વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઇંગલેંડ-અમેરિકા સહિતના પશ્ચિમના ઘણાં દેશોમાં વર્ષના મોટા ભાગના સમયમાં ઠંડી ખુબ પડતી હોય છે. આથી કુદરતી રીતે જ ત્યાંના લોકોની ત્વચા ગોરી હોય છે. જ્યાં ગરમી વધુ છે ત્યાં સ્વાભાવિક રીતે જ લોકો કાળી ચામડીના હોય છે. હવે જે પ્રકૃતિદત્ત છે તેવા ગુણને આધારે શ્રેષ્ઠ-કનિષ્ઠનો ઝઘડો ઊભો કરનારાઓને આપણે કઇ રીતે બુદ્વિમાન કહીશું ? આપણું મોટા ભાગનું વર્તન લાગણીથી, દેખા-દેખીથી, અંધઅનુકરણથી પ્રેરિત હોય છે. તપાસવાનું છે કે વર્તન અંગે આપણે બુદ્ધિથી કોઇ ખુલાસો આપી શકીએ છીએ ખરા ?

પશ્ચિમના દેશોમાં ખુબ ઠંડી પડતી હોવાથી રાત્રે સુઇ ગયા બાદ ત્યાંના લોકોના શરીરની રક્તવાહિનીઓમાં રક્તનું પરિભ્રમણ ધીમું થઇ જાય છે, લગભગ અટકી જાય છે. સવારે જ્યારે તેઓ જાગે છે. ત્યારે તેઓના શરીરના અંગો એવા જકડાઇ ગયા હોય છે કે બહારથી શરીરને ગરમી-હુંફ ન મળે તો તેઓ હલનચલન પણ કરી શકતા નથી. આથી જાગીને પ્રથમ ઊઠવાને બદલે તેઓ bed tea લે છે. આપણે ત્યાં વગર વિચાર્યે ઘણાં ધનિક પરિવારોમાં જાગીને પથારીમાં ચા પીવાની પ્રથા છે. શું આને બુદ્ધિથી સમજાવી શકાય એમ છે? સુર્ય ઊગીને માથે આવ્યો હોય ત્યારે તેઓ જાગે છે, છતાં ગરમીમાં તેઓ Bed Tea લે છે.

પાશ્ચાત્યોનો પહેરવેશ ઠંડીમાં અનુકુળ છે. ગળાના ભાગેથી ઠંડી શરીર પર સહેલાઇથી હુમલો કરી શકે છે જેનાથી બચવા તેઓ શર્ટનો કોલર બંધ કરીને ઉપર ટાઇ બાંધે છે જેથી ઠંડીને છાતીના ભાગે પહોંચવાની તક ના મળે. એવું જ લાંબી બાંયનો શર્ટ પહેરવા પાછળનું કારણ છે. શર્ટ ઇનસર્ટ કરીને બેલ્ટ બાંધે છે, કમરના ભાગેથી ઠંડીને આવતી રોકવા માટે! પગમાંના મોજાં અને ટાઇટ દોરીથી બાંધેલા બુટની પાછળ પણ ઠંડીનું જ કારણ છે. રસ્તે ચાલતા જતા યુવક અને યુવતી એક-બીજાનો હાથ પકડીને ચાલે છે, જેથી ઠંડીમાં બન્નેને એકબીજાની શરીરની હુંફ મળતી રહે. સામસામે કોઇ મળે છે ત્યારે કરાતા હસ્તધુનથી પણ તેઓ પરસ્પર હુંફ અનુભવી લે છે. આપણે ત્યાં ઉપરની તમામ બાબતો પ્રતિકુળ છે, છતાં જેમની તેમ ઉપાડી લેવામાં આવી છે. ઉષ્ણકટિબંધવાળા દેશમાં આવો પહેરવેશ જરા પણ અનુકુળ બને તેમ નથી, ઊલટાનો ઘણી તકલીફ આપે છે. આરામદાયક તો બનતો જ નથી પરંતુ ચામડીના રોગો વધારી મુકે છે. છતાં અનુકરણ કરવામાં આપણને ગર્વ અનુભવાય છે.

એવું છે કામના કલાકોનું! ત્યાં વહેલી સવારે હવામાન ઠંડુ હોય છે. ઘણી વખત બહાર નીકળી ન શકાય તેવી સ્થિતિ હોય છે. રાત્રે ખુબ જ ઠંડી પડી હોવાથી અતિશય સ્નો-ફોલ (બરફ વર્ષા) થયો હોય છે. સવારે સુર્ય ઊગે, તેની ગરમીથી બરફ પીગળે ત્યારે ત્યાંના લોકો પોતાના ઘરનું જકડાઇ ગયેલું બારણું ખોલી શકે છે અને પોતાની કાર હંકારીને કામ-કાજના સ્થળે જઇ શકે છે. શરીરના અંગોમાં કામ કરવાની સ્વસ્થતા દિવસના માત્ર 9 થી 5 કલાક સુધી હોવાથી તેઓના કામકાજના કલાકો એ પ્રમાણે છે, જેને આપણે એમ ને એમ સ્વીકારી લીધા છે. તે આપણને અનુકુળ છે કે પ્રતિકુળ તે નહિ વિચારવાનું!

આપણે ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી લઇને બપોરના બાર વાગ્યા સુધી જ કામ કરવાનું શક્ય છે.ત્યારપછી સુર્ય અગન ગોળા વરસાવે છે, કાર્યશક્તિને ક્ષીણ કરી નાંખે છે. ઉત્સાહ ઘટવાની સાથે-સાથે ઉત્પાદન પણ ઘટી જાય છે. વાતાવરણને ઠંડુ રાખવા માટે કરોડો-અબજો રુપિયાના એરકંડીશનર્સ અને વીજળી ખર્ચી નાંખીએ છીએ પરંતુ કોઇ બુદ્વિમાનને એવું નથી સૂઝતું કે કુદરતે આપેલ એરકંડીશનર અને વીજળીનો વપરાશ કરી લઇએ અને ઉત્સાહ અને સ્ફૂર્તિને ઉત્પાદનમાં પરિવર્તીત કરી દેશને સમૃદ્ધ બનાવીએ. સ્વતંત્રબુદ્ધિથી એક પગલું પણ ન ભરી શકીએ એવા આપણે પાંગળા છીએ છતાં કોઈ મૂર્ખ કહે તો ખોટું લાગે છે!

ભોજન અંગેની ટેવોનું પણ એવું જ છે. આપણે ત્યાં ગરમી વધુ હોવાથી જમતી વખતે પાણી પીવું પડે છે. જેથી ખોરાક સમરસ થતો રહે અને પાચનતંત્રને ખોરાક પચાવવામાં બહુ તકલીફ ન પડે. પરંતુ તેની આડ અસર રુપે અથવા તો તૃપ્તિના સંકેત તરીકે આપણે ઓડકાર ખાઇએ છીએ. તેને પાશ્ચાત્યો જંગલીપણું ગણાવે છે. તેઓને ઠંડા પ્રદેશમાં ભોજનની સાથે બહુ પાણી પીવું પડતું નથી. આથી તેઓને ઓડકાર આવતો નથી. પરંતુ તેઓને જમતાં જમતાં નાકમાંથી લીંટ કાઢીને સાફ કરતાં ચીતરી ચઢતીનથી. ઠંડા પ્રદેશમાં શરદી થવી સ્વાભાવિક છે. આપણે ત્યાં શરદી થવી એ રોગની નિશાની ગણાય છે.

આપણી પ્રકૃતિ સંયોજક(synthetic) છે, તેઓની પદ્ધતિ વિશ્લેષક(analytical ) છે. તેઓ બધું છુટું પાડીને જુએ છે, આપણે સમગ્રનો અભ્યાસ કરીએ છીએ. આથી જ જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે થાળીમાં બધી જ વાનગી એક સાથે પીરસાયેલી મળે છે. પશ્ચિમમાં એવું નથી. ત્યાં એક પછી એક એમ સ્વતંત્ર રીતે વાનગીની ડીશ પીરસવામાં આવે છે. છેલ્લે આઇસ્ક્રીમ અને ફળોની ડીશ આવે. આપણે યુવક કે યુવતીને તેના સમગ્ર દેખાવ પરથી તે સુંદર છે કે નહિ તે નક્કી કરીએ છીએ. પશ્ચિમના લોકો તેઓના નાક, આંખો વગેરે છૂટું પાડીને તેને સુંદર કે અસુંદર ગણવાની પદ્વતિ અપનાવે છે.

પશ્ચિમનો ધર્મ વિજ્ઞાનને પ્રતિકૂળ, જ્યારે પુર્વનો ધર્મ અનુકૂળ છે છતાં તેઓનું અનુકરણ કરીને આપણે ધર્મને ગાળો આપીએ છીએ.

પશ્ચિમના દેશોમાં ધર્મનો વિકાસ થયો જ નથી. આથી ધર્મ માનવી મન પર પકડ જમાવી શક્યો નથી. ત્યાં ઇહલોક અને પરલોક એવા બે ભાગ પાડી દેવામાં આવ્યા છે. ઇહલોકમાં રાજાના કાયદા અથવા તો શાસન ચાલે. જ્યારે પરલોકના જીવન માટે ધર્મના કાયદા ચાલે. ઇહલોક માટે ધર્મના કાયદા દખલ અંદાજી કરી શકે નહિ. એ જ રીતે શાસનના કાયદા લોકોના પારલૌકિક જીવનમાં પ્રવેશી શકે નહિ. પશ્ચિમના ધર્મમાં બુદ્વિ પ્રામાણ્ય છે જ નહિ. આથી વિજ્ઞાનનો વિકાસ ધર્મને અનુકુળ રહ્યો નથી.

વિજ્ઞાનની શોધખોળોથી વિપરીત બાયબલનું લખાણ પણ વિજ્ઞાન અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે સંઘર્ષ જ્ન્માવવામાં મહત્વનું કારણભુત બન્યું છે: ‘પૃથ્વી સપાટ છે અને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.’ ગેલિલિયોએ શોધી કાઢ્યું કે, પૃથ્વી ગોળ છે અને એ સૂર્યની આસપાસ ફરે છે. ત્યારે ત્યાંના ધર્મગુરુઓએ તેને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. સાથે એવી છૂટ આપી હતી, કે ‘જો ગેલિલિયો તેના સંશોધનને પાછું લઇ લે તો મૃત્યુ દંડની સજા રદ કરીને દેશનિકાલની સજા કરવી, તેનો બહિષ્કાર કરવો. સત્યવચની બ્રુનોને એવા જ કારણોસર જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આમ, પાશ્ચાત્ય દેશોમાં ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ પુરાતન કાળથી ચાલ્યો આવે છે.

આપણો વૈદિક ધર્મ બુદ્ધિપુર્ણ છે, ગતિશીલ છે. માનવજીવનને માર્ગદર્શન કરવાની શક્તિ તેનામાં છે. જીવનના સત્યસિદ્ધાંતો તે સમજાવી શકે છે. વૈદિક ધર્મના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. વિજ્ઞાન અને ધર્મને પુર્વમાં કયારેય સંઘર્ષમાં ઊતરવું પડ્યું નથી કારણ કે ધર્મમાં બુદ્ધિથી પુરેપુરો વિચાર કરાયેલો છે. વૈદિક ધર્મમાં ક્યાંય ચાંચ મારવાની જગ્યા નથી. આપણો ધર્મ વિજ્ઞાનને સ્વીકાર કરવાની સાથે સાથે તેને પોતાનામાં સમાવી લે છે. આપણે ત્યાં પ્રભુ રામ સ્વયંચાલિત વિમાનમાં મુસાફરી કરતા જોવા મળે છે. માણસને હવાઇ માર્ગે કોઇ પણ સાધન વગર ગતિ કરતા વાંચી શકીએ છીએ. પાણીમાં રહીને સ્તંભન વિદ્યા, અદૃશ્ય થવાની શક્તિ, યાદ કરતાં જ હાજર થવાની વિદ્યા, શરીરનું કદ હિમાલય જેવડું વિરાટ અથવા તો કૃમિ-કીટક જેવું સુક્ષ્મ કરવાની વિદ્યાનો સ્વીકાર આપણે ત્યાં છે. સંજયદૃષ્ટિ – એ આજનું ટેલીવિઝન નથી તો બીજું શું છે?

ધર્મ અને વિજ્ઞાનનો ઝઘડો પશ્ચિમનો છે, પુર્વનો નહિ. છતાં પુર્વના લોકો, પરબનું પાણી પીનારા, પાશ્ચાત્યોને જ જ્ઞાની ઠરાવનારા પોતાના સાંસ્કૃતિક-ધાર્મિક વારસા પ્રત્યે ઉપેક્ષા સેવનારા, સ્વમાન ભૂલીને પાશ્ચાત્યોની ગુલામી કરનારા અને પાશ્ચાત્યો જેને બહુમાન આપે તેને જ મહાન ગણનારા, પશ્ચિમના આ ઝઘડાને પરિણામે તેઓ પોતાના વૈદિક ધર્મને પણ ખ્રિસ્તી ધર્મતુલ્ય ગણીને ગાળો આપતા થયા છે. આમાં આપણું પાશ્ચાત્ય બૌદ્ધિકોનું આંધળું અનુકરણ નહિ તો બીજું શું છે? પાશ્ચાત્યોએ ધર્મને અફીણની ગોળી ગણાવ્યો છે. ‘ધર્મ એ ચાર-પાંચ ધુતારાઓએ વિશ્વને ઠગવા માટે ઊભી કરેલી યોજના છે’ એમ તેઓ કહે છે. તેઓના ધર્મને જોયા પછી તેઓ પોતાના ધર્મ માટે જે કાંઇ કહે તેને આપણાં ધર્મ પર લાગુ પાડવામાં કઇ બૌદ્વિકતા છે? (યાદ રહે: આપણે ત્યાં ધર્મના નામે સમાજનું જે શોષણ થયું છે એના માટે ધર્મશાસ્ત્રોનું લખાણ નહિ પણ એનું ખોટું અર્થઘટન જવાબદાર છે. જ્યારે પશ્ચિમમાં ધર્મશાસ્ત્રોનું લખાણ વિજ્ઞાનથી વિપરીત છે અને એ લખાણને આધારે સમાજનું શોષણ થયું છે.)

ખ્રિસ્તી ધર્મમાં મોક્ષપત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી. ‘હજાર-હજાર રુપિયા (પ્રતિક મૂલ્ય) આપીને ખરીદી શકાય તેવી મોક્ષપત્રિકા જે લે તેને જ મુક્તિ મળે’ એવો ફતવો ત્યાંના ધર્મગુરુઓએ બહાર પાડ્યો હતો. બાયબલમાં લખાણ છે, કે ‘સોયના કાણાંમાંથી ઊંટ પસાર થઇ શકે પણ ધનવાનને સ્વર્ગમાં સ્થાન ન મળે.’ સંપત્તિવાનની ઉપેક્ષા કરનાર ધર્મ શી રીતે કહી શકે કે ખરીદેલી મોક્ષપત્રિકા માણસને મુક્ત કરી શક્શે? જ્યારે આપણે ત્યાં ધનવાનને ભગવાનના લાડલા દીકરા તરીકે ઓળખવામાં આવે છે – शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोभिजायते (સાધના કરતો જીવ પવિત્ર ધનિકને ઘેર જન્મ લે છે) – શ્રીમદ ભગવદ ગીતા. અરે! આપણાં દસેય અવતારો ધનિકોને ત્યાં જ જ્ન્મ લઇને બતાવે છે કે ધનવાન માણસનું આપણે ત્યાં કેટલું બધું મહત્વ છે. વૈદિક ઋષિએ શ્રીસૂક્ત ગાયું છે, વિશ્વનો તમામ વૈભવ માંગ્યો છે. વૈભવને કે વૈભવવાનને આપણે ક્યારેય તુચ્છ નથી ગણ્યા. છતાં પાશ્ચાત્યોના વાદ વદીને તેઓના તાલે નાચીને આપણા સંપૂર્ણ વૈજ્ઞાનિક ધર્મને ગાળો આપીએ છીએ. કોઇ બુદ્બિમાન પુરુષ આવું કરે કે? આમ આપણાં વર્તન પાછળના પરિબળની સમીક્ષા કરીને એને બૌદ્ધિક રીતે સમજવું જરુરી છે.

Advertisements

Comments on: "પાશ્ચાત્યોનું આંધળુ અનુકરણ" (7)

 1. આજે ભૌતિકતાવાદના યુગમાં પિશ્ચમી સંસ્કòતિનું આંધળું અનુકરણ બેફામ રીતે વધી રહયું છે ત્યારે તેને રોકવા પૂરો પ્રયત્ન કરી સમજાવવાની તાતી જરુર છે
  ખુબ સરસ તર્કબંધ વાત્

 2. જગત દવે said:

  સુંદર લેખ…..દરેક મુશ્કેલીઓનાં ઊકેલનું ભારતીય મોડેલ શક્ય છે પણ ગુલામીની માનસિકતા ને કારણે આપણે વિકસીત નથી કરી શકતાં….સતત પશ્ચિમ તરફ નજર દોડાવવી પડે છે.

  પણ અમુક બાબતો આપણાં પક્ષમાં નકારાત્મક છે તે તરફ આપણે જાગૃત થવું જ રહ્યું. માત્ર પશ્ચિમને ભાંડવાથી કશું નહી વળે. તેઓનાં ઘર્મમાં પણ અનેક અંધશ્રધ્ધાઓ અને બીજી નકારાત્મક બાબતો છે અને હતી પણ તેમનાં સામે જે તે સમયે અવાજ બુલંદ કરનારા લોકો નીકળ્યા અને તેમને ટેકો આપનાર લોકોની સંખ્યા પણ સતત વધતી ગઈ…..અને સમય જતાં પ્રજાને તેમાંથી છુટકારો મળ્યો. આપણે ત્યાં આથી ઊલટું બન્યું….વૈદિક ઘર્મનાં સ્થાને પૌરાણિક ધર્મ આવ્યો અને પછી શ્રમણ ધર્મ (બૌધ, જૈન વિ.) આવ્યો જેમાં જીવન પ્રત્યે નો અભિગમ નિરાશાત્મક અને પલાયનવાદી રહ્યો. આપણે મહત્વાકાંક્ષા વગરની પ્રજા બન્યા અને એવી પ્રજા બન્યા જેને આ જીવન કરતાં મૃત્યુ પછીનાં જીવનની (મોક્ષની) જ સતત ચિંતા રહે છે. વૈજ્ઞાનિક વિકાસની શક્યતાઓ આવા વાતાવરણમાં રહી જ નહી. તેની સામે પશ્ચિમમાં તેમનાં ઘર્મમાંથી જ એવા લોકો સામે આવ્યા જેણે તેમની અંધશ્રધ્ધા અને કુરિવાજો સામે અવાજ બુલંદ કર્યો. (બ્રુનો જેનું આપે ઉદાહરણ આપ્યું છે તે એક પાદરી હતાં) આપણે ત્યાં સતીપ્રથા, દહેજ, અશ્પૃશ્યતા, જાતિવાદ સામે ક્યાં ધર્મગુરુઓ એ લડાઈ કરી?. આ બધા કારણોસર આક્રમક અને મહત્વાકાંક્ષા ઘરાવતાં અત્યંત નાના વિદેશી સમુહો દ્વારા પણ આપણે હારતાં રહ્યાં. પરિણામે ૩૦૦૦ વર્ષ સુધી સતત ગુલામીમાં જ રહ્યા. જેની માનસિકતા માંથી હજુ પણ આપણે બહાર નથી આવી શકતાં.

  જ્યાં સુધી જીવનશૈલી નો અને સંસ્કૃતિનો સવાલ છે…..તો કાળચક્રમાં જે જીવનશૈલી વૈજ્ઞાનિક અને કુદરતનાં નિયમો સાથે સહજ તાદામ્ય ધરાવતી હશે તે જ અસ્તિત્વમાં રહેશે. માત્ર અંઘશ્રધ્ધાઓથી અથવા વિકાસનાં નામે વિનાશની ટેકનોલોજીઓ થી ચાલતી પધ્ધતિઓ અથવા અનુકરણો મારા મત મુજબ કાળક્રમે વિલિન થઈ જશે અથવા કુદરત જ તેને ભુંસી નાંખશે. (રોમન, એઝ્ટેક, ઈન્કા અને મિસ્ત્રની જેમ) અહિં કુદરત માટે હજારો વર્ષનો સમય એક પળ બરાબર છે તે ન ભુલવું જોઈએ.

  આપે ભારતીય ધર્મની ચર્ચા કરતાં સમયે વૈદિક ધર્મને આધાર બનાવ્યો છે પણ તે આજે ભારતમાં જુજ પરિવારોમાં જ સ્થાન ઘરાવે છે. બાકીનાં બધાં જ પૌરાણિક ધર્મ જ પાળે છે જે અંધશ્ર્ધ્ધા અને કુરિવાજોથી ભરપુર છે. આ ઉપરાંત ૨૦,૦૦૦ સંપ્રદાયોમાં આપણે વિખાયેલાં છીએ. જાતિ-પ્રથાની જડતાં આપણને ૨૧મી સદીમાં પણ પીડા આપી રહી છે. તેને કારણે હિંદુ-પ્રજા રાજકીય ભવિષ્ય વગરની પ્રજા બની ગઈ છે. આપણી ગુલામીનું કારણ આપણી ધર્મ અને જાતિગત નબળાઈઓ હતી અને આજે પણ છે. આઝાદીનાં ૭૦ વર્ષ બાદ પણ તેનાંથી મુક્તિ નથી મળી અને વળી રાજકારણ બળતાંમાં ઘી હોમી રહ્યું છે.

  આ બધા વચ્ચે ભારતીયતા ઝોલા ખાઈ રહી છે….ભારતીય મુશ્કેલીઓનાં ભારતીય ઊકેલો શોધવા બધા જ ક્ષેત્રે પ્રયત્નો થવા જોઈએ. ઊજ્જ્વળ ભવિષ્ય માટે પ્રજાને જાગૃતિ સભર કેળવણી આપે તેવું મોડેલ ઊભુ કરવા વ્યાપક પ્રયત્નોની જરુર છે. ખેર…..ભુતકાળ તો નહી બદલી શકાય પણ બોઘ તો જરુર લઈ શકાય.

 3. very nice article Kalpesh and will share on santoshbhatt.wordpress.com
  Keep up the good work..and rational arguments..

  Santosh Bhatt

 4. jitendra patel said:

  કલ્પેશભાઇ
  આપનિ વાત સાચિ છે
  ખુબ સરસ સમજાવિયુ પણ છે,
  જીતેન્દ્ર પટેલ

 5. Shailesh Patel said:

  West nu andhalu anukaran samaj ne kya lai jashe?? Gulami ni nishani!!!

 6. તમે પશ્ચિમનું કલ્ચર અપનાવો તેનો વાંધો નથી ,પણ એક વાત યાદ રાખજો સૂર્ય પણ જયારે જયારે પશ્ચિમ માં ગયો છે .એ દુબ્યોજ છે

 7. કલ્પેશભાઈ, આપની ”વિચારો.કોમ” ખુબ જ સરસ છે..આવી અદભૂત વિચારસરણીનો આના થકી ફેલાવો થતો રહે તેવી શુભેચ્છાઓ.! અને હા હું દાહોદ ખાતે એક સાપ્તાહિક ”વોઈસ ઓફ દાહોદ” ચલાવું છું જે આપ http://www.dahod.com ઉપર જોઈ શકો છો. હું ૨૧ વર્ષથી ”ડોકિયું” કોલમ લખું છું. મારા સાપ્તાહિકમાં આપ દ્વારા ”વિચારો.કોમ” ઉપર મુકાતા આપના વિચારો આપના સાભાર ઉલ્લેખ સાથે લઇ શકું? આશા છે આપ સંમતિ આપશો. મારા સાપ્તાહિકમાં હજુ સુધી મેં ક્રાઈમ સમાચાર કે લેખ લીધા જ નથી અને તેનું સુત્ર જ ”દાહોદનું સકારાત્મક સાપ્તાહિક” છે. પરવાનગી આપવા માટે આપ મને મારા sachindahod@gmail.com ઉપર એક ઈમેઈલ કરી શકશો? આભાર કલ્પેશભાઈ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: