વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

1  ભગત

એક માણસ ગણપતિદાદા પાસે માંગણી કરતો હતો, “દાદા, મને ફોર વ્હીલર અપાવો.” દાદાએ પૂછયું, “અત્યારે તારી પાસે શું છે?” તો કહે, “ફોરવ્હીલર છે, પણ ધક્કા મારીને ચલાવવી પડે છે, એટલે કે હાથલારી છે. હવે સીએનજીથી ચાલતી ફોરવ્હીલર અપાવો.”

કેટલાક ભગત તો હદ કરે છે, હોં! ભગવાનને પણ સોપારી આપી દે! “હે ભગવાન, મારા સગા છે પણ વહાલા નથી એવા ફલાણાની કારનો અકસ્માત કરાવી દો. અને બેમાંથી એકેયનો વીમો પાસ ના થાય એ જો જો પાછા.” તો કોઈ વળી કહે, “ભગવાન મારા ભાગીદારને ઉપર બોલાવી લો.” અરે, ભલા માણસ ભગવાન કાંઈ મુંબઈના ભાઈલોગ છે, શું?

2  છોકરો-છોકરી

છોકરો ને છોકરી એકબીજાને મળે એટલે છોકરાને એક જ કામ કરવા જેવું લાગે- છોકરીને વાતે-વાતે ઈમ્પ્રેસ કરવાનું! અને છોકરી પણ છોકરાની ન’ઈ જેવી વાતમાં વારેવારે ઈમ્પ્રેસ થયા કરે અને ‘વાઉ’, ‘વન્ડરફુલ’, ‘ઓમ્માય ગોડ’, ‘આઈ કાન્ટ બિલીવ ઈટ’, ‘યુ આર ગ્રેટ’, ‘જીનિયસ’, ‘ઓન્નો’, ‘રિયલી?’, ‘યુ આર નોટી’ એવું એવું બોલ્યા કરે.

જો કે છોકરી હોંશિયાર હોય છે, છોકરાની એકેય વાત એને ઈમ્પ્રેસ થવા જેવી લાગતી જ નથી. છોકરાની જો કોઈ વાત છોકરીને ઈમ્પ્રેસ કરતી હોય તો એ છે એનું ગરમ ખીસ્સું, પૈસા ભરેલું પાકીટ. છોકરીને ખબર કેમ પડે કે છોકરાનું ખીસ્સું ગરમ છે? સિમ્પલ. છોકરો ફુલ ફોર્મમાં વાત કરતો હોય તો સમજી જવાનું કે ખીસ્સું ગરમ છે ને છોકરો જો ઢીલું-ઢીલું બોલતો હોય તો ખીસ્સું પણ નરમ જ હોવાનું! અને જો છોકરો પોતાના મા-બાપ કે શિક્ષક વિરુદ્ધ બખાળા કાઢવાનું શરુ કરે તો છોકરી સમજી જાય કે ભ’ઈના ખીસ્સામાં આજે એકેય પૈસો નથી. એટલે ધીરે રહીને છોકરી કહે, “સોરી જીગ્નેશ, મને એક અરજન્ટ કામ યાદ આવ્યું છે એટલે હું જાઉં છું, બાઆઆઆય.”

3  દ્વિ-અર્થ

એક વડીલ ગુજરી ગયા. આ ‘ગુજરી ગયા’ શબ્દ પરથી એક વાત યાદ આવી. એક પ્રોફેસરે ચિઠ્ઠીમાં લખ્યું, “હું ગુજરી જાઉ છું.” અને ચિઠ્ઠી ટેબલ પર મૂકીને ઘરની બહાર નીકળી ગયા. બાથરુમમાંથી નાહીને નીકળીને પ્રોફેસરના પત્નીએ ચિઠ્ઠી વાંચી ને એમણે તો રડારોળ શરુ કરી દીધી. આખી સોસાયટી ભેગી થઈ ગઈ. ‘પ્રોફેસરની ડેડ બોડી શોધવી ક્યાં?’ એવી ચર્ચા ચાલતી હતી ત્યાં તો બે કલાક પછી પ્રોફેસર ઘરે આવ્યાં. પત્નીએ એમને કહ્યું, “તમે મારી સાથે આવી મજાક ના કરતા હો તો! પ્રોફેસરે પૂછ્યું, “કેવી મજાક?” પત્નીએ ચિઠ્ઠીની વાત કરી એટલે પ્રોફેસર કહે, “અરે ગાંડી, ‘ગુજરી જાઉ છું’ એટલે હાટબજાર-ગુજરીબજાર જાઉ છું. ખરી છે તું તો!

4  ક્યાં શું બોલાય?

એક વડીલ તો ખરેખર ગુજરી ગયા. તેઓના બેસણામાં બીજા એક વડીલ શરુ થઈ ગયા, “એકલ આવ્યા ને એકલ જવાનું.
શું લઈને આવ્યા ને શું લઈ જવાનું?”
ત્રીજા વડીલ આ વાત સાંભળીને એક લગ્નસમારંભમાં ગયા ને ત્યાં વર-કન્યા આગળ શરુ થઈ ગયા,
“દીકરા, એકલ આવ્યા ને એકલ જવાનું.
શું લઈને આવ્યા ને શું લઈ જવાનું?”
એટલે પેલા વરે કહ્યું, “ઓ કાકા, હું આવ્યો છું એકલો, જાન લઈને, પણ પાછો એકલો જવાનો નથી. ને શું લઈ જવાનું એટલે ? આ મારી ઘરવાળીને સાથે લઈને જવાનો છું.”

5  કહ્યું કાંઈ ને સાંભળ્યુ કશું

શહેરમાં બે જણા એક અંધ માણસને રસ્તો પાર કરાવી રહ્યા હતા અને અંધ માણસ રડી રહ્યો હતો. મેં એને પૂછ્યું, કે “ભાઈ તું રડે છે શા માટે?” તો એ કહે, “બે દિવસથી શહેરમાં કથા બેઠી છે ને અહીં મારી દશા બેઠી છે. પરમ દિવસે કથાકારે કહ્યું’ તું’ , “આપણી અંદર સેવાભાવના હોવી જોઈએ.” ત્યારથી જે મળે છે એ મને, હું ઊભો હોઉં ત્યાંથી આગળ જવા દેતા જ નથી. પકડી-પકડીને રસ્તો ક્રોસ કરાવી દે છે.”

6  બળદ વકીલ નથી

એક વકીલસાહેબ નવરા હતા એટલે ગામડે ફરવા નીકળી ગયા. ઘણાં બ્રીફ વગરનાં વકીલો હોય છે, જેમ પોર્ટફોલીયો વગરનાં પ્રધાન હોય છે એમ! ગામમાં એમણે જોયું તો પાદરમાં ઘાંચીનું ઘર હતું. બાજુમાં જ એની ઘાણી હતી. ગામના લોકો મગફળી, કપાસીયા, તલ, એરંડાના દીવેલા વગેરે તેલીબિયા (જેમાંથી તેલ નીકળે એવા બીજ) આપી જાય અને ઘાંચીની ઘાણીએ ગોળ-ગોળ ફરતા બળદની મદદથી તેલીબિયા પીલાતા જાય અને એમાંથી તેલ નીકળતું જાય. બપોરના સમયે ગામમાં નિરવ શાંતિ હોય ને બળદના ગળે બાંધેલા ઘુઘરાના રણકારથી ઉત્પન્ન થતો મીઠો અવાજ વાતાવરણમાં ગુંજતો હોય. એ માણવાને બદલે માણસને ત્યાં પણ બુદ્ધિ ચલાવવાની કમત સુઝે. વકીલસાહેબે ઘાંચીને પૂછ્યું, “છગન, આ બળદને ગળે ઘુઘરા કેમ બાંધ્યા છે?” તો છગને કહ્યું, “સાહેબ ઘંટ બાંધવો પોસાય તેમ નથી ને એટલે.” “અરે ભાઈ, પણ ઘુઘરા બાંધવાની જરુર શી?” તો છગને વિચાર્યું, માણસ વકીલ છે અને પાછું ભણેલાંને તો લુચ્ચાઈ ભરેલું કારણ આપવું પડશે તો જ સંતોષ થશે. એટલે એ કહે, “સાહેબ, હું આજુ-બાજુમાં કોઈ કામે ગયો હોઉં તો ઘુઘરાના અવાજથી મને ખ્યાલ રહે કે બળદ ફરે છે, ઊભો રહીને કામચોરી કરતો નથી.” વકીલસાહેબે પાછી બુદ્ધિ ચલાવી, કહે, “પણ બળદ ઊભો-ઊભો માથુ ધુણાવીને ઘુઘરા રણકાવતો હોય તો!” “એ તમારી જેમ વકીલ થોડો છે?”છગને રોકડી પરખાવતા કહ્યું.

7  શિક્ષણ : અધોગતિ કે પ્રગતિ?

એક શિક્ષણશાસ્ત્રીને કોઈએ પૂછ્યું, “સાહેબ, શિક્ષણક્ષેત્રે અધોગતિ થઈ છે કે પ્રગતિ?” એટલે એમણે લાંબુ ભાષણ ના કરતા માત્ર એટલું જ કહ્યું, “પહેલા આપણે બાળકોને ગણપતિનો ‘ગ’ ભણાવતા હતા. આજે આપણે ગધેડાનો ‘ગ’ ભણાવીએ છીએ. એના પરથી તમે નક્કી કરી લો, આને અધોગતિ કહેવાય કે પ્રગતિ?

8  આજે શિક્ષણના ઘણા ગેરઉપયોગો થાય છે. એમાં એક છે : લગ્નનું બજાર.

એક કુંભાર ચાર ગધેડા લઈને વેચવા માટે બજારમાં આવ્યો. એક ગધેડાના 100 રુપિયા, બીજાના 100 રુપિયા, ત્રીજાનાય 100 રુપિયા અને ચોથા ગધેડાના 200 રુપિયા.” ખરીદનારે પૂછ્યું, “ચોથાના સો રુપિયા વધારે કેમ? એમાં કંઈ ખાસ છે?” “ગધેડામાં ખાસ તો શું હોય? પણ એ ગધેડો મારી 100 રુપિયાની નોટ ચાવી ગયો છે.” -કુંભારે કહ્યું. મેરેજ મારકેટમાંય અહીંના અભણ મુરતીયા છે એ બધા સો વાળા ને ભણેલાં તેમજ એનઆરઆઈ છે એ બધા બસોવાળા. કારણ કે એની પાછળ એના પિતાશ્રીએ ઘણું મુડીરોકાણ કર્યું હોય છે. ઘણાં વેપારીઓ ખુલ્લેઆમ એકબીજાને પૂછતા હોય છે: “કેમ, છોકરાને ક્યારે વટાવવો છે, કેટલામા વટાવવો છે?”

9  બીજાનું કામ કરવાનો આગ્રહ ભારે પડે

કુંભારના ઘરે રાત્રે ચોર પેઠાં. ગધેડાએ કૂતરાને કહ્યું, “અલ્યા ભસ ને!” કૂતરાએ કહ્યું, “નહિ ભસું. આજે મને માલિકે વગર વાંકે માર્યું છે.” “લે, વગર વાંકે મારે એને જ માલિક કહેવાય ને!”-ગધેડો બોલ્યો. પછી કહ્યું, “જો કૂતરા, તને તો માલિક રોજ ખાવાનું આપે. બદલામાં તારે શું કરવાનું? ખાલી ભસવાનું. જ્યારે હું તો ગધેડો. રોજ સવારે ઓફિસટાઈમ 9 થી 5, બોસ કામ કરાવીને તોડી નાંખે. અને તે કોઈ દિવસ સાંભળ્યું, કે કુંભારે ગધેડાને ખાવાનું આપ્યું હોય? અમે તો ગામમાં જઈને ચરી આવીએ અને માલિકનું કામ કરીએ.” અને વફાદારીના નશામાં ગધેડાએ ભોંકવાનું શરુ કર્યું. માલિક જાગી ગયો. ખૂણામાં પડેલું ડફણું લીધું ને ડફણે ને ડફણે ગધેડાને ટીપી નાંખ્યો. પછી જઈને સૂઈ ગયો. કૂતરાએ કટાક્ષમાં કહ્યું, “કેમ, કેવું રહ્યું? અલ્યા ગધેડા, હું ભસું તો જ માલિકને એમ લાગે કે ચોર આવ્યા છે, તું ભોંકે તો માલિક એમ જ વિચારે કે, ‘આણે મારી ઊંઘ બગાડી.’

Advertisements

Comments on: "માણીએ હાસ્યાનંદ : 1" (4)

  1. એક શિક્ષણશાસ્ત્રીને કોઈએ પૂછ્યું, “સાહેબ, શિક્ષણક્ષેત્રે અધોગતિ થઈ છે કે પ્રગતિ?” એટલે એમણે લાંબુ ભાષણ ના કરતા માત્ર એટલું જ કહ્યું, “પહેલા આપણે બાળકોને ગણપતિનો ‘ગ’ ભણાવતા હતા. આજે આપણે ગધેડાનો ‘ગ’ ભણાવીએ છીએ. એના પરથી તમે નક્કી કરી લો, આને અધોગતિ કહેવાય કે પ્રગતિ?

    સાહેબ આ રીતે બસ બધાને ખૂશ કરતા રહેજો

  2. વાહ!!ખુબ જ સરસ,વાંચી ને એકદમ ફ્રેશ થઈ જવાયુ. ૪,૭ અને ૯ ખુબ સરસ.

  3. વાઉ’, ‘વન્ડરફુલ’, ‘ઓમ્માય ગોડ’, ‘આઈ કાન્ટ બિલીવ ઈટ’, ‘યુ આર ગ્રેટ’, ‘જીનિયસ’, ‘ઓન્નો’, ‘રિયલી?’, ‘યુ આર નોટી’

    The order of sequence of these words are really getting hilarious as you keep reading 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: