વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આંબાનું ઝાડ સામાન્ય રીતે પંદર વર્ષે કેરી આપતું હોય અને કોઈ આંબો પાંચ વર્ષે કેરી આપવા લાગે તો આપણને ગમે છે. પરંતુ ચૌદમાં વર્ષે માસિક ધર્મમાં બેસતી છોકરી નવ વર્ષે રજસ્વલા થાય તો? સમય પહેલાંની પરિપક્વતા વિકૃતિ છે. ચૌદ વર્ષે છોકરી અને સોળ વર્ષે છોકરો પરિપક્વ થાય છે(આ ઉમ્મરે બન્નેમાં રજ અને વીર્ય બનવાનું શરુ થાય છે.) પરંતુ કોઈ પાંચ વર્ષનું બાળક પરિપક્વ વર્તન (મેચ્યોરલી બીહેવ) કરે તો મા-બાપ તેમજ અન્યને એ બાળકના વર્તન પ્રત્યે ગૌરવ લેવા જેવું લાગે છે. ખરેખર તો એ વિકૃતિ ગણાય. કોઈ બાળકની બુદ્ધિ વયસહજ સમજણથી વધુ ચાલવા લાગે, ગંભીરતા આવી ગઈ હોવાથી વડીલની અદાથી, તેઓના ટોનમાં બાળક વાતો કરે, વધુ વિચારી શકતું હોવાથી બાળક વડીલના આદેશને અનુસરવાને બદલે સામે પ્રશ્ન કરે – એ પ્રકારના વર્તનને આપણે પરિપક્વ વર્તન કહીએ છીએ. આધુનિક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિઆંકથી(આઈ.ક્યુ.- ઈંટેલિજંટ ક્વોશંટથી) બાળકની કે માણસની પરિપક્વતાનું માપ કાઢે છે. બાળકના ઈ.ક્યુ(ઈમોશનલ ક્વોશંટ) પર પણ ધ્યાન આપવું જોઈએ.

સાત વર્ષનું થાય ત્યાં સુધી બાળક(છોકરો કે છોકરી) નિર્વસ્ત્ર થઈને નિ:સંકોચપણે જાહેરમાં શરમાયા વિના ન્હાતું હોવું જોઈએ. એટલે કે એનામાં કોઈ પણ પ્રકારની જાતીય સભાનતા ન હોવી જોઈએ. એના બદલે આજની ભણેલી માતા પોતાની ત્રણ વર્ષની દીકરીને બ્રા-પેંટી પહેરાવીને બાથરુમમાં ન્હાવાની ટેવ પાડે છે, પરિણામે એ દીકરીમાં એટલી વહેલી જાતીય સભાનતા આવી જાય છે. બચાવમાં મા-બાપ શું કહે છે- ‘જમાનો એટલો ખરાબ છે કે બાળકોને અકાળે પરિપક્વ બનાવી દે છે. અને એક રીતે જોઈએ તો વહેલી આવેલી આ પરિપક્વતા જ તેઓનું રક્ષણ કરનારી બને છે.’ જો આ સાચું હોય તો પણ બાળકોએ ગુમાવેલી જીવનની મહામુડી સમા બાળપણનું શું?

બાળક વહેલું પરિપક્વ થઈ જાય છે એનું શું કારણ છે? અનુવંશ કે પરિસ્થિતિ?

(1)ધર્મયુગને ખતમ કરીને વિજ્ઞાનયુગ આવ્યો. આથી સમાજમાં શ્રદ્ધાને બદલે બુદ્ધિનું પ્રભુત્વ આવ્યું. આથી સ્વાભાવિક રીતે માનવજીવનમાં પણ બુદ્ધિની ઉપાસના વધી. તેથી બાળકની બુદ્ધિ કેળવાય એ બાબત પર વિશેષ ધ્યાન અપાવા લાગ્યું. પરિણામે બાળક વહેલુ સમજણુ થઈ ગયુ. ઘણા કહે છે, કે હવેના બાળકો પહેલાની રમતોને વિસરી ગયા છે. સાચી વાત છે. જુની રમતો બાળકના દિલને બહેલાવનારી હતી. એ રમતો રમવા માટે પણ ભોળપણ, નિર્દોષતા, સરળતા જરુરી છે. આજે બુદ્ધિના પ્રકાશમાં તેજની ગરમીથી બાળકનું નાજુક હૃદયપુષ્પ કરમાઈ ગયું છે. એની અસર રમત-ગમતથી માંડીને જીવનના તમામ પાસાઓ પર પડી છે.

(2)બાળકને જન્મ આપીને માબાપ બનનારા સ્ત્રી-પુરુષ, ભણતર તેમજ કારકીર્દિ ઘડતરના કારણે મોટી ઉમ્મરે લગ્ન કરે છે. લગ્ન બાદ સંસારસુખ ભોગવવાના મુડમાં હોવાથી તેઓ તરત સંતાનને જન્મ આપવાનું પણ ટાળે છે. પરિણામે મોટી ઉમ્મરે માબાપ બનેલા સ્ત્રી-પુરુષની માનસિકતા અતિ પાકટ થઈ ગઈ હોવાથી તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પણ પડે છે, અને સ્વાભાવિક રીતે જ વહેલું પુખ્ત થઈ જાય એવું બાળક જન્મે છે. માબાપ પોતે જ મુગ્ધાવસ્થામાંથી નવા-સવા બહાર આવ્યા હોય, સ્વભાવે નિર્દોષ, જમાનાની હવા લાગ્યા વિનાના હોય ત્યારે તેઓ બાળકને જન્મ આપવાનું નક્કી કરે તો એ માનસિકતા બાળકના વારસામાં ઉતરવાથી અવતરનારુ બાળક નિર્દોષ બુદ્ધિનું, સરળ તેમજ કપટરહિત હોવાનું.

(3)બાળકને અકાળે પરિપક્વ બનાવનારું એક કારણ છે, વિભક્ત કુટુમ્બ વ્યવસ્થા. સંયુક્ત પરિવારમાં સંયમિત વર્તન કરતા પતિ-પત્ની, વિભક્ત પરિવાર અસ્તિત્વમાં આવ્યા બાદ છુટથી વર્તન કરતા થયા હોવાથી તેઓના વિજાતીય આકર્ષણ યુક્ત વર્તનની અસર બાળક પર પડે છે.

(4)ચોથુ કારણ છે, છાપા: મેગેઝિંસ, રસ્તા પરના હોર્ડિંગ્સ, ટેલિવિઝન વગેરેમાં રજુ થતી જાતીયતા.

(5)પાંચમુ કારણ છે, પાકટ વયના સગાવ્હાલા, પાડોશીઓ, મા-બાપના મિત્રો, શિક્ષકો, ઘરના નોકર-ચાકરો અને, બાળક જે-જે સ્ત્રી-પુરુષના સ્થાયી સંપર્કમાં આવે છે એમાંના કેટલાક લોકો, જે બાળક સમક્ષ અથવા તેની સાથે જાતીય હરકતો કરીને બાળકને અકાળે પુખ્ત બનાવી દે છે.

(6)જીવનમાં જેણે ખુબ સંઘર્ષ કર્યો હોય એ માણસ યુવાન થયા પહેલા જ ઘરડો થઈ જાય છે અને જેના નસીબમાં બાળમજુરી લખાઈ છે એ બાળક તો નાનપણથી જ ઘરડો અને એથી અતિ પરિપક્વ બની જાય છે. જીવનની કઠોર વાસ્તવિકતાઓ એ બાળક નાનપણથી જ સમજવા લાગે છે.

ટુંકમાં એમ કહી શકાય, કે ભોગપ્રધાન સમાજમાં રહેનારા બાળક પર કોઈ સારા સંસ્કાર પાડી શકાતા નથી. આથી જ શિક્ષણ તમજ સંસ્કાર ઘડતર માટે આપણા ઋષિમુનિઓએ વનપ્રદેશ પસંદ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિની સમાજવ્યવસ્થાને યાદ કરીએ તો બાળક સાત વર્ષનું એટલે કે સમજણું થાય એટલે એને તપોવનમાં ગુરુગૃહે મોકલવામાં આવે. આથી એ બાળક નવયુવાન મા-બાપને સાંસારિક સુખ ભોગવવામાં નડતરરુપ ના બને અને મા-બાપનું વર્તન બાળકના કુમળા માનસ પર વિકૃત અસર ઉભી ના કરે. આજે આ વ્યવસ્થા તુટી ગઈ હોવાથી એનું વિકૃત સ્વરુપ – ઘોડિયાઘર તેમજ હોસ્ટેલ અસ્તિત્વમાં આવ્યા. મા-બાપ જાણે છે, કે આવી જગ્યાએ બાળક અપાર મુશ્કેલીઓ વેઠે છે. પરંતુ એક ઉત્કૃષ્ટ વ્યવસ્થા તુટી ગયા પછી ના છુટકે જે પરિસ્થિતિ સામે આવે છે, એને સ્વીકારવી જ પડે છે.

એક બાળસાહિત્યકાર કહે છે કે બાળકોની વિસ્મયતા, કુતુહલ, ભોળપણ જ્યારે ચાલ્યા ગયા છે ત્યારે બાળસાહિત્યનું સર્જન એક પડકાર બન્યું છે. આવા અકાળે પરિપક્વ બનેલા બાળકો માટે લખવું શું? મને લાગે છે કે આપણાં ઉપનિષદો આ માટે ઘણાં મદદરુપ થઈ શકે છે. બાળચરિત્રો એમાં પુષ્કળ સંખ્યામાં છે. જીવનમૂલ્યો સમજાવતા બાળગીતો રચી શકાય. સુભાષિતો, કાવ્યવિનોદનાં શ્લોકો, વાગ્ભૂષણમ, ગીતા, રામાયણ, મહાભારતનાં શ્લોકો કંઠસ્થ કરાવી શકાય. આઈ.એ.એસ. થયેલા મોટા ભાગનાં અધિકારીઓએ કબૂલ કર્યું છે કે તેઓને તેમના મા-બાપે નાનપણથી જ સેંકડો શ્લોકો કંઠસ્થ કરાવેલા. પરિણામે તેઓની બુદ્ધિ તીવ્ર બની છે, જે આગળ જતાં ઉચ્ચ અભ્યાસમાં આશ્ચર્યજનક રીતે મદદરુપ બની છે.

પિતાજીએ ખોળામાં ન બેસવા દીધો તો જગત્પિતા નારાયણનાં ખોળામાં બેસવા ચાલી નીકળેલો ધ્રુવ, પિતા અધર્મનું આચરણ કરવાનો ઉપદેશ આપતા હોય તો તેઓનો આદેશ પણ ઠુકરાવાની હિંમતવાળો પ્રહ્લાદ, ‘તરસ્યો રહીને પ્રાણ ત્યાગજે પણ મફતનું પાણી ન પીતો’ એવી હરિશ્ચંદ્રની આજ્ઞા માથે ચડાવતો તેનો દીકરો રોહિત, ‘મારી માતાને ઘણાં પુરુષોની સેવામાં ઉપસ્થિત રહેવાનું હોય છે માટે મારા પિતા કોણ છે એ મને કે મારી માને ખબર નથી.’ એવી સત્ય વાણી નિર્ભયતાથી ઉચ્ચારનાર જાબાલીનો પુત્ર સત્યકામ જાબાલ, ‘જા, તને હું યમને દાનમાં આપું છું’ એવી પિતાની આજ્ઞા સાચી કરવા સાક્ષાત યમરાજને મળીને તેની પાસેથી પણ આત્મજ્ઞાન લઈ આવનાર નચિકેતા, દશરથની આજ્ઞા માનીને વનમાં જનાર રામ, માબાપને કાવડમાં બેસાડીને જાત્રા કરાવનાર શ્રવણ આવા તો સેંકડો પાત્રો છે જે આપણો ગૌરવવંતો ઈતિહાસ છે અને અકાળે પરિપક્વ થયેલા બાળકો માટે પણ ઉત્તમ જીવનચરિત્રોની ગરજ સારે એમ છે.

‘પ્રસાર માધ્યમોએ બાળકોને બગાડી નાંખ્યા’ એવી બૂમો પાડવાથી શું વળવાનું છે? બાળકોને સંસ્કારી વાતાવરણ પૂરું પાડવું જરુરી છે. ધન અને નામ કમાવાની રેસમાં બાળકોને જોતરવાને બદલે જીવનલક્ષી શિક્ષણ આપતી બાળસંસ્થાને આર્થિક સહયોગ આપીને તેમજ પોતાના બાળકને પણ તેમાં મુકીને એવી સંસ્થાને સદ્ધર કરવાની જરુર છે. સ્વતંત્ર બુદ્ધિથી આજે કોઈ વિચારવા જ તૈયાર નથી તો જેની પાસે દૃષ્ટિ છે એવા વિદ્વાનો નાણાંના અભાવથી કાર્ય કરવું કેમ? એ બાબતે મુંઝાય છે. કરોડપતિ દાતાને પોતાનું ધન ક્યાં વાપરવું એ ખબર નથી ત્યારે ધનવાન અને વિદ્વાન વચ્ચે જે કોમ્યુનિકેશન ગેપ ઊભી થઈ છે એ પુરવાની જરુર છે. હજુ મોડું નથી થયું. જાગ્યા ત્યાંથી સવાર માનીને કંઈક નક્કર કરવાની જરુર છે. નહિ તો આજે જેમ અકાળે પરિપક્વતા જોવા મળે છે તેમ આવતીકાલે ઘર-ઘરમાં અકાળે માતૃત્વ તેમજ અકાળે મૃત્યુ પણ જોવા મળશે.

Advertisements

Comments on: "બાળપણમાં પરિપક્વતા !" (6)

 1. Hasit V. Patel said:

  આ લેખને ઇનગ્લિસમા અનુવાદ કરાવિ મુકાવો.

 2. એકદમ સાચી વાત. અમારાં બાલપણની પ્રગલ્લભતા અત્યારનાં બાળકોમાં ક્યાં?

  પણ…
  કદાચ આવો જ વસવસો અમારા બાપુજીને પણ અમારી વધતી જતી તાર્કિકતા કે વાચાળતા જોઈને થઈ હશે. એમના બાપ આગળ એમણે જાળવવી પડતી આમન્યા અમે જાળવતા ન હતા.

  માટે કલ્પેશ ભાઈ, સમય બદલાતો જ રહે છે- આપણને ગમે કે ન ગમે. આપણે માનતા હોઈએ કે આપણે ભારતીય છીએ; પણ યુરોપિય સભ્યતા અને રહેણી કરણી આપણી અંદર 70% થી વધારે છે જ. અને એમ થાય તે સાવ કુદરતી છે.
  સતત પરિવર્તન એ જ એક શાશ્વત નિયમ છે.

  આજનાં બાળકોને જે જીવન સંઘર્ષ વેઠવો પડવાનો છે; તે આપણા દાદા કરતાં સાવ જૂદો જ છે- રહેવાનો જ. એ દાદો થશે ત્યારે વળી 2050ની દુનિયા સાવ જૂદી જ હશે.
  પરિવર્તન વિશે ઘણું લખ્યું છે – 11 લેખો – સમય મળે તો વાંચજો .

  માટે …
  ડોન્ટ વરેી …. બેી હેપેી !!!!

 3. ઘરમાં મહેમાનની હાજરીમાં કવિતા કે ગીત ગાવાનો હુકમ કે કોઇની હાજરીમાં તોફાન ના કરાય અને આ રીતે જ બેસાય, એ આપણા સમાજની મિડલ કલાસની માનસિકતા છે. જેનાથી બાળકોમાં જાણે-અજાણે આક્રમકતાનો સંચાર થાય છે. પેરેન્ટ્સ જો બાળકોને આજ્ઞાંકિત બનાવવા માંગતા હોય, તો તેના માટે પહેલા તેમણે રોલ મોડલ બનવું જોઇએ. નહિ કે, બાળકોને સલાહ આપવી જોઇએ કારણ કે, બાળકો પેરેન્ટ્સ વાતો સાંભળીને નહી, પણ જોઇને શીખતા હોય છે. બાળકો પણ પેરેન્ટ્સનું કહેવાનું અને કરવાનું વર્તન અલગ લાગે , તો વાતનો વિરોધ કરતા હોય છે. આ જ વિરોધી વર્તન આગળ જતાં આક્રમક સ્વભાવમાં પલટાય છે.

 4. Kirtikant Purohit said:

  સમયને હમ્મેશા આગળ ચાલવાની આદત છે.યુગ પરિવર્તિત થયા જ કરે છે.અત્યારે કેનેડામા છુ. આઠમા ધોરણમા ભણતી છોકરીને એવડી મોટી જોઇ કે જાણે બે બાળકની માતા હોય. નવાઇ તો લાગી જ.

 5. સાચી વાત છે જે નિર્દોષતા અમારા જમાના માં હતી તે આજે કયા છે,

 6. nayan kumar said:

  બાળકને અકાળે પરિપક્વ બનાવનારું એક કારણ છે, વિભક્ત કુટુમ્બ વ્યવસ્થા. સંયુક્ત પરિવારમાં સંયમિત વર્તન કરતા પતિ-પત્ની, વિભક્ત પરિવાર અસ્તિત્વમાં આવ્યા બાદ છુટથી વર્તન કરતા થયા હોવાથી તેઓના વિજાતીય આકર્ષણ યુક્ત વર્તનની અસર બાળક પર પડે છે.
  સરસ
  Nayan Kumar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: