વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

‘ગુરુપૂર્ણિમા’ એ ગુરુદ્રોણને ભાવાંજલિ

ગુરુદ્રોણે એકલવ્યને ધનુર્વિદ્યા શીખવાડવાની ‘ના’ કહી. શા માટે? આજે શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ માટે જેમ વ્યક્તિગત રીતે વિદ્યાર્થીની બુદ્ધિ ચકાસવામાં આવે છે તેમ એ જમાનામાં વિદ્યાર્થીનો વર્ગ તપાસવામાં આવતો હતો. તે સમયે દરેક વર્ગની પ્રવૃત્તિ નક્કી જ હતી. એ બાબતમાં કોઈ વ્યક્તિ પોતાની મનમાની કરી શકતી નહિ. એ કાળે બ્રાહ્મણોના હાથમાં શિક્ષણ વિભાગ, ક્ષત્રિયોના હાથમાં દેશની આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા, વૈશ્યોના હાથમાં ખેતી અને પશુપાલન અને શૂદ્રોના હાથમાં ઉદ્યોગો(ઈંડસ્ટ્રીઝ) હતા. કોઈ એકબીજાનું કર્તવ્ય અપનાવતા ન હતા. જેમ આજે સમાજમાં શિક્ષણ વિભાગ છે એમ એ વખતે સમાજમાં બ્રાહ્મણો પ્રેમથી જ્ઞાનનો પ્રસાર કરતા હતા. તેઓના આ કાર્યમાં અવરોધ ઉભો કરીને તકલીફ આપનારા રાક્ષસોને મારવા માટે પ્રથમ ક્ષત્રિયોની અન્યાયનો પ્રતિકાર કરવાની વૃત્તિ તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને ધનુર્વિદ્યા શીખવાડવામાં આવતી હતી.

ધનુર્વિદ્યા જેવી પ્રભાવી વિદ્યા શીખીને શક્તિશાળી બનેલો માણસ એ વિદ્યાનો ઉપયોગ નબળાનું શોષણ કરવા માટે કરે તો માનવજાતનું અકલ્યાણ થાય અને એનું પાપ ગુરુને માથે જાય. દાક્તરીવિદ્યા કેટલી મહત્વની વિદ્યા છે! દાક્તરમાં સેવાભાવનો અભાવ હોય તો માનવજાત માટે એ કેટલું કષ્ટદાયક બની શકે? આથી સદવૃત્તિ તૈયાર કર્યા વિના વિદ્યાર્થીને દાક્તરીવિદ્યા શીખવાડવાનું જોખમ પણ લેવા જેવું નથી. આજે પણ જે વ્યક્તિ સૈન્યમાં જોડાય એને જ મિલિટરી તાલીમ આપવામાં આવે છે, ગમે તેને નહિ. આતંકવાદીઓ તેમજ માઓવાદી, નક્સલવાદી જેવા અન્ય દેશદ્રોહીઓ સામે લડવા માટે સૈનિકોને આપણે તૈયાર કરીએ જ છીએ ને! કોઈ સિવિલિયન માણસ મિલિટરીના કર્નલ પાસે જઈને અચાનક હથિયાર શિખવાડવાની માગણી કરે અને કર્નલ એ માગણી નકારી દે તો શું એ અયોગ્ય છે? આપણે શું એવી ફરિયાદ કરીશું, કે “સૈનિકોને જ શા માટે, એક અચાનક આવી ગયેલા સિવિલિયનને એનો ઈરાદો તપાસ્યા વિના જ શા માટે હથિયાર ચલાવતા શીખવાડતા નથી?

જે સમાજમાંથી એકલવ્ય આવતો હતો એ સમાજ ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતો. એ સમાજનું અન્ય કોઈ નહિ ને એકલો એકલવ્ય જ શા માટે સમાજના પ્રસ્થાપિત નિયમને તોડીને ધનુર્વિદ્યા શીખવા માંગતો હતો એ પ્રશ્ન ગુરુદ્રોણ જેવા બ્રહ્મજ્ઞાનીને થાય એ સ્વાભાવિક છે. પ્રચલિત સમાજધારણા સ્વકર્તવ્યાચરણની હોય ત્યારે ધનુર્વિદ્યા શીખવાના ખાસ હેતુ માટે એકલવ્ય પાસે શું જવાબ હતો? ડ્યુટી પર હોવા છતાં કોઈ સૈનિક અનાજ દળવાની ઘંટી પર કામ કરતો જોવા મળે તો દેશની શી હાલત થાય? શંબૂક નામનો શૂદ્ર ઔદ્યોગિક ઉત્પાદન છોડીને તપ કરવા બેસી ગયો તેથી રામે એને માર્યો જ હતો ને! મહાન ન્યાયાધીશ પંડીત રામશાસ્ત્રીએ પેશવાને મોઢા પર સાફ-સાફ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે એણે રાજ્યનો કારભાર બાજુ પર મુકીને રોજ સવારે ત્રણ-ત્રણ કલાક પૂજામાં ‘બગાડવા’ હોય તો પેશવાને રાજકીય માર્ગદર્શન આપવા પંડીત રામશાસ્ત્રી તૈયાર નથી.

આજે કોઈ સામાન્ય નાગરિક શસ્ત્રો વેચતા દુકાનદાર પાસે એ.કે.56 રાયફલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરે અને ‘લાયસંસ વિના શસ્ત્ર ખરીદી શકાય નહિ’ એમ કહીને તેને વિદાય કરે તો દુકાનદારની વાત આપણે સમજી શકીએ છીએ પરંતુ જે યુગમાં ક્ષત્રિય સિવાયની વ્યક્તિને ધનુર્વિદ્યા ન શીખવાડવાનો નિયમ હોય અને ગુરુદ્રોણ એ નિયમનું પાલનમાત્ર કરી રહ્યા હોય તો તેઓની ભાવનાને સમજવાને બદલે એમને વખોવાડવાની વૃત્તિ આપણી અલ્પબુદ્ધિનું પ્રદર્શન કરે છે. પછીની વાત આપણે જાણીએ છીએ કે એકલવ્ય જાતે ધનુર્વિદ્યા શીખ્યો. ગુરુદ્રોણે તેનો અંગુઠો માંગી લીધો એટલે એકલવ્યે એ કાપીને આપ્યો એમ નહિ પરંતુ એકલવ્ય પાસેથી ગુરુદ્રોણે વચન માગી લીધું કે ધનુર્વિદ્યા માટે એ પોતાના જમણા હાથના અંગુઠાનો ઉપયોગ નહિ કરે. એ વચન પાછળ પણ ગુરુદ્રોણનો અર્જુન પ્રત્યેનો પક્ષપાત નહિ પરંતુ સમાજના નીતિ-નિયમો ટકાવીને એનું કલ્યાણ કરવાની જ ભાવના રહેલી છે.

એ જમાનામાં સોનું લુંટવા માટે ધનુર્વિદ્યા શીખવાની મહત્વાકાંક્ષા રાખનારા હિરણ્યાક્ષ કે હિરણ્યકશિપુ જેવા રાક્ષસો હતા જ. ફરીથી ડાબા હાથે ઉત્તમ ધનુર્વિદ્યા શીખ્યા બાદ એકલવ્યે શું કર્યું એ બાબતનું સંશોધન થવું જોઈએ. ત્યારપછી ગુરુદ્રોણ કે એકલવ્ય વિશે બોલવું જોઈએ. મહાભારતના યુદ્ધમાં જગતના તમામ લડવૈયાઓ હાજર હતા ત્યારે ધર્મ પક્ષે કે અધર્મ પક્ષે એકલવ્ય ઉભો રહ્યો હોય એવી કોઈ નોંધ મહાન ઈતિહાસકાર વેદવ્યાસે લીધી નથી(રામની પેઢીનો આડત્રીસમો વારસ બૃહદબલ યુદ્ધમાં હાજર હતો એટલું ઝીણું યાદ રાખીને લખનાર વ્યાસજી, એકલવ્યની હાજરીને ભુલી ન જાય). આથી એવી શંકા ઉપસ્થિત થાય છે કે એકલવ્યે ધનુર્વિદ્યા પોતાના વૈયક્તિક સ્વાર્થ માટે જ શીખી હતી કે શું?

કૌરવોની વૃત્તિ જોઈને ગુરુદ્રોણે એક પણ કૌરવને યશસ્વી ધનુર્વિદ્યા શીખવાડી નથી. કેવો વિચક્ષણ બુદ્ધિનો એ બ્રાહ્મણ હશે! દુર્યોધન બલરામ પાસેથી ગદાયુદ્ધ શીખ્યો. પગાર લેતા હોવા છતાં પણ દુર્યોધનની વાત માનવાનો ઈંકાર કરીને ગુરુદ્રોણે કર્ણને એ રાજા હોવા છતાં ધનુર્વિદ્યા શીખવાડી નથી. નિ:સ્વાર્થ બ્રાહ્મણોના તેજ આગળ ક્ષત્રિયો પણ પોતાની મનમાની કરી શકતા નહિ તો સામાન્ય માણસની તો વાત જ ક્યાં રહી? કૃષ્ણના ધર્મસંસ્થાપનાના કાર્ય માટે પાંડવો નિમિત્ત બનવાનાં હતા માટે ગુરુદ્રોણે તેઓને જ બરાબર તૈયાર કર્યા છે અને પોતે દુર્યોધનપક્ષે રહીને પણ પાંડવોને જ મજબૂત કરતા રહ્યા છે. ભીષ્મે પણ આ જ કાર્ય કર્યું છે. આમ સમગ્ર રીતે જોઈએ તો તે કાળે તમે શું છો, શું કરો છો એ મહત્વનું ન હતું પરંતુ તમારી વૃત્તિ શુદ્ધ તેમજ પ્રભુપ્રીત્યર્થ હોય એ મહત્વનું ગણાતું.

દુ:ખની વાત છે કે ધર્મના ક્ષેત્રના કહેવાતા વિદ્વાન વક્તાઓએ જ આપણા ઈતિહાસ સાથે છુટ લીધી છે. મહાભારતમાં દ્રૌપદી ક્યાંય બોલી નથી કે ‘આંધળાના છોકરા આંધળા.’ છતાં એના મુખમાં આ શબ્દો મુકીને મહાભારતના યુદ્ધ માટે દુર્યોધનની સત્તા લાલસા અને ધૃતરાષ્ટ્રના પુત્રમોહને બદલે દ્રૌપદીને જવાબદાર ગણવામાં આવે છે. રામાયણમાં ક્યાંય લક્ષ્મણરેખાનો ઉલ્લેખ નથી. છતાં રામ-રાવણના યુદ્ધ માટે રાવણના અહમ અને વાસનાને બદલે સીતાના મર્યાદા ઉલ્લંઘનને જવાબદાર ગણવામાં આવે છે. આ બે ગેરસમજની ઝપટમાં ન આવ્યો હોય એવો કોઈ માણસ છે? ઈતિહાસના ક્ષેત્રમાં આપણે આવી બિનજવાબદાર પ્રવૃત્તિ કરતા રહીશુ તો આપણને ખતમ કરવા બહારના કોઈ તત્વની જરુર પડવાની નથી. પશ્ચિમના દુ:ષ્ટોએ ભારતીય સંસ્કૃતિના પવિત્ર પાત્રો એવા રામ, કૃષ્ણ, હનુમાન, સીતા વગેરે વિશે એટલુ બધુ ગંદુ, જાતીય આક્ષેપોથી ભરપુર લખાણ લખીને સુંદર મજાના મલ્ટીકલર આર્ટ પેપર પર છાપ્યું છે, જે વિદેશી હિન્દુ બાળકોને તો નાછૂટકે વાંચવુ જ પડે છે પરંતુ એ લખાણ ભારતની આવનારી પેઢીના બાળકોના હાથમાં આવતા એમનું શું થશે? નવા સંશોધનના નામે કરવામાં આવતા આવા કાવતરા આજની આપણી ભણેલી પેઢીને ઝડપથી લપેટમાં લઈ લે છે કારણ કે આજનું આપણું શિક્ષણ દેશ કે સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા ઘડતુ ન હોવાથી તેની બુદ્ધિ જલ્દીથી દોરવાઈ જાય છે.

આપણા પર એટલી કૃપા છે ઘરડાંઘરે જતા બચી ગયેલા આપણા સૌના દાદા-દાદીની, કે તેઓ આજે પણ પોતાના બાળ-ગોપાળો બે-ત્રણ વર્ષના થાય ત્યારથી જ તેઓને રામાયણ-મહાભારતના પાત્રો વિશે અતિ આદર જગાડતી વાર્તાઓ કહે છે, જેની ગાઢ અસર એવી તો પ્રબળ હોય છે કે બુદ્ધિના રાક્ષસોએ ફેલાવેલી જાળમાં આપણા બાળકો આવતા નથી. આપણે ત્યાં એક કહેવત એમને એમ થોડી પડી હશે કે ‘ઘરડાં ગાડાં વાળે!’ ઈતિહાસના અતિ તેજસ્વી વૃદ્ધ બ્રાહ્મણ ગુરુદ્રોણને ગુરુપૂર્ણિમાએ સહૃદય ભાવાંજલિ!

Advertisements

Comments on: "એકલવ્યનો અંગુઠો" (5)

 1. જગત દવે said:

  ગુરુ દ્રોણ એ ક્યાં સંજોગોમાં એ પગલું લીધું હશે અને એકલવ્યની વૃતિ શું રહી હશે તે તો ખબર નથી પણ જો ગુરુ દ્રોણએ અંગુઠો માંગવાને બદલે તેને સાથે લઈ લીધો હોત તો બે અર્જુન ઊભા કરી શકાત અને તેમજ આગળ જતાં કર્ણનું પણ દાસી-પુત્ર તરીકે અપમાન કરી ને હડધુત ન કર્યો હોત તો પાંડવોનાં પક્ષમાં ત્રણ ‘અર્જુન’ ઉભા હોત. કૌરવોની હિંમત પર મોટો પ્રહાર ઊભો કરી શકાયો હોત. સમાજનાં નબળા વર્ગોમાં પણ ખુમારી જગાવી શકાઈ હોત તેમને શિક્ષણ મેળવવાની ઊત્કંઠા જગાવી શકાઈ હોત અને આગળ જતાં માત્ર ક્ષત્રિયો જ લડે…જે સમગ્ર સમાજનો માત્ર ૧ કે અડધો ટકો જ હતાં તેવી માનસિકતા ટાળી શકાઈ હોત. પાછળ જતાં એક વિશાળ લડાયક પ્રજા ઊભી કરી શકાઈ હોત અને જેનાંથી આપણા રાષ્ટ્રનું, સંસ્કૃતિનું, ધર્મનું, વિશાળતાનું રક્ષણ અને વિસ્તરણ કરી શકાયું હોત. ગુલામીની અવસ્થા ટાળી શકાઈ હોત. ભારતનાં ભાગલાં કરવા પડે તેવી ભૂમિકા જ ઊભી ન થઈ હોત. આવી નાની નાની ઘટનાંઓ પ્રજાનાં, દેશનાં ભવિષ્ય ઊપર કાયમી છાપ છોડી જતી હોય છે.

  મારા મત પ્રમાણે આ પ્રકારનાં પાત્રો અને આલેખનોથી સમાજમાં એક ખોટા આદર્શો ઊભા થયાં અને તેણે સમાજને જોડવા કરતાં તોડવાનું વધારે કામ કર્યું. આવનારા સમયમાં તેને ક્ષુદ્ર નાં શિક્ષણ મેળવવાનાં અધિકારના ઈન્કાર તરીકે વધારે સ્થાપિત કરાયો.

 2. pragnaju said:

  તમારા તથા જગતભાઈ ના મંતવ્યો-ચિંતન માણી આનંદ
  અમારી પોષ્ટ પર તેવા પ્રસંગ અંગે આ રીતે રજુઆત કરી હતી
  સદગુરુમાં સાચી શ્રધ્ધા હોય એટલે આપણો અંતરંગ વિકાસ સહેલાઈથી થવા લાગે છે. ગુરુ એક અથવા બીજી રીતે આપણને મદદરૂપ થાય છે. ગુરુ તૈયાર નથી હોતા તો પણ પરમાત્માની પરમ પ્રબળ સનાતની શક્તિ એમના માધ્યમ દ્વારા કે અન્ય રીતે આપણી આકાંક્ષાને સંતોષીને આપણને આગળ વધારે છે.

  ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો શિષ્ય તરીકે સ્વીકાર ના કર્યો પરંતુ એકલવ્યે એમને સદગુરુ તરીકે સ્વીકારી લીધા. એમની માટીની મૂર્તિ બનાવીને શ્રધ્ધાભક્તિપૂર્વકના પ્રયોગો પ્રારંભ્યા. તો પરિણામે એ પરમ ધનુર્વિદ, અસ્ત્રશસ્ત્ર વિશારદ બની ગયો. સંત કબીરે રામાનંદની અનિચ્છા હોવા છતાં એમનામાં ગુરુભાવ રાખ્યો. અખાએ કાશીના પ્રજ્ઞાચક્ષુ સ્વામીને સાચા દિલથી સદગુરુ તરીકે, પોતાને અપનાવવામાં ના આવવા છતાં પણ, સ્વીકારી લીધા. તો એનું પરિણામ કેટલું બધું આશ્ચર્યકારક અને ચમત્કારિક આવ્યું ! એવી રીતે આપણે પણ સદગુરુ પ્રત્યેની શ્રધ્ધાથી પ્રેરાઈને અસાધારણ પ્રગતિ કરી શકીએ. શરત એ જ છે કે આપણે સદગુરુને સંપૂર્ણપણે સ્વીકારી લેવા જોઈએ. એના સિવાય બીજું કશું જ ના બની શકે.

 3. ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુદ્રોણ ને સમર્પિત ખુબજ સરસ લેખ, આભાર.

 4. તમારી વાત સાચી છે ઘણા લોકોએ પૂરું જાણ્યા વગર રામ, કૃષ્ણ, હનુમાન, સીતા વગેરે વિશે ઘણી અધૂરી અને અયોગ્ય વાતો મૂકી હોય છે. મારા કેટલાક મત કહું છુ.

  ગુરુ દ્રોણ સ્વયમ બ્રાહ્મણ હોવા છતાં ધનુષ્યવિધા શ્રી પરશુરામજી (ખુદ બ્રાહ્મણ) પાસેથી શીખ્યા અને ક્ષત્રિયોને શીખવતા હતા. આમ તે કાળે તમે શું છો, શું કરો છો એ મહત્વનું ન હતું પરંતુ તમારી વૃત્તિ શુદ્ધ તેમજ પ્રભુપ્રીત્યર્થ હોય એ મહત્વનું ગણાતું જે તમે કહ્યું. એકલવ્યની મનુષ્ય તરીકેની વૃત્તિ અને પાત્રતા વિષે ખ્યાલ નથી.

  મારા માટે ગુરુએ વિદ્યા તો કૌરવો અને પાંડવો બંને ને સરખી આપી પરંતુ સહુએ પોતાની પાત્રતા અને રુચિ મુજબ તેને ગ્રહણ કરી. એટલે જ પાંડવોમાં અર્જુન ધનુર્ધર, ભીમ ગદાધારી, યુધિષ્ઠિર ભાલામાં અને નકુલ સહદેવ તલવાર યુદ્ધમાં પ્રવીણ બન્યા. ગુરુ દ્રોણ ગદામાં બળરામ જેવા પ્રવીણ નહોતા અને એટલે જ દુર્યોધન કે જેને ધનુર્વિધ્યા કરતા ગદાયુદ્ધ માં વધુ રસ હતો, તે પછીથી બળરામજી પાસેથી ગદાયુદ્ધ શીખ્યા.

  કર્ણને તો તેમણે રાજપુત્ર નથી એમ કહીને પહેલેથી જ ના પાડી દીધી હતી.

  ગુરુ દ્રોણ અશ્વત્થામા દૂધ વગર રડતો હતો એ લાચારીથી હસ્થીનાપુરનાં ગુરુ બન્યા. ગુરુ દ્રોણ કદાચ બહારનો છુ અને હસ્થીનાપુરનું ઋણ છે એમ માનીને અનેક અન્યાયોને જોતા રહ્યા. તેમની લાચારીથી હૃદય દુઃખથી ભરાઈ જાય છે. તેમનું બ્રાહ્મણ તેજ તેના કારણે ઝાંખું પડ્યું હતું.

 5. માનનિય, કલ્પેશભાઈ,
  તમારી એક્લવ્ય અને ગુરુદ્રોણનો લેખ તર્કની રીતે ઘણો સારો જરુર કહી શકાય, પણ એનાથી જે સત્ય છે એ સિધ્ધ થતું નથી.જો એમજ હોતતો ઘણા એવા એથીએ વધારે દાખલા ટાંકી શકાય જેમાં ધર્મ ગ્રન્થોમાં અને આજના આધુનિક સમયમાં પણ પોતાની જાતી કે ધર્મ કે વ્યવસાય છોડી અન્યાથા કામો કરી નામના મેળવી હોય. એ. પી . જે. અબ્દુલ કલામ, કે ગાંધીજીને કોઈએ કહ્યું હોત કે તારે ખેતીજ કરવી બ્ર્હામણ જ બની રહેવું તો?
  “સાજ” મેવાડા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: