વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સદ્ગુણો ઘણાં છે પરંતુ આપણને પ્રત્યેકનો ચોક્કસ અર્થ ખબર હોતો નથી આથી આપણે સદ્ગુણોનો શબ્દપ્રયોગ કરતી વખતે એક-બીજાની જગ્યાએ તેનો ઉપયોગ કરી નાંખતા હોઈએ છીએ. હિંમતવાન અને બહાદુર વચ્ચે શું ફરક છે? એ જ રીતે શૂર અને વીર કોને કહેવાય? બીકણ, કાયર, ભીરુ અને ડરપોક જેવા વિશેષણો વચ્ચે કયો તફાવત છે? દયા એટલે શું? અને કરુણાથી તે કેવી રીતે જુદી પડે? કોઈ પણ સદ્ગુણ, સદ્ગુણ ત્યારે જ બને કે જ્યારે એ કોઈ ચોક્કસ ઉચ્ચ વિચારધારા કે દિવ્ય પરંપરાનું વહન કરતો હોય. આજે તો કોઈ પણ માનવ-પ્રયત્નને સદ્ગુણ તરીકે ઓળખવામાં આવે છે.

ચાર જુવાનીયાઓ શરત લગાવે કે કોલેજની કોઈ ખાસ સુંદર યુવતીને તેઓમાંથી કોણ પોતાની બાઈક પર બેસાડીને લઈ જાય? જે આ કામ પાર પાડે એને બહાદુર ગણવામાં આવે. અહીં સામાન્ય માણસ ન કરી શકે એવું કામ જે કરી દેખાડે તેને બહાદુર કહે છે. પરંતુ સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે માણસ જોખમ ઉઠાવીને મુશ્કેલ જણાતું કાર્ય કરી બતાવે તેને બહાદુર ગણી શકાય, અન્યથા નહિ. વિજાતીય આકર્ષણ પ્રત્યેકમાં રહેલું છે એને પ્રગટ કરવામાં કોઈ બહાદુરી નથી. ઉલ્ટાનું છોકરીથી આકર્ષાઈને તેની પાછળ પડવામાં કુતરાની વૃત્તિ પ્રગટ થાય છે. એક કાળે છોકરીઓની નજરમાંથી આવા છોકરાઓ ઉતરી જતા હતાં. વળી ઉચ્ચ સાંસ્કૃતિક પરંપરા ધરાવતા પરિવારના સંતાનોના લક્ષણો મવાલીછાપ ન હતા. આજે તો ઘણા સંસ્કારી કુટુંબના યુવાનો પણ વિજાતીયતાની બાબતે મવાલીછાપ હરકતો કરવા માંડ્યા છે. આથી આધુનિક યુવતીઓ, પોતાના ચક્કર કાપનાર આવા યુવાનોની હરકતથી ગૌરવ અનુભવે છે. જો કે મોટી ઉંમરે થતાં લગ્નો આને માટે જવાબદાર છે એ જુદી વાત છે.

પોતાનું બાળક નિશાળમાંથી કોઈની પેન્સિલ ચોરી લે કે બસમાં વગર ટિકીટ મુસાફરી કરી આવે કે ધક્કા-મુક્કી કરીને બે-પાંચ મુસાફરોને ગબડાવી દઈને વહેલા ટ્રેનમાં ચડી જઈને જગ્યા રોકી લે, બેફામ બાઈક કે કાર હંકારીને અકસ્માત કરે પછી મોટે-મોટેથી બુમો પાડીને, મારા-મારી કરીને અથવા એવું કાંઈ કર્યા વિના ભાગી છુટવાનું શક્ય હોય તો ભાગી જાય એવા દીકરાને તેના મા-બાપ હોંશિયાર ગણતા હોય છે. હકીકતમાં આ તો ચોર કે બદમાશના લક્ષણો છે. હોંશિયાર તો એને કહેવાય જેને પોતાના કર્તવ્યાકર્તવ્યનું ભાન હોય.

સદ્ગુણ-દુર્ગુણની પરખ ન હોવાને કારણે કર્ણ અને વિભીષણને ઓળખવામાં ભલભલાએ ભુલ કરી છે. કૃષ્ણ શાંતિદૂત બનીને કૌરવસભામાં ગયા હતા. દુનિયાભરના રાજાઓ ત્યાં એકત્ર થયા હતા. કૃષ્ણનું પ્રવચન સાંભળ્યા બાદ ત્યાં હાજર પ્રત્યેકને એક વાતની ખાતરી થઈ ગઈ હતી કે પાંડવો ધર્મના પક્ષે છે અને ધર્મ પાંડવ પક્ષે છે. દુર્યોધન અધર્મી છે ને તેના પક્ષે રહેનારા સહુ અધર્મને સાથ આપનારા છે. બુદ્ધિમાં ફરક થયો કે તરત કૃતિમાં ફરક થવો જરુરી છે. પોતાને ધર્મપાલક માનનારા અધર્મને સાથ કેવી રીતે આપી શકે? પરંતુ યુદ્ધના નિયમને કારણે તેમજ કૃષ્ણથી ડરી ગયેલા તમામ રાજાઓ દુર્યોધનને છોડવા તૈયાર થયા નહિ. બીજા બધાની વાત જવા દો, પરંતુ કર્ણનું શું?

કર્ણ કહે છે કે આજીવન મોટા-મોટા ક્ષત્રિયો ‘રાધેય’ કહીને તેનું અપમાન કરતા રહ્યા ત્યારે એક માત્ર દુર્યોધને કર્ણને રાજ્ય આપીને તેને રાજા બનાવ્યો. દુર્યોધન કર્ણનો મિત્ર હોવાથી તેમજ પોતાના પર તેના અગણિત ઉપકાર હોવાથી પોતે દુર્યોધનને છોડી શકે તેમ ન હતો. ખરેખર કર્ણે શું વિચારવું જોઈએ? કર્ણ દુર્યોધનનો સાચો મિત્ર હોય તો જેવી કર્ણને ખબર પડી કે પોતાનો મિત્ર અધર્મના પક્ષે છે અને અધર્મના પક્ષે રહેવામાં મિત્રનું લૌકિક તેમજ પારમાર્થિક અહિત થઈ રહ્યું છે તો કર્ણે પોતાના મિત્રને અધર્મના પક્ષે જતો રોકવો જ રહ્યો. એ માટે તમામ પ્રયત્નોના ભાગરુપે એક તબક્કે પોતે દુર્યોધનને છોડી રહ્યો છે એવી જાહેરાત કરે તો પણ શક્ય છે કે દુર્યોધન અધર્મના પક્ષેથી પાછો વળી જાય. કૃષ્ણ પણ આ જ ઈચ્છતા હતા. પછી પણ દુર્યોધન ના માને તો કર્ણને એટલું તો આશ્વાસન રહે જ છે કે પોતે સાચા અર્થમાં મિત્રધર્મ બજાવ્યો છે. ત્યારબાદ કર્ણ ઈચ્છે તો બલરામની જેમ યુદ્ધવિમુખ રહી શક્યો હોત.

જે ક્ષણે સત્ય સમજાય તે જ ક્ષણે તેના આચરણની તૈયારી રાખવી જરુરી છે. કર્ણ આવું ન કરી શક્યો તેનું શું કારણ? દુર્યોધનનું ખાધેલું અન્ન તેને સત્ય બોલતા રોકતું હતું? કર્ણને ખબર તો પડી ગઈ હતી કે દુર્યોધને કર્ણને જે રાજ્ય આપ્યું છે તે ખરેખર તો કર્ણનું જ છે અને દુર્યોધને એ સિવાય પણ પોતાની પાસે જે રાખ્યું છે એ રાજ્ય પણ કર્ણનું જ છે. છતાં દુર્યોધને કર્ણને અપમાનજનક પરિસ્થિતિમાંથી ઉગાર્યો હતો આ વાત કર્ણ કેમ ભુલી શકે? પોતાની માએ કર્ણને છોડી દીધો પણ દુર્યોધને પોતાને છોડ્યો ન હતો. તો પછી દુર્યોધનને સાથ આપવો એટલે શું? દુર્યોધનનું અહિત થતું હોય તો થવા દેવું? ‘પોતે દુર્યોધનના પક્ષે રહીને લડશે’ આમ કહેવામાં દુર્યોધનને સારું લાગવાનું છે એ વાત ચોક્કસ છે. પરંતુ દુર્યોધનનું અકલ્યાણ થવાનું છે એ વાત પણ ચોક્કસ છે. શું પોતાના મિત્રનું અકલ્યાણ થવા દે એવો કર્ણ હતો? જીવનમાં શેનું મહત્વ છે: લાગણીનું કે વિચારનું? કે પછી આજીવન પોતે પાંડવો પ્રત્યે, દ્રૌપદી પ્રત્યે વેરની આગમાં તડપતો રહ્યો એ વાત કર્ણ ભૂલ્યો ન હતો?

આ સંદર્ભમાં વિભીષણને આપણે તપાસીએ. કેટલાંક વિદ્વાનો? કહે છે કે વિભીષણે પક્ષપલટો કર્યો. વિભીષણ રાવણના પક્ષમાં ક્યારે હતો? રાવણના કોઈ અધાર્મિક કાર્યનું વિભીષણે ક્યારેય સમર્થન કર્યું હોય એવું રામાયણમાં નથી. બલ્કે રાવણના દરેક અધાર્મિક કાર્યનો વિભીષણે ખુલ્લંખુલ્લા વિરોધ કર્યો જ છે. રાજપરિવારના સભ્ય હોવાને નાતે લંકાની પ્રજાનું હિત જોવાની જવાબદારી વિભીષણની હતી. લંકાનો રાજવી અધાર્મિક હોય અને તેના કારણે પ્રજાનું અહિત થતું હોય તો તેવા રાજાને ઉથલાવી નાખીને ધાર્મિક રાજા નીમવો એ વિભીષણનું કર્તવ્ય હતું. પછી એ રાજા પોતાનો ભાઈ જ કેમ નથી! રાવણનું ખાઈને રાવણનું જ ખોદ્યું-એવું ઘણાં કહે છે. પરંતુ એ વાતમાં કોઈ દમ નથી. રાજવી પરિવારના સભ્ય હોવાને નાતે વિભીષણ વિશાળ સંપત્તિનો માલિક હતો. રાવણે પોતાની વાસના સંતોષવા સમગ્ર લંકાને દાવ પર લગાવી દીધી. જો વિભીષણ રામ સાથે ન હોત તો લંકાનો સર્વનાશ થયો હોત. વિભીષણે ભગવાન રામને માર્ગદર્શન કર્યું જેથી લંકાની ખુવારી અટકી ને માત્ર લંકાની પ્રજાના દુશ્મનો જ હણાયા. આજે કેટલાક દુઃષ્ટ રાજકારણીઓ દગો કરે છે, પક્ષનો તેમજ પ્રજાનો દ્રોહ કરે છે અને કહેનારા કહે છે કે એણે વિભીષણવાળી કરી.

‘નેતૃત્વ’નો ગુણ

(1) नृ नयति इति नेता.

તેના પરથી શબ્દ આવ્યો ‘નયન’ એટલે આંખો. જે જોઈ શકે છે તે નેતા. જેની પાસે દૃષ્ટિ છે(vision) તે નેતા. દૂરનું જોઈ શકે છે એટલે કે આવનારા પાંચસોથી પાંચ હજાર વર્ષને જે જોઈ શકે છે તે નેતા(કૃષ્ણ). આજે વ્યક્તિ કે સમાજની ગતિ જોઈને સો-બસો વર્ષ પછી તે ક્યાં ઊભો હશે એ જે જોઈ શકે અને એને ધ્યાનમાં રાખીને સમાજને આગળ લઈ જાય તે નેતા(શિવાજી). દૃષ્ટિવિહીન નેતા સમાજને ખાડામાં નાંખે છે અથવા સમાજને આગળ લઈ જવાને બદલે બસો-પાંચસો વર્ષ પાછળ પણ લઈ જઈ શકે છે(સદ્દામ હુસેન). તે નેતા નથી પણ ડ્રાયવર છે. આવા નેતા વારંવાર પોતાના નિર્ણયો બદલતા હોય છે(મહંમદ તઘલખ-દિલ્હીથી દૌલતાબાદ) અને સમાજનું નુક્શાન કરતા હોય છે. આઝાદી મળ્યા બાદ આજે બાસઠ વર્ષે ભારત દેશને જે તકલીફોનો સામનો કરવો પડે છે તે માટે જવાબદાર તે સમયના નેતાઓ છે. આવતી કાલે શું થવાનું છે એ પણ ન જોઈ શકનારાઓ નેતા થઈ જાય છે ત્યારે દેશ અને સમાજની અવદશા જ થાય છે. દા.ત. ધર્મનો વિરોધ કરીને સામ્યવાદ ઊભો થયો. રશિયામાં તેનો વિકાસ થયો. તેથી ત્યાંના સત્તાધીશોએ દેવળો તોડી નાંખ્યા. થોડાક જ વર્ષોમાં દેવળો ફરી બાંધી આપવા પડ્યા. કારણ શું? ધર્મનું સ્થાન માણસના હૃદયમાં છે. ત્યાંથી તેને ખતમ કરી શકો તો તમે દેવળ તોડો તેને અર્થ છે, અન્યથા નહિ.

(2) નેતા પોતાના અનુયાયીઓથી કોઈ રીતે પ્રભાવીત ન થનારો પરંતુ અનુયાયીઓને પ્રભાવીત કરનારો હોવો જોઈએ.

અનુયાયીથી પ્રભાવીત થનારા નેતાના આત્મવિશ્વાસમાં તેમજ બુદ્ધિમાં ગડબડ પેદા થઈ શકે છે. નેતાએ અનુયાયીને કેટલો પ્રભાવીત કરવો? અનુયાયીને પોતાના હિમાલય જેવા વ્યક્તિત્વથી આંજી નાંખવાને બદલે પોતે માત્ર બે આંગળી વધારે ઊંચો છે એવો અહેસાસ કરાવવો રહ્યો. એનાથી અનુયાયીના આદરની સાથે-સાથે તેની આત્મીયતાનો લાભ પણ મળશે. અનુયાયી ઘણીબધી ખાનગી વાતો પોતાના નેતા સાથે ‘શેર’ કરશે. વિકાસની જુદી-જુદી કક્ષા ધરાવનારા પ્રત્યેક અનુયાયીને પોતાનો નેતા બે આંગળ ઊંચો લાગે એમ વર્તવું એ નેતાનું લક્ષણ છે. અર્જુન ગીતામાં ભગવાનને કહે છે,“પ્રભુ! હું આજીવન આપની સાથે રહ્યો, આપણે એક થાળીમાં જમ્યા, છોકરી પટાવવાની વાતો મેં આપને હાથતાળી આપીને કરી. હું આપને ઓળખી જ ન શક્યો કે આપ વિશ્વનિર્માતા છો.”

(3)નેતાએ અનુયાયીને પ્રભાવીત કરવા કરતાં તેના દિલમાં સ્થાન ધરાવવું જરુરી છે.

અનુયાયી નેતાને ચાહતો હોય એ અપેક્ષિત છે. ચાહના પાછળ સ્વાર્થ નહિ પરંતુ નેતાના સદ્ગુણો, ચરિત્ર પ્રત્યેનો આદર હોવો જોઈએ. નેતાને દિલથી ચાહનારો અનુયાયી નેતાના શબ્દને વફાદાર રહે છે. નેતાના કાર્યને પોતાનું કાર્ય ગણીને તન-મન-ધનથી તેમાં ઓતપ્રોત થાય છે. કૃષ્ણે કંસને તેના જ રાજ્યમાં તેની જ સભામાં માર્યો ત્યારે કંસના એક પણ અંગરક્ષકે કંસનો બચાવ કર્યો નથી. ગમે તેવો દુ:ષ્ટ રાજા પણ બસો-પાંચસોનું સારું તો કરે જ. કંસને બચાવવા કોઈ ન આવ્યું કારણ કે ગોકુળથી દરરોજ મથુરામાં દહીં-દૂધ વેચવા આવનારી ગોપીઓએ પ્રત્યેક મથુરાવાસીના હૃદયમાં કૃષ્ણપ્રીતિ નિર્માણ કરી હતી. ગોપીઓએ આ કાર્ય દિલથી કર્યું હતું.

આમ, આ ત્રણ લક્ષણો સફળ નેતામાં હોય જ છે. જેને સફળ નેતા થવું છે તેણે આ લક્ષણો કમાવી લેવા રહ્યા.

Advertisements

Comments on: "સદગુણ કોને કહેવાય ?" (4)

 1. ભાઇશ્રી કલ્પેશ

  નેતા કેવા હોવા જોઇએ તે માટે આમારી માંડવી-કચ્છના સ્વ.માજી મેયરશ્રી હરિરામ નથ્થુભાઇ કોઠારીનો દાખલો લખુછું જે,ખરેખરા નેતા હતા.તેઓ પોતાના ઘેરથી નગરપાલિકા ઓફિસે આવવા નીકળે ત્યારે આજે તેમનો રૂટ કયો હશે એ નક્કી ન હોય.રસ્તામાં આવતી દરેક જાહેર મુતરડીમાં એક ડોકિયું કરતા આવે તેમાં જો ગંદકી જણાય તો સેક્રેટરીને પુછે ફલાણા વોર્ડની સફાઇ કોણ જુવે છે? તેને બોલાવો.સફાઇ સુપરવાઇઝર આવે તેને હસતા હસતા એટલું જ પુછે
  “કેમ ભાઇ તમને નગરપાલિકા પગાર નથી આપતી?”
  “એમ કેમ કહેવાય નથી આપતી આપે છે ને ભાઇ”
  “તો ફલાણા જગાની મુતરડી વાસ કેમ મારે છે?”
  “હું હમણાં જ જોઉ ભાઇ..”
  એ તરત જ સફાઇ કામદારને ખખડાવી નાખે “તમે બરોબર કામ નથી કરતાં ને ભાઇનો ઠપકો મારે સાંભળવો પડે છે.આજથી અર્ધી સદી પહેલાં તેણે બનાવેલા સિમેન્ટના રોડ ખોદ્કામ વખતે તોડતાં નાકે દમ આવી જાય છે.જે માણસના અમલમાં ચોખ્ખુ ચણાક માંડવી હતું ત્યાં આજે હરાયા ઢોરના છાણ અને મુતરથી રસ્તા ગંદા છે તેમના અમલમાં ઘરના બાથરૂમ જેવી સાફ મુતરીઓ ગંદ્કી થી ખદબદે છે.
  નગરપાલિકા ત્યારે પણ પગાર આપતી હતી અને આજે પણ આપે છે પણ સફાઇ બાબત ચોકસાઇ કરવાની કોઇને ફૂરસદ નથી છે ને વિધિની વિચિત્રતા>
  અસ્તુ,

 2. સુન્દર પોષ્ટ માનમ મનમા પડેલા સસ્કાત અને તેનું વર્તન પ્રગટ કરે છે સદગુણો કે દુરગૂણો..સદ ,..સારા દુર્…ખરાબ..ગુણો
  આનાથી જ માનવ પરખાય.

 3. Mukesh Patel said:

  Bhai kalpesh.

  Thanks for good artical.

  Todays leader if learn from this.

  Mukesh Patel

 4. Pradeep Gorajiya said:

  છોકરીનો પીછો કરતા સંસ્કારી ઘરના છોકરા જોયા છે તેનું કારણ મોટી ઉંમર સુધી કુવારા રહેવાથી આ પ્રકારની કુટેવ પડી જાય છે, ટ્રેનમાં અપ-ડાઉન કરતી વખતે મે આવી હરકત જોયેલી છે. . .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: