વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

બાળપણ ગુમાવીને યુવાન બનીએ એનો કોઈ અર્થ નથી. બાળપણ આજીવન સચવાઈ રહેવું જોઈએ. યાદોમાં નહિ પણ વર્તનમાં. બાળપણ એટલે નિર્દોષતા, નિખાલસતા, સરળતા, વિસ્મયતા વગેરે. આ ગુણો સચવાય એટલે બાળપણ સચવાયું કહેવાય. વય પ્રમાણે આપણું વિસ્મયજગત બદલાઈ શકે પરંતુ વિસ્મયતા આજીવન સચવાવી જોઈએ. નાનપણમાં, ‘હું કેવી રીતે આવ્યો?’ એ વિસ્મયતા હતી. યુવાનીમાં ‘જગતના રહસ્યો અંગેની વિસ્મયતા રહે છે. તો વૃદ્ધાવસ્થામાં, નવી પેઢીના બાળકો અને યુવાનોના બદલાતા વર્તન અંગે વિસ્મય રહે છે. બાળક સરળ એ રીતે હોય છે કે એને જે લાગે છે એ તરત કહી દે છે :

‘તું તારી ચોકલેટ મને આપીશ?’
‘ના.’
‘શા માટે?’
‘એ મારી છે માટે.’
‘પણ મારે તે ખાવી છે.’
‘મારી મમ્મીને કહો, એ બીજી આપશે.’
‘પેલા અંકલ ગંદા છે.’
‘બેટા, એવું ના બોલાય.’
‘પણ એ મને પપ્પી કરે છે ત્યારે એમની મૂછ અને દાઢીના વાળ મને વાગે છે, છી.’
બાળક સહજ રીતે આવું બોલી શકે. બાળપણ જાય એટલે શું થાય, ખબર છે? ‘થિંક બિફોર યુ સ્પીક’ થાય-એટલે કે આપણે દંભ કરીએ, વાસ્તવિકતા છુપાવીએ, બીજાને કેવું લાગશે એ જ વાત ધ્યાનમાં રાખીને બોલીએ. આપણને જે લાગે છે એ આપણે ક્યારેય કોઈને કહેતા જ નથી.

લોકો બાલીશતા સાચવે છે પણ બાળપણ ગુમાવી દે છે. બાલીશતા એટલે રડવું અને માગવું. કેટલાક લોકો મરતા સુધી જે સામે મળે એની પાસે રડતાં રહે અને માગતા રહે છે. એ લોકો ભિખારી પાસેય માગે અને ભગવાન પાસે પણ માગે. ચલણમાંથી નીકળી ગયો હોય એવો ઓછા મૂલ્યનો સિક્કો ભિખારીને આપે અને બદલામાં અહોભાવભરી નજરની ભીખ ભિખારી પાસે માગે. મેં તો એવા ભિખારીય જોયા છે જે આવા દાતાઓને અહોભાવભરી નજરની ભીખ ઉદારતાથી આપે છે. યુવાન બન્યા પછી બાળપણ જીવંત રહે તો જીવવાની મજા કંઈ ઓર જ છે. બાળક ભાવથી ભરપૂર હોય છે. જેમ-જેમ આપણે મોટા થતાં જઈએ, એકબીજાની નજીક આવતા જઈએ છીએ તેમ-તેમ એકબીજાના દોષો વિશે ખબર પડતી જાય છે. બીજાનાં દોષો જાણ્યા પછી પરસ્પર ભાવ ઘટી જાય છે. વ્યક્તિના દોષો જાણ્યા પછી પણ એના પ્રત્યે ભાવ કેમ ટકાવવો એ એક કળા છે. અને આ ભાવ ટકાવવામાં ફાયદો આપણને જ છે. કારણ કે એનાંથી આપણે અંદરથી ભર્યા-ભર્યા, સમૃદ્ધ રહીએ છીએ. ભાવ ચાલ્યા ગયા પછી માણસ લુખ્ખો થઈ જાય છે. અંદર વહેતું આનંદનું ઝરણું સુકાઈ ગયા પછી જીવનનો શું અર્થ? ચાલીસની વયે પહોંચેલો માણસ બહુ ભયંકર થઈ ગયો હોય છે. સગાં-વહાલાં, આડોશી-પાડોશી, મિત્રો વગેરે સહુને એ ઓળખી ગયો હોવાથી સહુ પ્રત્યેનો એનો ભાવ ઘટી ગયો હોય છે. આર્થિક રીતે સધ્ધર, મનથી નવરો, ઈન્દ્રિયોથી શક્તિશાળી અને વાસનાથી એ માણસ ભરપૂર હોય છે. આવો માણસ કોઈ સારા કાર્યમાં રત ન હોય તો એ શું નહિ કરે, એ કહેવાય નહિ.

યુવાની એ વૃત્તિ છે, એને ઉમ્મર સાથે કોઈ સંબંધ નથી. કંઈક નવું કરવાની ધગશ, પડકાર(ચેલેંજ) સ્વીકારવાની તૈયારી છે એ યુવાન છે. તમે મેદાનમાં ઉતરી શકો તો સિત્તેર વર્ષેય યુવાન છો અને પેવેલિયનમાં બેસીને તાલીઓ પાડો છો તો બાવીસ વર્ષે પણ ઘરડાં છો. નેવુ વર્ષે પણ નવી ભાષા શીખવાની વૃત્તિ માણસને મનથી યુવાન રાખે છે. ભીષ્મ પિતામહે 180 વર્ષની વયે મહાભારતના યુદ્ધમાં સૌથી પહેલા શંખ ફુંક્યો હતો. લડવા માટે પણ ઉત્સાહ હોવો જોઈએ. ઝવેરચંદ મેઘાણીનાં શબ્દોમાં કહીએ તો, ‘ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ. અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. ઉપનિષદ યુવાનની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે: યુવાસ્યાત સાધુ, યુવાધ્યાયક:, આશિષ્ઠ:, દૃઢિષ્ઠ:, બલિષ્ઠ. તસ્યેયં પૃથિવી સર્વા વિત્તસ્ય પુર્ણાસ્યાત. સ એકો માનુષ આનન્દ:. યુવાન -સાધુ એટલે સરળ વૃત્તિનો, અધ્યયનશીલ એટલે ત્રણ ‘ત’ : તન્મયતા, તત્પરતા અને તલ્લીનતા ધરાવતો હોય છે, આશાવાન, દૃઢ મનોબળ ધરાવતો અને બળવાન હોય છે.

કંટાળેલો અને થાકેલો તેમજ ચિંતામગ્ન એટલે ઘરડો. અને જે બાલીશ નથી અને ઘરડો નથી એ યુવાન. જે ઘરેડમાં જીવવા(ચીલે ચાલવા) ટેવાઈ ગયો એ ઘરડો. ‘આમાં કશું થઈ શકે નહિ’, ‘આમ જ જીવાય’, ‘આમ જ થાય’, નવી દિશા, નવો માર્ગ, નવો વિચાર વગેરે માટે જેણે જીવનનાં બારણાં બંધ કરી નાંખ્યા છે એ ઘરડો. આવો ઘરડો માત્ર બેંક-બેલેંસ સાચવીને બેઠો હોય છે. પરંતુ વૃદ્ધ એટલે વધેલો. જ્ઞાનમાં, અનુભવમાં, પ્રેમભાવમાં જે વૃદ્ધિ પામ્યો છે તે વૃદ્ધ. મિત્રોની સંખ્યામાં વધારો કરે તે વૃદ્ધ. બાળપણ અને યુવાની સાચવીને પણ વૃદ્ધ બની શકાય. એ જ રીતે બાળક અને યુવાન જ્ઞાન, પ્રેમ તેમજ અનુભવ મેળવવાની દિશામાં ઝડપથી આગળ વધતા હોય તો તેઓ સારા વૃદ્ધ બનવાની દિશામાં છે એમ કહેવાય. સિત્તેર વર્ષનાં એક તત્વચિંતક પાંચ-સાત વર્ષનાં બાળકો સાથે બેસીને ફુગ્ગા ફુલાવતા હતા. તેઓ વિશ્વવિખ્યાત હોવાથી એક વિદ્વાન વિમાનની મુસાફરી કરીને આ તત્વચિંતકને મળવા આવ્યા. પરંતુ તેમણે જે દૃશ્ય જોયું તેનાથી આઘાત પામીને તરત પાછા ફરી ગયા. બાળકો સાથે બેસીને ફુગ્ગા ફુલાવતો હોય એ વળી તત્વચિંતક શાનો? જવાબમાં એ તત્વચિંતક કહે, “જિંદગીભર આપણે અહમના ફુગ્ગા ફુલાવ્યા જ કરીએ છીએ ને! તેના ફુટવા માટે ટાંકણીના સહેજ સ્પર્શની જ જરુર પડે છે. લોકોને શાંત મુખમુદ્રા ધારણ કરેલા બુદ્ધ તત્વજ્ઞાની લાગે છે પરંતુ હસતો ખેલતો કૃષ્ણ તત્વજ્ઞાની લાગતો નથી. શું તત્વજ્ઞાનીનો પણ કોઈ ડ્રેસ હોઈ શકે?”

પ્રાકૃત માણસોમાં સમાન વય તેમજ કક્ષાની વ્યક્તિઓ વચ્ચે ઈર્ષ્યા, નાની વયની વ્યક્તિઓ પ્રત્યે તુચ્છકારભાવ અને મોટી વયની વ્યક્તિઓ માટે ઠઠ્ઠા-મશ્કરીનો ભાવ રહે છે. પરંતુ સંસ્કારી માણસોમાં પાતંજલ યોગસૂત્ર જણાવે છે તેમ : મૈત્રી, કરુણા મુદિતોપેક્ષાણામ . . . . . અર્થાત સમાન કક્ષાના માણસ પ્રત્યે મિત્રતા, નાના પ્રત્યે પ્રેમ અને મોટા પ્રત્યે આદરભાવ રહે છે. જેમ ત્રણ અવસ્થા હોય છે તેમ વાતચીતના ત્રણ ટોન હોય છે: (1)મજાક-મશ્કરી, (2)સલાહ અને (3)વિનંતી. સમાન વયના માણસો વચ્ચે મજાક-મશ્કરી, નાનાને સલાહ, આદેશ અને ઉપદેશ અપાય તો મોટાને વિનંતી કરાય છે. નાનો માણસ આપણી મજાક કરે કે સલાહો આપ્યા કરતો હોય તો એને અવગણીને યા ચુપ કરીને, મોટા આપણી મજાક કરે તો હસીને કે મૌન રહીને, સલાહ આપે તો સાંભળીને અને યોગ્ય આદેશ આપે તો તે પ્રમાણે આચરણ કરીને પ્રતિસાદ આપવાનો રહે છે. સ્વસ્થ વ્યવહાર માટે આપણાથી નાના કે મોટા જોડે મજાક-મશ્કરી કરી શકાય નહિ. જો વડીલ આપણને યથાર્થ વિનંતી કરે તો એમનું કામ કરી આપીને ધન્યતા અનુભવવાની હોય છે ને નાના માણસની યોગ્ય વિનંતીનો ઉકેલ એને સુચવી શકાય છે. વ્યવહાર વિશ્લેષણવાદીઓ(ટ્ર્રાંઝેક્શનલ એનાલીસીસ) કહે છે કે ત્રણેય અવસ્થા એક સાથે પોતાનામાં સમાવીને જીવે છે એવી વ્યક્તિ સહજતાથી આવો ઉત્કૃષ્ટ વ્યવહાર કરી શકે છે.

બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ એક સાથે જીવંત હોય એવું સુંદર ચરિત્ર કૃષ્ણ છે. આવી વ્યક્તિ વયમાં બાળક, યુવાન કે વૃદ્ધ હોઈ શકે છે. એ વાત કરે ત્યારે ત્રણેય અવસ્થાના માણસોને એમાંથી આનંદ મળતો હોય છે. બાળક, યુવાન અને વૃદ્ધ ત્રણેય ઉમ્મરનાં મિત્રો એ વ્યક્તિને હોય છે. જીવનની આ ત્રણેય અવસ્થા અકબંધ રાખીને ત્રિદલ રુપી બિલિપત્ર ભગવાનને અર્પણ કરીએ ત્યારે જીવનની સાર્થકતા સિદ્ધ થાય છે.

Advertisements

Comments on: "બાળ,યુવા,વૃદ્ધ રહો:એક જ સમયે" (4)

  1. Rajni Gohil said:

    કલ્પેશભઇએ તો જીવન જીવવાનો આદર્શ આપણી સમક્ષ ખુબજ સરસ રીતે રજુ કર્યો છે. મન હોય તો માળવે જવાય એ ન્યાયે આ અમલમા મૂકવું અઘરૂં નથી. આજથી જ એની શુભ શરૂઆત કરીએ અને મક્કમતાથી વળગી રહીએ તો સફળતા આપણને મળે જ એમાં જરા પણ શંકા નથી.

    સુંદર અને અમલ કરવા યોગ્ય લેખ બદલ કલ્પેશભઇને અભિનંદન

  2. કલ્પેશ ભાઈ અતિ ઉત્તમ લેખ છે, એ આપના માનવ સ્વભાવના ઉંડા અભ્યાસનુ જમા પાસુ દર્શાવે છે. આપ આવા વધુને વધુ માનવસ્વભાવની વિચિત્રતા, સરળ અને ફાઈવ સ્ટાર બારના જેમ સરળ અખુટતા આનંદ સાથે ખવડાવશો એવી શુભેચ્છા……….

  3. ખુબ જ સરસ અને પ્રેરણાત્મક લેખ. તમારી વાત સાચી છે. બાળપણ યાદોમાં નહિ પણ વર્તનમાં રહેવું જોઈએ, અને કંઈક નવું-જુદું કરવાની ધગશ તો કાયમ હોવી જ જોઈએ. જીવનમાં અમલમાં મુકવા યોગ્ય લેખ. આભાર!

  4. તમારી વાત પર વિચાર કરવા જેવો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: