વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આ લેખને હાસ્યલેખ ગણવાની છુટ છે.

મારા ભૂતપૂર્વ સસરાને સંતાનમાં ત્રણ દીકરીઓ જ હતી. દીકરો એક પણ નહિ. જે પિતાને સંતાનમાં દીકરો ન હોય એમાંના કેટલાકને એમની દીકરીઓ જુવાન થતાં જુવાન છોકરાઓ ગુંડા-મવાલી લાગવા માંડે. એટલે જ તો મારા ભૂતપૂર્વ સસરાએ પોતાની દીકરી એટલે કે મારી ભાવિ પત્નીને, તે ટી.વાય.બી.કોમ.માં આવી હોવા છતાં પ્રથમથી જ એક પણ દિવસ યુનિવર્સિટીની કૉમર્સ ફેકલ્ટીએ ભણવા મોકલી ન હતી. એ મને કહેતી, “સારું થયું કે મારી સગાઈ મારા જ શહેર-વડોદરામાં થઈ. બહારનો મુરતિયો પસંદ કર્યો હોત અને એ વડોદરા જોવાની માંગણી કરતે તો મારું શું થાત?”

માણસ જેમ દરરોજ સવારે મંદિરે દેવદર્શને જાય તેમ મારા સસરાને દાક્તરના દવાખાને જવાની ટેવ. તેઓ પોતાની તબિયતની વધુ પડતી કાળજી લે. બારેમાસ તેઓને શરદી રહે. એક દિવસ દાક્તરે કહી દીધુ, કે નાકમાં મસો છે, માટે ઑપરેશન કરીને એને કાઢી નાંખ્યા સિવાય શરદી જશે નહિ. પહેલા તો એ તૈયાર થઈ ગયા. પણ પછી ઑપરેશનના ટેબલ પરથી ઊભા થઈને આવતા રહ્યા. તેઓ વિચારતા હશે, ‘ગમે તેટલું મેડીકલ ખર્ચ આવે, તે મારી કંપની ભરપાઈ કરી આપે છે, પણ જો હું જ આ દુનિયામાંથી વિદાય થઈ જઈશ તો મારા જીવનનાં વર્ષો મને કોણ ભરપાઈ કરી આપશે?’

અમારો સંબંધ થયો ત્યારે શરુઆતમાં મારા સસરાએ મને તેઓની વધારાની દવાઓ રીટર્ન કરવાનું કામ સોંપ્યું હતુ. પણ પછી દવાની પરત આવેલી રકમ મારી પાસેથી ન લેતા મને પોકેટમની તરીકે વાપરવા આપી હતી. લાગ મળતા મેં તેઓના સ્કૂટરની ટાંકી પેટ્રોલથી ફુલ ભરી દઈને રુપિયા પરત કર્યાનો સંતોષ લીધો હતો. તેઓને આ વાતની ખબર પડી એટલે બળજબરી કરીને મને રુપિયા પાછા આપ્યા. એક વાર એમને ભ્રમ થયો કે કોઈ કામ માટે હું તેઓનું સ્કૂટર માંગીશ. એટલે તેઓ અગાઉથી એનું કાર્બ્યુરેટર કાઢીને બેસી ગયા. જો કે મેં અગાઉ તેઓ પાસે કંઈ પણ ઉછીનું કે ઉધાર માંગ્યું ન હતું. હું તેઓને મળવા ગયો એટલે મને કહે, “સ્કૂટર ખરાબ થઈ ગયું છે. રિપેરિંગમાં સમય લાગે એમ છે. હમણાં એ ચલાવી શકાય એમ નથી.” હવે જો હું તેઓ પ્રત્યે દયાભાવ લાવીને તેઓનું સ્કૂટર રિપેર કરાવી આપવાની વાત કરું તો તેઓનો શક પાકો થઈ જાય. તેઓ ક્યારે કેવું વર્તન કરશે એ તમે નક્કી કરી શકો નહિ.

મારા ભૂતપૂર્વ સસરા પોતાની પ્રત્યેક ચીજ-વસ્તુની એટલી બધી કાળજી લે કે કોઈનું દિલ તુટી જાય તો ચાલે પણ વસ્તુને નુક્શાન ન થવું જોઈએ. હું ખુરશીમાં બેઠો હોઉં ત્યારે એ વારે-વારે જોઈ લે, ‘ખુરશી દિવાલને અડતી તો નથીને!’ પછી મને જરુરી સૂચનાઓ આપ્યા કરે. મારું તેલ નાંખેલું માથુ દિવાલને અડતું જોઈને એમનું માથું ફરી જાય. અન્ય સગાં દ્વારા મને ખબર પડી કે તેઓને દીકરો નથી માટે મારે દીકરા તરીકે તેઓની સાથે બેસીને વાતો કરવી જોઈએ એવું તેઓ માને છે. હકીકતમાં તેઓ નહોતા ઈચ્છતા કે હું અને તેઓની મોટી દીકરી(મારી વાગ્દત્તા) ફરવા જવાનો આનંદ લઈએ. એટલે હું ફરવા જવાને બદલે તેઓની સાથે વાતો કરવા બેસું તો તેઓ છાપું વાંચવા બેસી જાય. હું ટી.વી. જોવા લાગું તો એ ખુરશી એવી રીતે ગોઠવે અને છાપું ઉંચું કરીને વાંચે જેથી મને ટી.વી. ન દેખાય.

ત્યાં સુધીમાં રસોડામાંથી સરસ મજાની ડીશ આવી જાય. એટલે બદલો લેવાની ભાવનાથી સસરાને એકલા પાડી દેવા હું ડીશ લઈને બેઠકરુમમાંથી રસોડામાં જઈ જમીન પર જમવા બેસી જાઉં. પત્ની, બે સાળી અને સાસુ એમ કુલ ચાર સ્ત્રી સાથે જમવાનો આનંદ જુદો જ છે. પછી સસરા બેઠકરુમમાં એકલા જમતાં-જમતાં કોઈ નવો દાવ વિચારતા હોય. ક્યારેક વળી મને એવી ઉડતી વાત સાંભળવા મળે કે હું તેઓના ઘરે પરાયાની જેમ વર્તુ છું. પછી ‘મારું જ ઘર છે એમ હું માનું છું’ એવું બતાવવા રિમોટ કંટ્રોલ લઈને જાતે ટી.વી. ચાલું કરું તો તેઓ એવી વાત ફેલાવે, કે ‘જમાઈમાં વિવેક જેવું કાંઈ નથી.’ મારા સસરાને કોઈ પણ વસ્તુમાં બારગેઈન કરવાની (ભાવતાલ) ટેવ. હજામની દુકાને જાય ત્યાં તો વાળ કાપવાનો ભાવ નક્કી જ હોય તો પણ માથાના વાળ કપાવવાની સાથે-સાથે બગલના વાળ ફ્રીમાં કાઢી આપવાની શરત મૂકે. એક સુથારને ફર્નીચરના કામ માટે ઘરે બેસાડેલો. મજુરી અંગે બારગેઈન કરવામાં ફાવ્યા નહિ તો છેલ્લે સુથારને કહે, “તને બે ટાઈમ ખાવાનું આપ્યું એનો ખર્ચ તો મજરે આપ!

એક વખત તેઓના કોઈ સગાને ત્યાં લગ્નપ્રસંગમાં આણંદ જવાનું થયું. મારા સસરા ને હું, બન્ને જણાંએ સ્કૂટર લઈ લીધા. પાછળ બન્નેની પત્નીઓ બેઠી. સગાઈ પહેલા કોઈને પાછળ બેસાડવાનો અનુભવ તો હતો નહિ. એટલે ના થવાની થઈ. પેટ્રોલ પુરાવ્યા પછી ઢાંકણાની આજુબાજુ પડેલું ઓઈલ-પેટ્રોલ અને જામેલો કચરો લૂછવાની આદત નહિ એટલે આણંદ આવ્યું ત્યારે ખબર પડી કે શ્રીમતીજીએ પહેરેલો ભારેમાંનો સેલુ ભારે ડાઘની રંગોળી રચી બેઠો છે. મારા સસરા મૌન રહીને ઉગ્ર કલ્પાંત કરી રહ્યા હતાં. લગ્નમાં ઈંટરવલ પડ્યો ત્યારે જોવા જેવી થઈ. અમે પાન ખાવા બહાર આવ્યા. મારા કાકા તેમજ મામા-સસરાઓએ મને ઘેરી લીધો અને મારું રેગિંગ શરુ થયું. કાકા કહે, “તમારું સ્કૂટર વેચી દેતા હો તો?” મને એવી ટેવ કે હું બચવાનો કોઈ ઉપાય ન કરું કે હુમલો પણ ન કરું. પરંતુ વધુ સારી રીતે મારું રેગિંગ કરી શકે એવી તકો એમને આપ્યાં કરું. મેં કહ્યું, “સ્કૂટર વેચાય ખરું?” “એટલે?” તેઓને એમ કે કોઈ લાગણીની વાત છે. “એટલે કે કોઈ લેવા તૈયાર થાય ખરું?” મેં ઝનૂનથી ફટકો મારી શકાય એવો બોલ નાંખ્યો. ને સસરા કૂદી પડ્યા, “જમાઈ એમ કહેવા માંગે છે કે આ સ્કૂટર મીઠાનાં ભાવમાં પણ જાય ખરું?” મને હાશ થઈ. સેલુ પર લાગેલો ડાઘ જાય કે ન જાય, સસરાનાં દિલ પર જામેલી કાળાશ જતી રહેવી જોઈએ. ને બધાં હસી પડ્યા. હું વધારે હસ્યો.

હવે આવે છે જન્મદિવસ ઉજવવાની વાત. હું એવું માનું કે અભિનંદન સવારમાં જ આપવા જોઈએ. મેં અગાઉથી કહી રાખ્યું હતું કે ‘હું સવારમાં આવીશ.’ મને એવો સંદેશો મળ્યો કે સસરા પ્રસંગો ઉજવવા સાંજનો સમય પસંદ કરે છે. મેં મારી જીદ પકડી રાખી તો તેઓએ તેમની જીદ ન છોડી. હું સવારમાં ગીફ્ટ લઈને તેઓને અભિનંદન આપવા પહોંચી ગયો. તો હંમેશા જન્મદિવસે રજા રાખનારા તેઓ ઘરેથી ઓફીસે જવા નીકળી ગયા હતા. સાંજે તેઓ મારી રાહ જોતા જ રહ્યા, પણ હું ના જ ગયો. આવી જીદની ઘટનાઓનું પુનરાવર્તન થયાં કર્યું અને એક દિવસ સંબંધ તૂટી ગયો. નવાઈની વાત એ છે કે સસરા-જમાઈને ના બન્યું તેથી સંબંધ ના ટક્યો. નહિ તો મારા ને ‘એ’નાં છત્રીસમાંથી છત્રીસ ગુણાંક મળતા હતા ! મેં એને કહ્યું કે ઉત્તરાયણ મારા ઘરે ઉજવવાની છે અને ‘એ’ એના પપ્પાએ પઢાવેલું બોલી ગઈ કે હું ઉત્તરાયણમાં ‘એ’ના ઘરે નહિ જઉં તો ‘એ’ મારી સાથે નહિ બોલે. પપ્પાની જીદથી એણે બોલેલું પાળી બતાવ્યું. છવ્વીસમી જાન્યુઆરીએ એણે મને ‘આઝાદ’ કર્યાના સમાચાર મોકલાવી દીધા.

આ સંબંધ પૂરો થઈ ગયા પછી એક દિવસ મારા નવા સસરા, જૂના સસરા ને હું એક દવાખાનામાં ભેગા થઈ ગયા. હું મારા નવા સસરાને દવાખાને લઈ ગયો હતો ને જુના સસરા ત્યાં તેઓના નાક-શરદીનો ઈલાજ કરાવવા આવ્યા હતા. મેં બંનેને એકબીજાની ઓળખાણ પણ કરાવી. દિલમાં કેવું-કેવું થાય? મારે એકબીજાને તેઓ વિશે શું એમ કહેવું ? કે “આમની દીકરી સાથે મારુ સગપણ હતું ! અને, હા, આમની દીકરી સાથે મારા લગ્ન થયા છે !”

સંબંધ નિભાવવાની પણ એક કળા છે. ભાવ-પ્રેમ જ્યાં હોય ત્યાં સંબંધ એની મેળે ખીલે છે. ‘ગમ ખાવો’ અને ‘સહન કરવું’ એ સંબંધરુપી નાજુક છોડનાં ખાતર-પાણી છે. આજે તો ઘણાં વટને વશ થઈ નાની-નાની વાતમાં ફટ દઈને સંબંધ તોડી નાંખે છે. પરંતુ ઈશ્વરને આથી ખુબ દુ:ખ થતું હશે એમ મને લાગે છે. કારણ કે આ રીતે સંબંધને તોડનારા જીવનમાં એટલા દુ:ખી થાય છે, કે તેઓ સહી શકતા નથી કે કોઈને કહી શકતા નથી. છુટાછેડાના કારણો કેટલા હાસ્યાસ્પદ હોય છે! મિત્રતા તોડતા પણ વાર નથી લાગતી. છાપામાં લગભગ દરરોજ જાહેરાત આવે છે : ‘અમારે અમારા દીકરા/દીકરી સાથે સંબંધ નથી. કોઈએ અમારા નામથી એની સાથે વ્યવહાર કરવો નહિ. જો કરશો તો અમે જવાબદાર નથી.’ આમ સંબંધ-વિચ્છેદ એ માનવતાને લાગેલું ગ્રહણ છે.

6 Responses to “…ને મારી સગાઈ તુટી.”

1.Shailesh B. Shah says:
July 31, 2010 at 12:15 pm (Edit)
આખો લેખ માણવા જેવો રહ્યો… ખાસ કરીને છેલ્લો ફકરો ખરેખર સચોટ રહ્યો…
excellent work

2.P Shah says:
July 31, 2010 at 3:41 pm (Edit)
સરસ લેખ!
એમાંનું હાસ્ય માણવું ગમ્યું.

3.અશોક મોઢવાડીયા says:
August 2, 2010 at 1:15 am (Edit)
શ્રી કલ્પેશભાઇ,
આપે પણ ચેપ્લિનના ક્લાસિક ફીલ્મો તો જોયા હશે જ. તેમાં હાસ્યના હીલોળા અંતમાં એકાદ કરૂણ વાતમાં બદલાય છે. આપના આ લેખમાં અદ્લ આવું જ અનુભવ્યું ! બહુ જ મજેદાર લેખ અને અંતિમ ફકરામાં આપની વેદના પણ દેખાણી. કાચ સંધાય તો પણ તીરાડ તો રહી જ જાય છે. પણ શું થાય ! આ જ તો જગતની રીત છે.
સુંદર લેખ.

4.Divyesh says:
August 2, 2010 at 10:04 am (Edit)
Hi,
Good try…
keep it….

5.સોહમ રાવલ says:
August 2, 2010 at 5:12 pm (Edit)
વાહ કલ્પેશભાઇ,
વાંચવાની મજા આવી.આપના સસરા સાથે થયેલા વિચ્ચેદને કારણે તમારે ___ સાથે સંબંધ તોડવો પડ્યો…
પણ એક વાત સાચી કે મન,મોતી અને કાચ….એક વાર તુટે પછી ક્યારેય સંધાતા નથી.છેલ્લો ફકરો પણ સમજવા જેવો છે.

6.shirish dave says:
September 13, 2010 at 4:11 pm (Edit)
સોયાબીનમાં થી દુધ બનાવવાની રીત કોઈને આવડે છે?
ઝમકુએ કહ્યું હા મને આવડે છે.
બોલો કેવીરીતે
ગાયને સોયાબીન ખવડાવી દો. પછી સમય થયે દોહી લો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: