વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

એક સિદ્ધાંત છે : ‘જેનું અસ્તિત્વ મીટાવવું હોય એની જરુરિયાત ખતમ કરો.’ આથી ઊલટું ‘જેની જરુરિયાત ખતમ થઈ જાય છે એનું અસ્તિત્વ મટી જાય છે.’ આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને વિચારીએ કે ‘ગોવંશ કતલ’ અટકાવવી શી રીતે ? ગાયનો વાછરડો માણસના કોઈ કામનો રહ્યો નથી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર આવી ગયા છે અને જે ખેડૂત ટ્રેક્ટર ખરીદી શક્તા નથી એ ભાડેથી ટ્રેક્ટર લાવીને ખેતર ખેડે છે. પાકની ફળદ્રુપતા માટે સર્વત્ર કૃત્રિમ ખાતરનો ઉપયોગ થાય છે. આથી બળદનું છાણ પણ ઉપયોગમાં લેવામાં આવતું નથી. શહેરમાં તો ઢોરનું છાણ નકામું ગણાતું હોવાથી તેને ઉપાડવા માટે પણ પશુપાલકોએ સફાઈ કામદારને રુપિયા ચૂકવવા પડે એવી સ્થિતિ છે.

પશુપાલક પોતે જ, જન્મેલાં વાછરડાને તેમજ દુધ આપતા બંધ થયેલી ગાયને વેચી દેતો હોય અથવા એને રખડતા મુકી દેતો હોય તો તેનું રક્ષણ બીજું કોણ કરે ? ગણી-ગાંઠી સેવાભાવી સંસ્થાઓ આવા ગાય-વાછરડાને સંભાળવા પાછળ લાખો રુપિયા ખર્ચે છે, પરંતુ આવી સંસ્થાઓને દેશ-દુનિયાના ખુણે-ખુણે થઈ રહેલી ગોવંશ કતલની માહિતી કોણ પૂરી પાડે અને કઈ રીતે ? ગોવંશ કતલ અટકાવવા માટેનો એકમાત્ર રસ્તો એ છે કે માનવજાતે તેની ખતમ કરેલી જરુરિયાતને ફરીથી ઉભી કરવી. ઘર-ઘરમાં વાછરડો ઉપયોગી બનતો હોય અને માલિક પોતે એને રાખવા-ઉછેરવા માંગતો હોય તો કોઈની તાકાત છે કે તેને કોઈ આંગળી પણ અડાડી શકે ?

માનવજાત એક બાજુ ભૌતિક વિકાસની વાત કરે છે તેથી ખેતી માટે યાંત્રિક્તા ને કૃત્રિમતાને આશરે જાય છે તો બીજી બાજુ નિરુપયોગી થયેલા ઢોર-ઢાંખરને બચાવવાની વાત કરે છે –જે બન્ને એક સાથે શક્ય નથી. થોડું વિચારો : ઘર-ઘરમાં પ્રકાશ માટે વીજળીથી ચાલતા આધુનિક ઉપકરણો આવી ગયા હોય ત્યાં દીવાનો ખડીયો કે ફાનસનું ટકવું શક્ય છે ખરું ? ગોવંશ કતલ અટકાવવાની જ હોય અને એ માટે અઢળક નાણા ખર્ચવાની તૈયારી હોય તો પાંજરાપોળો નિભાવવાને બદલે ગોવંશની ઉપયોગિતા શરુ થાય એના પ્રચાર માટે નાણા કેમ ખર્ચવા નહિ ? એકવાર ગોવંશનો ઉપયોગ શરુ થયો પછી તેની કતલ અટકાવવા માટે એક પાઈ પણ ખર્ચવી નહિ પડે. બળદ દ્વારા ખેડાતા ખેતરમાં છાણીયા ખાતરના ઉપયોગથી ઉત્પન્ન થતો પાક માનવજાતની તંદુરસ્તી તેમજ મનની શાંતિ-પ્રસન્નતા માટે અનિવાર્ય છે. વળી, ગોવંશનું મુત્ર અકસીર જંતુનાશક છે એ બાબતની જાણ જન-જનને થવી જરુરી છે.

ભારતીયને સમજાવવું જરુરી છે કે ગોવંશને પ્રેમ કરવો એ આર્યની સાચી ઓળખ છે. માટે તો ક્ષત્રિયને ‘ગોબ્રાહ્મણપ્રતિપાળ’ કહેવાય છે. સ્વાર્થી અને સંકુચિત મનનો માણસ પશુને પ્રેમ કરતો થવો જોઈએ. તમે ખેડૂતને એના બળદના ગળામાં હાથ પરોવીને વાતોમાં મગ્ન થયેલો જોયો છે? આજે શિક્ષણના ક્ષેત્રમાં કોઈ વિદ્યાર્થી નબળો કે આળસુ જણાય તો એને એમ કહીને ટોકવામાં આવે છે, કે “ભણ, ભણ. ભણીશ નહિ તો ઢોરા ચારવાનો વખત આવશે.” ભણેલો માણસ માનવેતર સૃષ્ટિને નફરત કરવા લાગે એવી બાબતો, ન ખબર પડતા એના દિમાગમાં નાંખી દેવામાં આવે છે અને પછી એને પશુને પ્રેમ કરવાનું કહેવામાં આવે તો એ કરે ખરો?

જ્યારે આપણા વહાલા ઋષિમુનિઓના તપોવનકાળમાં આત્મજ્ઞાન જેવી ટોચની વિદ્યાશાખામાં પ્રવેશ માટે જે વિદ્યાર્થી લાયક બન્યો હોય તેને ગાય ચરાવવા જવાનું કામ સોંપવામાં આવતું હતું! ગુરુ શિષ્યને એક ગાય આપીને કહેતા, કે “એક ગાયની સો ગાય થાય ત્યારે પાછો આવજે.” શિષ્ય ગાય ચરાવવા વનમાં જતો. વનમાં ઝરણા એને સંગીત પીરસતા, પંખીઓ એની સાથે ગીતો ગાતા, સૂર્યોદય અને સૂર્યાસ્ત એની આંખોમાં રંગોળી પૂરતા, પતંગિયા એને ચિત્રકામ શીખવાડતા. ટૂંકમાં કહીએ તો આત્મજ્ઞાન માટે અનિવાર્ય એવો, બે બાબતો(અહમ અને મમતા)નો ત્યાગ વનમાં આસાનીથી ઉપલબ્ધ હોય છે. ગમે તેવો મોટો માણસ મરી જાય તોય રજા નહિ ને ધ્વજ પણ અર્ધી કાઠીએ ફરકે નહિ. કુદરતને કોઈના આવવા-જવાથી કોઈ ફરક પડતો નથી. અને ‘આ મારુ’ એવું લેબલ કોઈને મારી શકાતુ નથી. કૃષ્ણે ગાયો ચરાવીને જ ગોવાળીયાઓને આત્મજ્ઞાન આપ્યું હતું ને!

મને એક કિસ્સો યાદ આવે છે. મહારાષ્ટ્રના એક અંતરિયાળ ગામડામાં ખેડૂતને છૂટ હતી કે પોતાના પશુને વેચી દીધા પછી પણ એને ઉંચા દામે ખરીદનાર કોઈ મળી જાય તો સોદો રદ કરીને એ પોતાનું પશુ નવા ગ્રાહકને વેચી શકતો. અલબત્ત આવા સોદા ગામના આગેવાનની સાક્ષીમાં થતા. એક ખેડૂત આગેવાન પાસે આવ્યો ને પોતાનો સોદો રદ કરવાની વાત કરી. એટલે આગેવાને ખેડૂતને પૂછ્યું કે કેટલા રુપિયા વધારે આપનારો નવો ગ્રાહક મળ્યો? જવાબમાં ખેડૂતે જણાવ્યું કે એને તો પહેલા ગ્રાહક કરતા પણ ઓછા રુપિયા આપનારો મળ્યો છે. આગેવાનને નવાઈ લાગી. એણે ખેડૂતને સોદો રદ કરવાનું કારણ પૂછ્યું તો ખેડૂતે જણાવ્યું, કે “પહેલા ગ્રાહકને બીડી-તમાકુનું વ્યસન નથી તેથી એ પોતે ખેતરમાં સતત કામ કરતો રહેશે અને મારા બળદ પાસે પણ સખત કામ લેશે. જ્યારે નવો ગ્રાહક વ્યસની હોવાથી કામ કરતા-કરતા વચ્ચે-વચ્ચે પોતાનું વ્યસન માણવા ઊભો રહેશે તેથી પોતાના બળદને પણ એટલો સમય કામમાં રાહત મળશે.” બળદ પ્રત્યેના પ્રેમને કારણે એ ખેડૂત સોદામાં નુક્શાન વેઠવા તૈયાર થયો હતો. મૂળ વાત એ છે કે સામાન્ય નાગરિકમાં પશુ-પેમ જાગ્રત નહિ થાય ત્યાં સુધી ગોવંશને બચાવવાના તમામ પ્રયત્નો હવાતીયા જ સાબિત થવાના છે.

જુના કાળની વાત છે. એક ગામથી બીજે ગામ જવા માટે એ કાળે બળદગાડાનો ઉપયોગ થતો. એક બહેન ગાડામાં બેસીને પોતાના પિયરથી સાસરે જતી હતી. અંધારુ થાય એ પહેલા ઘરે પહોંચી જવાય તો રસ્તામાં લુંટાઈ જવાનો ભય ના રહે એ હેતુથી ગાડાવાળો બળદને ઝડપથી ચલાવવા લોખંડની અણી વાળી આંકણી ઘોંચતો હતો. બહેને ગાડાવાળાને એમ ન કરવા કહ્યું કારણ કે બહેનને બળદ માટે લાગણી હતી. બાજુમાં એક વેપારી બેઠો હતો. એણે પણ ગાડાખેડુને બળદને આંકણી ન ઘોંચવા કહ્યું. પરંતુ એ વેપારીનો દૃષ્ટિકોણ જુદો હતો. એ ચામડાનો વેપારી હતો. એ જાણતો હતો કે બળદને અણી ઘોંચવાથી એના ચામડામાં કાણું પડી જાય છે. બળદના મરી ગયા પછી એનું ઉતારેલુ ચામડું કાણાવાળુ હોય તો બજારમાં એની એટલી ઓછી કિંમત આવે. આમ, આપણે ગાય અને બળદને શા માટે બચાવવાના છે એ સમજી લેવાની જરુર છે. ગોવંશ માટે આપણને પ્રેમ છે માટે, નહિ કે એમાંથી શું ફાયદો થશે? એ વિચારીને!

આપણે શું કરી શકીએ?

નિરુપયોગી થયેલો વાછરડો તેમજ વસુકી ગયેલી ગાય(વાછરડા-વાછરડીને જન્મ આપતા બંધ થઈ હોવાથી દુધ આપતા બંધ થયેલી ગાય) પશુપાલકને ભારરુપ બનતા હોવાથી(એના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં રુપિયા ખર્ચાય છે.) એ બન્નેને વેચી દે છે અથવા છુટા મુકી દે છે, જે છેવટે કતલખાને જઈને કપાય છે. આ કતલ બંધ થાય એ માટે સમાજના ગૌપ્રેમી માણસોએ(આપણે બધાએ) આવા નિરુપયોગી જીવોના ખોરાકની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. આપણે આપણા ઘરે પશુપાલન ન કરી શકીએ, પણ પશુપાલકને ખાતરી તો આપી શકીએ ને કે એના નિરુપયોગી થયેલા પશુઓ માટે ખોરાક આપણે આપીશું. એણે એ પશુઓને છુટા ન મુકી દેતા માત્ર એના રહેવાની વ્યવસ્થા કરવાની રહે. એ માટે સરકારે પશુપાલકને વધારાની જગ્યા ફાળવી આપવી રહી.

પશુપાલક પોતાના વાડામાં એક મોટુ વાસણ રાખે જેમાં આસપાસ રહેનારા માણસો પોતાના ઘરે બનતી રસોઈમાંથી ગાય-વાછરડાનો ભાગ રાખી આવે. અથવા એના માટે ઘાસ કે ઘાસચારાના રુપિયા પશુપાલકને આપી આવે. આખી જિંદગી ગાયે આપણને માનવજાતને પોતાનુ દુધ પીવડાવ્યું. હવે એ દુધ આપતી બંધ થઈ એટલે શું એને જીવવાનો અધિકાર પણ નહિ? વાછરડાના હકનું(ગાયના બચ્ચાનું) દુધ આપણે પી ગયા છતાં એ વાતને ભુલીને વાછરડો નિરુપયોગી બન્યો હોવાથી એને કતલખાને મોકલી દેવાનો? દુધના રુપિયા ચુકવી દીધા એટલે શું આપણે ગૌઋણમાંથી મુક્ત થઈ ગયા? માણસને કોઈ રુપિયા ચુકવે તો શું એ પોતાના બાળકના હકનું, એની માતાનું દુધ કોઈને વેચવા તૈયાર થશે ખરો?

શહેરના માણસે સમજી લેવાની જરુર છે, કે પશુપાલક દુધ વેચીને રુપિયા કમાય છે તેના બદલામાં પશુનો ખોરાક-ખર્ચ(દાણ+ઘાસચારો+પીવાનું પાણી), એની મેડીકલ સારસંભાળ, પશુને નવડાવવું તેમજ એને રાખવાની જગ્યાની સાફસફાઈ વગેરે આવી જાય છે(ગામડાની જેમ શહેરમાં ખેતી અને પશુપાલન એક સાથે નથી ચાલતા, શહેરમાં માત્ર પશુપાલન ચાલે છે). પણ પશુ જ્યારે બિનઉપયોગી બની જાય છે ત્યારે એના ખોરાકની જવાબદારી સમાજ ઉપાડી લે એ જરુરી છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાયને ઘુઘરી ખવડાવીને પુણ્ય કમાવાની લ્હાયમાં બહેનો ગાયને એટલુ બધું ખવડાવી દે છે, કે આફરો ચડવાથી ગાય મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે. આપણે રોજ થોડું-થોડું પુણ્ય ન કમાઈ શકીએ? પાંજરાપોળમાં સચવાતી ગાયોની બરાબર સંભાળ ન લેવાય તો પણ તે મરણ ને શરણ થાય છે. ત્યારે જરુર છે, કે પશુપાલક પોતે જ પોતાના પશુની સંભાળ રાખે.

આપણે શહેરીજનો રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યાથી હેરાન થઈએ છીએ પરંતુ એ સમસ્યાના મુળમાં જઈને વિચારતા નથી. ગાય-ભેંસનું દુધ આપણે પીવું હોય તો એ પશુઓના ચરવા માટેનો અલાયદો ટ્રેક(રસ્તો) શહેરમાં હોવો જોઈએ કે નહિ? કોઈ પણ શહેરના નદી-તળાવ પાસેના અથવા અન્ય ખુલ્લા વિસ્તારને પશુને ચરવા માટેના વિસ્તાર તરીકે વિકસાવવો જોઈએ. મિત્રો, આપ જાણતા હશો કે ગાયની ખુંધ પર સૂર્યપ્રકાશ પડવાથી એના શરીરમાં સુવર્ણ(સોનું) નિર્માણ થાય છે. ગાયના દુધની પીળાશ એ સોનાને કારણે છે. આથી જ વેદ-ઉપનિષદમાં ગાયને સારી રીતે સૂર્યપ્રકાશમાં ફેરવવાનો આગ્રહ રાખ્યો છે. આયુર્વેદની દૃષ્ટિએ સ્વાસ્થ્ય માટે શરીરમાં સુવર્ણ જવું ઉત્તમ ગણાય છે. જેનો લાભ લેવા માટેની વ્યવસ્થા આપણે કરવાની રહી. રખડતા ઢોરો આપણા રસ્તા પર નથી આવી ગયા, આપણે રસ્તો બનાવીને એમના ચરવાના વિસ્તારમાં ઘુસી ગયા છીએ.

આપણે ફાયદાવાદી નથી બનવું કે નથી કોઈ સ્વાર્થ સંબંધ ઉભા કરવા. પરંતુ પશુસૃષ્ટિ પ્રત્યે પ્રેમ ઉભો કરવો છે. પોતાના પશુ સાથે પશુપાલકનો ભાવસંબંધ હોય છે. એ જળવાવો જોઈએ. મા ઘરે રસોઈ બનાવીને સૌને જમાડે છે. પરંતુ રસોઈ બનાવવા માટે મા નથી. ઘરમાં વહુના આગમન બાદ, મા રસોઈ બનાવતી બંધ થઈ હોવા છતાં ઘરના સહુ સભ્યોનો પ્રેમ પામતા, સમ્માનપૂર્વક એ ઘરમાં રહે છે. આપણે એને ઘરમાંથી કાઢી મુકતા નથી. આપણે ઈચ્છીએ તો ઘરડાંઘરમાં એના રહેવાની વ્યવસ્થા કરી શકીએ, પરંતુ સંબંધોમાં રહેલા ભાવ-પ્રેમનું શું? બરાબર એ જ રીતે આપણે પશુસૃષ્ટિ અંગે વિચારવાનું છે.

Advertisements

Comments on: "ગાય-વાછરડાની કતલ" (3)

 1. Abhilash Patel said:

  ખુબ જ સરસ લેખ છે કલ્પેશભાઈ

  મને આ લેખ ગમીઓ.

 2. pragnaju said:

  મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિધ્ધી થાય છે.ભારતની સુખ અને સમૃધ્ધિ ગાય સાથે જોડાયેલી છે. ગૌ હત્યા માતૃ હત્યા છે.ગૌ વંશની રક્ષા કરવી એ ઇશ્વરની સંપૂર્ણ મૂક સૃષ્ટીની રક્ષા બરાબર છે. આ તો સર્વદા પૂજનીય ગૌ માતાની થઇ રહેલી દયનીય હાલતની પીડાની અભિવ્યક્તિ છે. વૈદિક યુગથી આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ વર્તમાન યુગમાં યંત્રવાદના મોહમાં લોકોએ ગાયની સામાજિક, સાંસ્કૃતિક, મહત્તા ગુમાવી દીધી છે. ગાયના અમૂલ્ય વારસાને પુનઃ જીવિત કરવા અંગે ભારતના દરેક ધર્મ, પંથ, સંપ્રદાયના ગુરુઓ, આચાર્યો, ભગવંતોએ ભેગા મળી કરેલા સંકલ્પનું સ્વરૃપ આ વિશ્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છે. ગૌ માતાની આપણા દેશમાં થઇ રહેલી દયનીય હાલત અંગે પીડા વ્યક્ત કરવાનું માધ્યમ છે. પીડાની અભિવ્યક્તિ છેપંચગવ્ય એટલે કે ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું ગોબર તથા ગોમૂત્ર જેવા અમૂલ્ય તત્ત્વોની માનવીની તંદુરસ્તી, ખેતી તથા આર્થિક ઉપાર્જનમાં ભૂમિકા છે.
  દુનિયામાં અહિંસાની વૃત્તિ જેટલી આજે જણાય છે તેટલી ઈતિહાસમાં અગાઉ ક્યારેય નહોતી. પ્રાચીન કાળથી આજ સુધીના ઈતિહાસ ઉપર નજર નાખીએ છીએ તો જણાય છે કે આજનો સામાન્ય માણસ પણ હિંસા-અહિંસાની વાત કરતો થઈ ગયો છે. જીવનના બધા પ્રશ્નો અહિંસાથી ઊકલી શકે કે નહીં, તેની ચર્ચા આજે થઈ રહી છે. આ પહેલાં આવી ચર્ચા ક્યારેય નહોતી થઈ. અગાઉના લોકો એમ માનીને જ ચાલતા કે હિંસાનું જીવનમાં કાંઈ ને કાંઈ સ્થાન છે જ, હિંસા વિના ચાલે જ નહીં. પરંતુ આજે માણસની સામે એવી આશા ઊભી થઈ છે કે હિંસાને આપણે માણસના જીવનમાંથી કાઢી નાખી શકીએ.

 3. આ બાબત સમજવી અઘરી છે . પાટણમાં ૫શુપાલકો નગરપાલિકા પાસે છાણ ઉપડાવે છે. ગાય બચાવો આદોલન સ્વંયભુ ચાલુ થવાના ભણકારા વાગે છે…તમે જોશો…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: