વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા(એમ.એસ.યુ.)ની વિદ્યાર્થીનેતાઓની ચુટણી એટલે એક મોટો રાજકીય ઉત્સવ. અમારા સમયમાં એમ.એસ.યુ.ના યુનિ.કેમ્પસના રસ્તાઓ ખુલ્લા હતા તેથી યુવાનો પૂરઝડપે બાઈક ચલાવતા અને અચાનક બ્રેક મારી તીણી ચીસોથી વાતાવરણ ગજાવતા. તેઓના સ્ટંટ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સ્ટંટ કરતા ઉતરતી કક્ષાના ન હતા. હોર્નના અવાજો, એંજીનનો ધમધમાટ વગેરેના કારણે ચુટણી પુરી ન થઈ જાય ત્યાં સુધી તેઓ શાંતિથી વર્ગશિક્ષણ થવા ન દેતા. કંઈક નવુ કરવાની ઝંખનાને કારણે આ વિદ્યાર્થી નેતાઓ કેમ્પસમાં જ હાથી, ઊંટ તેમજ ટ્રેક્ટરો પર પોતાના સમર્થકો સાથેની સવારી કાઢતા. ઢોલ-નગારા, બેંડવાજા તેમજ સૂત્રોચ્ચારથી વાતાવરણ ઉત્તેજનાસભર રહેતું. એમ.એસ.યુ.ના ઈલેક્શની એવી છાપ પડી ગઈ છે કે ગુજરાતના ભાવિ નેતાઓ અહિંયા તૈયાર થાય છે. અને વર્ષોથી આ વાતને સાચી પાડતા અનેક રાજ્યકક્ષાના નેતાઓ એમ.એસ.યુ.ના ઈલેક્શને આપ્યા પણ છે. હાલમાં પણ અહિંથી આવા નેતાઓ ગુજરાતને મળી રહ્યા છે. હવે તો કેમ્પસના રસ્તાઓ પર લોખંડની આડી પાઈપો જડી દઈને ઘણી જગ્યાએથી એને બ્લોક કરી દેવામાં આવ્યા છે, જેથી જ્યાં-ત્યાં બાઈક ચલાવી શકાતું જ નથી. પ્રચાર માટે વિદ્યાર્થીનેતાઓ હવે શું નવું કરે છે એની મને ખબર નથી.

મારી વાત હું કરું તો ‘૮૯-‘૯૦ નું શૈક્ષણિક વર્ષ હતું. હું એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના પહેલા વર્ષમાં તત્વજ્ઞાન વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરી રહ્યો હતો. શ્રીહરસિદ્ધ મગનલાલ જોશીસાહેબ અમારા હેડ હતા. હું વર્ગપ્રતિનિધિ(ક્લાસ રિપ્રેઝંટેટિવ-સી.આર.)ની ચુંટણીમાં ઊભો રહ્યો. સ્વભાવે અંતર્મુખી હોવા છતાં હું મહત્વાકાંક્ષી હોવાથી આમ બન્યું હશે એમ મને લાગે છે. મારા રહેઠાણ-વિસ્તારમાં અમારું ચોક્કસ ગ્રુપનું એક સ્ટડીસર્કલ ચાલતુ હતુ, જેમાં અમે કોઈ સારું પુસ્તક લઈ તેના લખાણ પર અઠવાડીયે એક વાર એક કલાક ભેગા બેસીને ચર્ચા કરતા હતા. તે ગ્રુપની બહેનોએ મને સી.આર.ની ચુંટણીના પ્રચાર માટેના કાર્ડ્સ બનાવી આપ્યા હતા. મીકીમાઉસ, ડોનાલ્ડડક તેમજ ગુફી વગેરે ચિત્રો સ્કેચપેન વડે ખુબ મહેનત કરીને તેઓ ચીતરતી. તેના પર લખતી : ‘વૉટ કલ્પેશ સોની એઝ સી.આર., એફ.વાય.બી.એ., નં-8’.

જે-તે પ્રાધ્યાપક પોતાનું વ્યાખ્યાન સમાપ્ત કરીને વર્ગખંડની બહાર આવે એની રાહ જોતો હું પચાસ-પચાસ કાર્ડ્સ હાથમાં લઈને દરવાજા આગળ ઊભો રહેતો ને જેમ-જેમ વિદ્યાર્થીઓ બહાર આવે એમ-એમ દરેકને હાથમાં મારું કાર્ડ આપતો. મારો સ્વભાવ જોઈને બધાને આશ્ચર્ય થતું, ‘કોઈ ચપળતા(સ્માર્ટનેસ) નહિ, શૉબાજી નહિ અને આ ઈલેક્શનમાં શા માટે ઊભો રહ્યો છે?’ પણ છોકરીઓ કોઈને છોડે ખરી? એક છોકરીએ પહેલ કરીને મને પૂછ્યું, “બીજાઓની જેમ તમારા કાર્ડ્સમાં સેંટ કેમ નથી?” અચાનક મારા મુખમાંથી નીકળ્યું, “જેના કેરેક્ટરમાં સેંટ હોય એને કાર્ડમાં સેંટ લગાવવાની જરુર નહિ.” અને મારુ આ વાક્ય જાણીતું થઈ ગયું. એનું મને પ્રમાણ પણ મળ્યું. કોઈ એક દિવસે બીજી એક છોકરીએ મને આ જ સવાલ કર્યો ત્યારે મારે બદલે કોઈ ત્રીજી છોકરીએ જ એને જવાબ આપી દીધો કે એ બાબતે હું શું માનું છું. ઘરેથી યુનિવર્સિટી જવાના રસ્તે કારેલીબાગના એક શોપિંગસેંટરમાં ઝેરોક્સ કરાવીને નીકળ્યો ત્યારે ચાર-છ છોકરીઓએ મારી સાથે વાત કરવાનો મોકો મેળવી લીધો. મને કહે, “તમારા પ્રતિસ્પર્ધી રમેશ પટેલ માટે અમે પ્રચાર કરીએ છીએ. તમને કહેવાનું અમને મન થાય છે કે તમે ગ્રુપ શા માટે નથી બનાવતા? સહુને સાથે લઈને ચાલો, ચા-નાસ્તાનો ખર્ચ કરો. તે દરમિયાન વ્યૂહરચના કરો. તમારા વિચારો વહેતા કરનારા મિત્રો બનાવો. જુઓ, અત્યારે રાજુ તો અહિં છે નહિ, છતાં અમે અમારી રીતે અન્ય મિત્રોને મળીને એનું કામ કરી રહ્યા છીએ ને!” “તમારી વાત સાચી છે, હું જરુર કંઈક કરીશ” એમ કહીને હું ત્યાંથી નીકળી ગયો.

પ્રચાર દરમિયાન અન્ય વિદ્યાર્થી નેતાઓ તરફથી નવા-નવા ચહેરાઓ મને મળવા આવતા રહેતા અને મને ‘પેનલ’ બનાવીને(ગઠબંધન) ચુટણી લડવાની સલાહ આપતા. એ રીતે તેઓ મને સામે ચાલીને અન્ય નેતાઓને મળવા જવાનું કહેતા. હું સ્વમાની હોવાથી કોઈને મળવા ગયો નહિ. એક સિનિયર છોકરી કુર્તા-જીંસમાં સજ્જ, સ્લીમ અને સામાન્ય દેખાવની પરંતુ ઠરેલી બુદ્ધિવાળી, અવાર-નવાર મારી પાસે આવીને મને જીતાડી આપવાની ઓફર કરતી. પરંતુ હું એને ક્યારેય દાદ આપતો નહિ. હું શું વિચારતો હોઈશ? મને લાગે છે કે . . . જવા દો, કંઈ ખબર પડતી નથી કે કેમ મેં આવું કર્યું : શા માટે મેં એની મદદ લીધી નહિ! ‘કોઈ અજાણી છોકરી આપણને સાચી મદદ શા માટે કરે?’ એવુંય કદાચ હું વિચારતો હોઈશ. પણ મને ખ્યાલ ન હતો કે આપણી શાંત પ્રવૃત્તિની નોંધ પણ લેવાતી હોય છે, એટલું જ નહિ પરંતુ અવાજ કર્યા વિના કરાતી પ્રવૃત્તિની અસર વધારે થતી હોય છે. ઘણીવાર રાત્રે મેં મારા સ્ટડીસર્કલનાં બે મિત્રો સાથે યુનિવર્સિટી જઈને આર્ટ્સ ફેકલ્ટીની ઊંચી-ઊંચી દીવાલો પર તેઓ સાથે મળીને મહેનતથી તૈયાર કરેલાં પોસ્ટર્સ ચોંટાડવાનું કામ પણ કર્યું છે.

ચુંટણી જીતવા માટેનું એક જરુરી અભિયાન છે વ્યક્તિગત સંપર્કનું. વિદ્યાર્થીનેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેઓની હોસ્ટેલ પર એમના રુમે જઈને મળે. હું પેંશનપુરા ગામમાં આવેલા ને ઠક્કરબાપા હોલમાં રહેતા નસવાડી-બોડેલીના આદિવાસી વિદ્યાર્થીઓને નિયમિત મળવા જતો. તેઓનો મને ખુબ પ્રેમ મળતો. એમાંના એક વિદ્યાર્થીમિત્રના લગ્ન હોવાથી સહુએ ભેગા મળીને મને એ મિત્રના લગ્નમાં આવવાનો એવો તો આગ્રહ કર્યો કે મારે એ નિમંત્રણ સ્વીકારવું જ પડ્યું. ચુટણી લડનાર જે-તે વર્ગનો પ્રતિનિધિ પોતે ક્યાંથી ક્યાં પહોંચી જશે એ વાતની એને પોતાને પણ ખબર નથી હોતી ! એ આદિવાસી વિસ્તારમાં યોજાયેલા લગ્નપ્રસંગ દરમિયાન અનેક નવા-નવા અનુભવો મને થયા. ત્યાંના રસ્તાઓ પરથી પસાર થવું એટલે ક્યારેક ઊંટ પર બેઠા હોઈએ તો ક્યારેક હાથી, ઘોડા, ભેંસ કે ગધેડા પર બેઠા હોઈએ એવું જ લાગે. જાનૈયાઓ બધા રાજાપાઠમાં આવી ગયા હોય. કમર પર કારતૂસોનો પટ્ટો વિંટાળીને હાથમાં બેમોંઢાળી રાયફલ પકડીને હવામાં ફાયર કરતો હોઉં એવો મારો ફોટો પણ મિત્રોએ પાડ્યો હતો. મને યાદ છે: મોટા લાકડા બાળીને સળગાવાતા ચુલા પર દાળ બનતી હતી ને લાકડાનો ધુમાડો દાળમાં ઘનિષ્ટ રીતે મિશ્ર થઈ રહ્યો હતો. છતાં એ વિશિષ્ટ સ્વાદિષ્ટ ! દાળ સહુ મોજથી જમતા હતા.

દારુની મહેફીલ વિના તો લગ્નપ્રસંગ પુરો ઉજવાયો જ કેમ ગણાય? મહુડાનો પહેલી ધારનો દારુ બોટલોમાં લઈને સહુ એક ખુલ્લા ખેતરમાં પહોંચ્યા. ‘મહેમાનનો વારો પહેલો’ એ નીતિએ મને આગ્રહ થવા માંડ્યો. આમાંથી છટકવું કેમ કરીને! મને મારા એક પ્રોફેસરે વર્ગમાં અમને કહેલો એક જોક સમયસર યાદ આવ્યો ને મારું કામ થઈ ગયું. જોક આ પ્રમાણે છે: એક પ્રોફેસરે વિદ્યાર્થીઓને ‘સુક્ષ્મ ધ્યાન’ શીખવવાના હેતુથી કહ્યું, કે “તમને કોઈ કામનો અણગમો ન રહે એની તાલીમ આપવા હું એક કામ તમને સોંપું છું. હું જેમ કરું તેમ તમે કરો.” પછી તેઓએ પોતાની આંગળી ગોમૂત્રથી ભરેલા એક વાસણમાં બોળી ને પછી પોતાના મુખમાં મુકી. સહુ વિદ્યાર્થીઓએ એ પ્રમાણે કર્યું. એક વિદ્યાર્થીને પકડી પાડીને પ્રોફેસરે કહ્યું, કે “આ વિદ્યાર્થી સુક્ષ્મ ધ્યાનમાં સૌથી આગળ છે. કારણ કે મારી જેમ એણે પણ પોતાની પહેલી આંગળી ગોમૂત્રમાં બોળીને બીજી આંગળી મુખમાં મુકી છે. અને બાકીના તમે બધાએ બન્ને કાર્ય માટે તમારી એક જ આંગળીનો ઉપયોગ કર્યો છે.” હા .હા .હા .હા . મેં એ વાતને યાદ કરીને એ આદિવાસી મિત્રોને કહ્યું, કે “દારુ પહેલી ધારનો છે તેથી એ ‘તેજ’ હોવાથી હું માત્ર એને ચાખીશ ખરો, પણ પીશ નહિ.” સહુ સંમત થયા એટલે બોટલના ઢાકણામાં કાઢેલા દારુમાં મારી પહેલી આંગળી બોળીને બીજી આંગળી મેં મારા મુખમાં મુકી, ને જાણે ઝાટકો લાગ્યો હોય એવું નાટક પણ કર્યું. સહુ મિત્રો જોરજોરથી હસી પડ્યા. મને એમના પક્ષમાં આવી ગયેલો(પીધેલો) જાણી બધા રાજી થયા. હોસ્ટેલનો એક મિત્ર તો સવારે ચાર થી છ વાગ્યા સુધી જ પીવાની મજા આવે એવું પીણું ‘નીરો’, જે બપોરે બે વાગે ‘ખાટી તાડી’ બની ગઈ હોય છતાં બે-પાંચ લિટર ગટગટાવી જતો. (તાડના ઝાડના થડમાં ધારિયા જેવું હથિયાર આડું ખોસીને એની નીચે નાની માટલી બાંધીને લટકાવવામાં આવે. આખી રાત થડના કપાયેલા ભાગમાંથી ટીપે-ટીપે પ્રવાહી માટલીમાં પડ્યા કરે, જેને વહેલી સવારે ચાર વાગ્યે ઉતારી લઈને પીવામાં આવે કે શહેરમાં જઈને વેચી દેવામાં આવે. સ્વાદમાં અમૃત જેવું મીઠું આ પીણું ‘નીરો’ તરીકે ઓળખાય છે.) એક મોટા સમાજસેવકનો આશ્રમ પણ ત્યાં નજીકથી નિહાળ્યો. એ સમાજસેવકને મળવા, કન્યાકેળવણીની પ્રવૃત્તિ જોવા તેમજ દાન આપવા આવેલી બે-ત્રણ વિદેશી યુવતીઓને પણ જોઈ. મને આશ્ચર્ય એ વાતનું થયું કે જેને કંઈ કરવું છે એ લોકો કેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારની મુલાકાતે પહોંચી જાય છે! ત્યાં પાકી તો શું કાચી સડક પણ એ વખતે ન હતી.

મને સૌથી વધુ આનંદ આવ્યો હોય તો એ છે જિંદગીમાં ક્યારેય જે ભાષામાં જાહેરમાં એક પણ પેરેગ્રાફ બોલ્યો નથી એ ભાષા(અંગ્રેજી)માં આખે-આખું ભાષણ કરવાનો! ઘરે મારા ભાષણનું રિહર્સલ જોવા-સાંભળવા મારા સ્ટડીસર્કલગ્રુપનાં ભાઈ-બહેનો ખુબ ઉત્સાહી રહેતા. એ રીતે બોલવાની મને પ્રેક્ટીસ થઈ જતી. એમ.એસ.યુ.ના રાજકારણી વિદ્યાર્થીઓની છાપથી તો બધા પ્રાધ્યાપકો વાકેફ હોય જ! વિદ્યાર્થીનેતા અને તેના સમર્થકો, જેવા ભાષણ માટે વિશાળ વર્ગખંડમાં પ્રવેશે કે તરત જ પ્રાધ્યાપક પોતાનું વ્યાખ્યાન અટકાવીને અદબ વાળીને ખુણામાં ઊભા રહી જાય. આ લોકો તો ટોળામાં હોય એટલે દૂરથી જ સૂત્રોચ્ચાર અને હોંકારા-પડકારા કરતા-કરતા આવે. હુડુડુડુ કરતું ટોળું આવે, ભાષણના બહાને જોરશોરથી બરાડા પાડીને થોડી-ઘણી ધમાલ કરીને ચાલ્યું જાય. મારી વાત જુદી હતી. હું તો સમર્થકો વિનાનો એકલો હોઉં અને પ્રાધ્યાપકની રજા લઈને વર્ગખંડમાં પ્રવેશું. તેઓએ બ્લેકબોર્ડ પર જે લખ્યું હોય તે તેઓની રજા લઈને ભૂંસીને મારું નામ અને જે પદ માટે ચુંટણી લડી રહ્યો હોઉં તે લખીને બોલવાનું શરુ કરતો. મારી આ વર્તણૂંક વિશે આજે વિચારું છું ત્યારે મને સમજાય છે કે કાંઈ પણ ન કહેતાં હું બધાથી કેવી રીતે જુદો પડતો હતો! અંગ્રેજીસાહિત્યના તેમજ ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપકોના વર્ગ દરમિયાન મેં આપેલા બે વ્યાખ્યાન મને આજે પણ યાદ છે. હું કહેતો, કે “યુનિવર્સિટી હોસ્ટેલમાં બધાને પ્રવેશ મળવો એ લગભગ અશક્ય બાબત છે. અને મારા પ્રતિસ્પર્ધી મિત્રો, આપને પ્રવેશ અપાવી દેશે – એવો જે દાવો કરે છે એ પોકળ છે.” ત્યારે એક નીગ્રો વિદ્યાર્થીએ ઊભા થઈને મને પૂછ્યું હતું કે હું એ માટે સક્ષમ છું કે કેમ. મેં એને કહ્યું હતું કે હું તેઓનો પ્રતિનિધી છું, સેવક નહિ. મારું કામ તેઓની સમસ્યાને યુનિવર્સિટીના જવાબદાર સંચાલકો સમક્ષ અસરકારક રીતે મુકવાનું છે અને વિદ્યાર્થીઓના સહકાર વિના ઉકેલ શક્ય બનવાનો નથી. ચુંટણીઉમેદવાર અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આવા નિખાલસ તેમજ સ્પષ્ટ સંવાદ સાંભળીને હાજર પ્રાધ્યાપક શું વિચારતા હશે?

છેલ્લે ચુંટણીનો દિવસ આવી ગયો. હું ચુંટણી-પ્રક્રિયા સાથે કાવાદાવાની રીતે તો જોડાયો જ ન હોવાથી એના પરિણામથી અલિપ્ત રહીને એક સામાન્ય વિદ્યાર્થીની જેમ જ બહાર મેદાનમાં ઊભો-ઊભો તમાશો જોતો હતો. મતગણતરીના ખંડમાંથી રમેશ વિજયી મુદ્રા સાથે મિત્રો-સમર્થકોને લઈને બહાર નીકળ્યો ત્યારે મને ખબર પડી કે કોઈ રમત ન રમાઈ જાય એ માટે મતગણતરી દરમિયાન આપણે પણ ખંડમાં હાજર રહેવું પડે. રમેશ પાંચ મતથી વિજયી થયો હતો. મને આજે પણ સમજાતુ નથી કે અગાઉના વર્ષોમાં વર્ગમાં ક્યારેય મોનીટર પણ ન થયેલો હું આ ચુંટણી કેમ લડ્યો?

Advertisements

Comments on: "M.S.Uni.ની ચુટણી હું કેમ લડ્યો?" (7)

 1. સરસ લેખ કલ્પેશભાઇ,
  વાંચવાની મજા આવી.
  આપે ચુટણી લડવા માટે ઉભા થયા એ જ મોટી વાત છે.આપ હાર્યા એ ગૌણ વાત છે.ઉભા થયા માટે પણ હિંમત તો હોવી જોઇએ ને? જે આપનામા હતી જ .

  મારા બ્લોગની મુલાકાત લેશોઃ
  http://www.soham.wordpress.com

 2. કલ્પેશભાઈ, તમે જે કહ્યુ છેઃ
  મને ખ્યાલ ન હતો કે આપણી શાંત પ્રવૃત્તિની નોંધ પણ લેવાતી હોય છે,એટલું જ નહિ પરંતુ અવાજ કર્યા વિના કરાતી પ્રવૃત્તિની અસર વધારે થતી હોય છે.– આ એક્દમ સાચી વાત છે.
  સરસ લેખ.કોલેજ ના દિવસોની યાદ તાજી કરાવા બદલ આભાર.

 3. “એમ.એસ.યુ.ના ઈલેક્શની એવી છાપ પડી ગઈ છે કે ગુજરાતના ભાવિ નેતાઓ અહિંયા તૈયાર થાય છે. અને વર્ષોથી આ વાતને સાચી પાડતા અનેક રાજ્યકક્ષાના નેતાઓ એમ.એસ.યુ.ના ઈલેક્શને આપ્યા પણ છે. હાલમાં પણ અહિંથી આવા નેતાઓ ગુજરાતને મળી રહ્યા છે.”
  તમારી વાત સાવ સાચી. મારા વખતમાં (૬૯-૭૦) તીવારી જીએસ હતા જે આજે પણ વડોદરાનું રાજકારણ અને ન્યાયમંદિર ગજવે છે.

 4. લેખ સરસ છે.

 5. સ્મરણકથા નિખાલસ બનીને આલેખી છે.

 6. સાવ સહજ લખાયુ તે ગમ્યું. નિસ્બત પણ દેખાઈ. પ્રવર્તમાન સંજોગોમાં વધારે સારું લાગે. આભાર્

 7. અલબત હું તો M.S.Uni.ની ચુટણી નથી લડ્યો. પણ ૭૦ના દાયકામાં અમે લોકો ‘Study and Struggle’ નામનું સંગઠન ચલાવતા (જે મુળભૂત ડાબેરી વિચારસરણી ધરાવતુ હતુ). તેના તરફથી અમારા ઘણા સભ્યો GS, VP અને FR ની ચૂંટણી લડેલા. અમે લોકોએ સંયુક્ત રીતે જાહેરનામુ (Menifesto) પણ બહાર પાડેલો (જે તે જમાનામાં યુનિવર્સીટીની ચૂંટણી માટે નવુ હતુ). અમને પણ આપના જેવા જ અનુભવો થયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: