વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસ પોતે સાચું બોલી શકતો નથી, નીતિથી પૈસો કમાઈ શક્તો નથી, બીજાની અગવડમાં મદદરૂપ થઈ શકતો નથી તે બદલ માણસ પોતાના આંતરજગતમાં હીનભાવ અનુભવે છે, અને એ બરાબર છે; પરંતુ બાહ્યજગતમાં માણસ જ્યારે પરાભવ પામે છે, હારી જાય છે, તેનો પરાજય થાય છે ત્યારે પોતાના માટે તે હીનભાવ અનુભવે એ બરાબર નથી, કારણ કે પરાભવ જેમ માણસની ઊણપ, અધુરપ, મર્યાદા કે ખામીને કારણે થાય છે તેમ સામા માણસના ચઢિયાતાપણાંને કારણે પણ માણસનો પરાજય થાય છે.

બહારના વિશ્વમાં માણસ સતત અન્ય સાથે સંઘર્ષ કરતો જ રહે છે અને બેમાંથી એકની જીત અને અન્યની હાર નિશ્ચિત જ છે. અંતરજગતમાં માણસ પોતાની વૃત્તિઓ સાથે લડતો રહે છે. બાહ્ય જગતમાં તે વસ્તુ કે વ્યક્તિના કારણે સંઘર્ષમાં ઉતરે છે, અને હારે છે કાં તો જીતે છે. આથી હારવું એ શરમ અનુભવવાની વાત નથી, બલ્કે સામા માણસના ચઢિયાતાપણામાંથી જરૂરી બાબત શીખી લેવાની વૃત્તિ કેળવવાની જરૂર છે. બહારના જગતમાં માણસ પ્રયત્ન કરવા છતાં સફળ થતો નથી, નિષ્ફળ જાય છે. ઈચ્છિતને પ્રાપ્ત કરી શકતો નથી, ધાર્યું પરિણામ લાવી શકતો નથી ત્યારે તે હતાશ નિરાશ થાય છે.

ચૂંટણીના જંગમાં તે હારી જાય છે, રમતના મેદાનમાં પરાજય પામે છે, કુસ્તીદાવ ખેલવામાં હાર પામે છે ત્યારે હાર પાછળ માત્ર વ્યક્તિગત મર્યાદાને જ જવાબદાર ગણીને હીનભાવથી પીડાતો માણસ શરમનો માર્યો કોઈને મોઢું બતાવી શકતો નથી. વાસ્તવમાં આવી હાર માત્ર વ્યક્તિગત મર્યાદાને કારણે જ છે એવું નથી. દ્વન્દ્વ આવ્યું કે એકની જીત અને અન્યની હાર નિશ્ચિત જ છે. હાર અહીં વ્યક્તિની ઊણપ, મર્યાદા કે ખામીને કારણે જ છે એમ માનવું એ એક પ્રકારનો ભ્રમ છે. આવા ભ્રમમાંથી ભાગ્યે જ કોઈ બાકાત રહી શક્યું હશે. પરાભવ પામેલો માણસ લઘુતાગ્રંથિથી પીડાયા વગર રહી શક્તો જ નથી. પરંતુ આવું થાય એ સમજદાર માણસ માટે બરાબર નથી. માણસે બને તેટલું જલ્દી આવા ભ્રમમાંથી બહાર નીકળી જેવું રહ્યું. પરાજય તરફ જોવાનો ડોળો માણસે બદલવો પડશે.

હારેલા માણસમાં જો મર્યાદાઓ છે તો જીતેલા માણસમાં તે નથી એમ કોઈ કહી શકશે ખરું ? જો એવું ન કહી શકાય તો હારેલો માણસ પોતાની મર્યાદાઓને કારણે જ હાર્યો છે એવું શી રીતે કહી શકાય ? ઊણપ, અધુરપ તો બન્ને પક્ષે છે, ખામીઓ પણ બન્ને પક્ષે છે, પરંતુ જીત માત્ર એકની થાય છે. આથી પરાજીત થયેલાઓએ પોતાના પરાજયનો સ્વીકાર કરવાનો છે, પરંતુ હીનભાવ અનુભવ્યા વગર ! આપણને જણાશે કે હાર-જીત વચ્ચે બહુ થોડું અંતર હોય છે. માત્ર એક રનથી જીતીને એક ટીમ વિશ્વવિજેતા બને છે અને માત્ર એક રનથી અન્ય ટીમ પરાજય પામે છે. એક માર્ક વધુ મેળવીને એક વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવે છે, સ્ટેજ પર સમારંભમાં તેનું બહુમાન થાય છે જ્યારે તેનાથી એક માર્ક ઓછો મેળવનારની કોઈ નોંધ સુદ્ધાં લેતું નથી. દોડવીર માત્ર એક સેકન્ડ માટે વિશ્વવિક્રમ તોડે છે, એક પંચ વધુ મારીને બોક્સર વિજેતા ઘોષિત થાય છે. આથી હાર-જીત પરથી શ્રેષ્ઠ-કનિષ્ઠ કોણ ? એવી ઉચ્ચાવચ્ચતા નક્કી કરવી બરાબર નથી. તો પછી પ્રશ્ન એ થાય કે આપણે પરાજય તરફ કઈ દ્રષ્ટિથી જોવું જોઈએ ? જ્યારે હાર-જીત વચ્ચે વધુ અંતર હોય છે ત્યારે તેવી લડાઈ બરોબરીયા વચ્ચે ન હોવાથી તેવી લડાઈનો કોઈ અર્થ રહેતો નથી. આપણે જય-પરાજયના તત્વજ્ઞાન અંગે આ રીતે વિચારી શકીએ :

‘સફળતા’ અને ‘જીત’ માણસની ગતિ વધારવાને માટે છે. તેને આગળ વધવાની પ્રેરણા આપવા માટે છે. જ્યારે નિષ્ફળતા માણસને મજબૂત કરવાને માટે, પાકો કરવાને માટે છે. સફળતા પ્રાપ્ત કરીને માણસ સંતોષનો ઓડકાર ખાઈને બેસે એ જેવી રીતે બરાબર નથી તેમ હારીને હતાશ-નિરાશ થઈને લમણે હાથ દઈને માણસ બેસે તે પણ ઉચિત નથી. માણસે વિચારવું જોઈએ કે નિષ્ફળતા એ તેની સંકલ્પશક્તિ દઢ કરવાને માટે આવે છે. જમવા બેઠેલા માણસની ભુખ દસમી રોટલી ખાતાં સંતોષાય ત્યારે એ પીરસનારને એમ કહીને ધમકાવે કે, “આ દસમી રોટલી મને પહેલાં કેમ ન આપી ?” – તો એ કેટલું યોગ્ય ગણાશે ? આવી રીતે પ્રથમ પ્રયત્ને નિષ્ફળ જનાર માણસે વિચાર કરવો જોઈએ કે ફળ પ્રાપ્તિ સુધી હું પ્રયત્ન કર્યા કરીશ. હતાશ-નિરાશ થઈને બેસીશ નહિ. પ્રથમ ફટકો મારવાથી વૃક્ષ ધરાશાયી થતું નથી. એક હજાર એકમાં ફટકે વૃક્ષ ધરાશાયી થાય તો શું આપણે એમ કહીશું, કે ‘આગળના હજાર ફટકા વ્યર્થ ગયા ! આ એક હજાર એકમો ફટકો પહેલાં માર્યો હોત તો એક જ ફટકે વૃક્ષ ધરાશાયી થયું હોત ?’ ‘નિષ્ફળતા’ અને ‘વ્યર્થતા’ બન્નેમાં જે તફાવત છે તે સમજી લેવાની જરૂર છે. વડોદરાથી આપણે અમદાવાદ જવું છે. આપણે એક ડગલું વડોદરાથી અમદાવાદ તરફ ચાલ્યા અને અમદાવાદ ન આવ્યું તેથી આપણે નિષ્ફળ જરૂર છીએ પરંતુ આપણે ભરેલું એક ડગલું વ્યર્થ નથી ગયું. કારણકે એ એક ડગલું આપણને આપણાં ગંતવ્ય સ્થાનની એટલું નજીક લઈ ગયું છે. પ્રથમ પ્રયત્ને જ સફળ થવાનો જે દુરાગ્રહ છે તે વિવેકશૂન્યતા અને બુદ્ધિભ્રષ્ટતામાંથી આવેલો છે.

શિક્ષણ જગતમાં પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળ થનાર વિદ્યાર્થી જીવનમાં અનેક પ્રયત્નો છતાં નિષ્ફળ જાય એવું બની શકે. એક ક્ષેત્રમાં એક જ પ્રયત્ને જે સફળ થાય છે તે અન્ય ક્ષેત્રમાં અનેક પ્રયત્નો કરવા છતાં નિષ્ફળ જાય એવું બને છે. જોવાનું એ છે કે આપણાં પ્રયત્નો આપણને આપણાં નક્કી કરેલા સ્થાન-ધ્યેયની કેટલા નજીક લઈ ગયા ? આથી ‘નિષ્ફળ જવું’ એટલે ‘વ્યર્થ જેવું’ એવું નથી. પ્રત્યેક પરાજય એ વિજય તરફનો Mile Stone છે. બીજા વિશ્વયુદ્ધમાં ચારેય બાજુથી ઈંગ્લૅન્ડના પરાભવના જ સમાચાર મળતા હતા. ઈંગલૅન્ડનું સૈન્ય અને રાજકીય નેતૃત્વ સુદ્ધાં હતાશા અને નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયું હતું ત્યારે વિન્સ્ટન ચર્ચિલે ‘V for victory’ and ‘Victory through defeat’ નું સૂત્ર આપીને ઈંગલૅન્ડના સૈન્ય અને પ્રજામાં નવું જોમ પૂર્યું અને ઈંગલૅન્ડની હારને જીતમાં ફેરવી નાંખી. અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખની ચૂંટણી જીત્યા તે પહેલાં તેઓ નાની-મોટી અનેક ચૂંટણીઓમાં માત્ર હાર્યા જ હતા.

આમ, આપણે પરાજય તરફ જોવાનો ડોળો બદલીશું તો પરાજય આપણાં મર્યાદા કે ઉણપની નિશાની નહિ પરંતુ જય તરફની આપણી ગતિનો પ્રેરક બનશે અને આપણે આપણાં પરાજયમાંથી પણ કાંઈક ફળ પ્રાપ્ત કરી લઈશું.

Advertisements

Comments on: "પરાજયનું તત્વજ્ઞાન" (4)

 1. “પરાજય આપણાં મર્યાદા કે ઉણપની નિશાની નહિ પરંતુ જય તરફની આપણી ગતિનો પ્રેરક બનશે અને આપણે આપણાં પરાજયમાંથી પણ કાંઈક ફળ પ્રાપ્ત કરી લઈશું.”
  સુંદર વિચાર્
  આપણા શાસ્ત્રોના તત્વજ્ઞાનમા જય પરાજય આ રીતે મૂલવે છે
  ત્રણ પ્રકારના જીવ હોય, વિષયી જીવ, સાધક જીવ અને સિધ્ધ જીવ.
  વિષયી જીવની રસ સૄષ્ટિ કામના પ્રધાન હોય.
  સાધકની રસ સૄષ્ટિ ઉત્સવ પ્રધાન હોય; અહીં કામના આવી જ ન શકે, પ્રવેશી ન શકે.
  સિધ્ધની રસ સૄષ્ટિ સાહસ છે. રાસ એટલે રસ સૄષ્ટી – રસમાં પ્રવેશ.
  સદગુરૂની એક નજર સાધક માટે પર્યાપ્ત છે.
  સદગુરૂ અને સાધક વચ્ચે શાસ્ત્રની પણ જરૂર નથી.
  નરસિંહ મહેતા સિધ્ધ હતા અને તેમનું હરિજનવાસમાં ભજન કરવા જવું એ એક સાહસ હતું.મીરાનું નૄત્ય પણ એક સાહસ છે.શુધ્ધો માટે રાસ મહાકરૂણા છે.
  દરેકમાં પોતાનો એક સ્વધર્મ હોય; સ્વધર્મ એટલે પોતાનો ગુણ, નીજ ગુણ.
  દરેકને સ્વધર્મ હોય, સ્વ મર્મ હોય અને સ્વ કર્મ હોય.
  ગોપીઓ ઊંમરમાં નાની મોટી છે, કોઈ બાલિકા છે, કોઈ પરણિત છે, તો કોઈ વૄધ્ધ પણ છે. પણ ગોપીઓની શુધ્ધતા વયસ્ક છે જે એક સમાન છે.
  શુધ્ધની કરૂણા શુધ્ધો ઉપર થાય છે.
  રાસ એ શુધ્ધની શુધ્ધો ઉપર વર્ષા છે; કરૂણા છે.
  પ્રેમનો સ્વધર્મ સત્ય છે. પ્રેમ સત્યની ભૂમિકા ઉપર જ હોય.
  પ્રેમનો સ્વ મર્મ પ્રેમ છે. પ્રેમનું રહસ્ય પ્રેમ જ છે. જે પ્રેમનો મર્મ પ્રેમ સિવાય અન્ય હોય તેને પ્રેમ કહેવાય જ નહિં.
  પ્રેમનું સ્વકર્મ કરૂણા છે. પ્રેમ કઠોર ન હોય; પ્રેમ બદલો ન લે. કારણ કે પ્રેમનું સ્વકર્મ કરૂણા છે.
  દરેક સ્થિતિનો કે ઘટનાનો આધ્યાત્મિક અર્થ કરતાં કરતાં તેનો મૂળ અર્થ બદલાઈ જવો ન જોઈએ, મૂળ અર્થ કે ઘટના નષ્ટ ન થવી જોઈએ.
  જ્યારે રસની માત્રા વધે એટલે તે રાસ બને.
  પછી રામગીતામા શ્રી રામે સમજાવ્યા જેવી સ્થિતીમા પરાજયનો સહજ સ્વીકાર થાય
  મમ ગુન ગાવત પુલક સરીરા
  ગદ ગદ ગીરા નયન બહ નીરા
  કામ આદિ મદ દંભ ન જાકે
  તાત નિરંતર બસમેં તાકિ

 2. ખુબજ સરસ લખ્યુ અને ગ્મ્યુ..

  સન્તોશ ભટ્ટ્.

 3. ખૂબ જ સરસ વાત કહી છે. જીવન એક હાર અને જીત નું મેદાન છે. એનાથી હતાશ થવાની જરૂર નથી.
  ‘સફળતા’ અને ‘જીત’ માણસની ગતિ વધારવાને માટે છે. તેને આગળ વધવાની પ્રેરણા આપવા માટે છે. જ્યારે નિષ્ફળતા માણસને મજબૂત કરવાને માટે, પાકો કરવાને માટે છે. સફળતા પ્રાપ્ત કરીને માણસ સંતોષનો ઓડકાર ખાઈને બેસે એ જેવી રીતે બરાબર નથી તેમ હારીને હતાશ-નિરાશ થઈને લમણે હાથ દઈને માણસ બેસે તે પણ ઉચિત નથી. માણસે વિચારવું જોઈએ કે નિષ્ફળતા એ તેની સંકલ્પશક્તિ દઢ કરવાને માટે આવે છે.
  – સારા વિચારો જીવનની કરોડરજ્જુ છે
  -કિરણ

 4. માણસે બહારના હાર કે જીત થી ડરવાની કે ખુશ થવાની જરુર નથી.ખરી જીત તો અન્દરના શત્રુઓ સામે મેળવવાની છે.”કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર.” એના પર જીત પ્રાપ્ત કરી તો સર્વ જગત તમારા ચર્ણોમા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: