વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પૃથ્વીની છાતી પર આકાશની ભુજાઓ વચ્ચે જળ, તેજ અને વાયુ – આ ત્રણ તત્વો દ્વારા રમાતી રમતનું પરિણામ એટલે વરસાદ. આપણે જાણીએ છીએ કે જગત પાંચ તત્વોનું બનેલું છે : પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. ભારતમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો – આ ચાર માસ દરમિયાન વરસાદ પડે છે પરંતુ એની પૂર્વતૈયારી છેક ફાગણ મહિનાથી શરુ થઈને ચૈત્ર, વૈશાખ અને જેઠ માસ દરમિયાન પણ ચાલતી રહે છે. ફાગણ મહિનાથી ગરમી પડવાની શરુ થાય છે, જે ચૈત્ર મહિનામાં ટોચ પર જાય છે. આ બે મહિના તેજતત્વ સૂર્યની મદદથી પૃથ્વીના પડને ગરમીથી સૂકવી નાંખે છે.

હવે વૈશાખ મહિનો આવે છે. ગરમીથી ફુલેલી હવા વધુ જગ્યા રોકે છે તેથી ઠંડા પ્રદેશમાં હવાના સંકોચાવાથી બચેલી જગ્યા તરફ ગરમ થયેલી હવા ગતિ કરે છે. તેથી વાયુતત્વ સક્રિય થાય છે અને શરુ થાય છે : ‘વૈશાખી વાયરા’. તેજતત્વને સહકાર આપવા હવે વાયુતત્વ મેદાનમાં આવે છે. પૃથ્વીની ગરમ થયેલી છાતીને હળવેથી પંપાળતો વાયુ તેનાં ઉપલા સ્તર પરથી માટીના કણો ઉખાડવાનું શરુ કરે છે. ક્યારેક ધીમી ગતિએ વહીને તો ક્યારેક સીધી દિશામાં વેગ સર્જીને, ક્યારેક તીવ્ર ગતિએ વમળ સર્જીને તો ક્યારેક વા-વંટોળ સ્વરુપે, તો વળી ક્યારેક વાવાઝોડા રુપે એમ વિવિધ રીતે નર્તન કરતો વાયુ ધૂળને રમાડતો-રમાડતો તેનાં રજકણોને ધરતીની છાતી પરથી અધ્ધર આકાશની છાતી સુધી લઈ જાય છે.

તેજતત્વ ધરતીની છાતીને ગરમ કરે છે, તેમ સમુદ્રની છાતીને પણ ગરમ કરીને જળતત્વ(દરિયાના પાણી)ને વરાળના રુપમાં ફેરવીને આકાશમાં લઈ જાય છે. જેઠ મહિનામાં નીલ ગગનમાં વાયુતત્વે લાવેલી ધૂળના કણો અને તેજતત્વે લાવેલી વરાળનું ઉષ્માભર્યું મિલન થાય છે અને રચાય છે કાળા ડિબાંગ મેઘો. શ્વેત વાદળોની જગ્યા લે છે શ્યામ વાદળો. વરાળ ગરમ હોય છે અને રજકણો પણ ગરમ હોય છે છતાં બન્નેનાં મિલનનું પરિણામ ઠંડાગાર પાણીનાં બુંદમાં થાય છે. બાળકો કહે છે વાદળોમાં પાણી હોય તો એ કાળા દેખાય છે. વાસ્તવમાં એ કાળાશ રજકણની છે. વિજ્ઞાનનાં નિયમ અનુસાર વરાળને બિન્દુ સ્વરુપે પુન: જળમાં પરિવર્તિત થવા માટે અવલંબનની જરુર પડે છે, જે અવલંબન વાયુતત્વે લાવેલાં રજકણો પુરું પાડે છે.

હવે વાયુતત્વ સક્રિય થાય છે કાળા વાદળોને લઈને વિશ્વયાત્રા કરવા. ચાર મહિના સુધી તપેલી પૃથ્વીની છાતીને ઠંડી કરવા વાદળો વરસવાનું શરુ કરે છે. નવોઢાની જેમ પૃથ્વી નવી નક્કોર લીલી સાડી પહેરીને સજ્જ થાય છે. વાદળોને વીંટળાઈને વહેતો વાયુ એની સવારી લઈને નીકળે છે. કોણ પૃથ્વીને વધુ પ્રેમ કરે છે અને કોણ પૃથ્વીને ઓછો પ્રેમ કરે છે એ જોતાં-જોતાં વાદળો, ક્યાં-કેટલું વરસવું, કોને કેટલો પ્રેમ કરવો એ નક્કી કરીને પછી વરસે છે. જ્યાં માણસોએ વધુ વૃક્ષો વાવ્યા હોય, હરિયાળી રચાઈ હોય ત્યાં વાદળો મન મૂકીને વર્ષે છે. વીજળીનાં ચમકારા અને વાદળોનાં પડકારા શું છે? આપણે એને કુદરતી તત્વોની અંદરોઅંદરની(સાંકેતિક) વાતચીત કરવાની એક રીત ગણી લઈએ. દરિયાનું પાણી લઈને વાદળો રચાયા છે તેથી એનું ઋણ ચૂકવવા દરિયા કિનારે તો મેઘો અનરાધાર વરસ્યા જ કરે છે. પરંતુ જ્યાં માણસે જંગલોનો નાશ કર્યો છે, વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે ત્યાંથી માણસનાં હૈયા ટાઢાં કરવાના અરમાનો અધુરા રાખીને મેઘો વરસ્યા વિના જ ચાલ્યા જાય છે – ये यथा मां प्रपद्यंते तांस्तथैव भजाम्यहम (જે મને જેવી રીતે ભજે છે એને હું એવી રીતે ભજુ છું). આ જ વાતને વૈજ્ઞાનિક રીતે કહેવી હોય તો જ્યાં વૃક્ષ-વનસ્પતિ હોય છે ત્યાંનું વાતાવરણ ઠંડુ હોવાથી હવાના સંકોચાવાથી જે જગ્યા થઈ તેને ભરવા ગરમ પ્રદેશો તરફથી આવતી ફુલેલી હવા સાથે વાદળો ખેંચાઈ આવે છે અને વરસી જાય છે.

આમ પણ આસ્ફાલ્ટનાં જંગલોમાં વસતો શહેરીજન વરસાદને ધીક્કારતો જ હોય છે ને! કપડાં પલળી જાય, એની ઈસ્ત્રી બગડી જાય એ શહેરીજનને બિલકુલ ગમતુ નથી. વરસાદ તો ખેડૂતની છાતીને આનંદથી ભરી દે છે. એ સાક્ષાત ભગવાનનો પ્રેમ પોતાના પર વરસી રહેલો અનુભવે છે. ભગવાન ભરોસે ખેતરમાં નાંખી દીધેલા ચારસો દાણામાંથી ભગવાન એને ચાર લાખ દાણા કરી આપે છે. આખા જગતની ભુખ ભાંગવાની ખરા અર્થમાં ઉત્પાદક કહી શકાય એવી પ્રવૃત્તિ માત્ર ખેડૂત જ કરતો હોવાથી આપણા સાહિત્યકારોએ એને ‘જગતનો તાત(પિતા)’ કહ્યો છે. નોકરિયાતને તો નિયત તારીખે નિયત પગાર મળી જાય છે તેથી એને ભગવાનના પ્રેમની કે ભગવાન પર વિશ્વાસ રાખવાની જરુર જણાતી નથી. જ્યારે ખેડૂતે પોતાનું સર્વસ્વ ખેતરમાં દાવ પર લગાડી દીધું હોવાથી એને ચાતક નજરે આકાશ તરફ જોતો, બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરતો અને યોગ્ય સમયે જરુરી વરસાદ પડતા પ્રભુનો પ્રેમ મળી રહ્યો હોય એમ એને ખુશીથી નાચતો જોઈ શકાય છે. વર્ષાઋતુના અંતે ખેતરમાં પાક તૈયાર થઈ જાય એટલે ખેડૂત ભગવાનને થેંક્યૂ કહે છે, “પ્રભુ, તમે મારા વાવેલા ચાર દાણાના ચારસો દાણા કર્યા.” ભગવાન પણ પોતે યશ ન લેતા ક્રેડિટ ખેડૂતને આપતા કહે છે, કે “દેવપોઢી એકાદશી થી દેવઉઠી એકાદશી સુધી તો હું સુઈ ગયો હતો તેથી પાક તારી મહેનતથી તૈયાર થયો છે.” ભાવની આ મીઠાશ પાછળ ‘કર્મ કરીને યશ બીજાને આપવો’ વાળી ભારતીય સંસ્કૃતિ જવાબદાર છે.

એક મહાપુરુષે સરસ કહ્યું છે, કે ભગવાન મુંગા પશુ-પક્ષીઓ ભુખ્યા-તરસ્યા મરી ન જાય એ માટે વરસાદ વરસાવે છે, જેનો આડકતરો લાભ માનવી લઈ જાય છે. બાકી શહેરીજનોની વરસાદ પ્રત્યેની નફરતની લાગણી પરથી તો કહેવત પડી ગઈ છે : ‘વહુ અને વરસાદને જશ(યશ) નહિ.’ મારા પ્રિય શહેરીજનો, ગયા વર્ષે ભારતમાં વરસાદ ન પડ્યો તેથી ભીંજાયા વિના રહી ગયા છો ને ! So, love the rain. આપણે તો હવે પ્રેમમાંય ભીજાતા નથી ને વરસાદમાં તો બિલકુલ ભીંજાવાનું પસંદ કરતા નથી. માત્ર ફિલ્મોમાં હીરો-હીરોઈનને કૃત્રિમ વરસાદમાં પલળતા જોઈને ખુશ થઈએ છીએ. (અને કેટલાક માનનીય બ્લોગર મિત્રો પાસેથી જાણ્યું તેમ કહેવાતા સાહિત્ય-પ્રેમીઓ પુસ્તકમાંથી ! વર્ષાને માણી રહ્યા હોવાનો દંભ કરે છે.) વરસાદના કારણે નોકરીમાં એક દિવસ રજા મુકવાની થાય તો આપણને કેવી લાગણી થાય છે, સાચુ કહેજો ! જ્યારે વરસતા મેઘો તો બાળકોને હર્ષોલ્લાસથી નાચતાં-કૂદતાં-ગાતાં કરી દે છે. જો કે ડરપોક મા-બાપ પોતાનાં બાળકોને વરસાદમાં ન્હાવા મોકલતા નથી એ જુદી વાત છે. પણ જુવાન હૈયાઓ આ ઋતુમાં વધુ રોમેંટિક થાય છે એ વાત નિર્વિવાદ છે.

પાંચ તત્વોની આ આખીય રમતમાં દરિયાનું ખારું પાણી મીઠું અમૃત થઈને આખી પૃથ્વી પર વરસે છે અને તમામ જીવોને તૃપ્ત કરે છે. પરંતુ દરિયો ક્યારેય વર્ષાની ક્રેડીટ માંગતો નથી બલ્કે યશ વાદળોને આપે છે. છતાં બને છે એવું, કે – आकाशात पतितं तोयम सागरं प्रति गच्छति. સમગ્ર પૃથ્વી પર વરસેલાં વરસાદનું પાણી વહીને છેવટે તો સાગરમાં જ સમાઈ જાય છે. માણસજાતની એટલી બધી દયા આવે છે કે પૃથ્વીનાં જે ભાગમાં વરસાદ ઓછો પડે છે, પાણીનાં બુંદ-બુંદ માટે લોકો તલસે છે, પીવા-વાપરવાનું પાણી લેવા કીલોમીટર્સ દૂર ચાલીને જવું પડે છે, દિવસનાં દસ-દસ કલાકો પાણીની વ્યવસ્થા કરવામાં જાય છે, મૂંગા પશુઓ તરસ્યા મરી જાય છે ત્યાંના લોકો પણ વરસેલા વરસાદનાં પાણીનો સંગ્રહ કરીને વર્ષભર લહેરથી તેનો વપરાશ કરવાને બદલે સદીઓથી તેને આમ જ દરિયામાં વહી જવા દે છે. જો કે હવે લોકો થોડાં-થોડાં જાગૃત થયાં છે ખરાં! ખેર, એ બધું બાજુ પર રાખીને જોવા જેવી-માણવા જેવી અને ખાસ તો ભીંજાવા જેવી અને ભરપૂર પલળવા જેવી છે, ખુબ મજાની આ પાંચેય તત્વોની રમત. બીજી રીતે કહીએ તો ‘પાંચ તત્વોએ આણી, મજાની વર્ષારાણી.’

Advertisements

Comments on: "પાંચ તત્વોએ આણી, મજાની વર્ષારાણી" (12)

 1. ખુબ જ સરસ…

  કલ્પેશ ભાઈ આવી જ રીતે લખતા રહો..

 2. Excellent, very well written. enjoying rain in India…it’s an amazing experience. I miss it lot. keep it up Kalpeshbhai. Thanks.

 3. સરસ કલ્પેશભાઇ. ચિન્તનાત્મક નિબન્ધ સુન્દર બન્યો છે.

 4. બહ્ય જ સરસ. મજા આવી. લખતા રહો

 5. નવી વેબસાઈટ સારી છે.

 6. મજાનો નિબંધ. સાહિત્યની ભાષામાં વર્ષાવિજ્ઞાન ભણવા મળ્યું !
  ધોધમાર વર્ષામાં પણ કોરા રહેતા ‘કમભાગીઓ’ પ્રત્યે સહાનુભુતી સહઃ
  આભાર.

 7. pragnaju said:

  ગહન વિષયની સહજ અનુભૂતિ કરાવતો સુંદર લેખ
  અમે તો છત નીચે પણ ભીંજાયા.
  આ વિષય પર લખવા બેસીએ તો કલાકો ઓછા પડે!
  હવે તો લેપટોપ કરી બંધ નીકળી પડીએ છીએ આકાશ નીચે
  ફોરા સીધા મોઢામા ઝીલવા…

 8. ક્લ્પેશભાઈ,
  ચિન્તાત્મક બહુજ સુન્દર લેખ .પાંચ તત્વના વિષય સાથે વરસાદનુ સરસ આલેખન .

 9. Kalpeshbhai panch tatvo thi pani ane sharir nun bandharan thay chhe. pivana pani ni takalif aaje pana chhe. Kavi raday samajik vichhr …..verygood.

 10. સરસ નિબંધ….
  વર્ષા રાણીને આપે જાણી વખાણી
  તેની કૃપા ના કોઈથી અજાણી
  રમેશ પટેલ(આકાશદીપ)

 11. sukipatel said:

  સરસ કલ્પેશભાઈ તમે ……..જે લખ્યુ છે તે અવર્ણનીય છે.
  આભાર.

 12. very fine articles but why are you stop write articles. it is a very needful our society

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: