ન હોવા જોઇએ? માત્ર શીલ અને ચારિત્ર્યના સુત્રો જ્યાં-ત્યાં છાપી મારવાથી શીલવાન યુવાનો તૈયાર થઇ શકવાના છે ખરાં? શિક્ષક જ્યારે વર્ગખંડમાં જાય છે ત્યારે તેને શું એ કલ્પના હોય છે ખરી કે તે માનવપુષ્પ ખીલવવા જઇ રહ્યો છે? તેનું જતન કેટલી કાળજીથી કરવું પડે છે ! આજે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ સ્થપાય છે, તે કેટલો ક્ષણભરનો હોય છે! ચોવીસ કલાકના દિવસમાં એક શિક્ષક સાથે વિદ્યાર્થી માંડ બે કલાક રહે છે અને તે પણ સમુહમાં ! બાકીના બાવીસ કલાક તેઓ અન્ય સ્થળે વિતાવે છે. આમાં બદલાવ ક્યાંથી શક્ય બને? સંબંધ ખીલે ક્યારે? યોગ્ય વાતાવરણ મળે ત્યારે. ગુરુ-શિષ્યનો સંબંધ પિતા-પુત્રના સંબંધથી વિશેષ ગાઢ અને પવિત્ર સંબંધ છે. પવિત્ર એટલે શું? જે જેના માટે (નિ:સ્વાર્થ ભાવે) ઘસાઇ જાય તે તેના માટે પવિત્ર બને. ગુરુ કોઇ બદલાની અપેક્ષા વગર શિષ્યને જ્ઞાનદાન કરે છે અને તે પણ પ્રેમપુર્વક, પોતાના પુત્રની જેમ.

આજના ઝડપી જમાનામાં, ફાસ્ટ ફુડ અને યુઝ-એન-થ્રો ક્લ્ચરમાં આ પવિત્ર સંબંધને ખીલવવા માટે યોગ્ય વાતાવરણ જ મળતું નથી. બદલાવની આ પ્રક્રિયા માત્ર શિક્ષણ દ્ધારા જ શક્ય છે. શું માણસને બદલી શકાય ખરો ? માણસ પોતાની ત્રુટિ, ઉણપ પ્રત્યે સભાન થાય, પોતાની દુર્વૃત્તિ માટે શરમ અનુભવે અને તેને દુર કરવા માટે તે પોતે જ કટિબદ્ધ થાય ત્યારે પરિવર્તન શક્ય બને. અને આ પ્રક્રિયા વર્ગખંડથી વિશેષ અન્ય કોઇ સ્થળે શક્ય બની શકે નહિ. ભય અને લાલચ માણસની કર્મપ્રેરણા બંને છે તેના બદલે તેના મગજમાં ઉર્ધ્વગતિ બક્ષતા વિચારનું આરોપણ કરી તેનું જતન કરવામાં આવે, પ્રેમ અને હુંફ આપી તેનું સંવર્ધન કરવામાં આવે તો વ્યક્તિ-પરિવર્તનની પ્રકિયા શક્ય બને છે. કાયદો માનવ-મન પર નિયંત્રણ કરી શક્યો નથી કારણ કે મીમાંસકો કાયદાનું અર્થઘટન પોતાના સ્વાર્થ અનુસાર કરી શકે છે. કાયદાની છટકબારી હોય છે આથી તે માણસને બદલી શકે નહિ.

આ રીતે શિક્ષણની પ્રક્રિયા અને તેના વિવિધ પરિણામોના સંદર્ભે શિક્ષણનું સમાજમાં તથા વ્યક્તિવિકાસમાં શું યોગદાન હોઇ શકે તેના કેટલાક પાસાંઓ પર પ્રકાશ નાખવાનો આ નાનકડો પ્રયાસ છે.

Advertisements

Comments on: "જીવનલક્ષી શિક્ષણ" (10)

 1. Rajni Gohil said:

  કલ્પેશભઇએ પાયાની વાત કરી છે. ભણ્યા પણ ગણ્યા નહીં એવા શિક્ષણનો અર્થ શો? હવે તેઓ “સાચું જીવનલક્ષી” શિક્ષણ માટેના ઉપાયો બતાવે તેવી આશા રાખીએ. અને તેના અમલ માટેના પ્રયત્નો પણ ગતિમાન થાય તે પણ એટલું જ જરુરી છે.

  We must be the change we want to see in the world………………. Mahatma Gandhi

  પહેલાંના જમાનામાં આશ્રમમાં રહી ગુરુ પાસેથી વિધ્યાદાન પ્રપ્ત કરનાર તેજસ્વી યુવાનો બહાર પડતા હતા. તો આજે કેમ નહીં?

  સુંદર લેખ બદલ કલ્પેશભઇને અભિનંદન.

 2. Narayan Nayak said:

  “આપવામાં આવે” તે શિક્ષણ છે અને “ઉપાડવામાં આવે” તે સંસ્કાર છે.

  બહુ ગમ્યુ. તમે લખતા રહો અને અમે વાચતા રહિયે. તમને અભિનંદન.

 3. Tarun Patel said:

  સાચી વાત છે.

  પરંતુ કોઇ શુ કરી શકે
  કારણકે

  આજનુ શિક્ષણ લાઇફ ઓરીન્ટલ
  નહી પણ
  બ્રેડ ઓરીન્ટલ એજ્યુકેશન છે.

 4. “ઉપાડવામાં આવે” તે સંસ્કાર છે….
  ખૂબ જ ઊંચી વિચારસરણી લૈ ને આવ્યા છો.
  આવું શિક્ષણ તો આજે એક સપનું જ બનીને રહી ગયું છે.
  આપે ફેંકેલો પ્રકાશ એક દિવસ જરૂર અજવાસ કરશે.
  અભિનંદન !

 5. સરસ વાત.
  શીક્ષણ અને સંસ્કાર વચ્ચેની સરસ સમજણ..
  અભીનંદન.

 6. સુંદર વાત

 7. Maheshchandra Naik said:

  સરસ વિચારોનુ આદાનપ્રદાન કર્યાનો સંતોષ લઈ શકાય એવુ વાચ્યુ હોય એવુ અનુભવ્યુ, આપને અભિનદન અને આભાર……………

 8. deepaben shimpi said:

  i like about education therapy b,cause i allso concern with this field thanks for it

 9. […] સમગ્રતાલક્ષી યથાર્થતા સમજાવતો લેખ: http://vicharo.com/2011/01/03/life-oriented-education/ વાંચીને એના પર મનન જરુરથી […]

 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said:

  શ્રી. કલ્પેશભાઈ

  આપે ખુબજ સુંદર લેખ મુકેલ છે.

  પાયની વાતો કરેલ છે,

  સુંદર બ્લોગ અને સમાજ્લક્ષી રજુઆત છે.

  ડૉ. કિશોરભાઈ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: