વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અમેરિકા અને ભારતની સ્વતંત્રતામાં તફાવત છે. અમેરિકામાં વ્યક્તિગત સ્વતંત્રતા મહત્વની છે જ્યારે ભારતમાં સામાજિક સ્વતંત્રતાનું પ્રાધાન્ય છે. અમેરિકામાં છોકરો છોકરીને જાહેરમાં ચુંબન કરે તો એ સ્વાભાવિક ગણાય છે જ્યારે ભારતમાં એ અશ્લિલ હરકત ગણાય છે અને એમ કરવા બદલ એ બંનેને સજા પણ થઈ શકે છે. ભારતમાં જાહેરમાર્ગો પર સવારે ચાર કલાકે સમાજ નિદ્રાધીન હોય ત્યારે શોભાયાત્રાઓ કાઢવી, પીક-અવર્સમાં ટ્રાફીક સમસ્યાને અવગણીને લગ્નના વરઘોડા પસાર થવા દેવા, રેલીઓ કે સરઘસો કાઢવા દેવા, શહેરના સાંકડા રસ્તાઓ પર પણ એ બધું કરવા દેવાની પરવાનગી આપીને એમ્બ્યુલંસ, ફાયરબ્રિગેડ કે પોલીસ સેવાઓ સમયસર ન પહોંચી શકે એવો માહોલ સર્જી દેવો સહજ ગણાય છે.

ઉત્સવ પ્રસંગે જાહેરમાં મોટા અવાજે ગીતો વગાડી શકાય (ગણેશોત્સવ જેવો ધાર્મિક ઉત્સવ હોય ને વાગતા હોય ફિલ્મી ગીતો), તો સમાજના વડીલવર્ગની નિદ્રાના ભોગે મોડી રાત્રી સુધી સામાજિક ઉત્સવોની ઉજવણી ચાલવા દેવી, એ બધું અહિં સામાન્ય ગણાય છે જ્યારે અમેરિકા જેવા દેશોમાં આવી સામાજિક સ્વતંત્રતા સહજ પ્રાપ્ય નથી. ત્યાં તો તમે જાહેરમાં અગ્નિસંસ્કાર પણ કરી શકતા નથી. આપણે ત્યાં ભારતમાં તો સોસાયટીનો કોઈ પણ રહીશ સભ્ય મન ફાવે તે દિવસે પોતાના ઘરે રાત્રીના 12:00 કલાકથી 2:00 કલાક સુધી સંગીતનો જલસો પણ રાખી શકે. પાડોશી બિમાર હોય અને મરણપથારીએ પડ્યો-પડ્યો મોટા અવાજથી પીડાતો હોય તો પણ ફરિયાદ કરવાનું તો દૂર રહ્યું, એ બંધ કરાવવામાં પોતે ખોટું કરી રહ્યો હોવાની લાગણી અનુભવે. જ્યારે વિદેશમાં તમારા ઘરમાં પણ તમે કમર નીચે માત્ર ટુવાલ વીંટાળીને ફરી ના શકો. પડોશણ તરત પોલીસને બોલાવીને તમને પકડાવી દે.

વૈયક્તિક સ્વતંત્રતાથી ત્યાં નાનુ બાળક પણ સભાન છે. ત્યાં નાના બાળકને તમે મારી ન શકો, ધમકાવી ન શકો કે ડરાવી ન શકો. જ્યારે ભારતમાં તો મા-બાપ પોતાના દીકરા-દીકરીને તો મારે જ. સાથે-સાથે નિશાળમાં પણ માસ્તરને વ્હાલા થવા આ મા-બાપો બેધડક કહી દે, કે “માસ્તર અમારો દીકરો સીધો ના ચાલે તો મારજો તમતમારે. બસ, ભણી-ગણીને એ તૈયાર થઈ જવો જોઈએ.” જો કે હાલમાં એવી ઘણી ઘટનાઓ બની રહી છે કે અભ્યાસ બાબતે ટોકવામાં આવે તો લાગણીશીલ બનીને અહિંના બાળકો આપઘાત કરી નાંખે છે પણ પોતાને થતા માનસિક ત્રાસ બદલ મા-બાપ સાથે લડી લેવાનું કે પોલીસને ફરિયાદ કરવાનું નથી વિચારતા. અમેરિકામાં તો શાળા-કોલેજના વર્ગમાં શિક્ષક ભણાવે ત્યારે વિદ્યાર્થી ધ્યાન આપે કે ન આપે, પોતાની જગ્યાએ એ કોઈ અશ્લિલ હરકત પણ કરતો જોવા મળે તો પણ શિક્ષક આંખ આડા કાન કરવાનું પસંદ કરે છે. શિક્ષકે એ બધું જોવાની જરુર નહિ. એણે તો માત્ર એની ડ્યુટી નિભાવીને જતું રહેવાનું. જે બરાબર નથી. આવા વિદ્યાર્થીને સજા થવી જ જોઈએ.

જ્યારે ભારતમાં વર્ગખંડના વિદ્યાર્થીઓનો પણ એક સમાજ ગણાય છે. જો કોઈ વિદ્યાર્થીનું ધ્યાન બીજે જણાય તો આજે પણ કેટલાક શિક્ષકો એને છુટું ડસ્ટર મારતા વિચાર કરતા નથી. ભારતમાં શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીને શિક્ષકે કરેલી સજાને કારણે કે શિક્ષકની બેદરકારીને કારણે વિદ્યાર્થીના શરીરને કાયમી ખોડખાંપણ જેવું ગંભીર નુકશાન થવું કે તેનું મૃત્યુ થવું એ સામાન્ય ઘટના બની ગઈ છે. પોતાની સ્વતંત્રતાના અધિકાર અંગે આક્રમક ન હોવાથી અને શિક્ષકનો ડર હોવાથી (શિક્ષક કારકીર્દિને ગંભીર નુક્શાન પહોંચાડી દેશે એવો ડર વિદ્યાર્થી તેમજ તેના વાલીને હોય જ છે.) સામાન્ય માણસ સંસ્થાના વડા(આચાર્ય કે સંચાલક) તેમજ પોલીસને ફરિયાદ કરતો નથી તેથી વિદ્યાર્થીને મન ફાવે તેવી સજા કરતા અહિંના કેટલાક શિક્ષકો અચકાતા નથી.  વિદ્યાર્થીને કાબુમાં રાખવાની અન્ય તરકીબો શિક્ષક પાસે હોવી જ જોઈએ.

ભારતમાં આજે પણ લગ્ન એ સામાજિક પ્રસંગ ગણાય છે. વહુ માત્ર વર જોડે જ નહિ પણ આખા ઘર જોડે પરણે છે. ઘરના તમામ સભ્યોની સેવા કરવાનું એને ભાગે આવે છે. લગ્નનું આ સામાજિક બંધન મજબૂત હોવાથી આપણે ત્યાં જલ્દી છુટાછેડા શક્ય બનતા નથી. અહિં પુરુષ કે સ્ત્રી મન ફાવે તેમ વર્તન કરી શકતા નથી. જ્યારે અમેરિકામાં તો લગ્ન થાય તે પૂર્વે છુટાછેડાના કાગળો પર સહી થઈ જાય છે એમ કહી શકાય. કારણ કે ત્યાં લગ્ન વૈયક્તિક છે, સામાજિક નથી. આથી નાની-નાની વાતમાં છુટાછેડા લેવાનું ત્યાં સામાન્ય છે. અહિંની પ્રજાને લાલબહાદુરશાસ્ત્રી જેવા નેતા સહજતાથી કહી શકે છે, કે “દેશમાં અનાજ ઓછુ પાક્યું છે તો તમે સોમવારે એક જ ટાઈમ જમજો.” અને આ દેશની પ્રજા એ વાત માનવા તૈયાર પણ થઈ જાય છે. જ્યારે અમેરિકામાં એક વખત પેટ્રોલની તંગી સર્જાઈ ત્યારે ત્યાંના પ્રમુખે કહ્યું, કે “થોડી કરકસર કરો” ત્યાં તો ત્યાંના છાપાવાળાઓએ કાગારોળ મચાવી દીધી, ‘બાય, બોરો ઓર સ્ટીલ, ગમે તે કરો પણ શાસન પર ચાલુ રહેવું હોય તો અમારી પેટ્રોલની ગમે તેટલી જરુરિયાત હોય, તમે પૂરી કરો. અમને સંભાળીને ખર્ચ કરવાની સલાહ ન આપો.’

આપણે ત્યાં પાડોશીનું બાળક ઘરમાં એકલું અને રડતું સંભળાય તો એને શાંત કરવા આપણે ઘેર લઈ આવી શકીએ ને એને ગમે તે ખવડાવી શકીએ. જ્યારે અમેરિકામાં તો કોઈના ઘરમાં વગર પરવાનગીએ ઘુસવા બદલ ભારે દંડ તેમજ જેલની સજા પણ થઈ શકે. તમે તમારા ઘર આગળ પણ લઘરવઘર ફરી ના શકો. પાડોશી એમ કહીને કેસ કરી દે, કે ‘આ માણસની ડ્રેસસેંસ મને જુગુપ્સાકારક જણાય છે!’ અમેરિકાના કોઈ રેલ્વે પ્લેટફોર્મ એક અમેરિકન ડોશી શારિરીક અશક્તિને કારણે ટ્રેનમાં ન ચઢી શકતી હોવાથી બધી ટ્રેન ચુકી જતી હતી. આપણા પટેલભાઈએ દયા લાવીને એ ડોશીને ટેકો આપીને ટ્રેનમાં ચઢાવી દીધી. બીજે દિવસે એ ડોશીએ મોકલેલુ કવર પટેલભાઈને મળ્યું. પટેલભાઈને એમ કે ડોશીએ ‘થેંક યુ’ કહ્યું હશે. કવર ખોલીને વાંચ્યું ત્યારે ખબર પડી, કે ડોશીએ વકીલની નોટીસ મોકલાવી હતી, જેમાં એમ લખ્યું હતું કે ટ્રેનમાં ચઢાવતી વખતે રાખેલી બેદરકારીથી ડોશીને ઘુંટણમાં નુક્શાન થયું છે, જેનું અમુક હજાર ડોલર એટલે કે અમુક લાખ રુપિયાનું વળતર પટેલભાઈએ એ ડોશીને આપવાનું થાય છે. આ માટે આપણે ત્યાં એક-બે કહેવત બહુ જાણીતી છે: ‘દયા ડાકણને ખાય’ અને ‘ધરમ કરતા ધાડ પડી.’

અમેરિકન કે અન્ય વિદેશી કાયદા અંગે માહિતી ન હોવાથી ઘણાં ભારતીયો ત્યાં વારંવાર દંડાય છે. દાત. ઝેબ્રા ક્રોસિંગ સિવાય તમે રસ્તો ઓળંગી શકો નહિ. ગમે ત્યાં થુંકી શકો નહિ. રોંગસાઈડ વાહન હંકારી શકો નહિ. વાહનની ઝડપ સંભાળવી પડે: વધારે કે ઓછી ગતિએ વાહન હંકારી શકો નહિ. નવરા ઘરે બેસી રહી શકો નહિ. કોઈના ઘરમાં તાકી-તાકીને જોઈ શકો નહિ(અન્યના મામલામાં માથુ મારવાની ભારતીયોની પ્રિય પ્રવૃત્તિ). અન્યના વૈયક્તિક સ્વાતંત્ર્યની રક્ષા માટે આ કાયદાઓ અસ્તિત્વમાં આવેલા છે. જ્યારે આપણે ત્યાં તો જાહેરમાં ધુમ્રપાન કરનારો બાજુમાં ઉભેલા માણસના મોઢા પર પણ બેધડક ધુમાડો છોડી શકે(ભારતીય સંતોએ સહનશીલતાનું બહુ મહત્વ ગાયું છે). અને સહન કરનારો માણસ એમ જ વિચારે, કે આપણાથી એને કેમ કહેવાય ! વિચારો, આપણે જાહેરમાં વૈયક્તિક વર્તન કરતા જ નથી એટલે કે આપણા સ્વતંત્ર ગમા-અણગમા અંગે જાહેરમાં નિખાલસ રહેતા નથી. પરંતુ ‘જો વિરોધ કરીશું તો સમાજમાં આપણે કેવા લાગીશું?’ એ બાબતનો જ વિચાર કરીને દુ:ષ્ટોને પ્રોત્સાહન મળે એ રીતે મન મારીને બેસી રહીએ છીએ. પતિ-પત્ની ઘરમાં મારામારી કરી રહ્યા હોય અને અચાનક મહેમાન આવી ચડે તો જાણે જ્યુસ પીવાથી બન્નેના ગાલ લાલ થઈ ગયા હોય એમ બન્ને વર્તન કરવા લાગે. આવી છે આપણી સામાજિકતા.

વિચિત્ર સ્વતંત્રતા

ઈંગલેંડમાં એક વખત કેટલોક માનવ સમુહ એકઠો થઈને જાહેરમાં ઉજવણી કરી રહ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું, કે તેઓ 9/11ની ઘટના(અમેરિકાના બે ટાવર આતંકવાદીઓએ વિમાન અથડાવીને તોડી નાંખ્યા અને સેંકડો માણસો માર્યા ગયા તે) બની તેની ખુશી મનાવી રહ્યા હતા અને તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓના ચાહકો હતા. આ દૃશ્ય બતાવીને બ્રિટન પોલીસને આપણા ભારતીયે ફરિયાદના સ્વરમાં પૂછ્યું, તો તે પોલીસે જણાવ્યું, કે પોતાના વિચારો તેમજ લાગણીઓ વ્યક્ત કરવાની સહુને અહિં સ્વતંત્રતા છે. લેટ ધેમ એંજોય ધેર ફિલિંગ્સ. આ સંદર્ભમાં આપણે (હિન્દુ ધર્મના અનુયાયીઓ), ચિત્રકારોને હિન્દુ દેવી-દેવતાઓના અશ્લિલ ચિત્રો દોરવાની સ્વતંત્રતા આપવાના પક્ષમાં નથી. અન્ય ધર્મના અનુયાયીઓ પણ પોતાના આદર્શ ચરિત્રો અંગે આ જ પ્રકારની માનસિકતા ધરાવે છે. જ્યારે કેટલાક ચિત્રકારો સ્વતંત્ર અભિવ્યક્તિના અધિકારના નામે માણસની શ્રદ્ધાના ક્ષેત્રમાં અણછાજતી છુટ લેવા જાય છે. તેથી તેઓ સાથે આપણે સંઘર્ષમાં ઉતરવું પડે છે. માણસને મળેલા સ્વતંત્રતાના અધિકારનો (અન્યના શ્રદ્ધાકેન્દ્રો પર પ્રહાર કરી તેઓની લાગણી દુભવવા માટે) આવો દુરુપયોગ થાય ત્યારે તેવા માણસો સ્વતંત્ર અભિવ્યક્તિનો અધિકાર ગુમાવી દે છે.

એક રીતે જોઈએ તો અમેરિકન નાગરિક ‘સ્વતંત્રતા’નો અર્થ ‘સ્વચ્છંદતા’ એવો કરે છે. સ્વતંત્ર એટલે સ્વરચિત તંત્ર. એમાં બંધન તો છે જ. ગુલામીથી એ જુદુ એ રીતે પડે છે કે ગુલામીમાં અન્ય દ્વારા વ્યક્તિ પર બંધન લાદવામાં આવે છે. જ્યારે સ્વતંત્રતામાં વ્યક્તિ જાતે પોતાના પર બંધન લાદે છે. એ જાતે નક્કી કરે છે કે મારે જાહેરમાં, સામાજિક પરિપ્રેક્ષ્યમાં ચોક્કસ રીતે વર્તવાનું છે. અમેરિકાનું સ્વાતંત્ર્ય જોતા તો એમ લાગે છે કે તેઓ સમાજ નામના કોઈ પ્રાણીનું અસ્તિત્વ જ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે ભારતમાં ક્યારેક સામાજિકતાના ભાર નીચે વ્યક્તિસ્વાતંત્ર્ય ગુંગળાઈ મરે છે તો ક્યારેક સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા(જાહેરમાં નિર્લજ્જતા, છુટાછેડા, મોટી વયે લગ્ન વગેરે)ને પોષીને આવશ્યક એવી સામાજિકતાને નજરઅંદાજ કરતો થયો છે. આદર્શ સમાજનું ચિત્ર જેના મગજમાં સ્પષ્ટ છે એવા સમાજશાસ્ત્રીઓની મુંઝવણ એ છે કે સમાજ પર આજે કોઈ બંધન અસરકારક રહ્યું નથી. લગામ વિનાના ઘોડાની જેમ સમાજ બેફામ દોડી રહ્યો છે. એનું શું થશે, ક્યાં જઈને પડશે એ કોઈ કહી શકતું નથી. પણ એક વાત તો ચોક્કસ છે કે આવો સમાજ બ્રેક વિનાની બાઈકની જેમ અધ:પતનના માર્ગે જ જાય છે, વિકાસના માર્ગે નહિ.

Advertisements

Comments on: "સ્વતંત્રતા : ભારતમાં/અમેરિકામાં" (10)

 1. સરસ લેખ …
  આદર્શ સમાજનું ચિત્ર જેના મગજમાં સ્પષ્ટ છે એવા સમાજશાસ્ત્રીઓની મુંઝવણ એ છે કે સમાજ પર આજે કોઈ બંધન અસરકારક રહ્યું નથી. લગામ વિનાના ઘોડાની જેમ સમાજ બેફામ દોડી રહ્યો છે. એનું શું થશે, ક્યાં જઈને પડશે એ કોઈ કહી શકતું નથી. પણ એક વાત તો ચોક્કસ છે કે આવો સમાજ બ્રેક વિનાની બાઈકની જેમ અધ:પતનના માર્ગે જ જાય છે, વિકાસના માર્ગે નહિ

  અર્ધ સત્ય .
  સ્વત્ઁત્રતા વિના સર્જન ન થાય્ ૧૦૦૦ વર્ષની ગુલામીથી ટેવાયેલા આપણે સ્વતંત્રતા જોઈ જ નથી .

 2. જગત દવે said:

  આપણી સ્વતંત્રતા અને અમેરિકાની સ્વતંત્રતાની સરખામણી કરવી નિરર્થક છે. અમેરીકામાં લોકોની વૈચારીક ભૂમિકાનો પાયો ધર્મ આધારીત નથી અને ભારતમાં આપણી વૈચારીક ભૂમિકાનો પાયો ધર્મ આધારીત છે અને સદભાગ્યે કે દુર્ભાગ્યે આપણે સર્વધર્મ સમભાવને અપનાવ્યો છે જેમાં અન્ય ધર્મો વિષે તો ખબર નહી પણ હિંદુ ધર્મ તો ૨૦ થી ૩૦ હજાર જેટલાં સંપ્રદાયોમાં અને તેથી પણ વધું જાતિઓમાં વિખાયેલો છે અને કાયદાઓ પણ ધર્મ ગત અને જાતિ-ગત ભેદભાવ ને આધારે ધડાયેલા છે. ધાર્મિક સમભાવ રાખવા જતાં રાષ્ટ્રવાદ નો ભોગ અપાઈ ગયો છે. તેથી જ એક ભારે અનિર્ણાયક પરિસ્થિતીનું નિર્માણ થયું છે અને રાષ્ટ્રીય ઓળખ ગૌણ બની જાય છે. માટે જ આપણા દેશમાં વ્યક્તિગત ઓળખાણ આપતી વખતે આપણે ઓછા માં ઓછા ૩-૪ પ્રશ્નોનાં જવાબ આપવા પડે છે.

  ૧. તમે ક્યાંના? (પેટા પ્રશ્નો રાજ્ય,ભાષા,ગામ,પ્રાંત,ગોળ વિ.)
  ૨. તમે કઈ જાતિનાં? (પેટા ગોત્ર, પેટાજાતિ વિ.)
  ૩. તમે ક્યાં ધર્મનાં?(પેટા પ્રશ્નો સંપ્રદાય, ગુરુ, બાપૂ, સંત વિ.)

  માટે આપણી સ્વતંત્રતામાં વ્યક્તિગત સંવેદનાઓ ને સ્થાન નથી અને ધર્મ -રિવાજને વધું પ્રાધાન્ય મળે છે.

  અમેરીકા તેનું સ્વાતંત્ર્ય ભલે તેની રીતે સંભાળે પણ આપણે આપણું સ્વાતંત્ર્ય સુધારવા આપણું અલગ મોડેલ બનાવવું પડશે અને તે પહેલાં ભારતીય લોકશાહીનું માળખું બદલવું પડશે.

 3. jatin bhatt said:

  તમારા વિચારો ખુબ સુન્દેર છે અને તમે જે પ્રમાણે બંને દેશો ની વિવિધતા દર્શાવી છે તે ખરેખર સરાર લાગી. હું પણ નાના નાના લેખો લખું છું જેમાં અમેરિકા કરતા આપને ક્યાં પાછા પડીએ તેના વિષે ચર્ચા હોય જ પણ સાથે સાથે ત્યાં ના જે ખરાબ રીવાજો કે નિયમો છે તેના વિષે પણ લખું. દા.ત. રમુજ માં લેવા જેવું છે કે અગર ત્યાં વ્યક્તિગત સ્વતંત્રતા ને કારણે એક સ્ત્રી પોતાને ગમે ત્યારે છૂટાછેડા લઇ સકે છે તેવા પ્રસંગે એનું બાળક ઋતુ બદલાય તેમ પિતા બદલાય જેવી સ્થિતિ માં આવી જાય. વળી એ બાળક મોટું થઈને ક્યાં પિતાની મિલકત પર પોતાનો હક્ક માંગશે. કારણ કે ખુદ માતા પણ એ દ્વિઘા માં હોય છે કે આ બાળક ક્યાં પ્રેમી નું છે. આવા શબ્દો આપના ત્યાં એક વેશ્યા બોલી સકે પણ આપની સ્ત્રી ઓ વિષે આ બાબત ખરેખર માં ઉપજાવે એવી છે કે ગમે તેવી સ્થિતિ માં એ પોતાના પરિવાર ને સાચવી જાને છે.

  આ અંગે આપે જે કઈ પણ જાણકારી આપી છે તે ખરેખર સારી છે અને આપને એ વિષે અભિનંદન આપું છું.

 4. સ્વતન્ત્રતા….

  પહેલા સમજવુ જરુરી રહયુ.
  Rajendra Trivedi,M.D.

 5. pragnaju said:

  અભ્યાસપૂર્ણ લેખ.
  દરેક દેશના કાયદા જાણવા પડે.
  કાયદાનું અજ્ઞાન એ બચાવ ક્યાંય ચાલતો નથી.
  અમારી ત્રણ દેશમા રહેલી ભત્રીજાની દિકરીને પૂછતા તેણે જણાવેલું કે ઈંડીઆ,દોહા અને અમેરિકામા વધારેમા વધારે સેફ્ટી દોહામા લાગતી અને સમાજ વધુ સ્વસ્થ લાગતો.અહીં ઉછરેલી છોકરીઓમા પણ અમારા સ્નેહીઓની દિકરીઓને વેસ્ટર્ન છોકરાઓ અને આરબ દેશના છોકરાઓ ઓછા દાંભિક લાગ્યા છે અને તેમણે લગ્ન વગર પરિણીત જીવન ગાળવાની નવાઈ ન હોવા છતાં તેમની સાથે લગ્ન કર્યાં છે અને સફળ રહ્યાં છે.અમારા મિત્રો સ્નેહીઓમા છૂટાછેડા મળે તે પહેલા કાયદા પ્રમાણે છૂટા રહેવાની પ્રક્રિયામાની સંખ્યા વધતી જાય છે.અમારા ૭૦+ મા પણ…!

 6. sudhir patel said:

  ખૂબ સુંદર વિચાર પ્રેરક લેખ બદલ અભિનંદન!
  સુધીર પટેલ.

 7. સુન્દર લેખ. અભીનન્દન.

 8. કલ્પેશભાઇ
  અમે. માટે કશુ મારે કહેવુ નથી બસ ખાલી એકાદવખત મારી વેબ પરમુલાકાત લેજો.. અને તેપણ પૂરુ તો નથી જ …

 9. સરસ અભ્યાસપૂર્ણ લેખ.તમે જે કહ્યું છે કે અમેરિકન કે અન્ય વિદેશી કાયદા અંગે માહિતી ન હોવાથી ઘણાં ભારતીયો ત્યાં વારંવાર દંડાય છે-એ વાત તો સાચી જ છે પણ જે જાણતા હોય છે એ લોકો પણ ના જાણતા હોય એવું વર્તન કરે છે,અહી કોને પડી છે? એવું વલણ પણ કરે છે.

 10. HITESH KASANDARIYA said:

  KALPESHBHAI KHUBAJ SARAS LEKH.VANCHI NE GHANU JANVANU MALYU.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: