વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આપણે કાંઈ પણ શીખતા હોઈએ ત્યારે શરુઆતમાં સભાનતા રાખવી જરુરી બને છે. આવડી ગયા બાદ આપણે યંત્રવત એટલે કે બેધ્યાનપણે એ કાર્ય કરી શકીએ છીએ. એમાં બુદ્ધિ ચલાવવાની જરુર પડતી નથી. એમાં માનસિક સંઘર્ષ પણ નથી. એને જ સંસ્કાર કહેવાય. તે ગુણ તરીકે પણ ઓળખાય છે. કોઈ આપણું અપમાન કરે એટલે જો આપણે ગુસ્સે થઈ જતા હોઈએ તો એ આપણાં મનનો એક સંસ્કાર થયો. આ ગુસ્સો વ્યક્ત કરીએ કે છુપાવીએ, યોગ્ય રીતે વ્યક્ત કરીએ કે બેફામ બની જઈએ, એ બાબતો પણ મનના સંસ્કાર બતાવનારી છે. જ્યારે જેવું વર્તન કરવા યોગ્ય હોય એવું વર્તન સહજ થયા કરે, એમાં મન-બુદ્ધિને શ્રમ આપવો ન પડે તો તેને વ્યક્તિના ઊચ્ચ સંસ્કાર કહેવાય અને એવી વ્યક્તિનું મન ‘તાલીમ’ પામેલું છે(સંસ્કારી છે) એમ કહેવાય. આ અર્થમાં ‘સંસ્કારી મનનું’ અંગ્રેજી થાય : ‘Trained Mind’. તાલીમ પામેલો ઘોડો તેના માલિકને અનુકૂળ વર્તે છે તેમ તાલીમ પામેલું મન માણસને અનુકૂળ વર્તે છે. પરિણામે માણસ સદૈવ આનંદમાં રહે છે.

મહાપુરુષો શા માટે મહાન છે : તેઓ મનના માલિક છે તેથી. મોટા ભાગે માણસ મનનો ગુલામ હોય છે. મન તેને સતત પજવ્યા કરતું હોય છે. મન માણસને કેવી રીતે પજવે છે? મન સતત ઇચ્છાઓ કરે છે. માણસે પોતાનો સહજ આનંદ ડહોળાઈ ન જાય એ રીતે ઇચ્છાઓ પ્રત્યે વર્તવું જરુરી છે. એના બદલે મન તેને દોડાવે તેમ એ દોડ્યા જ કરતો હોય છે. છેવટે હારી-થાકી, કંટાળી, નિરાશ થઈને બેસી જાય છે પરંતુ સમજીને ઇચ્છાઓ પર નિયંત્રણ રાખતો નથી. માણસે પોતાની ઇચ્છાશક્તિ અને એ ઇચ્છા પુરી કરવા માટેની પોતાની કર્તૃત્વશક્તિ : આ બે બાબતોનો ખ્યાલ રાખવો અત્યંત આવશ્યક છે, જેને આપણે વિવેક તરીકે ઓળખીએ છીએ. વિશ્વભરમાં આજે Stressed mind, nervous mind, frustrated mind જેવા મનોરોગોએ ભરડો લીધો છે તેના મૂળમાં આ વિવેકનો અભાવ છે.

સંસ્કાર કેટલા ઘનિષ્ટ રીતે આપણામાં ભળી જઈ શકે એનું ખૂબ સુંદર ઉદાહરણ આપણને મહાકવિ કાલીદાસ રચિત સંસ્કૃત નાટક : ‘अभिज्ञान शाकुंतलम’માં જોવા મળે છે. રાજા દુષ્યંત તેમજ તેનો મિત્ર, કણ્વઋષિના આશ્રમ વિસ્તારમાં પ્રવેશે છે. દુષ્યંત કણ્વપુત્રી શકુંતલાને જુએ છે. ત્યારબાદ તે પોતાના મિત્રને કહે છે, “શકુંતલા બ્રાહ્મણ ઋષિ કણ્વની પુત્રી ન હોઈ શકે કારણ કે હું તેના પ્રત્યે આકર્ષાયો છું અને મારું ‘ક્ષત્રિય મન’ ક્ષત્રિય ક્ન્યા સિવાય અન્ય કોઈ કન્યા પ્રત્યે આકર્ષાય નહિ.” આપણને ખબર છે કે શકુંતલા ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્રની અને મેનકા નામની અપ્સરાથી જન્મેલી પુત્રી હતી. મનને કેળવવું શી રીતે? પશ્ચિમના વિચારોમાં આનો ઉકેલ મળે તેમ નથી કારણ કે તેઓ મનને કેવળ પંપાળવાની વાત કરે છે. તેઓએ વિજ્ઞાનનો વિકાસ કરીને વિજ્ઞાનને પણ મનની ઇચ્છાઓ પુરી કરવાના રવાડે ચઢાવી દીધું છે. આપણાં કેટલાંક સંપ્રદાયો મનને મારવાની વાત કરે છે એ પણ બરાબર નથી. મનને પંપાળવાની કે મારવાની જરુર નથી, તેને સમજાવવાની જરુર છે. મનને ત્રણ બાબતોની ટેવ પાડવાની છે : (1) ‘ના’ સાંભળવાની, (2) રાહ જોવાની અને(3) સહન કરવાની. બાળપણથી જ આ ટેવો પડે તો ઉત્તમ ગણાય, છેવટે જાગ્યા ત્યાંથી સવાર ગણીને શરુ કરી શકાય.

(1)બાળક કોઈ ચીજ-વસ્તુની માગણી કરે અને એ ચીજ-વસ્તુ વગર ચલાવી શકાય એમ હોય તો પ્રથમ તબક્કે ‘ના’ કહી દેવાની. આનાથી તેનામાં ‘ના’ સાંભળવાની ટેવ પડશે અને ભવિષ્યમાં તે મનગમતી ચીજ કે વ્યક્તિ વિના પણ ચલાવી લેતા શીખશે. આપણે મનને એ રીતે તૈયાર કરવા માંગીએ છીએ કે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ મનની આંતરિક શાંતિ કે પ્રસન્નતાને ખતમ ન કરે. અંગ્રેજીમાં એક સારું slogan છે : Jam yesterday, jam tomorrow, No jam today. આજ-કાલના મા-બાપો એવું સમજે છે કે તેઓ સંતાનોની ઇચ્છા પુરી કરે તો જ તેઓ બાળકોને પ્રેમ કરે છે એમ કહેવાય. વળી આર્થિક રીતે તેઓ અન્ય મા-બાપ કરતા ઉતરતી કક્ષાના નથી એવું બતાવવા તત્પર હોય છે. તેઓ બાળકને રડતું જોઈ શકતા નથી,જેનો ગેરલાભ બાળકો ખૂબ ઉઠાવે છે. આજે બાળકની ચોકલેટની જીદ પુરી થઈ હોય તો ભવિષ્યમાં તે જીવનસાથી તરીકે ચોક્કસ પાત્રની જીદ કરી શકે છે, જે ન મળે તો એક પક્ષીય આકર્ષણ ભયંકર પરિણામ લાવી શકે છે. શક્ય છે કે તે પોતે આત્મહત્યા કરે અથવા સામા પાત્રને મોટું નુકશાન કરે કે તેની હત્યા કરે.

(2)બાળક માંગણી કરે તો ‘હમણાં નહિ’ એવો જવાબ આપીને તેને રાહ જોવાની ટેવ પાડવી જરુરી છે. આપણે જાણીએ છીએ કે જીવનમાં આપણને ઘણી ચીજ તરત મળતી નથી. આવા સંજોગોમાં મનની પ્રસન્નતા ચાલી ન જાય એ માટે નાનપણથી જ આપણને રાહ જોવાની ટેવ પડે એ ઘણું આવશ્યક છે. આનાથી આપણામાં ‘ધીરજ’ નામનો ગુણ કેળવાય છે. આ રીતે આપણે મનનું Vaccination કરી રહ્યા છીએ. બાહ્ય પરિસ્થિતિ શરીરમાં રોગ ન જન્માવે એ માટે રોગના મર્યાદિત જંતુ ઇંજેક્શન વાટે શરીરમાં દાખલ કરીને એ જંતુ સામે લડવાની શરીરને ટેવ પાડવાથી ભવિષ્યમાં કુદરતી રીતે એ રોગના જંતુ શરીરમાં દાખલ થાય તો તેની સામે લડવા માટે શરીર કેળવાયેલું હોવાથી તે સારી રીતે લડી શકે છે. આ ક્રિયાને vaccination કહે છે. એ જ રીતે ભવિષ્યમાં કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ મનની સ્વસ્થતા ડહોળી ન નાંખે એ હેતુ આપણે જુદી-જુદી પ્રતિકૂળ પરિસ્થિતિનું મન સમક્ષ સર્જન કરીએ છીએ અને એની સામે લડવા મનને અત્યારથી જ તૈયાર કરીએ છીએ. દીકરીને ભવિષ્યમાં સાસરે જવાનું હોવાથી ત્યાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો દીકરીના મનની પ્રસન્નતા ચાલી ન જાય એ માટે ઘણા મા-બાપો તેનો ઉછેર ખાસ રીતે કરે છે. એનો અર્થ એવો નથી કે મા-બાપ દીકરા-દીકરીના ઉછેરમાં પક્ષપાત કરે છે.

(3) આપણે કાંઈ પણ શીખીએ છીએ ક્યારે? જીવનમાં અગવડો આવે ત્યારે. બધું સમુસુતરું પાર પડતું હોય અને આપણે કાંઈ પણ કરવાનું જ ન હોય તો આપણે કોઈ રીતે કેળવાતા નથી. આવેલી અગવડોને સહન કરવી પડે છે. માટે જીવનમાં અગવડો નિર્માણ કરવી જરુરી છે. આજે તો કોઈ કોઈને સહન કરવા તૈયાર જ નથી. પાત્ર બધી રીતે અનુકૂળ છે કે કેમ એ જોઈને જ તેને જીવનસાથી તરીકે પસંદ કરવામાં આવે છે, matching શોધવામાં આવે છે. આનો અર્થ એ થયો કે પોતે જીવનસાથીને અનુકૂળ થવાની તૈયારી ધરાવતા નથી. કોઈને matching મળતું નથી એ હકીકત છે. કોઈ યુગલ સુખી જણાય તો તેની પાછળનું રહસ્ય તેઓએ પરસ્પર સાધેલું અનુકૂલન છે. પહેલાના સમયમાં લગ્નો વડીલો દ્વારા નક્કી થતા. સુહાગરાત પૂર્વે વર-કન્યાએ એકબીજાનો ચહેરો પણ જોયો ન હોય ! ઘુંઘટ ઉઠાવતી વખતે શું ઉત્તેજના સર્જાતી હશે? ‘કેવો ચહેરો હશે, કેવો સ્વભાવ હશે, કેવી વાણી હશે, કેવા લાગતા કે કેવી લાગતી હશે’ એવા મહિનાઓથી દાબી રાખેલા અનેક પ્રશ્નોનો અંત લાવવા શરુ થતી વાતો ક્યારે અટકતી હશે?

આજના કાળમાં છોકરા-છોકરીઓનો interview ગોઠવાય છે, જેમાં પાત્ર પોતાને કેટલા પ્રમાણમાં અનુકૂળ છે તે જોવાય છે. કૉલેજ જતા છોકરા-છોકરીઓ પરસ્પર મિત્રતા બાંધે છે અને એકબીજાના વિચારો જાણવાની કોશિશ કરે છે. વિચારો મળતા આવે તો એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરે છે. સામાજિક અભ્યાસના તારણો એમ જણાવે છે કે આ રીતે matching જોઈને થયેલા લગ્નો નિષ્ફળ ગયા છે, છુટાછેડામાં પરિણમ્યાં છે. ‘બીજા વગર ચાલતું નથી ને બીજા સાથે ફાવતું નથી.’ આ પરિસ્થિતિમાં પાત્ર match ન થતું હોય તો પરસ્પર adjust થતા આવડવું જરુરી છે. ઘણીવાર એવો ઘાટ ઘડાય છે કે એક જ પાત્રે adjust થયા કરવું પડે છે જ્યારે બીજું પાત્ર તદ્દન બિનજવાબદારીપૂર્વક વર્તે છે. અહીંયા જરુર છે સહનશક્તિને કેળવવાની. સહન કરી રહ્યા છીએ એમ લાગે જ નહિ ત્યારે કહી શકાય કે સહનશક્તિ કેળવાઈ છે. સહન કરવું નથી, પાત્ર અનુકૂળ મળતું નથી તેથી હવે live in relationshipની પદ્ધતિ અમલમાં આવી છે. સ્ત્રી શિક્ષણ લેતી થઈ, નોકરી કરતી થઈ તેથી આવા સહકર્મચારીઓ કે પરિચિત સ્ત્રી-પુરુષો કોઈ પ્રચલિત સામાજિક સંબંધથી જોડાયા વગર એક મકાનમાં રહીને પોતાની તમામ જરુરિયાતો પુરી કરતા થયા છે. મન ફાવે તેમ રહેવાનું, અનુકૂળ ન જણાય તો છુટા પડી જવાનું, કોઈ કાયદાકીય ઝંઝટ નહિ. અને અનુકૂળતા જણાય તો થોડા વર્ષો બાદ લગ્નગ્રંથિથી જોડાઈ જવાનું.

પ્રથમ દૃષ્ટિએ લાગે છે કે જીવનસાથીની શોધ અંગેના પ્રશ્નનું નિરાકરણ આવી ગયું. પરંતુ થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે અનુકૂળ પરિસ્થિતિને શોધનારા dependent(પરાધીન) છે અને પરાધીન ક્યારેય જીવનને માણી શકતો નથી કારણ કે કોઈ પણ ક્ષણે પ્રતિકૂળતા સર્જાઈ શકે છે અને પ્રતિકૂળતાથી ડરતો માણસ શુંસુખી થવાનો? જ્યારે પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી દેનારા self sufficient (સ્વાયત્ત) છે. કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ હસતાં રહી શકે છે અને જીવનની મજા માણી શકે છે. આમ, મનને powerful, progressive તેમજ sensitive બનાવીશું તો તે આપણું મિત્ર બની આપણને સાથ આપશે અને આપણે જીવન જીવવાનો આનંદ માણી શકીશું. અન્યથા આખું વિશ્વ મનના કારણે દુઃખી છે એમ આપણે પણ દુઃખી થઈશું.

Advertisements

Comments on: "મનનું વેક્સિનેશન" (5)

 1. કોઇ પણ પરિસ્થિતીમા હસતા રહી શકો અને જીન્દગીની મઝા માણી શકો સુન્દર વિચાર
  ઇન્દુ

 2. sonal b soni said:

  On the mind and education of child psycology,is very beaitiful article.

 3. એકદમ સાચી વાત…ખાસ કરીને બાળકોને “ના”સંભાળવાની,હમણાં નહિ -ની ટેવ તો પાડવી જ રહી.બાળકના કુમળા મનને કઈ દિશામાંએનો આધાર મા-બાપ ઉપરજ છે.ઉત્તમ લેખ.આભાર!!

 4. Very nice article.

 5. બહુ સાચી અને સમજુ વાત કરી છે…

  ખાસ ધ્યાન મા લેવા જેવુઃ
  – મનને ત્રણ બાબતોની ટેવ પાડવાની છે : (1) ‘ના’ સાંભળવાની, (2) રાહ જોવાની અને(3) સહન કરવાની.
  -સહન કરી રહ્યા છીએ એમ લાગે જ નહિ ત્યારે કહી શકાય કે સહનશક્તિ કેળવાઈ છે.
  -જ્યારે પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી દેનારા self sufficient (સ્વાયત્ત) છે. કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ હસતાં રહી શકે છે અને જીવનની મજા માણી શકે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: