વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મને સાંજ બહુ ગમે. સમય મળે ત્યારે હું અચૂક સાંજે મારા મકાનનાં ધાબા પર જતો રહું ને સંધ્યાના રંગો નીરખ્યા કરું. આકાશમાં ક્યારેક કેસરી રંગ, ક્યારેક ગુલાબી રંગ તો ક્યારેક પીળો રંગ છવાયેલો જોવા મળે. પક્ષીઓના ઝૂંડ અંદરોઅંદર વાતો કરતાં-કરતાં ઘર તરફ પાછા ફરી રહ્યા હોય. જેમ શહેરનાં ઉદ્યોગપતિઓ જીલ્લાની હદમાં આવેલી પોતાની ફેક્ટરીએથી કારમાં પાછા ફરી રહ્યા હોય, સબ-અર્બન(ઉપનગરનાં) મુંબઈગરાંઓ ટ્રેનમાં લટકીને ઘરે આવી રહ્યા હોય, સુરત અને અમદાવાદ વચ્ચે ટ્રેનમાં અપ-ડાઉન કરતા ગુજરાતીઓ ઘરે પરત ફરી રહ્યા હોય એમ પક્ષીઓ પોતાનાં માળામાં પરત ફરે છે અને ગાતાં રહે છે:

“માળો છે મારો ખાલી જન્મ લેવા ને ઊડવાને આખું આકાશ,
હળવું-મળવું ને વળી ટહુકા કરીને સંગીતને ભરવું ચોપાસ.

ચણવું-સરજનવું, મસ્ત બની જીવું, નથી જીવનમાં કો’ પાશ.
સરહદ-સીમાડા ભૂલીને ભેટશે, જો માનવ શીખશે કાંઈ ખાસ.”

મનુમહારાજે ભલે કહ્યું હોય, કે ‘ઘર અને ધંધાનાં સ્થળ વચ્ચે માત્ર ત્રણ જ મિનિટનું અંતર હોવું જોઈએ. પરંતુ સામાન્ય રીતે આજે આપણને માણસનાં ઘર અને આવકનાં સ્રોત-સ્થળ વચ્ચે ત્રણ મિનિટથી ત્રણ કલાક સુધીનું અંતર જોવા મળે છે. અને એ અંતર પસાર થાય તે દરમિયાન એક નવી દુનિયામાં વસીને માણસ ઘરે પહોંચે છે. પક્ષીઓ અને માણસો પરત ફરે છે એમાં એક વાતનો ફરક એ હોય છે કે, માણસ પરત ફરે છે ત્યારે તે થાકેલો તેમજ મુંગો થઈ ગયેલો હોય છે જ્યારે પક્ષીઓ આનંદથી પરસ્પર વાત-ચીત કરતાં કરતાં પાછા ફરી રહ્યા હોય છે. એક સાંજે પરત ફરી રહેલા કાગડાએ ‘કા’, ‘કા’ કર્યું ને જે મહાપુરુષ પાસે બેસીને અમે વાતો સાંભળતા હતા એમણે અચાનક કહ્યું, ‘હા, ચાલો.’ કાગડો એમ કહેતો હતો, કે ‘ચાલો, ઘરે જઈને ‘હાશ’ અનુભવીએ.’ પક્ષીની વાણી સમજી શકે એવું એ મહાપુરુષનું કેવું અદ્ભૂત તાદાત્મ્યીકરણ !

તો વળી ગામડામાં આપણને ગાયો-ભેંસો ધૂળની ડમરી ઉડાડતી નાચતી-કૂદતી ઘરે પાછી ફરી રહેલી જોવા મળતી હોય છે. વાછરડાંના ગળે બાંધેલી ઘુઘરીઓ મીઠું રણકતી આવે છે. દેવમંદિરનાં ગર્ભદ્વારમાં ચાલી રહેલી આરતી, પરિસરમાં ગાજી રહેલો ઘંટારવ, બજી રહેલી ઝાલર વાતાવરણમાં દિવ્ય પવિત્ર સ્પંદનો ફેલાવે છે. ધોમધખતા તાપમાં આખો દિવસ કાળી મજૂરી કર્યા છતાં, હસતી-હસતી, એક-બીજીને તાલીઓ દેતી ગીતો ગાતી આદીવાસી કન્યાઓ-સ્ત્રીઓ કાંખમાં બે અને આંગળીએ ત્રણ છોકરાં લઈને પાછી ફરતી જોતાં કીરતારની કરામતને વંદન થઈ જાય છે. આખા દિવસનો રઝળપાટ પગે ચાલીને કર્યા પછી જુદી-જુદી ચીજ-વસ્તુ ભરીને વેચવા નીકળેલાં હાથલારીઓવાળા નાણાંથી ભરપૂર ખિસ્સા સાથે ખુશખુશાલ થઈને પરત ફરે છે. ભલે એમાં રુપિયા થોડાં જ હોય પરંતુ નાની-નાની નોટ્સથી ખિસ્સું ભર્યું-ભર્યું હોવાથી એ બિચારાઓને આનંદ બહુ આપે છે.

ઘરે પહોંચ્યા પછી આખાય વૃક્ષને ઢાંકીને બેઠેલાં પક્ષીઓ શોરબકોર કરતા-કરતા શાંત થઈ નિદ્રાધીન થાય છે. મહિને બે મહિને ઘરે પાછા ફરતા ટ્રક ડ્રાયવરોના ટ્રક પાછળ લખાયેલું ‘પાપા જલ્દી આ જાના’ યાદ આવ્યા વિના કેમ રહે? સૂર્યોદય જેટલો આહ્લાદદાયક છે એટલો જ સૂર્યાસ્ત પ્રસન્નતાપૂરક છે. બન્ને તેજસ્વી છે. સૂર્યનાં અસ્ત થયા બાદ પણ તેની આભા આકાશમાં છવાયેલી રહે છે. રાત્રી પણ જાણે કે ડરતાં-ડરતાં આકાશનો કબજો લઈ રહી હોય એવું લાગે છે. આપણાં જીવનનાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એમ ત્રણ પડાવ પસાર કર્યા બાદ આપણે પણ અસ્ત થવાનું (મૃત્યુની નજીક જવાનું) હોય ત્યારે (ભગવાનનાં એટલે કે આપણાં)ઘરે પરત જઈ રહ્યા છીએ એવી સહજતા, એવો આનંદ અનુભવાયા કરે એટલી સજ્જતા આ સંધ્યાના રંગોથી કેળવાય છે.

સૂર્યનો ઉદય કેવો ભવ્ય હોય છે! મધ્યાહ્ને સૂર્ય એવો તપે છે કે કોઈ એની સામું જોઈ શકતું નથી. એવો જ સૂર્યનો અસ્ત પણ મહાન હોય છે. મને એવો વિચાર આવે છે કે સૂર્યનો કોઈ વિકલ્પ(ઑલ્ટરનેટિવ) નથી છતાં સૂર્યને અસ્ત થતાં કોઈ રોકે છે? કોઈ એને રોકવાનું વિચારે છે? સૌ જાણે છે કે સૂર્યની વિદાય થતાં જ અંધકારનું સામ્રાજ્ય સ્થપાવાનું છે. અને અંધકારમાં થઈ શકે તેટલું ખોટું-ખરાબ બધું જ થવાનું છે. અને આપણે એ બધું સહન પણ કરવાનું છે. છતાં સૂર્ય નિર્લેપ રહીને મસ્તીથી વિદાય થઈ શકે છે. માણસ માટે એવું નથી. કોઈ વિશિષ્ટ માનવી ખુબ સુંદર કાર્ય શરુ કરે, નિ:સ્વાર્થ ભાવ તેમજ પવિત્ર વૃત્તિથી કાર્ય કરીને સમાજને ઉપયોગી બનતાં, કાર્ય ખુબ ફુલે-ફાલે, વિશ્વભરમાં એ કાર્યની સુવાસ ફેલાય અને એને યશ-પ્રતિષ્ઠા પણ મળે. પછી કાળક્રમે એ મહાન વ્યક્તિએ એ કાર્યમાંથી સમયોચિત નિવૃત્તિ લેવાની આવે ત્યારે એ એમ કરી શકતો નથી.

આપણાં શાસ્ત્રકારો એના કારણ તરીકે જવાબદાર મનની વૃત્તિને ‘મોહ’ તરીકે ઓળખાવે છે. પરંતુ જે-તે મહાન માણસ જુદાં જ કારણો બતાવીને પોતે શરુ કરેલા અને ઉચ્ચ શિખરે પહોંચાડેલા કાર્ય સાથે ચીટકી રહેવાનું પસંદ કરે છે. એ વ્યક્તિના અનુગામીઓ એ મહાન માણસને ધિક્કારવાનું, એનું અપમાન કરવાનું, કાવાદાવા કરીને એને ખરાબ ચીતરવાનું, ધક્કા મારીને બહાર કાઢવાનું કામ કરે અને વર્ષો સુધી આવું ચાલે પછી કંટાળીને, ના છુટકે, નિરાશ-હતાશ થઈને એ મહાન વ્યક્તિ કાર્યમાંથી નીકળી જાય અથવા એને કાઢી મૂકવામાં આવે. વડીલો નોકરિયાત હોય તો નિવૃત્તિ ફરજિયાત હોવાથી તેઓ આસાનીથી ફરજ પરથી નીકળી જાય છે. પરંતુ ધંધાદારી પરિવારોના વડીલો, નવી પેઢીએ કામકાજ સંભાળી લીધું હોવા છતાં દુકાને જવાનું છોડતા નથી. ઘરમાં પણ વહુ આવી ગઈ હોય તોય ‘બા’, ‘દાદી’, ‘સાસુમા’ની પદવીએ પહોંચેલી બહેનો સરળતાથી નિવૃત્ત થઈ શકતી નથી. ‘તીજોરીની ચાવીનો ઝુડો તો મારી કમરે જ લટકતો હોવો જોઈએ’ એમ તેઓ માને છે. ‘હું નહિ હોઉં ને, તો આ ઘરની શું હાલત થશે એ ખબર પડી જશે!’ એવા ભ્રમમાં રાચતા વડીલોને ડૂબતો સૂર્ય, મોહ છોડી નિર્લેપ રહી નિવૃત્તિ લેવાનું શીખવે છે. પોતાનો કોઈ વિકલ્પ ન હોવા છતાં સૂર્ય નિવૃત્ત થઈ શકે છે ત્યારે અનેક વિકલ્પોથી ઊભરાતા ઘર-સંસારમાં, સમાજમાં વડીલોએ સમયોચિત નિવૃત્તિ લઈને આન-બાન-શાનથી વિદાય થવું જોઈએ. બાળકનો જન્મ સંસારમાં આનંદદાયી હોય છે એમ વડીલની નિવૃત્તિ પણ (કાર્યથી તેમજ જીવનથી) એ વડીલ માટે આનંદદાયી બને એ જરુરી છે.

મહાપુરુષોની આપણે પુણ્યતિથિ ઉજવીએ છીએ. કારણ કે તેઓ શ્રેષ્ઠ જીવન જીવીને મહાન બન્યા હોય છે. અર્થાત તેઓનો અસ્ત પૂજવા યોગ્ય હોય છે. જ્યારે અવતારોની આપણે જન્મજયંતિ ઉજવીએ છીએ. કારણ કે તેઓનો જન્મ આપણાં જેવા સામાન્ય માણસોનાં કલ્યાણ માટે હોય છે. અર્થાત તેઓનો ઉદય થાય ત્યારથી જ તેઓ મહાન હોય છે. રામ અને કૃષ્ણનાં દેહવિલયની તિથિ આપણને યાદ નથી, બરાબર ને ! ખરેખર સંધ્યાનાં રંગો આપણને અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે.

Advertisements

Comments on: "સંધ્યાના રંગો" (3)

 1. સંધ્યા ના રંગો સાથે જીવન સંધ્યા ના રંગોનું/ હકીકત નું ખુબજ સુંદર વર્ણન કરવા કોશિશ કરેલ છે …
  મારા બ્લોગની જરૂર મુલાકાત લેશો.
  ‘દાદીમાની પોટલી’

 2. ખરેખર સંધ્યાનાં રંગો આપણને અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે.

  સુંદર લેખ બદલ અભિનંદન !

 3. pragnaju said:

  ચણવું-સરજનવું, મસ્ત બની જીવું, નથી જીવનમાં કો’ પાશ.
  સરહદ-સીમાડા ભૂલીને ભેટશે, જો માનવ શીખશે કાંઈ ખાસ.”
  સુંદર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: